અમેરિકા : સ્વાતંત્ર્યદિવસની પરેડમાં ગોળીબાર, છનાં મૃત્યુ, 24 ઘાયલ

અમેરિકાના શિકાગો પાસે હાઇલૅન્ડ પાર્કમાં સોમવારે અમેરિકાના સ્વાતંત્ર્યદિવસ પર આયોજીત એક પરેડ દરમિયાન એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી, જેમાં છ લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

આ હુમલામાં ઓછામાં 24 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. હાઇલૅન્ડ પાર્કના પોલીસવડાએ દાવો કર્યો છે કે આ હુમલામાં 22 વર્ષના એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને રાઇફલ પણ મળી આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને હુમલા પર નિવેદન આપતાં દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે કહ્યું છે કે હુમલા બાદ તેઓ હાઇલૅન્ડ પાર્કમાં લોકોની મદદ માટે સ્થાનિક તંત્રને સહયોગ આપવા તૈયાર છે.

રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે પરેડમાં ગોળીબાર કરાયો એની જાણકારી મળતાં તેઓ 'સ્તબ્ધ' થઈ ગયા. તેમણે અમેરિકામાં બંદૂકોથી થઈ રહેલી હિંસા વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવાની વાત પણ કરી છે.

પોલીસે જણાવ્યું છે કે હુમલાખોરે પરેડ યોજી રહેલા લોકો પર એક ઊંચી ઇમારત પરથી ગોળીઓ વરસાવી, જે બાદ નાનાં બાળકો સાથે આવેલા લોકોએ જીવ બચાવવા નાસભાગ કરી મૂકી હતી.

આ ઘટના બાદ શંકાસ્પદ ફરાર થઈ ગયો હતો.

પરેડ શરૂ થઈ એની માત્ર 10 મિનિટ બાદ જ ગોળીબાર શરૂ થઈ ગયો હતો.

હાઈલૅન્ડ પાર્કના પોલીસ વડા લોઉ જોગમૅને કહ્યું છે કે પકડાયેલા 22 વર્ષના યુવકની ઓળખ રૉબર્ટ ઈ. ક્રાઇમોના રૂપે થઈ છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર હુમલાખોરની ઓળખ કઈ રીતે કરાઈ એ જણાવવાનો પોલીસે ઇન્કાર કરી દીધો છે.

આ દરમિયાન ઈલિનૉય રાજ્યના ગવર્નર જે રૉબર્ટ પ્રિત્ઝકરે ચેતવણી આપી છે કે ગોળીબાર એ અમેરિકામાં સાપ્તાહિક પરંપરા બની ગયો છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ અમેરિકામાં ટૅકસાસ, બફેલો સુપરમાર્કેટ સમેત કેટલીય જગ્યાએ ગોળીબારની ઘટનાઓ ઘટી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો