રાજકુમારી ડાયનાનો ઇન્ટરવ્યૂ બીબીસીના નક્કી કરેલા માપદંડો પ્રમાણે નહોતો- રિપોર્ટ

બીબીસી પર પ્રસારિત થયેલા બ્રિટનનાં પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાના ઇન્ટરવ્યૂને લઈને થયેલી તપાસમાં કહેવાયું કે ઇન્ટરવ્યૂ મેળવવા માટે પત્રકાર માર્ટિન બશીરે ખોટો રસ્તો અપનાવ્યો હતો.

તપાસ રિપોર્ટ મુજબ 1995માં રાજકુમારીના ઇન્ટરવ્યૂ માટે માર્ટિન બશીરે જે રસ્તો પસંદ કર્યો તેને બીબીસીએ છુપાવ્યો હતો.

હવે એક સ્વતંત્ર તપાસ રિપોર્ટમાં એ વાતની જાણકારી પ્રકાશિત કરાઈ છે કે આ ઇન્ટરવ્યૂ કેવી રીતે મેળવવામાં આવ્યો હતો.

તપાસ ટીમની અધ્યક્ષતા કરનાર રિટાયર્ડ જજ લૉર્ડ ડાયસને કહ્યું, "ઇન્ટરવ્યૂ મેળવવા માટે જે રસ્તો વપરાયો તે બીબીસીની ઓળખ એવા ઇમાનદારી અને પારદર્શિતા જેવા ઉચ્ચ માનકો કરતા ઊતરતો હતો."

ઇન્ટરવ્યૂ પર ગર્વ છે : માર્ટિન બશીર

રિપોર્ટ મુજબ બશીરે ડાયના સાથે મુલાકાત માટે તેમના ભાઈ અર્લ સ્પેન્સરનો ભરોસો મેળવ્યો અને તેના માટે બશીરે તેમને નકલી દસ્તાવેજ બતાવ્યા.

રિપોર્ટમાં કહેવાયું છે કે બશીરે બીબીસીમાં પોતાના મૅનેજરોને પણ ખોટું જણાવ્યું કે તેમણે કોઈને નકલી દસ્તાવેજ નથી બતાવ્યા પરંતુ રિપોર્ટમાં 1995માં બશીરે જે કહ્યું "તેમાંથી થોડા ભાગને ભરોસાલાયક નહીં અને કેટલા મામલામાં બેઈમાન" કહી શકાય.

માર્ટિન બશીરે એક નિવેદન આપ્યું કે જે દસ્તાવેજ માટે તેમણે માફી માગી છે અને કહ્યું છે કે રાજકુમારી ડાયનાના ઇન્ટરવ્યૂ માટે તેઓ ખૂબ ગૌરવ અનુભવે છે.

તેમણે કહ્યું, "ઇન્ટરવ્યૂ આપવાનો નિર્ણય રાજકુમારનો ખાનગી નિર્ણય હતો અને આનો બૅન્કના દસ્તાવેજો સાથે કોઈ સંબંધ નહોતો."

"પોતાના લખાણમાં તપાસ માટે લૉર્ડ ડાયસનને જે દસ્તાવેજ અપાયા હતા (અને જે રિપોર્ટ સાથે પ્રકાશિત થયા છે) તેનાથી પણ પુરવાર થાય છે."

ઇન્ટરવ્યૂને લઈને વિવાદ?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીબીસી પોતાના માનકો પર ખરું ઊતરવામાં "સ્પષ્ટ રીતે નિષ્ફળ રહ્યું છે" અને "તેના માટે દુખ છે."

બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવીએ કહ્યું કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે "પ્રિંસેઝ ઑફ વેલ્સ ડાયના બીબીસી સાથે ઇન્ટરવ્યૂના આઇડિયાને લઈને ઉત્સાહિત હતાં, પરંતુ એ સ્પષ્ટ છે કે આ ઇન્ટરવ્યૂ મેળવવા માટેની પ્રક્રિયા બીબીસીના દર્શકોની આશા મુજબ નહોતી. અમને એ વાતનું દુખ છે. લૉર્ડ ડાયસને આ ખામીઓને સ્પષ્ટ રીતે જણાવી છે."

તેમણે કહ્યું, "તે સમયની સરખામણીમાં આજના સમયમાં બીબીસીમાં ઘણી સારી પ્રક્રિયાઓ છે અને ઇન્ટરવ્યૂ મેળવવા માટેની સારી પ્રક્રિયાનું અનુસરણ કરાઈ શક્યું હોત."

"એ સમયે શું તેની જાણ માટે બીબીસીએ વધારે પ્રયાસો કરીને આ મામલાની વધારે ઊંડાણથી તપાસની જરૂર હતી અને તેની પાસે જે માહિતી છે તેને લઈને વધારે પારદર્શક હોવું જોઈતું હતું."

"સદીનો ચોથો ભાગ વીતી ગયા બાદ બીબીસી સમયમાં પાછું તો નહીં જઈ શકે, પરંતુ પૂર્ણ રીતે કોઈ શરત વગર માફી માગી શકે છે. અને આજે બીબીસી એ જ કરી રહ્યું છે."

રાજકુમારી ડાયનાના ભાઈએ લગાવ્યો હતો આરોપ

ખરેખર ડાયનાના ભાઈ અર્લ સ્પેન્સરે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 1995માં બીબીસી પત્રકાર માર્ટિન બશીરે ડાયનાને ઇન્ટરવ્યૂ કરવામાં બૅન્કના નકલી સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો હતો.

અર્લ સ્પેન્સરે વર્ષ 2020માં આ મામલે એક સ્વતંત્ર તપાસ કરવાની માગ કરતા કહ્યું હતું કે આ ઇન્ટરવ્યૂને મેળવવા માટે "બેઇમાની"નો રસ્તો અપનાવવામાં આવ્યો હતો.

ડેઇલી મેલને આપેલા એક અન્ય ઇન્ટરવ્યૂમાં અર્લ સ્પેન્સરે કહ્યું હતું કે "માર્ટિન બશીરે મુકાલાત દરમિયાન રાજપરિવારના કેટલાક વરિષ્ઠ લોકોની વિરુદ્ધ ખોટા અને માનહાનિભરેલા દાવા કર્યા હતા, જેનાથી ડાયના સુધી પહોંચી શકે અને મારો વિશ્વાસ મેળવી શકે."

બીબીસીના ચૅરમૅન રિચર્ડ શાર્પે કહ્યું કે તપાસમાં સામે આવેલી માહિતીને બીબીસી "સ્વીકાર" કરે છે.

તેમણે કહ્યું, "બીબીસી લૉર્ડ જાયસનના રિપોર્ટને છાપવાનું સ્વાગત કરે છે અને આમાં પ્રકાશિત માહિતીને ખુલ્લા દિલથી સ્વીકાર કરે છે. અમે આ વાતને માનીએ છીએ કે એવી નિષ્ફળતાઓ રહી છે કે જેને સ્વીકાર ન થઈ શકે. અમે એ પણ માનીએ છીએ કે આ ઐતિહાસિક ભૂલ છે."

માર્ટિન બશીર વર્ષ 2016થી બીબીસી ન્યૂઝમાં ધાર્મિક મામલોના સંપાદક હતા. ગત અઠવાડિયે આરોગ્યના પ્રશ્નોને કારણે તેમણે બીબીસીને વિદાય આપી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો