You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને CM બનાવીને ફડણવીસની પાંખો કાપી લીધી?
- લેેખક, નિલેશ ધોત્રે
- પદ, બીબીસી મરાઠી
- નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધાના માત્ર ત્રણ કલાક પહેલાં જ ફડણવીસે રાજભવનમાંથી જાહેરાત કરી હતી કે તેઓ સરકારમાં નહીં જોડાય.
- એ બાદ તરત જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું, "ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો છે કે ભાજપનો સરકારમાં હિસ્સો હોવો જોઈએ. તેથી જ અમે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય મંત્રી બનાવવાનો આગ્રહ કર્યો છે."
- આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સલાહ પર સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ તેમની મહારાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને સેવા દર્શાવે છે.'
- રસપ્રદ વાત એ છે કે શપથ ગ્રહણ સમારોહના અડધો કલાક પહેલાં જ ભાજપ અધ્યક્ષે ટ્વીટ કરીને દેવેન્દ્ર ફડણવીસને કૅબિનેટમાં સામેલ થવાનો આદેશ આપ્યો હતો.
- નાગપુરથી પ્રકાશિત મરાઠી દૈનિક લોકમતના એક્ઝિક્યુટિવ એડિટર શ્રીમંત માને કહે છે કે આ દેવેન્દ્ર ફડણવીસના કદને ઘટાડવા જેવું થયું છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષમાં ગુરુવારે સાંજે જે બન્યું તે પછી તમામ રાજકીય વિશ્લેષકો ચોંકી ગયા છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સૌપહેલા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ સરકારમાં જોડાશે નહીં.
ફડણવીસના આ નિર્ણયથી રાજકીય પંડિતોને પણ આશ્ચર્ય થયું હતું પરંતુ થોડા સમય પછી જે બન્યું તે વધુ ચોંકાવનારું હતું.
ફડણવીસે સાંજે લગભગ 7.30 વાગ્યે એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનવાની સાથે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.
યુ-ટર્ન પર ફડણવીસે શું કહ્યું?
ફડણવીસે આ અંગે ટ્વીટ કરીને પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો.
તેમણે લખ્યું, "એક ઈમાનદાર કાર્યકર હોવાના નાતે હું પાર્ટીના આદેશોનું પાલન કરું છું. હું એ પાર્ટીના આદેશથી ઉપર નથી જેણે મને સર્વોચ્ચ પદ આપ્યું છે."
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર ત્રણ કલાક પહેલાં જ તેમણે રાજભવનમાંથી જાહેરાત કરી હતી કે તેઓ સરકારમાં નહીં જોડાય. પરંતુ આ પછી ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમનાથી અલગ નિર્ણય લીધો હતો.
ફડણવીસની સરકારમાં નહીં જોડાવાની ઘોષણા પછી તરત જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું, "ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો છે કે ભાજપનો સરકારમાં હિસ્સો હોવો જોઈએ. તેથી જ અમે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય મંત્રી બનાવવાનો આગ્રહ કર્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સલાહ પર સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ તેમની મહારાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને સેવા દર્શાવે છે.'
રસપ્રદ વાત એ છે કે શપથગ્રહણ સમારોહના અડધો કલાક પહેલાં જ ભાજપ અધ્યક્ષે ટ્વીટ કરીને દેવેન્દ્ર ફડણવીસને કૅબિનેટમાં સામેલ થવાનો આદેશ આપ્યો હતો.
બીબીસીએ આના કારણો વિશે જ્યારે ન્યૂઝ-18ના મુંબઈ બ્યુરો ચીફ વિનય દેશપાંડેને પૂછ્યું તો તેમણે કહ્યું, "ભાજપ જેવી પાર્ટી આ રીતે કામ કરતી નથી. ભાજપમાં તમામ નિર્ણયો બંધ બારણે લેવામાં આવે છે અને પછી નેતા આગળ આવીને તેની જાહેરાત કરવામાં આવે છે."
ફડણવીસનું કદ ટૂંકું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે?
નાગપુરથી પ્રકાશિત મરાઠી દૈનિક લોકમતના એક્ઝિક્યુટિવ એડિટર શ્રીમંત માને કહે છે કે આ દેવેન્દ્ર ફડણવીસના કદને ઘટાડવા જેવું થયું છે.
તેઓ કહે છે, "આ ફડણવીસની પાંખો કાપવાનો પ્રયાસ છે. ફડણવીસે મુખ્ય મંત્રીપદની રેસમાંથી ખસી જવાનું કહીને તેમની છબી સારી કરી પરંતુ કદાચ કેન્દ્રીય નેતૃત્વને તે પસંદ ન હતું."
બીબીસી મરાઠીએ વરિષ્ઠ પત્રકાર દીપક ભાતૂસેને પૂછ્યું કે નડ્ડાએ મીડિયામાં આવીને તેની જાહેરાત કરી તેનો શું અર્થ છે.
તેમણે કહ્યું, "ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તેઓ સરકારમાં નહીં જોડાય. તેમની પ્રેસ કૉન્ફરન્સના સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા. દરેક જગ્યાએ સંદેશ ગયો હતો કે ફડણવીસ કૅબિનેટમાં નહીં હોય. એટલા માટે કેન્દ્રીય નેતૃત્વએ મીડિયામાં આવવું પડ્યું. કેન્દ્રીય નેતૃત્વે ફડણવીસ સાથે ફોન પર વાત કરી હશે, તેમને સરકારમાં જોડાવાનું કહ્યું હશે."
પરંતુ દીપક ભાતૂસે એ પ્રશ્ન તરફ ધ્યાન દોરે છે જે અત્યારે દેશના દરેક નાગરિકના મનમાં છે.
તેઓ કહે છે, "પરંતુ સવાલ એ પણ ઊભો થાય છે કે શું ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને ફડણવીસ વચ્ચે કોઈ તાલમેલ નથી? ફડણવીસ સરકારમાં નહીં જોડાવાનો આવડો મોટો નિર્ણય લઈ રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વને તે અંગે જાણ પણ ન કરી, આ પણ એક મોટો પ્રશ્ન છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો