You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા કેવી ભયંકર આર્થિક કટોકટીમાં ફસાયેલું છે, સમજો ચાર્ટની મદદથી
નાનો ટાપુ દેશ શ્રીલંકા હાલ મુશ્કેલીમાં છે. 2.2 કરોડની વસતિવાળો આ દેશ તેની સ્વતંત્રતા બાદના સૌથી મોટા આર્થિક સંકટમાં ફસાયો છે. ભોજન, ગૅસ અને પેટ્રોલિયમના ભાવ અમુક મહિનાઓથી આસમાને પહોંચ્યા છે. હવે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે દેશમાં વધુ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
વીજકાપ, ખાલીખમ એટીએમ અને પેટ્રોલ પમ્પ પર લાંબી લાઇનો રોજનાં દૃશ્યો બની ગયાં છે. શ્રીલંકા લગભગ બધી વસ્તુઓની આયાત કરે છે. જેમાં પેટ્રોલિયમ પેદાશોથી માંડીને ખાંડ સમાવિષ્ટ છે. જે હાલ અટકી પડ્યું છે. જેના કારણે ફુગાવો વધ્યો છે અને જરૂરી સામગ્રી મેળવવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે.
ફુગાવો
સેન્ટ્રલ બૅંક ઑફ શ્રીલંકા પ્રમાણે મહામારીની શરૂઆતમાં ફુગાવાનો દર (નેશનલ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) માત્ર પાંચ ટકા હતો. પરંતુ ફેબ્રુઆરીમાં આ પરિવર્તન દર 18 ટકા થઈ જવા પામ્યો. જે ગત વર્ષ કરતાં 13 ટકા વધી ગયો છે. તેમજ ચીજવસ્તુઓનો પુરવઠો ઘટી જવાના કારણે માંગ અને કિંમત બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે.
લોકોનાં ખિસ્સાં પર વધુ પડતું ભારણ
સૂકાં મરચાં જેવી સામાન્ય વસ્તુઓ (જે સ્થાનિક ભોજનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે)ના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 190 ટકાનો વધારો થયો છે.
સેન્ટ્રલ બૅન્ક ઑફ શ્રીલંકા અનુસાર એપ્રિલ 2021 એક કિલોગ્રામ સફરજનના 55 રૂપિયા હતા, જ્યારે હવે તેની કિંમત બમણી થઈ ગઈ છે. તેમજ નાળિયેરનું તેલ જે અગાઉ 520 રૂપિયા પ્રતિ લિટર મળતું હવે તેના માટે સ્થાનિકોએ 820 રૂપિયા પ્રતિ લિટર ચૂકવવા પડી રહ્યા છે.
અહેવાલ પ્રમાણે, શ્રીલંકાના લોકોએ હવે જરૂરી ચીજવસ્તુઓ એકઠી કરવાનું શરૂ કરી દેતાં સુપરમાર્કેટમાં ચીજવસ્તુઓ ખૂટી પડી છે. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે લોકોએ ભાવવધારાના કારણે એક ટંકનું ભોજન છોડી દેવું પડ્યું છે.
આયાત પર નિર્ભર દેશ
શ્રીલંકા લગભગ બધુ આયાત કરે છે. ઓઈસીડી પ્રમાણે, વર્ષ 2020માં શ્રીલંકાએ 1.2 બિલિયન ડૉલરના રિફાઇન્ડ પેટ્રોલિયમની આયાત કરી હતી. કાપડથી માંડીને દવાઓ બનાવવા માટેના કાચો માલ, લોટથી માંડીને ખાંડ - આમ લગભગ બધું જ શ્રીલંકાએ આયાત કરવું પડે છે.
વર્ષ 2020માં આ ટાપુ દેશે 214 મિલિયન ડૉલરની કાર આયાત કરી હતી. તેમ છતાં તે આયાત કરાયેલ સામાનની યાદીમાં ટોચ પર નથી. શ્રીલંકાએ માત્ર 2020માં જ 305 મિલિયન ડૉલર કૉન્સન્ટ્રેટેડ દૂધ આયાત કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીન અને ભારત શ્રીલંકાને માલ પૂરો પાડતા સૌથી મોટા દેશ છે. જ્યારે દેશને વિદેશી મદદની જરૂરિયાત પડી ત્યારે તેમણે સૌથી પહેલાં ચીન અને ભારત પાસેથી નાણાકીય મદદ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.
ચલણનું અવમૂલ્યન
ફેબ્રુઆરી, 2022માં શ્રીલંકામાં 70 ટકા પ્રવાસીઓ માત્ર યુરોપથી આવ્યા હતા. સરકારના માસિક પ્રવાસી રિપોર્ટ અનુસાર, 15,430 મુસાફરો રશિયામાંથી આવ્યા હતા. જે તમામ દેશોના મુસાફરોની સરખામણીએ વધુ હતા. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મુસાફરોના આગમન પર અવળી અસર પડી છે. આ પહેલાં કોરોનાની મહામારીના કારણે મુસાફરો આવવાનું બંધ થઈ જતાં અર્થતંત્ર પર માઠી અસર પડી હતી.
લોટ, પેટ્રોલિયમ અને અન્ય ચીજવસ્તુઓની કિંમત યુદ્ધના કારણે વધી છે. તેમજ વેપાર ખાધના અસંતુલનને કારણે શ્રીલંકાના રૂપિયામાં ઘટાડો ચાલુ રહેવા પામ્યો હતો.
દેવું
શ્રીલંકા હાલ ભયંકર દેવામાં ફસાયેલું છે. ડિપાર્ટમેન્ટ ઑફ ઍક્સટર્નલ રિસોર્સીઝ પ્રમાણે, ચીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક બાદ શ્રીલંકાને સૌથી વધુ દેવું આપ્યું છે. શ્રીલંકાના વધતા જતા દેવાના કારણે તેમના વિદેશી હૂંડિયામણના ભંડોળ પર દબાણ સર્જાયું છે. જેના કારણે દેશ આર્થિક કટોકટી તરફ ધકેલાયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો