You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભત્રીજીના પુસ્તકમાંથી પાંચ સનસનાટીભર્યા કિસ્સા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભત્રીજી મેરી ટ્રમ્પ દ્વારા લખાયેલ પુસ્તક 'ટુ મચ ઍન્ડ નૅવર ઇનફ: હાઉ માય ફૅમિલી ક્રિએટેડ ધ વર્લ્ડઝ મોસ્ટ ડેન્જરસ મૅન' પુસ્તકની ચર્ચા આજકાલ ઘણી રીતે થઈ રહી છે.
મેરી ટ્રમ્પે આ પુસ્તકમાં દાવો કર્યો છે કે ટ્રમ્પ એવી આત્મમુગ્ધ વ્યક્તિ છે જેમણે સામાન્ય અમેરિકનના જીવને જોખમમાં મૂકી દીધા છે.
મેરી ટ્રમ્પ અહીં જ નથી અટક્યાં. તેમણે પોતાના કાકાને 'દગાખોર અને માથાભારે' પણ ગણાવ્યા છે.
અમેરિકાના મીડિયામાં આ પુસ્તકના કેટલાક ભાગ લીક થયા બાદ વ્હાઇટ હાઉસે તેમાં કરાયેલા કેટલાક દાવાને નકારી દીધા હતાં.
આ પુસ્તકની વિમોચન તારીખ 14મી જુલાઈ નક્કી કરવામાં આવી છે અને ટ્રમ્પ પરિવારે તેને રોકવા માટે કોર્ટમાં કેસ પણ કર્યો છે.
'આત્મમુગ્ધતાથી વધુ'
55 વર્ષીય મેરી તેમના કાકા ટ્રમ્પ માટે લખે છે, "જેટલું કરો તેટલું ઓછું છે."
તેઓ એમ પણ કહે છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખમાં 'એક આત્મમુગ્ધ વ્યક્તિની તમામ ખૂબીઓ' છે.
ક્લિનિકલ સાઇકૉલૉજીમાં ડૉક્ટ્રેટની ડિગ્રી ધરાવતાં મેરી કહે છે કે "તેઓ બીજા પાસેથી સમજદારી, સમર્થન, સહાનુભૂતિ, દૂરંદેશી, મિલનસારવૃતિ અને સંભાળ રાખવાની અપેક્ષા કરતાં વધારે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ડોનાલ્ડ માત્ર નબળા જ નથી, પરંતુ તેમનો અહમ્ પણ ખૂબ નાજુક છે. એટલે સુધી કે તેને દરેક ક્ષણે સંભાળવો પડે છે, કેમ કે તેઓ જાણે છે કે તેઓ જેવો દાવો કરે છે, તેવા બિલકુલ નથી."
પિતા, પુત્ર અને પ્રભાવ
મેરી જણાવે છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર તેમના પિતા ફ્રેડ ટ્રમ્પ સિનિયરનો ખૂબ જ પ્રભાવ હતો. તેથી તેઓ તેમના પિતા ફ્રેડ ટ્રમ્પ જુનિયર(મેરીના પિતા) પર દાદાગીરી કરતા હતા.
જ્યારે મેરી 16 વર્ષનાં હતાં, ત્યારે તેમના પિતાનું દારૂસંબંધી બીમારીને કારણે અવસાન થઈ ગયું હતું.
'ટુ મચ ઍન્ડ નૅવર ઇનફ: હાઉ માય ફૅમિલી ક્રિએટેડ વર્લ્ડઝ મોસ્ટ ડેન્જરસ મૅન'માં મેરીએ લખ્યું છે કે સિનિયર ટ્રમ્પનું વલણ તેમના મોટા પુત્ર માટે ખૂબ જ કઠોર હતું.
તેઓ ઇચ્છતા હતા કે કુટુંબનો રિયલ એસ્ટેટનો વ્યવસાય ફ્રેડ ટ્રમ્પ જુનિયર સંભાળે, પરંતુ જેમ-જેમ ફ્રેડ ટ્રમ્પ જુનિયર કુટુંબના વ્યવસાયથી દૂર થતા ગયા, સિનિયર ટ્રમ્પ પાસે બીજા પુત્ર (ડોનાલ્ડ) તરફ વળ્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
મેરી ટ્રમ્પનું કહેવું છે કે તેમણે આ નિર્ણય હસ્તે મોઢે નહોતો સ્વીકાર્યો.
અમેરિકાના ભાવિ 45મા રાષ્ટ્રપ્રમુખ પ્રત્યે સિનિયર ટ્રમ્પનું વલણ કેવું હતું, તેના વિશે મેરી લખે છે, "જ્યારે એંસીના દાયકામાં પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ, ત્યારે સિનિયર ટ્રમ્પ પોતાને પુત્રની ગેરલાયકાતથી અલિપ્ત ન રહી શક્યા. પિતા પાસે બીજા પુત્ર પર વિશ્વાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમની અંદરના શેતાનને સ્વતંત્રતા મળી ગઈ."
વ્હાઇટ હાઉસે આ દાવાને ફગાવી દીધા છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને તેમના પિતા પસંદ નહોતા કરતા. વ્હાઇટ હાઉસે કહ્યું છે, "રાષ્ટ્રપ્રમુખએ તેમના પિતા સાથેના તેમના સંબંધોને ખૂબ જ હૂંફાળા ગણાવ્યા છે અને તેમણે કહ્યું છે કે તેમના પિતાનું વર્તન પણ ખૂબ સારું હતું."
"મારે ડોનાલ્ડને જમીન પર લાવવા હતા"
મેરી ટ્રમ્પે પોતાના જીવનચરિત્રમાં વર્ણન કર્યું છે કે તેમણે કેવી રીતે 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ને ટૅકસ સંબંધિત દસ્તાવેજો પૂરા પાડ્યા હતા, જેનો ઉપયોગ 14,000 શબ્દોનો ઇન્વેસ્ટિગૅટિવ રિપોર્ટ લખવા માટે કરવામાં આવ્યો હતો.
આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે "નેવુંના દાયકામાં ટ્રમ્પે ટૅક્સના દસ્તાવેજમાં કથિત રૂપે ગરબડ કરીને તેમના પિતાથી મળેલી સંપત્તિમાં ખૂબ વધારો કર્યો હતો."
રિપોર્ટમાં આવી કેટલીક ઘટનાઓને ટાંકવામાં આવી હતી, જે સ્પષ્ટ રીતે છેતરપિંડીનો કેસ હોવાનું દર્શાવતી હતી.
મેરીએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં પત્રકારો તેમના ઘરે આવ્યા અને તેમનો સંપર્ક કર્યો. શરૂઆતમાં તેઓ પત્રકારોને મદદ કરવામાં અચકાતાં હતાં.
પરંતુ મેરીએ એક મહિના રાહ જોઈ અને નોંધ્યું, "ડોનાલ્ડ નિયમોને તોડીમરોડી નાખે છે, સંબંધોને જોખમમાં મૂકે છે અને નબળાને કચડી નાખે છે."
આ કથિત કૌભાંડને લગતા કાનૂની દસ્તાવેજોના 19 બૉક્સ કોઈક લૉ ફર્મ પાસે રાખવામાં આવ્યા હતા, જેને મેરીએ ચૂપચાપ પત્રકારોને પહોંચાડી દીધા.
મેરી એ પત્રકારોને ગળે લગાવી લીધા હતાં. તે પળ વિશે મેરી કહે છે કે, "મહિનાઓથી મને આટલો આનંદ નહોતો થયો."
"સીરિયન શરણાર્થીઓ માટે કામ કરતી એક સંસ્થામાં સ્વયંસેવક તરીકે કામ કરવું મારા માટે પૂરતું નહોતું. મારે ડોનાલ્ડને જમીન પર લાવવા હતા."
યુનિવર્સિટી 'ચીટર'
મેરી ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમના કાકાએ તેમના એક મિત્રને SAT પરીક્ષણમાં બેસવા માટે પૈસા આપ્યા હતા.
SAT એ પરીક્ષા છે જેનાથી યુનિવર્સિટીમાં પ્લેસમૅન્ટ નક્કી થાય છે.
મેરી કહે છે કે, "તેઓ એ વાતથી ચિંતિત હતા કે તેમના ગ્રેડ પૉઇન્ટ ઍવરેજ હતા, જેનાથી પોતાના વર્ગમાં તેઓ પાછળ રહી ગયા હતા."
"તેમણે એક સ્માર્ટ છોકરાને આ કામ માટે પસંદ કર્યો, જે પરીક્ષા પાસ કરવામાં કુશળ હતો. ડોનાલ્ડને ક્યારેય પૈસાની અછત નહોતી. તેમણે પોતાના મિત્રને સારી એવી રકમની ચૂકવણી કરી હતી."
ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયૉર્કની ફૉર્ડહમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો પરંતુ પાછળથી પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વ્હૉર્ટન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરવા જતા રહ્યા હતા.
વ્હાઇટ હાઉસ આ દાવો નકારી કાઢ્યો છે કે રાષ્ટ્રપ્રમુખએ યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષામાં છેતરપિંડી કરી હતી.
'ડોનાલ્ડે ક્યારેય મારા પિતાને સન્માન નહોતું આપ્યું'
મેરી ટ્રમ્પે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે, "પરિવારની મોટા ભાગની ખામીઓ માટે ફ્રેડ ટ્રમ્પ સિનિયર જવાબદાર હતા."
"ન્યૂયૉર્ક શહેરમાં સ્થાવર મિલકતના ઉદ્યોગપતિ એવા ટ્રમ્પ પરિવારના વડાએ માનવીય સંવેદનાઓ શીખવાની અને સમજવાની ડોનાલ્ડ ટ્રમ્પની કાબેલિયતમાં હસ્તક્ષેપ કરીને તેમને બરબાદ કરી નાખ્યા."
મેરી લખે છે, "ડોનાલ્ડ ટ્રમ્પને તેમની પોતાની લાગણીઓથી દૂર રાખવામાં આવ્યા હતા અને તેમાંથી ઘણી લાગણીઓને નકારી દેવામાં આવી હતી. દુનિયા વિશે પુત્રની સમજદારી અને તેમાં જીવવાની કુશળતાને સિનિયર ટ્રમ્પે બગાડી નાખી હતી."
"સિનિયર ટ્રમ્પ ઋજુ હૃદય વિશે વિચારી જ નહોતા શકતા. જ્યારે પણ મારા પિતા ફ્રેડીએ કોઈ ભૂલની માફી માંગી હોય, ત્યારે તેઓ ઉશ્કેરાઈ જતા હતા. તેઓ તેમની મજાક ઉડાવતા હતા. સિનિયર ટ્રમ્પ ઇચ્છતા હતા કે તેમનો મોટો પુત્ર 'કિલર' બને. ડોનાલ્ડ ટ્રમ્પ મારા પિતા કરતાં સાત વર્ષ નાના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમય સુધી સિનિયર ટ્રમ્પ દ્વારા તેમના મોટા પુત્રને અપમાનિત કરાતા જોયા છે."
"ડોનાલ્ડ ટ્રમ્પે એક સરળ પાઠ શીખ્યો કે મારા પિતા ફ્રેડી જેવા બનવું યોગ્ય નથી. સિનિયર ટ્રમ્પે ક્યારેય તેમના મોટા પુત્રનો આદર નહોતો કર્યો, અને ડોનાલ્ડે પણ નહીં."
ભત્રીજી વિશે ટિપ્પણી
મેરી ટ્રમ્પ લખે છે કે તેમના કાકાએ તેમને પોતાના પર એક પુસ્તક લખવાનું કહ્યું હતું, જેમાં બીજા કોઈનું નામ લેખક તરીકે લખવામાં આવે.
પુસ્તકનું નામ આપવામાં આવ્યું હતું 'આર્ટ ઑફ ધ કમબૅક'. તેમણે નારાજ મહિલાઓની એક સૂચિ પણ આપી હતી, જેમને તેઓ ડેટ કરવાના હતા પણ વાત બની નહોતી અને અચાનક તે લોકો ખરાબ અને કદરૂપા બની ગયાં, જેમને તેઓ ક્યારેય મળ્યા નહોતા.
મેરીનો આરોપ છે કે આ કામ માટે તેમણે પાછળથી કોઈ બીજાને નોકરી પર રાખ્યો હતો અને તેમને કરેલા કામનું કોઈ મહેનતાણું ચૂકવ્યું નહોતું.
મેરી કહે છે કે તેઓ જ્યારે તે 29 વર્ષનાં હતાં, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઇશારામાં તેમનાં શરીર વિશે કૉમેન્ટ કરી હતી. 'હું તેમની ભત્રીજી છું અને ત્યારે તેઓ તેમની બીજી પત્ની માર્લા મેપલ્સ સાથે
લગ્નગ્રંથીથી જોડાયેલાં હતાં.'
તેઓ કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમનાં હાલનાં પત્ની મિલેનિયાને કહ્યું હતું કે તેમનાં ભત્રીજી (મેરી) એ યુનિવર્સિટીમાંથી અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો છે અને પુસ્તકના પ્રોજેકટ માટે જયારે કાર્ય કરવા આવતાં હતાં, ત્યારે તેઓ ડ્રગ્સ લેતાં હતાં.
મેરી કબૂલ કરે છે કે તેણે કૉલેજ છોડી દીધી હતી, પરંતુ ડ્રગ્સ લેવાની વાતથી તેઓ ઇન્કાર કરે છે.
મેરીનું કહેવું છે કે તેમના કાકાએ આ વારતા સ્વયં પોતાને ઉદ્ધારક તરીકે રજૂ કરવા માટે ઘડી હતી.
"આ વારતા તેમના ફાયદા માટે હતી અને તે અન્ય લોકો માટે પણ લાભકારક હતી અને જયાં સુધી કોઈ બીજું સવાલ ઉઠાવે, ત્યાં સુધીમાં તેમણે પોતાની વાર્તા પર કદાચ સ્વંય પણ વિશ્વાસ કરી લીધો હતો."
કોણ છે મેરી ટ્રમ્પ?
55 વર્ષીય મેરી ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખના મોટા ભાઈ ફ્રેડ ટ્રમ્પ જુનિયરનાં પુત્રી છે.
વર્ષ 1981માં 42 વર્ષની વયે ફ્રેડ ટ્રમ્પ જુનિયરનું અવસાન થયું હતું. તેઓ આજીવન દારૂ પીવાની લત સામે લડતા રહ્યા અને હાર્ટ-ઍટેકને કારણે અકાળે તેમનું અવસાન થયું.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ભાઈની વ્યક્તિગત સમસ્યાઓના કારણે જ તેમના વહીવટી તંત્રે ડ્રગની મહામારી સામે પગલાં લીધાં હતાં.
ગયા વર્ષે 'વૉશિંગ્ટન પોસ્ટ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ તેમના મોટા ભાઈને પરિવારના રિયલ એસ્ટેટના વ્યવસાયમાં જોડાવવા માટે દબાણ કરવા બદલ દિલગીર છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જયારથી રાષ્ટ્રપ્રમુખ બન્યા છે, ત્યારથી મેરી ટ્રમ્પ હેડલાઇનથી દૂર રહ્યાં છે. જોકે તેઓ ભૂતકાળમાં તેમની ટીકા કરતાં હતાં.
'વૉશિંગ્ટન પોસ્ટ'ના રિપોર્ટ અનુસાર, મેરીએ 2016માં ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ કહ્યું હતું કે "આ મારા જીવનની સૌથી ખરાબ રાત છે."
"સઘન સમીક્ષા કરવાની જરૂર છે, મને મારા દેશ માટે અફસોસ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો