પ્રજાસત્તાકદિન : બોરિસ જૉન્સનની મુલાકાત નરેન્દ્ર મોદી સરકાર માટે કેમ મહત્ત્વની છે?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસન આવતા મહિને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારત આવી રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાનની આ મુલાકાતને G-7 સમૂહનો વિસ્તાર કરવાના પગલા રૂપે જોવામાં આવી રહી છે.

G-7 ટોચના સાત ઔદ્યોગિક દેશનો સમૂહ છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને ભારત, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને બ્રિટનમાં આયોજિત થનારા G-7ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બોલાવાયા છે.

જૉનસન આવતા મહિને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન હશે. ગણતંત્ર દિવસ નિમિત્તે ભારત દર વર્ષે કોઈ રાષ્ટ્ર પ્રમુખને મુખ્ય અતિથિ સ્વરૂપે બોલાવે છે. બોરિસ જૉનસનની આ મુલાકાતને ભારત-બ્રિટનના ગાઢ થતા જતા સંબંધના પ્રતીક સ્વરૂપે જોવામાં આવી રહી છે.

ગયા મહિનાના અંતમાં કૅનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પરની અધ્યક્ષતાવાળા એક થિંક ટૅંકે બ્રિટનને કહ્યું હતું કે તેણે હિંદ-પ્રશાંત વિસ્તારમાં ચીનનો મુકાબલો કરવા માટેં ભારતનો સહયોગ કરવો જોઈએ.

તેમણે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું, “બ્રેક્ઝિટ બાદ બ્રિટનને હિંદ-પ્રશાંત વિસ્તારમાં મોટી ભૂમિકા ભજવવી જોઈએ જેથી આ વિસ્તારમાં સ્થિરતા અને સંતુલન જળવાઈ રહે.”

ભારત-બ્રિટન એકબીજા માટે મહત્ત્વનાં

બ્રિટિશ વડા પ્રધાનની ઑફિસથી બોરિસ જૉનસનની ભારત મુલાકાતને લઈને વિસ્તૃત નિવેદન જારી કરાયું છે.

આ નિવેદનમાં કહેવયું છે કે વડા પ્રધાન બનવા અને બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા બાદ બોરિસ જૉનસનની ભારતની આ પ્રથમ મુલાકાત છે. બ્રિટને કહ્યું છે કે વડા પ્રધાનની આ મુલાકાત ઇન્ડો-પૅસિફિક વિસ્તારમાં તેના રસને દર્શાવે છે.

વડા પ્રધાન ઑફિસે કહ્યું છે, “2021માં બ્રિટન G-7 અને COP26 સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે. બોરિસ જૉનસને વડા પ્રધાન મોદીને G-7 સમિટમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે. ભારત સિવાય અતિથિ દેશ તરીકે દક્ષિણ કોરિયા અને ઑસ્ટ્રેલિયાને પણ બોલાવવામાં આવ્યાં છે. PM જૉનસનનું લક્ષ્ય એવા દેશો સાથે સહયોગ વધારવાનો છે જે લોકતાંત્રિક છે અને જેમનાં હિત એકમેક સાથે જોડાયેલાં છે. સાથે જ તેમના પડકારો પણ એક જેવા છે.”

બ્રિટન અને ભારતના આર્થિક સંબંધો પણ ઘણા મહત્ત્વના છે. બંનેનું એકબીજાના બજારમાં રોકાણ છે. દર વર્ષે બંને દેશો વચ્ચે 24 અબજ પાઉન્ડનો વેપાર અને રોકાણ છે.

બ્રિટનમાં કુલ 842 ભારતીય કંપનીઓ છે અને તેમનું ટર્નઓવર 41.2 અબજ પાઉન્ડ છે. બ્રિટનમાં ભારતીય રોકાણ અને કારોબારથી લાખો લોકોને રોજગારી મળી છે.

આ મુલાકાતને લઈને બ્રિટિશ PMએ કહ્યું છે કે, “હું આવતા વર્ષની ભારત મુલાકાતને લઈને ઘણો ખુશ છું. બ્રિટન નવા વર્ષની વૈશ્વિક શરૂઆત ભારત સાથે કરવા જઈ રહ્યું છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. ઇન્ડો-પૅસિફિક વિસ્તારમાં ભારત મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. બ્રિટન માટે ભારત નોકરી, ગ્રોથ, સુરક્ષા અને ક્લાઇમેટ ચૅન્જ મામલે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.”

વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલ નિવેદનમાં કહેવાયું છે કે, “વિશ્વનો કોવિડ વૅક્સિનનો 50 ટકા કરતાં વધુ પુરવઠો ભારત પૂરો પાડશે અને ઑક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા વૅક્સિન પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બની રહી છે. બ્રિટનને મહામારી દરમિયાન ભારત દ્વારા 1.1 કરોડ માસ્ક અને 30 લાખ પૅરાસીટામોલ મોકલવામાં આવ્યાં. બારતમાં 400 કરતાં વધુ બ્રિટિશ કંપનીઓ કામ કરી રહી છે.”

સ્વતંત્રતા બાદ ભારતના પ્રજાસત્તાક દિવસે બોરિસ જૉનસન મુખ્ય અતિથિ સ્વરૂપે આમંત્રિત બીજા બ્રિટિશ વડા પ્રધાન હશે. આ પહેલાં વર્ષ 1993માં જૉન મેજરને અતિથિ બનાવવામાં આવ્યા હતા.

D-10ની યોજના

કહેવાઈ રહ્યું છે G-7 બાદ D-10 બનવા જઈ રહ્યું છે. અહીં Dનો અર્થ ડેમોક્રેસી-10 છે. એટલે કે વિશ્વના દસ મોટા લોકતાંત્રિક દેશોનો એક સમૂહ.

D-10 સમગ્ર વિશ્વમાં નિરંકુશ શાસન કરનારા દેશો સાથે મુકાબલો કરશે. આને અમેરિકામાં જો બાઇડનના આગમનની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે. જો બાઇડને લોકતાંત્રિક દેશોની કૉન્ફરન્સ બોલાવવાની વાત કરી હતી.

અત્યાર G-7માં બ્રિટન, ફ્રાંસ, જાપાન, જર્મની, ઇટલી અને કૅનેડા છે. તેમાં ભારત, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને જોડવાની તૈયારી છે.

રશિયા પણ આ સમૂહનો ભાગ હતું, પરંતુ વર્ષ 2014માં રશિયાએ ક્રિમિયાને પોતાની સાથે ભેળવી લેવાના કારણે બહાર કરી દેવાયું હતું. પરંતુ આ વર્ષે ટ્રમ્પ પુતિનને બોલાવવાની તૈયારી કરી રહ્યા હતા જ્યારે યુરોપના દેશ તેનો વિરોધ કરી રહ્યા હતા.

ઇન્ડો-પૅસિફિકમાં જર્મની અને ફ્રાંસ સહિત યુરોપનો રસ વધી રહ્યો છે એ વાત ચીન માટે પરેશાન કરનારી હોઈ શકે છે. આ સાથે જ વિશ્વના લોકતાંત્રિક દેશો અમેરિકાના નેતૃત્વમાં સમૂહબદ્ધ હશે તો તે પણ ચીન માટે ચિંતાનું કારણ હશે.

એવું પહેલી વખત બનશે કે લોકતંત્રને લઈને કૉન્ફરન્સ થશે અને તેમાં ભારત સહિત ઘણા મોટા લોકશાહી દેશો સામેલ હશે. સ્પષ્ટ છે કે ચીનમાં લોકતંત્ર નથી અને આ પ્રકારની કૉન્ફરન્સ તેને અસહજ બનાવનાર હશે.

ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલનું માનવું છે કે બ્રિટન અને ભારત બંનેને એકબીજાની જરૂર છે.

તેઓ કહે છે, “G-7માં ભારતને આમંત્રણ અપાવું એ કોઈ નવી વાત નથી. પહેલાં પણ ભારતને બોલાવાયું છે. અહીં સૌથી મહત્ત્વની વાત એ છ કે ચીનની વિસ્તારવાદી નીતિ વિરુદ્ધ બ્રિટનનો પણ ઇન્ડો-પૅસિફિકમાં રસ વધી રહ્યો છે. બ્રિટનમાં પણ ચીનવિરોધી ભાવના વધી છે. ચીને હૉંગકૉંગમાં જે પ્રકારે નિરંકુશ શાસનવ્યવસ્થા સ્થાપિત કરી તેને લઈને બ્રિટન અને ચીનના સબંધો પાટે નથી.”

ચીનવિરોધી જૂથ?

સિબ્બલ કહે છે કે, “ચીન પહેલાં 5Gમાં તેની કંપની ખ્વાવેનો કૉન્ટેક્ટ રદ કરી ચૂક્યું છે. દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ભારતને આમંત્રણ એટલા માટે મહત્ત્વનું છે કે ચીનની હરકતોને યોગ્ય રીતે સમજવામાં આવે. બ્રિટને ઇન્ડો-પૅસિફિકમાં પોતાનું જહાજ મોકલવા જણાવ્યું છે. ફ્રાંસ અને જર્મની બાદ બ્રિટને આ પગલું ભર્યું છે.”

”બીજી તરફ ભારત પણ ચીન સામે ઝઝૂમી રહ્યું છે. LAC પર હજુ સુધી પરિસ્થિતિ સામાન્ય નથી. આવી પરિસ્થિતિમાં G-7 સમૂહબદ્ધ થાય છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બાઇડનના આવ્યા બાદ D-10 બનાવવાની પણ યોજના છે. તેમાં ભારત સહિત વિશ્વના દસ મહત્ત્વના લોકતાંત્રિક દેશો હસે. આ ગ્રૂપ પણ ચીન માટે દબાણ સર્જવાનું જ કાર્ય કરશે.”

વિદેશી મામલાઓના જાણકાર હર્ષ પંત કહે છે કે, બ્રિટન પોતાની વિદેશનીતિને ફરીથી તૈયાર કરી રહ્યું છે.

તેઓ કહે છે, “EUથી અલગ થયા બાદ ઇન્ડો-પૅસિફિકમાં બ્રિટનનો રસ દેખાઈ રહ્યો છે. ભારતે પણ તકનો લાભ લઈ પ્રજાસત્તાક દિસવે મુખ્ય અતિથિ સ્વરૂપે તેમને આમંત્રણ મોકલી દીધું.”

”બોરિસ જૉનસન માને છે કે 5G તકનીક માટે વિશ્વના લોકતાંત્રિક દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ. બ્રિટનનો રસ ઇન્ડો-પૅસિફિકમાં વધી રહ્યો છે અને તે ચીનને ધ્યાને રાખીને જ છે.”

હર્ષ પંત પણ માને છે કે બાઇડનના આવ્યા બાદ D-10 બને છે તો આ લોકતાંત્રિક દેશોનો સમૂહ નિરંકુશ શાસકો પર પ્રશ્નો ઊભા કરશે અને આ પ્રશ્નોના ઘેરામાં ચીન પણ આવી શકે છે.

બાઇડને સત્તા સંભાળ્યા બાદ વૈશ્વિક વ્યવસ્થા ફરી એક વાર પડખું ફેરવશે. ટ્રમ્પના શાસનમાં ઘણી બાબતો અસ્ત-વ્યસ્ત થઈ ગઈ હતી.

કહેવાઈ રહ્યું છે કે બાઇડન લોકતાંત્રિક દેશનો સમૂહ બનાવીને રણનીતિક રોકાણ અને તકનીકને પ્રોત્સાહન આપશે.

બાઇડને એ પણ કહ્યું છે કે રશિયાએ મુક્ત વિશ્વ વ્યવસ્થામાં ખોટી સૂચના, બીજા દેશોની ચૂંટણીમાં દખલ અને ભ્રષ્ટ નાણાં દ્વારા અવ્યવસ્થા ફેલાવી છે.

જોકે ઘણા આલોચકોનું એવું પણ કેહેવું છે કે D-10માં ભારતના હોવાની ટીકા પણ થઈ શકે છે, કારણ કે અહીંના લોકતંત્રને લઈને હાલના દિવસોમાં ઘણા ગંભીર પ્રશ્નો ઊઠ્યા છે.

બ્રિટના ભૂતપૂર્વ રાજદ્વારી રૉરી સ્ટીવાર્ટે પાછલા અઠવાડિયે સેન્ટર ફોર યુરોપિયન રીફૉર્મ ઇવેન્ટમાં કહ્યું હતું કે લોકતાંત્રિક દેશોની ક્લબને જો ચીનના વિરોધી તરીકે જોવામાં આવશે તો તેનાથી સમાધાન નહીં સમસ્યા વધશે.

ભારત માટે એક મુશ્કેલી રશિયા પણ છે. રશિયાના વિદેશ મંત્રીએ પાછલા અઠવાડિયે જ કહ્યું હતું કે પશ્ચિમના દેશ ભારતને ચીનવિરોધી જૂથમાં સામેલ કરવા માગે છે.

જો ભારત આવા ચીનવિરોધી જૂથમાં સામેલ થાય છે તો રશિયાને તે ઠીક નહીં લાગે. રશિયા નથી ઇચ્છતું કે વિશ્વ અમેરિકાના નેતૃત્વમાં આગળ વધે અને તેના માટે તેને ચીનનો સાથ જરૂરી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો