You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબૂ, મંત્રીએ કહ્યું ઓછું ખાઓ
- લેેખક, ઉમર દરાઝ નંગિયાના
- પદ, બીબીસી ઉર્દૂ, લાહોર
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન મામલાના સંઘીય મંત્રી અલી અમીન ગંડાપુરે વધતી મોંઘવારીને કારણે 'પાકિસ્તાનના લોકોને ચામાં ઓછી ખાંડ નાખવા અને રોટલી ઓછી ખાવાની' સલાહ આપી છે.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં એક સભાને સંબોધિત કરતા તેમણે મોંઘવારી પર થયેલી એક ચર્ચામાં ટિપ્પણી કરતા કહ્યું કે, "જો હું ચામાં ખાંડના સો દાણા નાખતો હોઉ અને નવ દાણા ઓછાં નાખું તો શું તે ઓછી મીઠી થશે?"
તેમણે કહ્યું, "શું આપણે આપણા દેશ માટે, પોતાની અત્મનિર્ભરતા માટે આટલી કુરબાની ન આપી શકીએ? જો હું રોટલીના સો કોળિયા ખાઉં છું તો તેમાં નવ કોળિયા ઓછા ન કરી શકું?''
સોશિયલ મીડિયા યૂઝર્સ તેમના ભાષણના આ વીડિયોને શૅર કરીને તેની ટીકા કરી રહ્યા છે.
જોકે આ પ્રથમ વખત નથી જ્યારે મંત્રીઓ અથવા જનપ્રતિનિધીઓએ જનતાને આવી સલાહ આપી છે. હાલમાં જ સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના જ નેશનલ ઍસેમ્બલીના સભ્ય રિયાઝ ફતયાનાએ પણ અલી અમીન ગંડાપુર જેવી જ સલાહ આપી હતી.
ભૂતકાળ પર નજર કરીએ તો પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સહિત કેટલીક પાર્ટીઓના નેતા આવી વાતો કરતા રહે છે. પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનની જનતાને 'ઓછી રોટલી ખાવાની' સલાહ આપી હતી.
1998માં જ્યારે પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારે તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે સ્વીકાર કર્યું હતું કે પાકિસ્તાનને અમેરિકા અને બાકી દુનિયા તરફથી મુશ્કેલ આર્થિક પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
ટીવી અને રેડિયા પર જનતાને સંબોધિત કરતા લોકોને ચેતી જવાની સલાહ આપતા કહ્યું, "લોકો પોતાની કમર કસી લે અને માત્ર એક ટંકનું ભોજન કરવા માટે તૈયાર થઈ જાય અને આ મુશ્કેલીમાં પણ તમારી સાથે રહીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની પાર્ટી અનેક વખત સત્તામાં આવ્યા પછી બચત અભિયાન ચલાવી ચૂકી છે. પીટીઆઈ સરકારે શરૂઆતના દિવસોમાં જ બચત અભિયાનની જાહેરાત કરી હતી.
જોકે, શું સરકાર માટે લોકોને બચત કરવા અથવા 'ઓછી રોટલી ખાવા'ની સલાહ આપવી ઉચિત છે?
પાકિસ્તાનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્સિટ્યૂટ (એસજીપીઆઈ) ઇસ્લામાબાદના અર્થશાસ્ત્રી ડૉક્ટર સાજિદ અમીન કહે છે કે આ પ્રકારની સલાહ આપવી ગરીબોની મજાક ઉડાડવા સમાન છે.
તેમના મુજબ બચત કરવાની સલાહ અથવા અભિયાન ક્યારેય મોંઘવારીનું સમાધાન નથી સાબિત થયાં અને ક્યારેય ભવિષ્યમાં પણ નહીં થાય.
તેઓ કહે છે કે "સરકારનું કામ સામાન્ય લોકોની ખરીદશક્તિ વધારવા અથવા તેની સ્થિતિમાં સુધાર કરવાનું છે."
જો કે પ્રશ્ન એ છે કે શું વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તર પર વર્તમાન હાલતમાં મોંઘવારી પર કાબૂ મેળવવો સરકારના હાથમાં છે?
ડૉક્ટર સાજિદ અમીન કહે છ કે આની માટે સૌથી પહેલાં આ સમજવું જરૂરી છે કે હાલના દિવસોમાં પાકિસ્તાનમાં મોંઘવારી રેકૉર્ડ સ્તર પર પહોંચવાનું શું કારણ છે.
પાકિસ્તાનમાં મોંઘવારી વધારે કેમ છે?
અર્થશાસ્ત્રી ડૉક્ટર સાજિદ અમીન અનુસાર પાકિસ્તાનમાં મોંઘવારીમાં હાલમાં થયેલી વૃદ્ધિના ત્રણ મુખ્ય કારણ છે. વિશ્વ બજારમાં વસ્તુઓના ભાવમાં વૃદ્ધિ, પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં કમી અને હાલમાં જ સરકાર તરફથી લાગુ કરવામાં આવેલી ટૅક્સ નીતિઓ.
ત્રીજા પૉઇન્ટથી સ્પષ્ટ છે કે તેમણે કહ્યું કે "પાકિસ્તાનમાં સરકાર રાજસ્વ એટલે આવકના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈંધણ જેવી વસ્તુઓ પર ટૅક્સ વધારે છે જેનાથી ભાવમાં વૃદ્ધિ થાય છે."
આ રીતે દૈનિક જરૂરિયાતની જે વસ્તુઓમાં ઈંધણ વપરાય છે, સ્પષ્ટ છે કે તેમની કિંમત વધી જાય છે. પાકિસ્તાનમાં હાલમાં જ ઈંધણના ભાવ વધ્યા છે.
તો શું સરકાર તેમને નિયંત્રિત કરી શકે છે?
ડૉક્ટર સાજિદ અમીન કહે છે, ''આ કારકો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.''
તેઓ કહે છે કે વૈશ્વિક બજારમાં આનાથી વિપરીત ભાવ વધી રહ્યા છે અને તેના વધવા અથવા ઘટવાથી પાકિસ્તાન સરકારનો કોઈ કંટ્રોલ નથી.
બીજી તરફ પાકિસ્તાનનું આયાતનું બિલ વધતું જાય છે. ડૉક્ટર સાજિદ અમીન અનુસાર પાકિસ્તાન એક નેટ ઇમ્પોર્ટર છે જેનો અર્થ છે કે તેનો કુલ આયાત તેના કુલ નિકાસથી વધારે છે. અને પાકિસ્તાન ઘઉં, ખાંડ જેવી ખાદ્યવસ્તુઓનો પણ આયાત કરે છે. એટલે જ્યારે સુધી આ બિલ અને વેપાર ખાધમાં કમી નહીં આવે ત્યાં સુધી રૂપિયાની કિંમતમાં પણ સુધારની આશા છે.
રાજસ્વ વધારવા માટે સરકારે ઈંધણ, વીજળી અને ગૅસ પર ટૅક્સ વધારવો પડે છે.
"બીજું, લૉનની નવી કિસ્ત માટે પાકિસ્તાનને ફરી એક વખત આઈએમએફ પાસે જવું છે. આઈએમએફ પણ સરકારે આ વસ્તુઓ પર ટૅક્સ વધારવા માટે કહેશે.
તો શું પાકિસ્તાનની સરકાર કંઈ નહીં કરી શકે?
સાજિદ અમીન મુજબ આવું નથી બલ્કે સરકાર કેટલાંક પગલાં લઈ શકે છે. તેઓ કહે છે કે લોકો પર મોંઘવારીનો પ્રભાવ ઘટાડવા માટે સરકારે બુનિયાદી કામ કરવાની જરૂર છે.
તેમણે મૂલ્ય નિયંત્રણ સમિતિઓના પ્રભાવી ઉપયોગનો ઉલ્લેખ કરતા કહે છે કે, "સૌથી પહેલાં સ્થાનિક સ્તર પર પ્રશાસનિક ઢાંચાને સક્રિય કરવાની જરૂર છે જે અત્યાર સુધી નથી કરાયું."
ડૉ સાજિદ અમીનનું માનવું છે કે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આ રીતે સમિતિઓ ભાવમાં કૃત્રિમ વૃદ્ધિને નિયંત્રિત કરવામાં બહ પ્રભાવી હોય છે.
બીજું કામ સંગ્રહખોરીને સમાપ્ત કરવાનું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં સૌથી વધારે સૌથી વધારે મોંઘવારી ઈંધણ અથવા ખાદ્યસામગ્રીમાં જ જોવા મળે છે.
પાકિસ્તાનમાં, ખેડૂતોમાં કૃષિપેદાશો ખેતરમાંથી બજાર સુધી પહોંચે ત્યાં સુધી તેના ભાવમાં ધરખમ વધારો થઈ જાય છે.
"આ મોંઘવારી વધવાનું સીધેસીધું કારણ છે અને આ એક એવું કારક છે જેને નિયંત્રિત કરવાની શક્તિ સરકાર પાસે છે."
એક ત્રીજી રીત યુટિલિટી સ્ટોર્સનો પ્રભાવી વપરાશ પણ છે જેની મારફતે સરકાર કેટલીક હદે મોંઘવારીને કંટ્રોલ કરી શકે છે.
શું મોંઘવારી ઘટી શકે છે?
ડૉક્ટર સાજિદ અમીન અનુસાર, "એક વખત જ્યારે ભાવ વધી જાય તો તે નીચે નથી આવતી અથવા તેને નીચે લાવવું બહુ મુશ્કેલ હોય છે."
તેમણે કહ્યું કે વર્તમાન સરકારને મોંઘવારી ગંભીર સમસ્યા બનવા જઈ રહી છે તેનો અંદાજ લગાવવામાં મોડું થઈ ગયું. ત્યાર બાદ તેમને એ ખબર પડવામાં સમય લાગી ગયો કે મોંઘવારી વધવાનું કારણ શું હતું.
જોકે, તેમણે કહ્યું કે સરકાર બે કામ કરી શકે છે, જેનાથી સાધારણ લોકોને મોંઘવારીની અસર ન અનુભવાય. એક તો સરકારે સામાજિક સુરક્ષા યોજનાઓનો વ્યાપ વધારવો જોઈએ, બીજું સામાન્ય લોકોની આવક વધારવાની જરૂર છે. તેમનું માનવું છે કે બચત પણ એક ઉપાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો