રાજસ્થાન : ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરતાં પહેલાં આરોપી ગૌસ મહમદે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી?

  • પોલીસનો આરોપ છે કે પકડાયેલા આરોપીઓ પૈકી ગૌસ મહમદ 2014માં પાકિસ્તાન ગયો હતો.
  • પાકિસ્તાનમાં તેણે દાવત-એ-ઇસ્લામની ઑફિસની મુલાકાત લીધી હતી
  • ત્યાર બાદ 2018-19માં આરબ દેશોમાં અને નેપાળ પણ ગયો હતો
  • આ સિવાય છેલ્લાં બે-ત્રણ વર્ષની પાકિસ્તાનના કેટલાક ફોન નંબરોના સંપર્કમાં હતો

ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના આરોપસર પકડાયેલ એક આરોપી ગૌસ મહમદે આઠ વર્ષ પહેલાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને તે ત્યાં ફોન કરતો રહેતો હોવાની વાત રાજસ્થાનમાં અધિકારીઓ કરી રહ્યા છે. જોકે, પાકિસ્તાન સરકારે આ વિશે એક નિવેદન જાહેર કરીને આ દાવાને ફગાવ્યા છે.

રાજસ્થાનના ગૃહમંત્રી રાજેન્દ્રસિંહ યાદવે બુધવારે કહ્યું કે ગૌસ મહમદ 2014માં પાકિસ્તાન ગયો હતો અને છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાકિસ્તાન ફોન કરતો હતો.

રાજસ્થાનના ડીજીપી એમ. એલ. લાઠરે કહ્યું છે કે ગૌસ કરાચીસ્થિત દાવત-એ-ઇસ્લામીની ઑફિસે ગયો હતો. દાવત-એ-ઇસ્લામી એક સુન્ની ઇસ્લામિક સંગઠન છે. તેની રચનાપાકિસ્તાનમાં વર્ષ 1981માં મહમદ ઇલિયાસ અત્તાર કાદરીએ કરી હતી. આ લોકોને ઇસ્લામ અંગીકાર કરાવવાનું કામ કરે છે.

રાજેન્દ્રસિંહ યાદવે અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ને કહ્યું, "ગૌસ 2014માં કરાચી ગયો હતો અને ત્યાં 45 દિવસ રહ્યો હતો. ત્યાર બાદ 2018-19માં આરબ દેશોમાં ગયો હતો. આ સિવાય તે નેપાળ પણ ગયો હતો. છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં આઠથી દસ નંબરો પર ફોન કરતો હતો."

રાજેન્દ્રસિંહ યાદવે કહ્યું કે જે ગુનો કરવામાં આવ્યો છે, તે કોઇ સામાન્ય માણસ આચરી ના શકે. તેમણે કહ્યું કે આ મામલે એનઆઈએ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સંબંધિત નેટવર્કની તપાસ કરવામાં આવશે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે આ હત્યા આતંક અને ડર ફેલાવવા માટે કરવામાં આવી છે. ગેહલોતે કહ્યું કે આ ઘટનાના તાર આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે જોડાયેલા છે. રાજસ્થાનના મુખ્ય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર આ મામલે એનઆઈએને તમામ સંભવિત મદદ કરશે.

મંગળવારે કનૈયાલાલ નામના એક દરજીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. મહમદ રિયાઝ અને ગૌસ મહમદે હત્યાનો વીડિયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે પયગંબરનું અપમાન કરનારાઓને આ જ સજા મળશે.

આ બંનેએ હત્યાની વાત સ્વીકારી છે. કનૈયાલાલ પર આરોપ હતો કે તેમણે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુક પર પોસ્ટ મૂકી હતી.

નૂપુર શર્માએ મે મહિનાના અંતમાં એક ટીવી ડિબેટમાં પયગંબર મહમદને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. એ બાદ ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં.

મહમદ રિયાઝ અને ગૌસ મહમદને લઈને ઘણી બાબતો સામે આવી રહી છે.

પાકિસ્તાને શું કહ્યું ?

ગૌસ મહમદના પાકિસ્તાન કનેક્શનના અહેવાલોને લઈને પાકિસ્તાનના વિદેશમંત્રાલય તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના વિદેશમંત્રાલયે આ દાવાને રદિયો આપ્યો છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું, "અમે ભારતીય મીડિયામાં અહેવાલો જોયા, જેમાં ઉદયપુરની ઘટનાને પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહી છે. અમે આ આરોપોને ફગાવીએ છીએ."

"ભારતમાં ભાજપ-આરએસએસની સરકાર હંમેશાંથી પોતાના આંતરિક મુદ્દા માટે પણ પાકિસ્તાન પર આંગળી ચીંધતી રહેતી હોય છે. આ પ્રકારનાં બદનામ કરવાનાં અભિયાનો કામ નહીં આવે."

ડીજીપી એમ. એલ. લાઠરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગૌસ અને રિયાઝે પૂછપરછ દરમિયાન કહ્યું કે તેઓ દાવત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા છે. લાઠરે કહ્યું છે કે ગૌસ અન્ય કેટલાંક સંગઠનોના સતત સંપર્કમાં હતો.

તેમણે કહ્યું, "ગૌસ 2014માં દાવત-એ-ઇસ્લામી સંગઠનની કરાચી ઑફિસમાં ગયો હતો. કાગળ પર આ સંગઠનનો ધ્યેય ધાર્મિક પ્રચાર-પ્રસાર છે. રાજસ્થાનમાં તેની કોઇ ઑફિસ નથી. ભારતમાં કાનપુરમાં તેની ઑફિસ છે અને દિલ્હી અને મુંબઇમાં મુખ્યાલય પણ છે."

તેમણે આગળ કહ્યું, "મુખ્ય મંત્રીના આદેશ પર આ સમગ્ર મામલાની ગંભીરતાના આધારે તેની તપાસ આતંકવાદી કાવતરા તરીકે કરવામાં આવી રહી છે. આ મામલે રિયાઝ અને ગૌસ સિવાય અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે."

પોલીસનું કહેવું છે કે તેમાં અન્ય બે લોકો પણ સામેલ હતા. લાઠરે કહ્યું કે મહમદ રિયાઝ વેલ્ડિંગનું કામ કરતો હતો અને ગૌસ મહમદ મસ્જિદમાં ખિદમતનું કામ કરતો હતો. બંનેનો કોઇ ગુનાહિત ભૂતકાળ મળ્યો નથી.

કનૈયાલાલના પરિવારની હાલત

કનૈયાલાલના પરિવારમાં પત્ની યશોદા સિવાય બે પુત્રો યશ અને તરુણ છે.

21 વર્ષીય યશ બી. કૉમમાં અભ્યાસ કરે છે, જ્યારે 18 વર્ષીય તરુણ બી. ફાર્મના પ્રથમ વર્ષમાં છે. તેમની માતા યશોદા પૂછે છે કે હવે તેમનું શું થશે?

યશોદાએ મીડિયા સાથેની વાતમાં કહ્યું, "મારા પતિને સતત ધમકીઓ મળી રહી હતી. લોકો દુકાનમાં આવીને ધમકીઓ આપી રહ્યા હતા. છેલ્લા સાતઆઠ દિવસથી તેઓ દુકાને નિયમિતપણે જતા નહોતા. તેઓ એકાદ બે વખત દુકાને જઈને બધું જોઇને પાછા આવી જતા હતા. જો પહેલાં કાર્યવાહી કરી દેવામાં આવી હોત તો મારા પતિ અત્યારે જીવતા હોત."

યશે કહ્યું, "અમને તો યાદ પણ નથી કે પોસ્ટ કોણે શૅર કરી હતી. કોઈએ ભૂલથી કરી દીધી હશે! તેમ છતાં પણ તેમને ધમકીઓ મળતી હતી. પોલીસે કોઇ સુરક્ષા પણ ન આપી. મારા પિતા જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. અમે બંને અત્યારે ભણી રહ્યા છીએ. મને શક છે કે આ હત્યામાં બીજા પણ લોકો સામેલ છે. કારણ કે આ સુનિયોજિત હત્યા છે."

10 જૂને ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં એક પોલીસફરિયાદના આધારે કનૈયાલાલની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. તેમણે એક લેખિત ફરિયાદ કરી હતી અને પોતાના જીવને જોખમ હોવાના કારણે સુરક્ષાની માગ કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો