You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એકનાથ શિંદે : ઉદ્ધવ ઠાકરે પિતા બાલ ઠાકરેની વિરાસત અને પાર્ટીને ફરી બેઠી કરી શકશે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને ઉથલાવીને નવા મુખ્ય મંત્રી તરીકે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ શપથ લઈ લીધા છે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા છે.
બુધવારની રાત્રે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ સવાલ એ છે કે તેમનું અને તેમના પિતાએ બનાવેલી પાર્ટીનું ભવિષ્ય શું હશે.
તેમના મોટા ભાગના ધારાસભ્યોના બળવા બાદ તેમની પાસે 55માંથી માત્ર 13 ધારાસભ્ય બચ્યા છે. બળવાખોર ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઉદ્ધવ ઠાકરેમાં કોઈ વિશ્વાસ નથી, કેમ કે તેમણે હિંદુત્વની વિચારધારાને છોડીને અને હિંદુ રાષ્ટ્રવાદની તેમની મૂળ વિચારધારાને અવગણીને શરદ પવારની એનસીપી અને કૉંગ્રેસ પાર્ટી સાથે સરકાર બનાવી હતી.
બળવાખોર શિવસેનાના 39 ધારાસભ્ય તેમના રાજ્ય મહારાષ્ટ્રથી હજારો કિલોમીટર દૂર આસામના ગૌહાટી શહેરની એક હોટલમાં ઘણા દિવસોથી છુપાયેલા હતા.
શિવસેના અને ભાજપ 30 વર્ષ સુધી ભાગીદાર રહ્યા બાદ 2019માં અલગ થઈ ગયા હતા.
શિવસેના મુંબઈ અને રાજ્યના કેટલાક હિસ્સાઓમાં એક અસાધારણ શક્તિશાળી પાર્ટી રહી છે, પણ તેના બે તૃતીયાંશ ધારાસભ્યોના બળવા બાદ પહેલી વાર અસ્તિત્વ સામે ઝૂઝી રહી છે.
શિવસેનાને ભૂતકાળમાં અનેક મોટા ઝટકા લાગી ચૂક્યા છે, પણ આ વખતે રાજકીય ઝટકો મોટો લાગ્યો છે.
રાજકીય વિશ્લેષક સુહાસ પલ્શિકરનું કહેવું છે કે પાર્ટીમાં વિદ્રોહ એ "શિવસેનાના પતનની શરૂઆત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાર્ટીને નુકસાન
પાર્ટીના પૂર્વ સાંસદ ભરતકુમાર રાઉતનું માનવું છે કે બળવાથી પાર્ટીને બહુ નુકસાન થયું છે, "પાર્ટીને ક્યારેય આવા સંકટનો સામનો કરવાનો આવ્યો નથી. ઘણાં શહેરોમાં સ્થાનિક સમર્થકો અને કાર્યકરોએ પણ પાર્ટી છોડી દીધી હતી."
તેમણે કહ્યું કે આનાથી ઉદ્ધવ ઠાકરે અને પાર્ટી બંને માટે 'હવે નહીં, પછી ક્યારેય નહીં' જેવી સ્થિતિ સર્જાઈ છે.
શિવસેનાની સ્થાપના 1966માં ઉદ્ધવ ઠાકરેના પ્રભાવશાળી પિતા બાલ ઠાકરેએ કરી હતી. શિવસેના પ્રથમ વખત 1991માં વિભાજિત થઈ, ત્યારે વરિષ્ઠ નેતા છગન ભુજબળે ઘણા ધારાસભ્યો અને પાયાના કાર્યકરો સાથે પાર્ટી છોડી દીધી હતી.
અન્ય એક નેતા નારાયણ રાણેએ 2005માં પાર્ટી છોડી દીધી અને કેટલાક ધારાસભ્યોને પોતાની સાથે લઈ ગયા હતા.
ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ રાજ ઠાકરેએ 2006માં ઘણા ધારાસભ્યો અને કાર્યકરો સાથે પાર્ટી છોડી દીધી હતી. એ સમયે આ એક મોટો આંચકો માનવામાં આવ્યો હતો, કારણ કે પાર્ટીમાં ઘણા લોકો ઉદ્ધવને સ્થાને એ સમયના લોકપ્રિય નેતા રાજ ઠાકરેને બાલ ઠાકરેના રાજકીય વારસ માનતા હતા.
ભારતની બહુપક્ષીય લોકશાહીમાં શિવસેના જેવા પ્રાદેશિક પક્ષો ઘણો રાજકીય દબદબો ધરાવે છે અને મોટા ભાગે વિધાનસભા ચૂંટણીઓમાં રાષ્ટ્રીય પક્ષોને હરાવે છે. જો એક પાર્ટી સામાન્ય ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહે તો શિવસેના જેવા પ્રાદેશિક પક્ષો મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
રાષ્ટ્રીય રાજનીતિને પ્રભાવિત કરવાની શિવસેનાની ક્ષમતાને કારણે પાર્ટી ઘણી વાર ચર્ચામાં રહી છે. પાર્ટીના દિવંગત નેતા બાલ ઠાકરે એક રાજકીય કાર્ટૂનિસ્ટ હતા.
આંદોલનમાંથી આવેલી પાર્ટી
તેમણે 1960ના દાયકામાં અન્ય રાજ્યોમાંથી આવીને મુંબઈમાં નોકરી કરનારા વિરુદ્ધ મરાઠીઓની હિમાયત કરતી એક ચળવળ શરૂ કરી હતી, તેમનું કહેવું હતું કે મુંબઈ પર સ્થાનિક લોકોનો પહેલો અધિકાર છે.
બાલ ઠાકરેના ઉગ્ર નિવેદને તેમને ભારતના સૌથી વિવાદાસ્પદ રાજકારણીઓમાંના એક બનાવી દીધા હતા. જ્યારે તેઓ તેમની રાજકીય કારકિર્દીની ઊંચાઈ પર હતા, ત્યારે તેમના એક અવાજ પર મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચક્કાજામ થઈ જતો હતો.
બાબરી મસ્જિદના ધ્વસ્ત થયા પછી 1992-93માં મુંબઈમાં થયેલાં રમખાણોની એક સરકારી તપાસમાં શિવસેનાના સભ્યો અને પાર્ટીના અનેક નેતાઓને મુસલમાનો પર હુમલાઓનું ષડયંત્ર રચવાના દોષી ઠરાવ્યા હતા. પરંતુ બાલ ઠાકરેને રમખાણો સંબંધિત કોઈ પણ ગુનામાં ક્યારેય દોષિત ઠેરવવામાં આવ્યા નહોતા.
પાર્ટી 2014-15માં ઘણી ચર્ચામાં રહી. પાર્ટી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધોને બહાલ કરવા માટે શરૂ થયેલી વાતચીતને રદ કરવામાં સફળ રહી. તેમણે પાકિસ્તાની ગાયક ગુલામ અલીના એક સંગીત કાર્યક્રમને પણ રદ કરાવ્યો હતો. એક પૂર્વ પાકિસ્તાની વિદેશમંત્રીના પુસ્તકનું વિમોચન પણ થવા દીધું નહોતું.
વિશ્લેષકોનું માનવું છે કે શિવસેના માટે તેનો આધાર મજબૂત કરવો અને એ વિશ્વાસ અપાવવો મુશ્કેલ હશે કે તેમાં હજુ પણ એ ઉગ્રતા છે, જેણે અતીતમાં લોકપ્રિયતા અપાવી હતી અને તેને લીધે પાર્ટીને બદનામીનો સામનો પણ કરવો પડ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેનું જીવનચરિત્ર લખનારા મુંબઈના એક વરિષ્ઠ વિશ્લેષકનું કહેવું છે કે શિવસેના ગંભીર સંકટમાં છે અને તેના પ્રમુખને હવે પાર્ટીને નવેસરથી બનાવવાની જરૂર છે.
તેઓ કહે છે, "શિવસેનાએ 1960ના દશકમાં મરાઠીઓના અસ્તિત્વ સંબંધી ચિંતાઓમાંથી જન્મ લીધો હતો, એ બાદમાં દક્ષિણપંથી હિંદુત્વ વિચારધારામાં ચાલી ગઈ, પરંતુ આજે તે ફરી વાર અસ્તિત્વ સંબંધી ચિંતાઓનો સામનો કરી રહી છે."
તેમનું કહેવું છે કે, "શિવસેનાએ તેના ગ્રાસ રૂટ કાર્યકરો પાસે ફરી જવાની જરૂર છે. તેમણે કહ્યું કે "તેનાથી પાર્ટીને બીજી વાર ઊભી કરવામાં મદદ મળશે, પરંતુ તેમાં કેટલાંક વર્ષો જશે."
એકનાથ શિંદેએ ભાજપની સાથે મળીને સરકાર બનાવી લીધી છે, આથી હવે ઉદ્ધવ ઠાકરેના જૂથને રાજકીય ગુમનામીમાં થોડો સમય વિતાવવો પડશે. જો તેમના કાર્યકરો પણ વિદ્રોહીઓનું સમર્થન કરવા લાગશે તો ઉદ્ધવની મુશ્કેલી વધી જશે.
વિદ્રોહની પાર્ટી પર શું અસર થશે?
હાલમાં એ સ્પષ્ટ નથી કે વિદ્રોહથી વાસ્તવિક સપાટી પર પાર્ટીને કેટલું નુકસાન થયું છે.
પાર્ટીના સોલાપુર જિલ્લાના પ્રમુખ ગુરુશાંત ધત્તગાંવકર કહે છે કે, "પાર્ટીના કાર્યકરોની વફાદારી ઠાકરે પરિવાર સાથે છે, પણ તેઓ માને છે કે કેટલાક જિલ્લા અને કસબાઓમાં શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓ પ્રત્યે તેમની વફાદારી દર્શાવી છે."
ધારાસભ્ય રાહુલ પાટીલ એ કેટલાક ધારાસભ્યોમાંના એક છે જેઓ અત્યાર સુધી તેમના નેતા ઉદ્ધવ ઠાકરેને વફાદાર રહ્યા છે.
તેમનું કહેવું છે કે, "કાર્યકરો હજુ પણ ઉદ્ધવ ઠાકરેને વફાદાર છે."
તેઓ કહે છે, "શિવસેના એક વિચાર છે, એક આંદોલન છે, વિચારને કોઈ મારી ન શકે. અમે બાળાસાહેબનાં સંતાન છીએ. અમે મરતા સુધી તેમના વફાદાર રહીશું."
ઠાકરે પરિવારને એ વાતથી રાહત મળી શકે છે કે પાર્ટી હંમેશાં ભૂતકાળમાં આવા ઝટકામાંથી બહાર આવવામાં સફળ રહી છે.
પાર્ટીના નેતા ગુરુશાંત ધત્તગાંવકર માને છે કે દરેક આંચકા પછી પાર્ટી વધુ મજબૂત બની છે, "અમે ભાજપ સાથે ગઠબંધનમાં સત્તામાં હતા", પરંતુ એ ભાગીદારી અને શક્તિ હવે રહી નથી. તેઓ માને છે કે શિવસેના સામે આ અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે.
તેઓ કહે છે, "જ્યારે તમે સત્તામાં હોવ છો ત્યારે અમે ગામડાં જે કામ કરીએ છીએ તેના માટે નિયમિતપણે ફંડ આવે છે, જો ધારાસભ્યો તમારી પાર્ટીના હોય તો ભંડોળ વધુ સરળતાથી મળી રહે છે, જો અમે કામ કરવામાં અસમર્થ છીએ તો અમે અમારા મતદારોને ગુમાવી દઈએ છીએ.
બળવાખોરોને દંડ થશે
પરંતુ ધારાસભ્ય રાહુલ પાટીલને વિશ્વાસ છે કે આગામી અઢી વર્ષ બાદ થનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો બળવાખોરોને સજા આપશે. તેઓ ઉમેરે છે, "મતદારો બળવાખોરોથી નારાજ છે, તેમને ચૂંટણીમાં પાઠ ભણાવવામાં આવશે."
કેટલાક લોકો માને છે કે શિવસેનાની ઓળખ ઠાકરે પરિવાર સાથે જોડાયેલી છે અને તેનાથી પુનરાગમન કરવામાં મદદ મળશે. પલ્શિકર કહે છે કે ઠાકરે પરિવાર વિના પાર્ટીનું અસ્તિત્વ નથી. ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે બાલ ઠાકરેની વિરાસતના ઉત્તરાધિકારી છે.
જાણકારોનું કહેવું છે કે, "તેમણે પાર્ટીના પુનઃનિર્માણ શરૂ કરવા માટે બાલ ઠાકરેની વિરાસત પર દાવો કરવા માટે બમણી મહેનત કરવી પડશે, અને એટલા માટે જ એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથે વારંવાર બાલ ઠાકરેના નામના સોગંદ ખાધા છે."
એકનાથ શિંદેએ જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદના શપથ લીધા ત્યારે તેમણે બાલ ઠાકરે અને પોતાના રાજકીય ગુરુ આનંદ દીઘેનું સ્મરણ કર્યું હતું.
અત્યારે તો એવું લાગે છે કે ઉદ્ધવ ઠાકરેના વિરોધીઓએ તેમની પાસેથી તેમના પિતાનો વારસો છીનવી લીધો છે. સવાલ એ છે કે શું ઉદ્ધવ આગામી વિધાનસભા ચૂંટણી સુધી મજબૂત અને અસલી શિવસેના કહેવાને લાયક સ્થિતિમાં પરત ફરી શકશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો