You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૉંગ કૉંગના લોકશાહીતરફી મીડિયા ટાયકૂન જીમી લાઈની અટકાયત
હૉંગ કૉંગના મીડિયા ટાયકૂન અને અગ્રણી લોકશાહી સમર્થક જીમી લાઈની છેતરપિંડીના આરોપસર અટકાયત કરવામાં આવી છે. આવતા વર્ષે એપ્રિલમાં કોર્ટની સુનાવણી સુધી તેમને અટકાયતમાં રાખવામાં આવશે.
ગુરુવારે કોર્ટે તેમના જામીન નામંજૂર કરી દીધા હતા. કંપનીના પરિસરનો ગેરકાનૂની રીતે વપરાશ સંબંધિત આરોપોને પગલે તેમના જામીન નામંજૂર કરાયા હતા.
લોકશાહીતરફી ત્રણ અગ્રણી કાર્યકર્તાને જેલ થઈ તેના એક દિવસ પછી આ ઘટના બની છે.
આ અટકાયતોને કારણે શહેરના કાર્યકર્તાઓ અને મીડિયાની વ્યક્તિઓ પર ફરીથી સરકારનો કોપ વરસવાની ભીતિ સેવાઈ રહી છે. જે વિવાદિત સુરક્ષા કાયદાને લીધે શરૂ થયેલા વિરોધપ્રદર્શન બાદ સતત વર્તાતી રહી છે.
ચીનનું કહેવું છે કે આ નવો કાયદો હૉંગ કૉંગમાં સ્થિરતા લાવશે પરંતુ વિવેચકોનું કહેવું છે કે તે અસહમતીનો અવાજ દબાવે છે.
બુધવારે રાત્રે 73 વર્ષીય જીમી લાઈ અને નેક્સ્ટ ડિજિટલ મીડિયા કંપનીના અન્ય બે સિનિયર અધિકારીની અટકાયત કરવામાં આવી હતી.
જોકે તેમાંથી અન્ય બેને જામીન મળી ગયા પરંતુ મિ. લાઈને જામીન ન મળ્યા.
કોણ છે જીમી લાઈ?
જીમી લાઈ લોકશાહીની હિમાયતી ચળવળના અગ્રણી સમર્થકોમાંથી એક છે. તેમની સંપત્તિ 1 બિલિયન ડૉલર્સથી પણ વધુ હોવાનો અંદાજો છે. શરૂઆતમાં તેમણે કપડાંના બિઝનેસમાં ઝંપલાવ્યું પછી મીડિયામાં ઝંપલાવ્યું અને નેક્સ્ટ ડિજિટલની સ્થાપના કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક મીડિયા ચીનના ભયમાં રહે છે. પરંતુ જીમી લાઈ ચીન માટે એક કાંટા સમાન છે. તેઓ તેમના પ્રકાશન દ્વારા સ્પષ્ટપણે ચીનના નેતૃત્ત્વ સામે ટીકાત્મક લેખો પ્રકાશિત કરતા રહે છે.
હૉંગ કૉંગમાં ઘણી વાર તેમને એક હીરો તરીકે જોવામાં આવ્યા છે. પરંતુ ચીનમાં તેમને એક દગાબાજ તરીકે જોવાય છે કે જે ચીનની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે.
આ વર્ષની શરૂઆતમાં નવા સુરક્ષા કાયદા હેઠળ તેમની પર વિદેશી તાકતો સાથે હાથ મિલાવી લીધા હોવાના પણ આરોપ લાગ્યા હતા.
ઑગસ્ટમાં તેમની ધરપકડ થઈ ગઈ હતી અને નવા સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ ધનારી સૌથી પહેલી હાઈ-પ્રોફાઇલ વ્યક્તિ બન્યા હતા.
તેમના અખબારની ઑફિસે પણ સંખ્યાબંધ પોલીસ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.
પછી જામીન પર તેમને મુક્ત કરાયા હતા. જોકે એ સમયે તેમણે બીબીસીને કહ્યું હતું કે આ ધરપકડો તો માત્ર શરૂઆત છે.
હૉંગ કૉંગમાં હાલ સ્થિતિ કેવી છે?
બુધવારે ઍક્ટિવિસ્ટ જોશુઆ વૉંગ, ઇવાન લામ અને એગ્નેસ ચોવને ગત વર્ષે થયેલા સામૂહિક પ્રદર્શનોમાં સંડોવણી બદલ જેલ થઈ છે.
શહેરના અગ્રણી યુવા પ્રદર્શનકારી નેતાઓને ગેરકાનૂની રીતે લોકોને ભેગા કરવાના આરોપ હેઠળ જેલ કરાઈ છે.
માનવઅધિકારો માટે સક્રિય સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે જેલની સજાને વખોડી છે.
શું છે વિવાદીત બિલ?
હૉંગ કૉંગમાં વિરોધપ્રદર્શન એક વિવાદિત બિલને લાવવાના કારણે શરૂ થયા હતા જેમાં એવી જોગવાઈ હતી કે આરોપીઓને ચીનમાં કેસ ચલાવવા માટે પ્રત્યર્પિત કરી શકાશે.
હાલ જે પ્રત્યર્પણ કાયદો છે તેમાં સંશોધનનો પ્રસ્તાવ હૉંગકૉંગની સરકાર ફેબ્રુઆરી મહિનામાં લાવી હતી.
તાઇવાનમાં એક વ્યક્તિ પોતાની પ્રેમિકાની કથિત રીતે હત્યા કરીને હૉંગકૉંગ પરત ફરી હતી. ત્યારબાદ કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
પોલીસ પર પ્રત્યર્પણ બિલ વિરોધી પ્રદર્શનકારીઓ પર જરૂર કરતાં વધારે બળ પ્રયોગ કરવાનો આરોપ લાગતા સ્થિતિ વધારે વણસી હતી.
શું છે હૉંગ કૉંગ-ચીન વિવાદ?
એ યાદ રાખવું જરૂરી છે કે હૉંગકૉંગ અન્ય ચાઇનીઝ શહેરો કરતાં અલગ છે. તે સમજવા માટે તેના ઇતિહાસ પર એક નજર કરવાની જરૂર છે.
હૉંગકૉંગ 150 કરતાં વધારે વર્ષો સુધી બ્રિટનની વસાહત હતું. 1842માં એક યુદ્ધ બાદ હૉંગકૉંગ ટાપુ બ્રિટનને સોંપવામાં આવ્યો હતો.
1984માં ચીન અને બ્રિટન એક સંયુક્ત ઘોષણાપત્ર પર સહમત થયા હતા. આના પ્રમાણે ભવિષ્યમાં હૉંગકૉંગને કેટલીક સ્વાયત્તતા અને સ્વતંત્રતા મળવાની હતી.
એટલે જ 1997માં સત્તાના હસ્તાંતરણ બાદ હૉંગકૉંગ ચીનનું વિશેષ ક્ષેત્ર બની ગયું અને 'એક રાષ્ટ્ર તેમજ બે વ્યવસ્થા'ની નીતિ અસ્તિત્વમાં આવી.
તેનો મતલબ એ થયો કે ઘોષણાપત્રના અંત સુધી હૉંગકૉંગ સૈદ્ધાંતિક રૂપે મુક્ત બજાર અને સ્વતંત્ર ન્યાયપાલિકા જાળવી શકે છે.
તેના પરિણામ સ્વરૂપે હૉંગકૉંગમાં તેની પોતાની કાયદા વ્યવસ્થા છે, બૉર્ડર અને પોતાના હકો છે.
હૉંગકૉંગમાં અંગ્રેજોના સમયની કૉમન લૉ સિસ્ટમ છે અને તે એક ડઝન કરતાં વધારે દેશો સાથે પ્રત્યર્પણ સંધિ ધરાવે છે. તેમાં અમેરિકા, બ્રિટન અને સિંગાપોર સામેલ છે.
હૉંગકૉંગ પાસે એવી સ્વતંત્રતા છે કે જે મુખ્ય ચીનમાં પણ નથી. પરંતુ સમીક્ષકોનું કહેવું છે કે તે સ્વતંત્રતા હવે છીનવાઈ રહી છે.
જમણેરી વિચારધારા ધરાવતા સમૂહોનો આરોપ છે કે ચીન કારણ વગર હૉંગકૉંગના કામમાં વચ્ચે પડે છે. આ સિવાય એક મુદ્દો લોકશાહી સુધારણાનો પણ છે.
હૉંગકૉંગના નેતાને 1200 સભ્યોની ઇલેક્શન કમિટીએ ચૂંટ્યા છે. મોટા ભાગના સભ્યો બિજિંગ સમર્થિત છે કે જેમને માત્ર 6% મતદારોએ પસંદ કર્યા છે.
હૉંગકૉંગના મિનિ કન્સ્ટીટ્યુશનમાં કહેવામાં આવ્યું છે કે નેતા અને વિધાનપરિષદની ચૂંટણી લોકશાહી ઢબે થવી જોઈએ.
2014માં ચીનની સરકારે કહ્યું હતું કે તેઓ મતદારોને તેમના નેતા પસંદ કરવાની છૂટ આપશે, પરંતુ નેતાઓની યાદી બિજિંગ સમર્થિત સમિતિ દ્વારા તૈયાર કરાશે.
હૉંગકૉંગમાં રહેતા મોટા ભાગના લોકો પારંપરિક રીતે ચાઇનીઝ છે અને હૉંગકૉંગ ચીનનો ભાગ છે, તે છતાં મોટાભાગના લોકો પોતાને ચાઇનીઝ નથી કહેતા.
હૉંગકૉંગની યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે મોટાભાગના લોકો પોતાને હૉંગકૉંગર્સ ગણાવે છે.
માત્ર 11% લોકો જ એવા છે કે જેઓ પોતાને ચાઇનીઝ માને છે અને 71% લોકો છે કે જેમનું કહેવું છે કે તેમને પોતાને ચાઇનીઝ નાગરિક ગણાવીને ગર્વનો અનુભવ થતો નથી. આ ભાવના યુવાનોમાં વધારે જોવા મળી રહી છે.
હૉંગકૉંગ પાસે તેનો અલગ કાયદો છે, ચીન કરતાં અલગ સંસ્કૃતિ છે અને તે 150 વર્ષ સુધી એક અલગ વસાહત હતું, એ ધ્યાનમાં રાખીને તેઓ પોતાને ચાઇનીઝ નથી ગણતા નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો