You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેવેન્દ્ર ફડણવીસ ફરી ચાખશે સત્તાનો સ્વાદ, શિંદે સાથે ભાજપની કેવી હશે તૈયારી?
- જો દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો તેઓ ત્રીજી વખત મુખ્ય મંત્રી બનશે
- તેઓ સૌથી પહેલાં 2014થી 2019 સુધી આ પદ પર રહ્યા હતા
- 2019માં ચૂંટણી બાદ શપથ લીધાના 80 કલાક બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું
- ત્યાર બાદ શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ રાજ્યમાં ફરીથી ભાજપનું આવવું અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસનું ફરીથી મુખ્ય મંત્રી બનવું લગભગ નક્કી થઇ ગયું છે.
બુધવારે રાત્રે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું ત્યારે મુંબઇની તાજ પ્રેસિડન્ટ હોટલમાં એકઠાં થયેલા ભાજપના ધારાસભ્યોએ મિઠાઇ વહેંચી અને પાર્ટી, ફડણવીસ અને વડા પ્રધાન મોદીના નામનો સૂત્રોચ્ચાર કર્યો.
પાર્ટી ધારાસભ્ય મનીષા ચૌધરીએ સૌથી પહેલા દેવેન્દ્ર ફડણવીસનું મોં મીઠું કરાવ્યું. જોકે, ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને માત્ર એટલું જ કહ્યું, "કાલે તમને બધું જણાવીશું."
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પત્રકારોને કહ્યું કે આગળ શું કરવાનું છે, તે દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા એકનાથ શિંદે નક્કી કરશે.
શપથ ક્યારે લેવાશે? આ પ્રશ્નના જવાબમાં પાટીલે કહ્યું, "તે હાલમાં નક્કી થઇ રહ્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "રાજ્યભરમાંથી લોકો મુંબઇ પહોંચવાના હતા, હું એ તમામ લોકોને આહ્વાન કરુ છું કે અત્યારે મુંબઇ આવવાની જરૂર નથી. જે દિવસે શપથ લેવામાં આવે, ત્યારે આવજો."
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ પત્રકારોને કહ્યું, "ફડણવીસ હંમેશાંથી કહેતા હતા કે તેઓ સદનમાં પાછા ફરશે. હવે સમય આવી ગયો છે. તેઓ પાછા મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બનીને ફરશે."
આ ઉપરાંત તેમણે ટ્વીટ કર્યું, "ઉખાડ દિયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટ્વીટમાં તેમણે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને પણ ટૅગ કર્યા હતા. અન્ય એક ટ્વીટમાં રાણેએ લખ્યું, "હવે ફરીથી એમ ન કહેતા કે એકલો દેવેન્દ્ર શું કરશે!!"
રાજકીય સંકટ બાદ કોની પાસે કેટલા ધારાસભ્ય
મહારાષ્ટ્ર વિધાનપરિષદમાં કુલ 288 ધારાસભ્યો છે. એક બેઠક શિવસેના ધારાસભ્ય રમેશ લટકેના મૃત્યુના કારણે ખાલી છે. મહાવિકાસ અઘાડીમાં શિવસેનાના 55, એનસીપીના 53 અને કૉંગ્રેસના 44 ધારાસભ્ય છે.
એનસીપીના બે ધારાસભ્ય અનિલ દેશમુખ અને નવાબ મલિક મની લૉન્ડરિંગ મામલે જેલમાં છે. ભાજપના કૂલ 106 ધારાસભ્ય છે અને બહુજન વિકાસ અઘાડીના ત્રણ ધારાસભ્યો છે. આ સિવાય સમાજવાદી પાર્ટી એઆઈએમઆઈએમ અને પ્રહાર જનશક્તિ પાર્ટીના બે-બે ધારાસભ્યો છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, સીપીઆઈ(એમ), પીડબલ્યૂડી, સ્વાભિમાની પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષ, જનસુરાજ્ય શક્તિ પાર્ટી અને ક્રાંતિકારી શેતકરી પાર્ટીના એક-એક ધારાસભ્ય છે. આ સિવાય 13 અપક્ષના ધારાસભ્યો છે.
સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યોની જરૂર છે. હાલની સ્થિતિમાં જો શિવસેનાનું શિંદે જૂથ ભાજપને સમર્થન આપે તો મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપની સરકાર બની શકે છે. શિંદે અત્યારે જે પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે, તેનાંથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભાજપની સરકાર બની શકે છે.
ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું
આ પહેલાં બુધવારે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.
તેમણે શિવસૈનિકોને અપીલ કરી કે બળવાખોર ધારાસભ્યોની સામે રસ્તા પર પ્રદર્શન ન કરે. તેમણે કહ્યું, "હું નથી ઇચ્છતો કે શિવસૈનિકોનું લોહી વહે."
ત્યાર બાદ તેઓ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજીનામું સોંપ્યું હતું અને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી પદ પર રહેવા માટે કહ્યું હતું.
બુધવારે રાત્રે નવ વાગ્યે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યપાલના આદેશ અનુસાર ગુરુવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવો.
સુપ્રીમ કોર્ટના નિર્ણયની ગણતરીની મિનિટો બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રમાં ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકારને ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપવામાં આવે, એવી માગ રાજ્યપાલ પાસે કરી હતી.
તેની સામે શિવસેના નેતા સુનિલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે બુધવાર સાંજે પાંચ વાગ્યાથી સુનાવણી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની અરજી ફગાવતાં આ આદેશ આપ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો