અમેરિકા ચૂંટણી : કમલા હેરિસનો વિજય અને અમેરિકી-ભારતીયોનો વધતો રાજકીય પ્રભાવ

ઇમેજ સ્રોત, SERGIO FLORES/ GETTY IMAGES
- લેેખક, સલીમ રિઝવી
- પદ, ન્યૂ યૉર્કથી બીબીસી ગુજરાતી માટે
અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામો બાદ ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જોસેફ બાઇડનને રાષ્ટ્રપતિ અને કમલા હેરિસને ઉપ-રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
આ વિજય સાથે જ ભારતીય મૂળનાં કમલા હેરિસે ઇતિહાસ રચી દીધો છે. તેઓ પ્રથમ મહિલા, પહેલાં ભારતીય મૂળનાં અને પહેલાં અશ્વેત અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટાયાં છે.
કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં જન્મેલા કમલા હેરિસનાં માતા શ્યામલા ગોપાલન મૂળ ભારતનાં ચેન્નાઈનાં રહેવાસી છે અને તેમના પિતા ડૉનલ્ડ હેરિસ મૂળ જમૈકાના છે.
કમલા હેરિસ માતા સાથે ભારતની મુલાકાત લેતાં રહ્યાં છે અને ત્યાં તેમના પરિવારના લોકો પણ રહે છે.

ઇમેજ સ્રોત, AFP
કમલા હેરિસની જેમ જ અમેરિકામાં રહેતા અન્ય મૂળ ભારતીયોની પણ આવી જ કંઈક કહાણી છે. જેમને તેમના માતાપિતાએ શિક્ષણ અને મહેનત પર ભાર મૂકી તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યાં.
અમેરિકામાં રંગ અને નસલના આધારે થતાં ભેદભાવનો ઇતિહાસ રહ્યો છે અને કેટલીક હદે અત્યાર સુધી પણ કાળા લોકોમાં એ ભાવના છે કે તેમની સાથે રંગભેદ થઈ રહ્યો છે.
પરંતુ અમેરિકામાં 1960ના દાયકામાંથી ઘણું બહાર આવી ગયું છે જેમાં કાળા લોકો રંગ અને વંશના આધારે નિયમિત રીતે ભેદભાવનો શિકાર બનતા હતા.
તેનું સૌથી મોટું ઉદાહરણ વર્ષ 2008માં જ્યારે એક કાળી વ્યક્તિ બરાક હુસૈન ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટાયા તે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવા માહોલમાં કમલા હેરિસએ ઐતિહાસિક વિજય મેળવીને ભારતીય મૂળના લોકો ખાસ કરીને યુવા પેઢીને ઘણી પ્રોત્સાહિત કરી છે કે તેઓ પણ અમેરિકામાં મહેનત કરીને ઉચ્ચપદ પર પહોંચી શકે છે.

અમેરિકામાં ભારતીયોનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, THOMAS B. SHEA/GETTY IMAGES
1960ના દાયકામાં ભારતથી અમેરિકા આવીને વસેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ધીમી ધીમે આગામી 4 દાયકામાં લાખોની સંખ્યામાં ભારતીયો અમેરિકા આવીને વસ્યા છે.
અમેરિકાના જનગણના વિભાગના 1980ના સરકારી આંકડા અનુસાર દેશમાં લગભગ 3 લાખ 60 હજાર મૂળ ભારતીયો રહે છે.
1990માં તેમની સંખ્યા વધીને 10 લાખ જેટલી થઈ ગઈ ને હવે આઈટી ક્ષેત્રમાં ભારતીય મૂળના લોકોએ અમેરિકામાં પ્રવેશ કરતા આ સંખ્યા વર્ષ 2000 સુધી 20 લાખ થઈ ગઈ.
જનગણના વિભાગ અનુસાર વર્ષ 2010માં 70 ટકા વધારા સાથે ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 28 લાખ 43 હજાર થઈ ગઈ હતી.
એક અંદાજા અનુસાર હવે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 40 લાખ છે.
ભારતીય મૂળના લોકોએ અમેરિકામાં આઈટી ક્ષેત્ર, મેડિકલ, બિઝનેસ, રાજનીતિ અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં પોતાનું મહત્ત્વ સિદ્ધ કર્યું છે.

ઇમેજ સ્રોત, MOHAMMED JAFFER
ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી આઈટી કંપનીઓના સીઈઓના વાત હોય કે પેપ્સી જેવી મલ્ટિનેશનલ કંપનીઓના મહત્ત્વના પદોની વાત હોય, ભારતીય મૂળના લોકોએ પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે.
આ જ રીતે મેડિકલ ક્ષેત્રની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ ભારતીય મૂળના લોકો મહત્ત્વના પદો પર જોવા મળે છે.
જેમાં બાઇડનના કોવિડ ટાસ્કફોર્સના વડા વિવેક મૂર્તિ પણ સામેલ છે.
આ પહેલા ભારતીય મૂળના બોબી જિંદલ લૂઇસિયાનામાં અને નિકી હેલી દક્ષણિ કૅરોલિનામાં ગવર્નરનાં પદ પર રહી ચૂક્યાં છે. જિંદલ અમેરિકાની સંસદના સભ્ય પણ રહ્યા છે અને નિકી હેલી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં દૂત પણ રહી ચૂક્યાં છે.
ફિલ્મો અને કળાની દુનિયામાં ઑસ્કર, ગ્રેમી પુરસ્કાર સહિત હોલિવૂડમાં પણ હવે કેટલાક ભારતીય કલાકારો પોતાની છાપ છોડી રહ્યા છે.

રાજનીતિમાં આવી રહ્યાં છે લોકો

ઇમેજ સ્રોત, UPENDRA CHIVUKULA
અમેરિકામાં ભારતીય સમુદાય આર્થિક રીતે મજબૂત છે અને વિવિધ રાજકીય સમુદાયની વ્યક્તિઓના ચૂંટણી ભંડોળમાં સક્રિય રીતે ભાગ લે છે.
હવે તેઓ દરેક સ્તરે રાજનીતિમાં ભાગ લઈ રહ્યાં છે. સ્કૂલ બોર્ડની ચૂંટણી હોય કે પછી શહેરી પરિષદની હોય અથવા મેયરનું પદ હોય. તેઓ પ્રાંતીય, વિધાનસભા ચૂંટણીમાં હવે સક્રિય રીતે ઝંપલાવે છે.
હાલ અમેરિકી સંસદમાં 4 ભારતીય મૂળનાં સાસંદો છે.
આ વખતે 2020ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડન બંનેએ ભારતીય મૂળના સમુદાયને આકર્ષવા માટે ભરપૂર પ્રયાસો કર્યાં હતાં. તેમાં કેટલાક વિસ્તારોમાં ટીવી પર વિશેષ જાહેરાતો પણ ચાલી હતી.
ગત કેટલીક ચૂંટણીમાં ભારતીય સમુદાય બંને માટે ભંડોળ ભેગું કરવાની કૅમ્પેનમાં પણ સામેલ થયો હતો.
ન્યૂ યૉર્કમાં ડેમૉક્રેટિક પાર્ટીના ચૂંટણીના અભિયાન માટે ભંડોળ એકઠું કરવાના કાર્યક્રમ આયોજિત કરવામાં સંત સિંહ ચટવાલ ઘણા સક્રિય રહ્યાં જેઓ ભારતીય મૂળના છે અને તેમની સાથે ઘણા વ્યવસાયીઓ સક્રિય રહ્યાં.
સંત સિંહ ચટવાલના ભંડોળ એકઠું કરવાના કેટલાક કાર્યક્રમોમાં જો બાઇડન અને હિલેરી ક્લિટંન સહિતના ડમૉક્રેટિક પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ સામેલ થતા રહ્યા.
સંત સિંહે બાઇડન અને કમલા હેરિસના વિજય વિશે કહ્યું, "આ ભારત અને ભારતીય મૂળનાં લોકો માટે ઘણી ખુશીની વાત છે. હવે ભારત અમેરિકા વચ્ચે સંબંધો વધુ મજબૂત થશે. જો બાઇડન મિત્ર છે, તે હવે ભારતના પણ મિત્ર છે અને ભારતીય મૂળના લોકોનાં પણ મિત્ર છે."

અત્યાર સુધી ઘણો બદલાવ

ઇમેજ સ્રોત, BHARAT BARAI
ત્રણ ચાર દાયકા પહેલા અમેરિકા આવેલા ભારતીય મૂળના લોકો હવે પોતાના શરૂઆત દિવસો યાદ કરતા કહે છે કે હવે તેમને દુનિયા બદલાયેલી નજરે જુએ છે.
ભારતીય મૂળના અમેરિકી ઉપેન્દ્ર ચિવુકુલા આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં જન્મ્યા હતા અને 1970ના દાયકામાં ભારતથી અમેરિકા આવ્યા હતા.
1980ના દાયકામાં ન્યૂ યૉર્કમાં ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમણે એટી ઍન્ડ ટી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કર્યું.
એ સમયે ભારતથી આવેલા ઘણા ઓછા લોકોનું વલણ રાજનીતિ તરફે હતું.
તિવુકુલા એ શરૂઆતી દિવસો યાદ કરતા કહે છે, "હું તો રાજનીતિના શરૂઆતી દિવસોમાં એકલો જ સ્થાનિક સ્તરે કામ કરતો હતો. એ સમયે ભારતીય મૂળના ઓછા લોકો પાસે ગ્રીન કાર્ડ અથવા અમેરિકી નાગરિકતા હતી."
ચિવુકુલા કહે છે,"ન્યૂજર્સીમાં 1992માં જ્યારે એક વાર હુ ભારતીય મૂળનાં લોકોનું વોટિંગ રજિસ્ટ્રેશન કરાવવા માટે સ્થાનિક મંદિરમાં ગયો ત્યારે 4 કલાક બેસવા છતાં માત્ર 1 વ્યક્તિએ નોંધણી કરાવી હતી."
પછી કેટલાક વર્ષો બાદ તેઓ ફ્રેંકલિન ટાઉનશિપના મેયર તરીકે ચૂંટાયા. ત્યાર બાદ વર્ષ 2001માં ચિવુકુલાએ ન્યૂજર્સીની વિધાનસભાની ચૂંટણી પણ જીતી. તેમના મુખ્ય બિલમાં સૌર ઊર્જા, ઑફશોર વિંડ, કૅંપ ઍન્ડ ટ્રૅડ વિગેરે સામેલ છે.
ઇજનેરી ક્ષેત્રમાં નિષ્ણાત હોવાથી તેમણે તકનીકી મામલાઓમાં પણ ઘણો ભાગ લીધો અને તેથી તેમના સાથી તેમને ટૅક ઍસેમ્બલીમૅન પણ કહે છે.
ચિવુકુલા 2014 સુધી ન્યૂજર્સીની ઍસેમ્બલીના સભ્ય રહ્યાં. તેમાં 6 વર્ષ સુધી તેઓ ઍસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર પણ રહ્યા.
વર્ષ 2012 અને 2014માં ચિવુકુલાએ ન્યૂજર્સીના સંસદીય ક્ષેત્રથી અમેરિકી સંસદની ચૂંટણી પણ લડી પરંતુ ડેમૉક્રેટિક પ્રાઇમરીમાં હારી ગયા હતા.
હવે ચવિકુલા ન્યૂજર્સીના યુટિલિટી બોર્ડના કમિશનર છે.
કમલા હેરિસના ઉપ-રાષ્ટ્રપતિ બનવા પર તેઓ કહે છે,"અમે બધા ઘણા ખુશ છીએ કે આપણા ભારતીય મૂળનાં મહિલા દેશનાં ઉપ-રાષ્ટ્રપતિ બન્યાં છે. હેરિસ ઘણા મહત્ત્વાકાંક્ષી છે અને તેમનાં માટે ઘણી સંભાવનાઓ રહેલી છે. હવે જોવું એ રહ્યું કે ક્યારે અને કેવી રીતે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિપદ સુધી પહોંચે છે."

ભારત- અમેરિકા પરમાણુ કરારમાં ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
આ જ રીતે ઇન્ડિયાનામાં રહેતા એક ભારતીય અમેરિકી ચિકિત્સકે અમેરિકામાં ઘણા દાયકા ગુજાર્યાં છે અને ભારતીય સમુદાયને અમેરિકામાં વિકસતો જોયો છે.
ગુજરાતના વડોદરામાં જન્મેલા ભારતીય મૂળના અમેરિકી ડૉક્ટર ભારત બરાઈ પાછલા 45 વર્ષોથી અમેરિકામં રહે છે. તેઓ 1970ના દાયકામાં ભારતમાં જ મેડિકલનો અભ્યાસ પૂરો કરીને અમેરિકા આવ્યા હતા.
ભારત બરાઈએ અમેરિકામાં મેડિકલ ઇન્ટર્નશિપથી પોતાની કારકીર્દિની શરૂઆત કરી અને દાયકાઓ બાદ તેઓ ઇન્ડિયાના પ્રાંતના બોર્ડ ઑફ ફિઝિશ્યનના અધ્યક્ષ પણ નિયુક્ત થયા. હાલ તેઓ આ બોર્ડના સૌથી લાંબા સમયથી અધ્યક્ષપદે કાર્યરત છે.
પાછલા 45 વર્ષો પર નજર નાખતા ડૉ. બરાઈ કહે છે,"પાછલા કેટલાક દાયકામાં ભારતીય સમુદાય શસક્ત થયો છે અને અમેરિકામાં પોતાની મહેનત અને ધગશથી આ સમુદાયે પોતાની અસર પણ જમાવી છે."
બરાઈ કહે છે કે અમેરિકામાં 1970 અને 80ના દાયકાના શરૂઆતી સમયમાં ભારતીય મૂળના ડૉક્ટરોએ પણ કેટલાક ભેદભાવનો સામનો કરવો પડતો હતો. તેઓ ઘણા રાજનેતાઓને મળતા હતા અને ભારતીય મૂળના લોકો અને ડૉક્ટરોના અધિકારો માટે મદદ મામલે વાતચીત કરતા હતા.
ધીમેધીમે સમુદાયની અસર એટલી વધી ગઈ કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત થવા લાગ્યા અને તેમાં ભારતીય મૂળના લોકોની ભૂમિકા મહત્ત્વ થઈ ગઈ.
ભારત બરાઈ કહે છે કે આવો જ એક પ્રસંગ હતો જેમાં ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ મદ્દે વાતચીત ચાલી રહી હતી ત્યારે તેમણે ભારત સાથે પરમાણ સંધિ માટે અમેરિકી સંસદમાં બિલ રજૂ કરવામાં સ્પોન્સર બનવા માટે એ સમયના ડમૉક્રેટિક સેનેટર જો બાઇડનની વૉશિંગ્ટનમાં મુલાકાતો લીઘી હતી.
વર્ષ 2007માં જો બાઇડન સાથે મુલાકાતનો ઉલ્લેખ કરતા બરાઈ કહે છે,"જ્યારે અમે તેમને પરમાણુ કરાર વિશે ભારત અમેરિકાના સહયોગ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું તો બાઈડને તરત જ હા કરી દીધી અને અમેરિકા-ભારત પરમાણુ કરારનું બિલ સરળતાથી પસાર થઈ શક્યું હતું."

'બાઇડન અને મોદીની પણ મિત્રતા થઈ જશે'

ઇમેજ સ્રોત, Getty Images
ભારત બરાઈએ 2014માં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ન્યૂ યૉર્કના મેડિસન સ્ક્વૅર ગાર્ડનનો કાર્યક્રમ પણ આયોજિત કરાવ્યો હતો જેમાં લગભગ 19 હજાર લોકોએ ભાગ લીધો હતો.
પરંતુ ભારત બરાઈ કહે છે કે 2019ના હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નું સૂત્ર નહોતું ઉચ્ચારવું જોઈતું.
"મને નથી લાગતું કે તેમણે બીજા દેશની ચૂંટણીમાં દખલગીરી કરવી જોઈતી હતી અને આ તેઓ સારી રીતે સમજે પણ છે."
બરાઈ જણાવે છે કે ટ્રમ્પના વિજય પછી 2007માં જ મોદીએ તેમને પૂછ્યું હતું કે ટ્રમ્પ આખરે જીતી કેવી રીતે ગયા?
બરાઈએ ડમૉક્રેટ અને રિપબ્લિકન બંનેને સમર્થન આપ્યું છે પરંતુ તેમણે ટ્રમ્પને 2020ની ચૂંટણીમાં મત નથી આપ્યો. બરાઈ કહે છે કે ટ્રમ્પનો વ્યવહાર અને તેમની ભાષા ઘણી અયોગ્ય છે અને તેથી તેઓ તેમને સમર્થન નથી આપી શકતા.
તેમણે એમ પણ કહ્યું કે તેમની દીકરી અને પરિવારના અન્ય સભ્યો જો બાઇડનના સમર્થક છે.
તેમની એક દીકરી ઇન્ડિયાના પ્રાંતમાં જો બાઇડનની કૅમ્પેનની મુખ્ય વ્યક્તિ હતી.
બરાઈ કહે છે કે તેમની દીકરી કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ બનતા ઘણી ઉત્સાહિત થઈ છે અને તેનું જોશ પણ વધ્યું છે.
ભારત બરાઈ કહે છે કે હવે જો બાઇડન પણ રાષ્ટ્રપતિ તરીકે ભારત સાથે સારા સંબંધો યથાવત રાખશે અને પીએમ મોદી સાથે તેમની મિત્રતા પણ થઈ જશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














