#hantavirus : જ્યારે સુરતમાં હંતા વાઇરસ અંગે વૉર્નિંગ જાહેર કરવામાં આવી

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, TIMOTHY A. CLARY/AFP/GETTY IMAGES

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

કોરોના વાઇરસની મહામારીથી ગુજરાત સહિત દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે નવા એક વાઇરસના જોખમની ચર્ચા ટ્વિટર પર શરૂ થઈ ગઈ છે.

મંગળવારે ટ્વિટર પર #hantavirus ટોચના ટ્રૅન્ડમાં આવી ગયું હતું.

થોડા જ કલાકોમાં #hantavirus સાથે એક લાખ 89 હજાર કરતાં વધારે ટ્વીટ કરવામાં આવ્યાં.

24મી માર્ચે ભારતીય સમય પ્રમાણે સવારે 6.42 વાગ્યે ગ્લોબલ ટાઇમ્સે તેમના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું :

"યુન્નાન પ્રાંતની એક વ્યક્તિનું સોમવારે ચાર્ટર્ડ બસમાં મૃત્યુ થયું હતું, તેમનો #hantavirusનો ટેસ્ટ કરાયો હતો અને રિપોર્ટ પૉઝિટિવ હતો. બસમાં સવાર અન્ય 32નો પણ ટેસ્ટ કરવામાં આવ્યો."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

હંતા વાઇરસ અંગે ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મો પર ફેક ન્યૂઝ પણ ફેલાઈ રહ્યા છે.

લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે ચીનમાં હંતા નામનો એક નવો વાઇરસ આવ્યો છે. શું આ વાઇરસ નવો છે? શું એની શરૂઆત ચીનમાં થઈ હતી?

line
કોરોના વાઇરસ
line

શું છે હંતા વાઇરસની હકીકત?

કોરોના વાઇરસ

હંતા વાઇરસના કારણે ચીનમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ હોવાની વિગતો વિશે મીડિયા રિપોર્ટ્સ મળે છે. કોરોના વાઇરસ બાદ શું બીજા વાઇરસનું જોખમ?

જોકે જે રીત સોશિયલ મીડિયામાં દાવા કરાઈ રહ્યા છે એ રીતે આ નવો વાઇરસ નથી.

વર્ષ 2019માં પેટાગોનિયામાં હંતા વાઇરસના પગલે કેટલાક લોકોનાં મૃત્યુ થયાં હતાં.

એ વખતે વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું હતું કે હંતા વાઇરસથી થતાં સંક્રમણમાં મૃત્યુદર 38 ટકા જેટલો હોય છે અને તેનો કોઈ ચોક્કસ ઇલાજ નથી.

આ વાઇરસ પણ કોરોના વાઇરસની માફક ફેફસાંને અસર કરે છે, જેના પગલે હાર્ટ ફેઇલિયરની પણ શક્યતા રહેલી હોય છે.

વર્ષ 2012માં કૅલિફોર્નિયામાં હંતા વાઇરસના સંક્રમણના કેસ નોંધાયા હતા.

હંતા વાઇરસ પુલ્મોનરી સિન્ડ્રોમને HPSના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. તેનો પહેલા કેસ વર્ષ 1993માં યુએસમાં નોંધાયો હતો.

જોકે કેટલાક સંશોધકો એવો પણ દાવો કરતા રહ્યા છે કે વર્ષ 1959થી આના કારણે અમેરિકામા લોકોનાં મૃત્યુ થયાં હોવાનાં પુરાવા છે.

વાઇરસ વિશે જાણ થયા બાદ વૈજ્ઞાનિકોએ સાચવી રખાયેલાં ફેફસાંનાં ટિશ્યૂનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો, જેનાથી ખ્યાલ આવ્યો કે 1959થી આ વાઇરસનો લોકો ભોગ બની રહ્યા છે.

વર્ષ 2011ના અંત સુધીમાં યુએસમાં HPSના 587 કેસ નોંધાયા હતા.

line

ગુજરાતમાં હંતા વાઇરસ?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રી પ્રેસ જરનલ તેમના અહેવાલમાં નોંધે છે કે ભારતમાં અગાઉ હંતા વાઇરસના કેસ નોંધાયેલા છે.

આ અહેવાલમાં લખ્યું છે કે ભારતમાં અનેક કેસો નોંધાયા છે, પરંતુ તામિલનાડુનો 2008નો કેસ ચર્ચિત રહ્યો હતો.

વર્ષ 2008માં તામિલનાડુના વેલ્લોરમાં ઇરુલા સમુદાયના 28 લોકો આ વાઇરસથી સંક્રમિત થયા હતા.

આ સમુદાય સાપ અને ઉંદર પકડવાનું કામ કરે છે.

વર્ષ 2016માં મુંબઈમાં એક બાર વર્ષીય બાળકનું પણ આ વાઇરસના સંક્રમણથી મૃત્યુ થયું હતું. અહેવાલ પ્રમાણે એ બાળકના ફેફસાંમાંથી લોહી નીકળવા લાગ્યું હતું, જે આ વાઇરસના સંક્રમણનું એક લક્ષણ છે.

વર્ષ 2015માં ડાઉન ટુ અર્થ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હંતા વાઇરસ હોવા અંગે વૈજ્ઞાનિકો શંકા વ્યક્ત કરી હતી.

ઉંદર પણ આ વાઇરસના વાહક હોવાથી તેને 1994માં ફાટી નીકળેલા પ્લેગ સાથે સંબંધ હોવાનું મનાતું હતું.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ઑગસ્ટ 2006માં HPSના કારણે સુરતમાં બે શંકાસ્પદ મૃત્યુ થયાં હતાં.

અહેવાલમાં નોંધ્યું છે કે એ વખતે સુરતમાં હંતા વાઇરસ અંગે વૉર્નિંગ પણ જાહેર કરવામાં આવી હતી.

મૃત્યુ પામનારા બંને યુવકોમાં પ્લેગના લક્ષણો જોવા ન મળતાં આવી શંકા સેવાઈ હતી.

જોકે એ દરમિયાનમાં હંતા વાઇરસનો કોઈ કેસ નોંધાયો હોવાના પુરાવા ઉપલબ્ધ નથી.

line

શું છે લક્ષણો?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

સીડીસીના રિપોર્ટ પ્રમાણે હંતા વાઇરસ ઉંદરથી ફેલાય છે.

જો કોઈ વ્યક્તિ ઉંદરનાં મળ-મૂત્રના સ્પર્શ્યા બાદ ચહેરા પર હાથ લગાવે તો હંતા સંક્રમિત થવાની આશંકા વધી જાય છે.

જોકે હંતા વાઇરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી.

તેના સંક્રમણ વિશે ખ્યાલ આવવામાં એકથી આઠ અઠવાડિયાં જેટલો સમય લાગે છે.

હંકાથી સંક્રમિત વ્યક્તિને તાવ, દુખાવો, શરદી, કળતર અને ઊલટી જેવી તકલીફો થાય છે.

હંતાથી સંક્રમિત વ્યક્તિની સ્થિતિ ખરાબ થાય તો ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.