ભારત-ચીન વિવાદ : નાકુલા ભારત માટે કેમ મહત્ત્વનું?

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA/GETTY IMAGES
- લેેખક, પ્રવીણ શર્મા
- પદ, બીબીસી હિન્દી માટે
સિક્કિમમાં ભારત-ચીન સીમાની પાસે નાકુલામાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે કેટલાક દિવસ પહેલાં ઘર્ષણ થયું હતું. ભારતીય સેનાએ નાકુલામાં આ ઘર્ષણ થયાની પુષ્ટિ કરી હતી, પણ તેને સામાન્ય ગણાવ્યું હતું.
સેનાએ આ મામલે નિવેદન જાહેર કરીને કહ્યું હતું, "ઉત્તર સિક્કિમના નાકુલા વિસ્તારમાં 20 જાન્યુઆરીએ ભારતીય સેના અને પીપુલ્સ લિબરેશન આર્મી વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું અને આ મામલાનો સ્થાનિક કમાન્ડરોએ નીવેડો પણ લાવી દીધો છે."
જોકે ચીને આવા કોઈ પણ ઘર્ષણ થવાનો ઇન્કાર કરી દીધો છે. ચીની સરકાર સમર્થિક ન્યૂઝ વેબસાઇટ ગ્લોબલ ટાઇમ્સે ભારતીય મીડિયામાં આવતા રિપોર્ટોમાં ચીની સૈનિકોના ઘાયલ થવાની વાતનો ઇન્કાર કર્યો છે.
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે ભારત-ચીન સીમા પર થયેલા ઘર્ષણમાં 20 ચીની સૈનિકોના ઘાયલ થવાના સમાચાર નકલી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સિક્કિમ અને નાકુલાનું ભારત માટે રાજકીય રીતે ઘણું મહત્ત્વ છે. 2017માં ડોકલામમાં રસ્તો બનાવવાને લઈને ભારત અને ચીન વચ્ચે મહિનાઓ સુધી તણાવ રહ્યો હતો.
સિલીગુડી કૉરિડૉર પાસે હોવાથી આ વિસ્તારનું મહત્ત્વ ઘણું વધારે છે.

સીમાઓને લઈને પોતપોતાના દાવા

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ચીન વચ્ચેના 3,440 કિમી સીમાનો એક મોટો ભાગ યોગ્ય રીતે નક્કી થયેલો નથી.
નદીઓ, તળાવો અને પહાડોના મતલબ છે કે બૉર્ડર શિફ્ટ થઈ શકે છે અને આ કારણે ઘણી જગ્યાએ બંને દેશના સૈનિકો સામસામે આવી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના કારણે ઘણી વાર તેમની વચ્ચે ઘર્ષણ પણ પેદા થાય છે.
ગત વર્ષે મે મહિનામાં પણ નાકુલામાં સામાન્ય ઘર્ષણ થયું હતું. આ સ્થળ 5,000 મીટરથી વધુ ઊંચાઈ પર છે.
તેના એક મહિના બાદ જ લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને પક્ષો વચ્ચે એક ગંભીર ઘર્ષણ થયું હતું, જેમાં ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.
આ ઘર્ષણમાં 20 ભારતીય જવાનોનાં મૃત્યુ થયાં હતાં. પણ ચીને સત્તાવાર રીતે તેના પર કશું કહ્યું નહોતું કે તેના કેટલા સૈનિકોને ઈજા પહોંચી હતી.

સિક્કિમનું રાજકીય મહત્ત્વ

ઇમેજ સ્રોત, SUBHENDU SARKAR/GETTY IMAGES
નાકુલા ભારતના પૂર્વોત્તર રાજ્ય સિક્કિમમાં આવેલું છે. નાકુલા ઉત્તર સિક્કિમમાં આવેલું છે. 1962ના યુદ્ધમાં પણ આ વિસ્તાર યુદ્ધની ઝપેટમાં આવી ગયો હતો.
પાંચ વર્ષ પછી સિક્કિમમાં ચીન સાથે જોડાયેલી સીમા પર લડાઈ થઈ હતી અને તેના કારણે બંને પક્ષોના અનેક સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.
સિક્કિમ પહેલાં એક રાજ્ય હતું, જેણે ભારત તરફથી સુરક્ષા હાંસલ કરી હતી. એક જનમત સંગ્રહના માધ્યમથી 1975માં આ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું.
આ આખા વિસ્તારમાં ચીને રસ્તાઓની જાળ બિછાવી રાખી છે. ભારતના દૃષ્ટિકોણથી 20 કિમી પહોળા સિલીગુડી કૉરિડૉરનું ઘણું મહત્ત્વ છે.
આ ચિકેન્સ નેક આસામ સમેત આખા પૂર્વોત્તરને ભારત સાથે જોડે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સિક્કિમમાં બૉર્ડર એક અન્ય કારણે પણ ઘણી મહત્ત્વની છે.
ભારતીય સૈન્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે આ એકમાત્ર વિસ્તાર છે, જ્યાંથી ભારતને ચીન પર સરસાઈ હાંસલ છે.
સાથે જ હિમાલયન ફ્રન્ટિયરમાં આ વિસ્તાર ભારતીય સેનાને રણનીતિક ફાયદો આપે છે. અહીં ભારતીય સેનાઓ ઊંચાઈ પર હાજર છે.
નાકુલા એક પાસ છે, જે 19,000 ફૂટની ઊંચાઈ પર છે. નાકુલાને એક સંવેદનશીલ વિસ્તાર તરીકે પણ જોવામાં આવે છે.
ડિફેન્સ એક્સપર્ટ કર્નલ દાનવીર સિંહ (નિવૃત્ત) કહે છે કે જે રીતે પૈંગોંગ ત્સોમાં ફિંગર્સ છે, એ જ રીતે નાકુલાથી તિબેટ તરફ ફિંગર્સ જાય છે.
તેઓ કહે છે, "આ વિસ્તારમાં ભારતીય સેના ઊંચાઈ પર છે અને ભારતને અહીં ચીન કરતાં વધુ રણનીતિક સરસાઈ છે. તિબેટ તરફ જતો વિસ્તાર વિવાદમાં છે, જ્યારે ત્યાં બૉર્ડરનું સીમાંકન બિલકુલ સ્પષ્ટ છે. તેમ છતાં ચીન આપણા વિસ્તાર પર દાવો કરે છે. તેનો મૂળ હેતુ ભારત પર દબાણ વધારવાનો છે."
કર્નલ સિંહ કહે છે કે આ વિસ્તાર સમતળ છે અને અહીંયાં ભારતે ટૅન્ક સમેત અન્ય રક્ષા હથિયારો અને સામાનની તહેનાતી કરી છે. ભારતની મજબૂત સ્થિતિથી ચીનને મુશ્કેલી થાય છે.
તેઓ કહે છે કે સંઘર્ષની સ્થિતિમાં ભારત એ વિસ્તારમાં ચીન પર ભારે પડી શકે છે.

ભુતાનને સુરક્ષા આપવા માટે પણ મહત્ત્વપૂર્ણ

ઇમેજ સ્રોત, UPASANA DAHAL/GETTY
સિક્કિમમાં ભારતીય સેનાની હાજરી એ કારણે પણ મહત્ત્વની છે કે અહીંથી ભારત ભુતાનને પણ ચીનથી સુરક્ષા પ્રદાન કરે છે.
કર્નલ સિંહ કહે છે, "તેને તમે એ રીતે સમજો કે ડોકલામ ભુતાનમાં મોજૂદ છે, જ્યાં છેલ્લે ચીન સાથે ભારતનો લાંબો સમય તણાવ ચાલ્યો હતો. સિક્કિમમાં ભારતની મોજૂદગીને કારણે જ આપણે ત્યાં ચીનને રોકવામાં સફળ થયા છીએ. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ બંને આ રીતે ખાસ મહત્ત્વના છે."

ગલવાન ઘાટીમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, PIB
નાકુલામાં તાજેતરમાં થયેલા ઘર્ષણ પહેલાં ગત વર્ષે લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચે એક ગંભીર ઘર્ષણ થઈ ચૂક્યું છે.
ગત વર્ષે જૂન મહિનામાં દેશના ઉત્તરમાં લદ્દાખ પાસે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલની પાસે બંને પક્ષે ઘર્ષણ થયું હતું, જેના કારણે તણાવ પેદા થયો હતો.
15 જૂને થયેલા આ ઘર્ષણમાં 20 ભારતીય જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
ભારતનું કહેવું હતું કે ગલવાન ઘાટી વિસ્તાર મામલે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર થયેલી સહમતીનું સન્માન નથી કર્યું અને આ વિસ્તારમાં નિર્માણકાર્ય શરૂ કર્યું. જ્યારે તેમને આવું કરતા રોકવામાં આવ્યા તો તેઓએ હિંસક પગલું ભર્યું, જેમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં.
જ્યારે ચીનનું કહેવું હતું કે ભારતીય સૈનિકો તેના વિસ્તારમાં ઘૂસી ગયા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












