ગાંધીસ્મૃતિની પત્રિકામાં સાવરકરનાં વખાણથી વિવાદ, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

મહાત્મા ગાંધીના જીવન અને વિચારોના પ્રચાર-પ્રસાર માટે બનેલી સંસ્થા ગાંધીસ્મૃતિ અને દર્શન સમિતિની પત્રિકા 'અંતિમ જન'નો તાજો અંક વિનાયક દામોદર સાવરકર પર કેંદ્રિત છે જેમાં સાવરકરનું યોગદાન ગાંધીની બરોબર બતાવવામાં આવ્યું છે.

અનેક બુદ્ધિજીવીઓ અને ગાંધીવાદીઓ આની ટીકા કરી રહ્યા છે. વિનાયક દામોદર સાવરકરનું નામ કાયમ વિવાદિત રહ્યું છે. દેશનો એક સમૂહ એમનો સ્વાતંત્ર્યવીર કહીને ઓળખાવે છે તો અમુક લોકો એમને ઉગ્ર, કટ્ટર હિંદુત્વના જનક માને છે.

ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ સામે નારાજગી વ્યક્ત કરતાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે, "આ અફસોસની વાત છે કે જેમનું નામ ગાંધીજીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું એમનું જ મહિમામંડન કરવામાં આવી રહ્યું છે."

વર્ષ 1948માં મહાત્મા ગાંધીની હત્યાના છ દિવસ પછી વિનાયક દામોદરની સાવરકરની ગાંધી હત્યા કેસના ષડ્યંત્રમાં સામેલ થવાના આરોપમાં મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. એ કેસમાં એમને પુરાવાને અભાવે ફેબ્રુઆરી 1949માં છોડી મૂકવામાં આવ્યા હતા.

'અંતિમ જન' પત્રિકામાં સમિતિના ઉપાધ્યક્ષે સંદેશ લખ્યો છે કે, "સાવરકરનું ઇતિહાસમાં સ્થાન અને સ્વતંત્રતા આંદોલનમાં એમનું સન્માન મહાત્મા ગાંધીથી ઓછું નથી."

ગાંધીસ્મૃતિ દર્શન સમિતિના ઉપાધ્યક્ષ વિજય ગોયલ છે, જેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના અધ્યક્ષપદે પણ રહી ચૂકયા છે. વડા પ્રધાન ગાંધીસ્મૃતિ દર્શન સમિતિના અધ્યક્ષ હોય છે અને તેઓ જ ઉપાધ્યક્ષની નિમણૂક કરે છે.

ગાંધીસ્મૃતિની પત્રિકામાં સાવરકર પર વિશેષ અંક, જાણો સંક્ષિપ્તમાં

  • ગાંધીસ્મૃતિની પત્રિકા અંતિમ જનમાં સાવરકર વિશેના અંકને લઈને વિવાદ સર્જાયો
  • ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી અને અન્ય નેતાઓએ આ પગલાને વખોડ્યો
  • ગાંધીસ્મૃતિ સમિતિના ઉપાધ્યક્ષપદે બિરાજમાન વિજય ગોયલ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે
  • ટીકાકારો આ પગલાને સંસ્થાઓ પર કબજો કરી પોતાની વિચારધારા આગળ વધારવાનો ભાજપ પર આરોપ મૂક્યો છે
  • વિનાયક દામોદર સાવરકર પર ગાંધીજીની હત્યાનો આરોપ મુકાયો હતો, જેમાં બાદમાં તેઓ પુરાવાના અભાવે છૂટી ગયા હતા

ગાંધીસ્મૃતિ દર્શન સમિતિના ઉપાધ્યક્ષ વિજય ગોયલનો લેખ

ઉપાધ્યક્ષ વિજય ગોયલે સંદેશના અંતમાં લખ્યું છે કે ,"એ જોઈને દુ:ખ થાય છે કે જે લોકોએ એક દિવસ જેલ નથી વેઠી, યાતનાઓ નથી સહન કરી, દેશ-સમાજ માટે કંઈ કામ નથી કર્યું, તેઓ સાવરકર જેવા બલિદાનીની ટીકા કરે છે."

"ભારતની સ્વતંત્રતામાં વીર સાવરકરનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. એમણે દેશની અંદર અને બહાર રહીને આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી."

"એમણે અંગ્રેજો વિરુદ્ધ અભિયાન છેડીને બ્રિટિશ સરકારના નાકમાં દમ લાવી દીધો હતો. અનેકવાર એમને પકડવાની કોશિશ થઈ પણ તેઓ દરેક વખતે સરકારને થાપ આપી દેતા હતા."

"સાવરકરથી ડરીને અંગ્રેજ સરકારે એમને 1910માં આજીવન કારાવાસની સજા આપી અને ફરીથી 1911માં એમને આજીવન કારાવાસની સજા આપવામાં આવી."

"કોઈને બે-બે વાર આજીવન કારાવાસની સજા આપવામાં આવી હોય એવી આ વિશ્વના ઇતિહાસમાં એ પહેલી ઘટના છે."

ઉપાધ્યક્ષ વિજય ગોયલે સંદેશના અંતમાં લખ્યું છે કે, "દેશ અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે અને આ અવસરે સાવરકર જેવા મહાન સેનાનીઓની સ્મૃતિઓને પણ યાદ કરવી જોઈએ. સંદેશમાં ગોયલે નાસિકના તત્કાલીન કલેકટરની હત્યાના કેસમાં સાવરકરને થયેલી કાલાપાનીની સજાનો પણ ઉલ્લેખ કર્યો છે."

આ હિન્દી પત્રિકામાં "એક ચિંગારી થે સાવરકર", "ગાંધી ઔર સાવરકર કા સંબંધ", "વીર સાવરકર ઔર મહાત્મા ગાંધી", "દેશભક્ત સાવરકર" સહિત કુલ 12 લેખ પ્રકાશિત કરવામાં આવ્યા છે જેમાં વિનાયક દામોદર સાવરકરના જીવન વિશે જણાવવામાં આવ્યું છે.

બીબીસીએ આં અંક મામલે વિજય ગોયલનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ આ અહેવાલ લખાય છે ત્યાં સુધી એમની સાથે વાત થઈ શકી નથી.

પત્રિકામાં સાવરકર વિશે લેખ લખનાર ડૉક્ટર કન્હૈયા ત્રિપાઠીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "ટીકા અનેક બાબતોની થઈ રહી છે આ દેશમાં એટલે મારું માનવું છે કે સાવરકર કે અન્ય કોઈ મહાપુરુષને આપણે તટસ્થભાવે જોવા જોઈએ. ટીકા કરવાવાળાનું પણ સ્વાગત થવું જોઈએ."

સાવરકર પર વિશેષાંક કાઢવા માટે ગાંધીના વિચારોના પ્રચાર-પ્રસાર માટે બનેલો મંચ કેમ પસંદ કરવામાં આવ્યો એ સવાલ પર ડૉક્ટર ત્રિપાઠી કહે છે કે "અંતિમ જન એક એવી પત્રિકા છે જે ગાંધીજી વિશે બહુ બધી સામગ્રી પ્રકાશિત કરે છે. કેમ કે ચર્ચામાં સાવરકર પણ છે એટલે આ જે નવો અંક આવ્યો છે એ ચોક્કસપણે ગાંધીવાદી સમૂહ માટે પણ સાવરકરને જાણવા હેતુ જરૂરી છે."

"ગાંધી અને સાવરકર બે ધ્રુવ નથી. બેઉનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રવાદ હતો અને બેઉએ રાષ્ટ્રની લડાઈ લડી હતી."

મહાત્મા ગાંધીની હત્યાના આરોપીઓમાં સાવરકરના નામ અંગેના સવાલ પર ડૉક્ટર ત્રિપાઠી કહે છે "જો એવું હોત તો એમને ફાંસી પર લટકાવવામાં આવ્યા હોત. નાથુરામ ગોડસેને તો આખરે ફાંસી થઈ ગઈ ને."

"સાવરકરજીએ કદી નથી સ્વીકાર્યું કે તેઓ ગાંધીની હત્યામાં સામેલ હતા અને ન તો તે કોઈએ સાબિત કર્યું છે."

"આઝાદીના પરિપ્રેક્ષ્યમાં ગાંધી અને સાવરકર બેઉનો ઉદ્દેશ એક જ રહ્યો છે. અમે એમને ધર્મના ખાંચામાં નથી મૂકી રહ્યા."

ગાંધી સ્મૃતિ દર્શન સમિતિની પત્રિકાના સાવરકર વિશેષાંકને લઈને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે, "કોઈ આશ્ચર્ય નથી."

તુષાર ગાંધીની પ્રતિક્રિયા

તુષાર ગાંધી કહે છે કે, "જે સરકાર સત્તામાં છે તેનું જ નિયંત્રણ ગાંધી સંસ્થાનો પર પણ આવી ગયું છે. આ તો થવાનું જ હતું. સરકારના વિચારો હવે સંસ્થાઓ પર દેખાય છે."

"હવે સરકારનો પૂર્ણ અંકુશ થઈ ગયો છે કારણ કે સંસ્થાનોમાં મોટા ભાગના લોકો એમની વિચારધારાથી ભરેલા છે એટલે મને કોઈ આશ્ચર્ય નથી થયું."

"એમની વિટંબણા એ છે બાપુની હત્યા સાથે જે સ્મારક જોડાયેલું છે, એ સ્મારકને ચલાવનાર સંસ્થાની પત્રિકામાં એમને બાપુની હત્યામાં જે એક આરોપી હતો...એનું મહિમામંડન કરવું પડે છે."

"મતલબ બાપુ સિવાય એમની પાસે કોઈ પર્યાય નથી. સાવરકરનું મહિમામંડન કરવું છે તો એના માટે પણ એમને બાપુના પ્રમાણપત્રની જરૂરિયાત છે."

"હું સમજી શકું છું કે આવા પ્રયાસો વધતા જ જશે, જ્યાં સુધી એ લોકો પૂરેપૂરી રીતે એ સંસ્થાને, એ વિચારને પોતાના રંગમાં રંગી ન લે ત્યાં સુધી આ થતું રહેશે અને આ ખૂબ દુ:ખદ છે એટલે બાકી જે સંસ્થાઓ છે એને બચાવી રાખવી હવે ખૂબ જરૂરી થઈ ગયું છે."

તુષાર ગાંધીએ કહ્યું, "આ મામલે પ્રતિક્રિયા તો જરૂર આપીશ અને જે ગાંધીવાદી મંચ છે અને હજી સુધી સરકારથી પ્રભાવિત...એ સ્થળોએ આ વિચારને બુલંદ કરવો પડશે."

"હું માનું છું કે દરેક પાસે વિચાર અને મત રજૂ કરવાનો બંધારણીય અધિકાર છે અને હું તેને રોકવાનો હિમાયતી પણ નથી પણ આનો વિરોધ જરૂર થવો જોઈએ અને એ કરીશું."

"સાવરકરનું સત્ય સામે લાવવું જરૂરી છે. જો એ લોકો એવું સમજે છે કે સાવરકર સ્વતંત્રતા સંગ્રામમાં બાપુ જેટલા મહાન નેતા હતા તો એ લોકો એ પણ સમજાવે કે જેલમાંથી મુક્ત થવા માટે માફીના આટલા પત્રો કેમ લખ્યા અને જેલમાંથી છૂટીને પણ સાવરકરે અંગ્રેજો પાસેથી આજીવન પેન્શન કેમ લીધું."

"કોઈ અન્ય સ્વતંત્રતા સેનાની કે ક્રાંતિકારી, જે શહીદ થયા તેમના પરિવારે કોઈએ પેન્શન નથી લીધું તો પછી આટલા મોટા દેશભક્ત હોવા છતાં સરકાર સામે ઘૂંટણિયે પડી જવાની સાવરકરને કેમ જરૂર પડી?"

ટીકાકારોનું શું કહેવું છે?

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રવક્તા પ્રોફેસર સુબોધકુમાર મહેતા લખે છે કે, "આજે ગાંધીજીનો આત્મા સ્વર્ગમાં તડપી રહ્યો હશે. ગાંધીજીના અંહિસાવાદી વારસાના જતન માટે બનેલી ગાંધી દર્શન અને સ્મૃતિ સમિતિએ પત્રિકા અંતિમ જનમાં સાવરકર પરનો વિશેષાંક પ્રકાશિત કરીને નિશ્ચિત ગાંધીજીના અહિંસા જેવા મૂલ્યની ક્રૂર મજાક બનાવી છે."

શ્રેણીબદ્ધ ટ્વીટમાં કુમાર લખે છે કે, "હવે જો જરા પણ શરમ કે રંજ હોય તો હજી પણ તમામ પદાધિકારીઓ રાજીનામું આપીને સમગ્ર રાષ્ટ્રની ક્ષમાયાચના કરે નહીંતર આશ્ચર્ય નહીં થાય કે આ પત્રિકાનો આગળનો વિશેષાંક ગાંધીજીના હત્યારા ગોડસેનો પણ હશે, અથવા તો હિટલર કે મુસોલિનીનું પણ મહિમામંડન થઈ શકે છે."

વરિષ્ઠ પત્રકાર ઓમ થાનવીએ પત્રિકાના અમુક પાનાં શૅર કરીને ટ્વીટ કર્યું છે કે, "જસ્ટિસ કપૂર પંચે પોતાના અંતિમ તારણમાં સાવરકર અને તેમના ગ્રૂપને ગાંધીજીની હત્યાનું ષડ્યંત્ર રચવામાં ગુનેગાર ઠેરવ્યા હતા."

"તમાશો જુઓ કે ગાંધીસ્મૃતિ અને દર્શન સમિતિ સાવરકરને ગાંધીનું ઓઠું આપીને ઇજ્જત આપવાની કોશિશ કરી રહી છે."

મહાત્મા ગાંધીના વિચારોને આગળ વધારવા બનેલી એક અન્ય સંસ્થા ગાંધી પીસ ફાઉન્ડેશના અધ્યક્ષ કુમાર પ્રશાંતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "દરેક માણસને ખોટું બોલવાનો અને ઇતિહાસનો ખોટી રીતે ઉપયોગ કરવાનો અધિકાર છે."

"ભારતીય જનતા પાર્ટી અને એમની સરકાર આ અધિકારનો પૂરો ઉપયોગ કરે છે અને તેનું એક સારું ઉદાહરણ અંતિમ જનનો આ અંક પણ છે."

સાવરકર પર સમિતિના નવા અંકને લઈને કૉંગ્રેસ નેતા પવન ખેડાએ બીબીસીને કહ્યું, "વિજય ગોયલ સાહેબ પોતાનો રાજકીય વનવાસ સમાપ્ત કરવા ઇચ્છે છે એ સારી વાત છે પણ આવું કરવામાં હકીકતોને શું કામ વનવાસ આપો છો સાવરકરની દૃષ્ટિએ પહેલો અને અંતિમ સંઘર્ષ ધાર્મિક સંઘર્ષ હતો. ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવવી એ એમના માટે સહેજ પણ જરૂરી નહોતું."

સાવરકર પર પુસ્તક લખનાર અશોકકુમાર પાંડેએ બીબીસી ગુજરાતીને કહ્યું, "સાવરકર પર અંક કાઢવા માટે મહાત્મા ગાંધીના નામ પર બનેલી સંસ્થાને પસંદ કરવામાં આવી આ મજેદાર વાત છે."

"એ જાહેર વાત છે કે સાવરકરને માન્યતાપ્રાપ્ત કરવા માટે ગાંધીની જરૂર પડી રહી છે. ક્યારેક ગણેશ સાવરકર પોતાના ભાઈને છોડાવવા માટે ગાંધીજીની પાસે ગયા હતા, ત્યારે પણ બાપુએ ઉપકૃત કર્યા હતા."

એમણે કહ્યું કે, "જે પત્રિકાના પહેલા પાને ઉપાધ્યક્ષ વિજય ગોયલ પાંચસો શબ્દોના લેખમાં એટલી ભૂલો કરે કે 1906માં સાવરકરની મુલાકાત શ્યામાપ્રસાદ મુખરજી સાથે કરાવી દે, જે એ વખતે પાંચ વર્ષના બાળક હતા, એની ગુણવત્તા વિશે વાત કરવી બેકાર છે."

"ગાંધી હત્યાની વાત કરતી વખતે જાણવું જોઈએ કે પુષ્ટિ કરનારા સાક્ષીઓને અભાવે (સાવરકરને) છોડવામાં આવ્યા હતા. પછી કપૂર કમિશનની તપાસમાં સામે આવ્યું હતું કે આ સાક્ષીઓ સાવરકરના સચિવ અને અંગરક્ષકની ગવાહી સ્વરૂપે સદા ઉપલબ્ધ હતી પણ અદાલતમાં રજૂ કરવામાં નહોતી આવી."

આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિનાયક દામોદર સાવરકરની જયંતી પર ટ્વીટ કર્યું હતું અને એમને 'મા ભારતીના કર્મઠ સપૂત' ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, વીર સાવરકર ઓજસ્વી કવિ અને સમાજ-સુધારક હતા.

આ અગાઉ ગત વર્ષે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ દાવો કર્યો કે વિનાયક દામોદર સાવરકરની દયા અરજી દાખલ કરવાની વાતને એક ખાસ વર્ગે ખોટી રીતે ફેલાવી.

એમણે દાવો કર્યો કે સાવરકરે જેલમાં સજા કાપતા અંગ્રેજો સામે દયાની અરજી મહાત્મા ગાંધીના કહેવા પર કરી હતી. રાજનાથસિંહની આ વાતને લઈને એ સમયે વિવાદ થયો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો