You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોબલ પુરસ્કાર: હેપટાઇટિસ-સીની શોધ કરનાર ત્રણ વૈજ્ઞાનિકોને 2020નું સન્માન
- લેેખક, જેમ્સ ગૅલેઘર
- પદ, વિજ્ઞાન અને આરોગ્યના મામલાના સંવાદદાતા
મેડિસિન ક્ષેત્રે વર્ષ 2020નું નોબલ પુરસ્કાર હેપટાઇટિસ સીની શોધ કરનાર ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યું છે.
મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર વૈજ્ઞાનિકો છે- બ્રિટિશ વૈજ્ઞાનિક માઇકલ હ્યૂટન અને અમેરિકન સંશોધકો હાર્વી જે ઑલ્ટર અને ચાર્લ્સ રાઇસ.
નોબલ કમિટીએ કહ્યું કે તેમના દ્વારા કરવામાં આવેલી શોધથી લાખો લોકોનું જીવન બચાવી શકાયું છે.
આ વાઇરસ સામાન્યરૂપે લિવર કૅન્સરનું કારણ બને છે અને આને કારણે લોકોને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડતું હોય છે.
1960ના દાયકામાં, રક્તદાન વડે લોહી મેળવનાર લોકોને ગંભીર હેપાટાઇટિસ (લિવર પર સોજો) આવતો હતો અને તેનું કારણ એક અજાણી બીમારી હતી.
નોબલ પ્રાઇઝ કમિટીએ કહ્યું કે એ સમયે લોહીમાં સંક્રમણ એ "રશિયન જુગાર" જેવું હતું.
અતિસંવેદનશીલ બ્લડ ટેસ્ટ આવવાથી દુનિયાના અનેક ભાગોમાં હવે આ પ્રકારના કેસને નાબૂદ કરી શકાયા છે અને અસરકારક ઍન્ટી-વાઇરલ ડ્રગ વિકસિત કરાયી છે.
પ્રાઇઝ કમિટિએ કહ્યું, " ઇતિહાસમાં પ્રથમ વખત, આ રોગની સારવાર થઈ શકે છે અને દુનિયામાંથી હેપટાઇટિસ સીને નાબૂદ કરવાની આશા વધી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ વાઇરસ હજી દર વર્ષે લગભગ સાત કરોડ લોકોને અસર કરે છે અને 400,000 લોકોનું આને કારણે મૃત્યુ થાય છે.
રહસ્યમય વાઇરસ
હેપટાઇટિસ એ અને બીની શોધ 1960ના દાયકામાં થઈ હતી.
પરંતુ પ્રોફેસર હાર્વી ઑલ્ટરે યુએસ નૅશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હૅલ્થમાં શોધ કરતા જણાવ્યું હતું કે આ સિવાય એ અન્ય રહસ્યમય ચેપ પણ રોગનું કારણ હોઈ શકે છે.
લોહી સંક્રમણ પછી પણ લોકો બીમાર પડી રહ્યા હતા.
સંક્રમિત દર્દીઓમાંથી લોહીને ચિમ્પાન્ઝીમાં સંક્રામિત કરવામાં આવ્યું તો જાણવા મળ્યે કે ચિમ્પાન્ઝી પણ બીમાર પડી ગયા હતા.
રહસ્યમય બીમારીને નૉન-એ, નૉન-બી હેપટાઇટિસ કહેવામાં આવી અને પછી તેની શોધ શરૂ થઈ.
પ્રોફેસર માઇકલ હ્યૂટન જે ત્યારે ફાર્મા કંપની શીરૉન સાથે જોડાયેલા હતા તેમણે આ વાઇરસનું જેનેટિક સિક્વન્સ છૂટૂં પાડ્યું. આનાથી ખબર પડી કે ફ્લાવીવાઇરસ પ્રકારનો વાઇરસ છે અને તેને હેપટાઇટિસ સી નામ આપવામાં આવ્યું હતું.
વૉશિંગટન યૂનિવર્સિટીમાં કામ કરતા પ્રોફેસર ચાર્લ્સ રાઇસે આ શોધને આગળ વધારી. તેમણે જેનેટિકલી તૈયાર કરવામાં આવેલ હેપટાઇટિસ સીને ચિમ્પાન્ઝીના લિવરમાં ઇન્જેક્ટ કર્યો અને તેનાથી હેપટાઇટિસની પુષ્ટિ થઈ.
નોબલ એસેમ્બલીના મહાસચિવ પ્રોફેસર થૉમસ પર્લમૅન આ સમાચાર માત્ર પ્રોફેસર ઑલ્ટર અને પ્રોફેસર રાઇસને આપી શક્યા હતા.
તેમણે કહ્યું, "જ્યારે મેં તેમને ફોન કર્યો ત્યારે તેમણે પહેલા તો એક-બે વખત ફોન ન ઉપાડ્યો. પછી જ્યારે મારી તેમની સાથે વાત થઈ ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા અને ખુશ હતા. તેમની પાસે શબ્દ જ નહોતા. "
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો