મહેન્દ્ર સિંહ ધોની : માહીએ સુશાંત સિંહ રાજપૂતને કેમ કહ્યું હતું કે તું સવાલ બહુ પૂછે છે

    • લેેખક, પરાગ પાઠક
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

સુશાંત સિંહ રાજપૂત પટનાના રહેનારા હતા. મહેન્દ્રસિંહ ધોનીનું ઘર રાંચી છે. અલગ રાજ્ય બનતા પહેલાં ઝારખંડ બિહારનો જ હિસ્સો હતું. એટલા માટે બંને જગ્યાઓમાં સમાનતા છે.

સુશાંત સિંહ રાજપૂતનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈને પણ આકર્ષિત કરી શકતું હતું. એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તેમનો ઝુકાવ અભિનય તરફ ગયો અને એમણે વચ્ચેથી અભ્યાસ છોડી બૉલિવૂડ તરફ નજર કરી.

ટીવી સિરિયલમાં કામ કર્યા પછી તેઓ હિંદીભાષી પ્રદેશોમાં ઘરે ઘરે ઓળખાતા થઈ ગયા. એ પછી એમની યાત્રા શરૂ થઈ મોટા પડદા ઉપર.

બીજી તરફ મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીથી પોતાના ક્રિકેટ કૅરિયરની શરૂઆત કરી. ફૂટબૉલમાં ગોલકીપરની ભૂમિકામાં રમનારા ધોની ક્રિકેટમાં વિકેટકીપરની ભૂમિકામાં રમવા લાગ્યા.

લાંબા વાળ ધરાવતા ધોનીને બાઈકનો ઘણો શોખ છે. તેમણે ખડકપુર રેલવે સ્ટેશન પર ટીસીની નોકરી કરી. તેમણે ઝારખંડની રણજી ટીમ સાથે રમવાની શરૂઆત કરી અને પછી ઇન્ડિયા એ ટીમથી થઈ ટીમ ઇન્ડિયા સુધીનો મુકામ મેળવ્યો. એ પછી તો તેઓ ટીમ ઈન્ડિયાના એક શાનદાર બેટ્સમેન અને સફળ કૅપ્ટન બનીને ઉભર્યા.

મૅચ ફિનિશરના રૂપમાં તેમણે ક્રિકેટપ્રેમીઓમાં તેમની એક ખાસ જગ્યા બનાવી. મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટ પ્રેમીઓ માહી પણ કહે છે. તેમને એ વાત માટે પણ ઓળખવામાં આવે છે કે ઊંચાઈ પર પહોંચ્યા બાદ તેમણે પોતાનું ધૈર્ય ન ગુમાવ્યું અને હંમેશા શાંત ચિત્તે રમતા રહ્યા.

સુશાંત સિંહ રાજપૂતનો ચહેરો કે કદ-કાઠી ધોની સાથે મળતા ન હતા. તેમ છતાં તેઓ મોટા પડદા ઉપર ધોનીની ભૂમિકા નિભાવવા માટે તૈયાર થઈ ગયા. એમણે આ રોલને નિભાવવામાં કોઈ કસર પણ ન છોડી.

પડદા ઉપર ધોની બનવા માટે સુશાંત સિંહ રાજપૂતે ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે પાસેથી એક વર્ષ સુધી ટ્રેનિંગ લીધી. કિરણ મોરેએ એમને શીખવ્યું કે વિકેટકીપર કેવી રીતે વિચારે છે અને એમની મુવમૅન્ટ કેવી હોય છે. કેવી રીતે તેઓ પોતાને ફિટ રાખે છે અને કેવી રીતે બૉલર સાથે સમન્વય સાધે છે. બિલકુલ કોઇ ક્રિકેટરની જેમ જ એમણે સુશાંતને ટ્રેનિંગ આપી.

એક વીડિયો ઍનાલિસ્ટે એમને ધોનીના દરેક શૉટને ઝીણવટથી સમજાવ્યા.

આગળ વધીને કેવી રીતે મોટા શૉટ મારવા અને કેવી રીતે બૅટ પકડવું આ બધું વીડિયો ઍનાલિસ્ટની મદદથી સુશાંતે આ ભૂમિકાને નિભાવવા માટે સમજ્યું.

સુશાંતને ધોનીના મશહૂર હૅલિકોપ્ટર શૉટમાં છ ફ્રેમમાં બતાવાયા.

પછી બૉલિંગ મશીનની મદદથી સુશાંતને બૉલ નાખવામાં આવ્યા. સુશાંત એક દિવસમાં 300થી વધુ વાર હૅલિકોપ્ટર શૉટની પ્રેક્ટિસ કરતા હતા, જેથી સ્ક્રીન ઉપર તેમનો શૉટ બનાવટી ના લાગે.

કિરણ મોરે અને વિડીયો ઍનાલિસ્ટ પાસેથી ટ્રેનિંગ લેતા પહેલા સુશાંતે જુહુમાં ગૌતમ માંગેલા પાસેથી શરૂઆતની ટ્રેનિંગ લીધી હતી. ગૌતમ પાછલા 25 વર્ષોથી એક ક્રિકેટ ઍકેડમી ચલાવે છે. પોતાના પુત્ર સાથે મળીને તેઓ યુવા ખેલાડીઓને પોતાની ઍકેડેમીમાં ટ્રેનિંગ આપે છે.

ધોનીની ભૂમિકા ભજવવાની તૈયારી

ધોની બનવાની એક વર્ષની ટ્રેનિંગ દરમિયાન સુશાંત ત્રણવાર ધોનીને મળ્યા હતા. પહેલી મુલાકાત દરમિયાન સુશાંતે ધોની પાસેથી એમની સફળતાની સફર વિશે સાંભળ્યું. બીજી મુલાકાતમાં સુશાંત પાસે ધોનીને પૂછવા માટે ઘણા બધા સવાલ હતા. જ્યારે ધોનીએ સુશાંતને કહ્યું કે તું સવાલ બહુ પૂછે છે તો સુશાંતનો જવાબ હતો કે "ફૅન્સ તમને મારામાં શોધવાના છે. એટલા માટે મારે તમને સમજવા પડશે."

કિરણ મોરેએ સુશાંતને ધોનીની ભૂમિકા નિભાવવામાં મદદ કરી હતી અને તેમના આ પ્રયાસોને નજીકથી જોયા હતા. તેઓ કહે છે, "સુશાંત એક કલાકાર હતા, ક્રિકેટર નહીં. પરંતુ એમણે ક્રિકેટની તમામ બારીકાઈ શીખી. તેઓ આકરી મહેનત માટે તૈયાર રહેતા હતા. તેમણે ઝડપી બૉલરોની સાથે-સાથે બૉલિંગ મશીનનો પણ સામનો કર્યો. તેમણે પાછળ વળીને ન જોયું. સુશાંતે દોઢ મહિનાનો સમય લીધો ધોનીના હૅલિકોપ્ટર શૉટને આત્મસાત કરવા માટે તેઓ નૅટ પર રોજ 300થી 400 બૉલનો સામનો કરતા હતા."

બૅટિંગ દરમિયાન તમારી પાસે બૅટનો સહારો હોય છે. પરંતુ જ્યારે તમે વિકેટકીપિંગ કરતા હો છો તો બૉલ સીધો તમારી પાસે આવે છે. પ્રેક્ટિસ દરમિયાન સુશાંતને ચહેરા, આંગળીઓ અને છાતી પર ઈજા પણ થઈ હતી. એકવાર બૉલથી તેમની પાંસળીઓમાં વાગ્યું અને તેમને દસ દિવસ સુધી આરામ કરવો પડ્યો હતો.

કિરણ મોરે જણાવે છે કે સુશાંત અંધેરીમાં હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલ, ચંદ્રકાન્ત પંડિત ઍકેડેમી અને બીકેસી કૉમ્પલૅક્સ ઑફ મુંબઇ ક્રિકેટ અસોસિએશનમાં પ્રેક્ટિસ કરતા હતા. સુશાંતને સવારે સાત વાગ્યે પ્રેક્ટિસમાં આવવાનું રહેતું. તેઓ ક્યારેય પણ મોડા પડતા ન હતા.

ધોનીના રોલ માટે સુશાંતને કેવી રીતે પસંદ કરાયા?

ધોનીના બિઝનેસ પાર્ટનર અને ફિલ્મના નિર્માતા અરૂણ પાંડે આને લઈને એક કિસ્સો સંભળાવે છે કે કેવી રીતે સુશાંતને આ ભૂમિકા માટે પસંદ કરાયા હતા. ધોનીની ટીમે કેટલાક નામ આ રોલ માટે પસંદ કર્યા હતા. એમાં સુશાંતનું પણ નામ હતું. ફિલ્મ 'કાઈ પો છે'માં સુશાંતે એક ક્રિકેટ કોચની ભૂમિકા નિભાવી હતી. એટલા માટે એવું લાગતું હતું કે તેઓ ક્રિકેટ રમી ચૂક્યા હતા. ધોનીની ભૂમિકા ભજવવામાં પણ તેમને રસ હતો. જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે તેઓ એ 'કાઇ પો છે' જોઈ છે તો એમણે કહ્યું કે હા.

તેમણે સુશાંતની ઍક્ટિંગ ફિલ્મમાં જોઈ છે. એટલા માટે ફિલ્મના ડિરેક્ટર કોણ હશે એના પહેલા નક્કી થઈ ગયું હતું કે સુશાંત જ ધોનીની ભૂમિકા નિભાવશે.

જ્યારે ફિલ્મી તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે સુશાંત ધોનીની મૅચ જોયા કરતા હતા. તેઓ હોટલની લૉબીમાં બેસીને ધોનીના વ્યક્તિત્વને સમજવાના પ્રયાસ કર્યા કરતા. તેઓ બારીકાઈથી ધોનીના દરેક વર્તન ઉપર નજર રાખતા હતા. તેઓ પોતાની ટીમના સભ્યો સાથે કેવી રીતે વાત કરે છે, તેઓ પોતાના પ્રશંસકો સાથે કેવી રીતે વાત કરે છે અને કોઈ અજાણી વ્યક્તિને કેવી રીતે મળે છે. એમની રીતભાત શું છે, એમના હાવભાવ કેવા છે. બધું જ.

ફિટનેસને લઈને આકરી મહેનત

ક્રિકેટની દુનિયામાં ધોની પોતાની ફિટનેસ માટે જાણીતા છે. એટલા માટે સુશાંતે એવા ક્રિકેટરની ભૂમિકા ભજવવા માટે આકરી મહેનત કરવાની હતી. પહેલાં તબક્કામાં તેમની શારીરિક ક્ષમતાનું પરીક્ષણ કરાયું. આ તબક્કામાં તેમણે કસરત, બૉક્સિંગ, વિઘ્ન દોડ અને ટ્રેકિંગ જેવી અનેક શારીરિક ગતિવિધિઓ કરવી પડી.

બીજા તબક્કામાં સુશાંતે બૅલેટ ડાન્સિંગની ટ્રેનિંગ લેવી પડી. ત્રીજા તબક્કામાં સુશાંતે જિમમાં મશીનના સહારે પરસેવો પાડવો પડ્યો. એ ઉપરાંત સાયક્લિંગ અને ફૂટબૉલ પણ રમવું પડ્યું. જ્યારે ફિલ્મ 'એમ.એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' રિલીઝ થવાની હતી ત્યારે બીબીસીએ સુશાંત સિંહ રાજપૂતનો ઇન્ટરવ્યૂ લીધો હતો.

એ દરમિયાન સુશાંતે કહ્યું હતું કે એમની અને ધોનીની જિંદગી એક જેવી છે.એમણે કહ્યું હતું, "મારા અને ધોનીના જીવનમાં અનેક સમાનતાઓ છે. એનાથી મને ધોનીની ભૂમિકા નિભાવવા મદદ મળી. મેં એમની જીવન યાત્રામાં પોતાને જોઈ રાખ્યો હતો. એટલે મારા માટે તેમની ભૂમિકા નિભાવવી થોડી સરળ રહી."

"જોકે અમારા ક્ષેત્ર અલગ-અલગ છે પરંતુ અમારા જીવનની પેટર્ન એક જેવી છે. અમે દરેક ફ્રંટ પર જોખમ લઈએ છીએ અને સફળ થઈએ છીએ. લોકોને ધોની વિશે ઘણી બધી ખબર છે એટલા માટે સ્ક્રીન પર નાની ભૂલ પણ મોટી લાગશે. "

'એમ.એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' 30 સપ્ટેમ્બર 2016ના દિવસે રિલીઝ થઈ હતી. ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું હતું. ક્રિકેટ અને ફિલ્મ ચાહકો વચ્ચે આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મ તેલુગુ અને તમિલમાં પણ ડબ કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો