સાયબર ઍટેક : અમેરિકાની ટોચની સંસ્થાઓ પર થયો મોટો હુમલો

અમેરિકાના ઇતિહાસના સૌથી ખરાબ સાયબર ઍટેકમાં જે સંસ્થાઓ ભોગ બની છે, તેમાં હવે અમેરિકાના ઊર્જા વિભાગનું નામ પણ જોડાઈ ગયું છે.

અમેરિકાના પરમાણુ શસ્ત્રોનાં સંચાલનની જવાબદારી આ વિભાગના શિરે છે. વિભાગે જણાવ્યું કે શસ્ત્રાગારની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ થઈ નથી.

ગુરુવારે માઇક્રોસૉફ્ટે જણાવ્યું કે તેને સિસ્ટમોમાં શંકાસ્પદ સૉફ્ટવેર મળી આવ્યાં છે. ઘણાને શંકા છે કે આ સાયબર ઍટેક પાછળ રશિયન સરકાર જવાબદાર છે. જોકે, રશિયાની સરકારે આમાં કોઈ પણ પણ સંડોવણી હોવાની વાતને નકારી કાઢી છે.

સૌથી અદ્યતન અને મહિનાઓ સુધી ચાલનારા સાયબર ઍટેકમાં યુએસ ટ્રૅઝરી અને કૉમર્સ વિભાગ પણ સામેલ છે. આ સાયબર ઍટેક વિશે અમેરિકન અધિકારીઓએ રવિવારે પુષ્ટિ કરી હતી.

અમેરિકન સરકારે શું પ્રતિક્રિયા આપી છે?

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી સાયબર ઍટેક અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

બીજી બાજુ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સંકલ્પ લીધો છે કે તેમના વહીવટમાં સાયબર સિક્યૉરિટીને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવશે.

તેમણે કહ્યું, "સૌપ્રથમ અમારા વિરોધીઓને નોંધપાત્ર સાયબર ઍટેક કરતાં અટકાવવાની જરૂર છે. અન્ય બાબતોની સાથે અમે આ પણ કરીશું અને આ પ્રકારના હુમલા માટે જવાબદાર લોકો પર મોટો દંડ લાદવામાં આવશે. આ માટે અમે અમારા સહયોગીઓ અને ભાગીદારો સાથે કામ કરીશું."

અમેરિકાની ટોચની સાયબર સંસ્થા, ધ સાયબર સિક્યૉરિટી ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર એજન્સી (સીસા)એ ગુરુવારે ચેતવણી જાહેર કરતાં જણાવ્યું કે ઘૂસણખોરી સામેની લડત "ખૂબ જટિલ અને પડકારજનક" રહેશે.

સંસ્થાએ જણાવ્યું કે, "સાયબર ઍટેકમાં અગત્યના માળખાંને નુકસાન થયું છે, ફેડેરલ સંસ્થાઓ અને ખાનગી ખાનગી ક્ષેત્રની કંપનીઓને અસર થઈ છે. આ નુકસાનના કારણે "ગંભીર જોખમ" ઊભું થયું છે.

સીસા મુજબ આ સાયબર ઍટેક માર્ચ 2020માં શરુ થયો હશે અને જે લોકો સામેલ છે, તેમણે ધીરજ, સંચાલન સુરક્ષા અને જટિલ વ્યાપારિક અભિગમથી આ કામ કર્યું છે.

સાયબર ઍટેકમાં કઈ માહિતી જાહેર થઈ છે અથવા ચોરાઈ છે, તે વિશે સીસાએ કોઈ જાણકારી આપી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો