You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-સાઉદી અરેબિયાના ઝઘડાને લીધે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના વાઇરસની દહેશત અને સુસ્ત વૈશ્વિક અર્થતંત્ર પછી હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલની કિંમતમાં મોટો ઘટાડો થયો છે.
ક્રૂડઑઇલના ભાવમાં આ પ્રકારનો ઘટાડો થયો હોય એવું અખાતી યુદ્ધ પછી પહેલીવાર બન્યું છે.
સોમવારે કુદરતી ખનીજ તેલના ભાવમાં 30 ટકા ઘટાડો નોંધાયો હતો. તેની અસર ભારત સહિતનાં દુનિયાભરના શેર બજારોમાં જોવા મળી હતી.
ક્રૂડ ઑઇલના ભાવમાં થયેલા ઘટાડાનાં ઘણાં કારણો છે અને તેની અનેક દૂરગામી અસર પણ થશે.
શું છે કારણો?
ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપૅક અને રશિયા વચ્ચે ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા સંબંધે સમજૂતી થઈ શકી નથી અને એ ક્રૂડઑઇલના ભાવમાં ઘટાડાનું સૌપ્રથમ કારણ છે.
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેના ઝઘડાને કારણે વાત વણસી છે. ઓપૅકમાં સાઉદી અરેબિયાનો દબદબો છે.
રશિયા તેનું સભ્ય નથી પણ એ અને સાઉદી અરેબિયા સાથે મળીને, માગના હિસાબે ક્રૂડનું ઉત્પાદન વધારતા કે ઘટાડતા રહ્યા છે.
આ કારણસર રશિયા સાથેના ઓપૅકને 'ઓપૅક પ્લસ'ના નામે પણ ઓળખવામાં આવતું હતું, પણ ગયા શુક્રવારે વિયેનામાં થયેલી બેઠકમાં રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી થઈ શકી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાઉદી અરેબિયા ઇચ્છતું હતું કે ક્રૂડનું ઉત્પાદન ઘટાડવામાં આવે, પણ રશિયા એ માટે રાજી થયું ન હતું.
ઍનર્જી ઍક્સપર્ટ અને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ નરેન્દ્ર તનેજા માને છે કે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેની અસહમતિનું કારણ, છેલ્લા કેટલાક સમયથી બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા મતભેદ, સાઉદી અરેબિયાનું પોતાની પ્રાયોરિટીને સર્વૌચ્ચ રાખવાનું વલણ અને તેનો વ્યક્તિગત એજેન્ડા છે.
તનેજાના જણાવ્યા અનુસાર, "રશિયા આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની હિસ્સેદારી વધારવા ઇચ્છે છે અને બન્ને દેશો વચ્ચેની અસહમતિનું એક કારણ આ પણ છે."
બીજી તરફ મધ્ય-પૂર્વના મામલાઓના જાણકાર તથા વરિષ્ઠ પત્રકાર હરેન્દ્ર મિશ્ર પોતાના નિર્ણયમાંથી પીછેહટ ન કરવાના રશિયાના વલણને પણ એક કારણ ગણાવે છે.
બીબીસી સાથે વાત કરતાં હરેન્દ્ર મિશ્રએ કહ્યું હતું, "રશિયાનું અર્થતંત્ર ઘણા અંશે ક્રૂડઑઇલ પર આધારિત થઈ ગયું છે."
"એટલું જ નહીં, ત્યાં ઑઇલ કંપનીઓનો દબદબો છે અને એ કંપનીઓ ક્રૂડનું ઉત્પાદન નહીં ઘટાડવા માટે રાજકીય દબાણ લાવી રહી છે. આ કારણસર રશિયા તેના નિર્ણયને ચુસ્ત રીતે વળગી રહ્યું છે."
ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની ભૂમિકા
નરેન્દ્ર તનેજા જણાવે છે કે "ક્રૂડઑઇલની કિંમત પર પાછલાં કેટલાંક વર્ષોથી અમેરિકાનો મોટો પ્રભાવ રહ્યો છે."
"તેનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા તેની સાથે જ શૅલનાઑઇલનું ઉત્પાદન ઘણું વધી ગયું હતું."
"શૅલના ઑઇલનું ઉત્પાદન અમેરિકામાં કુટિર ઉદ્યોગ જેવું છે. ત્યાં નાના વેપારીઓ તેનું ઉત્પાદન કરે છે."
શૅલ ઑઇલના ઉત્પાદનને કારણે અમેરિકાએ એક નિકાસકર્તા દેશ તરીકે પોતાનું સ્થાન ઘણું મજબૂત કરી લીધું છે.
એટલું જ નહીં, અમેરિકાએ તેની કૂટનૈતિક શક્તિનો ઉપયોગ કરીને પોતાને ત્યાંથી ઑઇલની આયાત કરતા દેશોની સંખ્યા પણ વધારી લીધી છે.
પરંપરાગત રીતે રશિયા કે સાઉદી અરેબિયા પાસેથી ક્રૂડ ખરીદતા ચીન, જાપાન અને ભારત જેવા દેશો હવે અમેરિકાના ગ્રાહક બની ગયા છે.
નરેન્દ્ર તનેજા કહે છે, "રશિયાને ટ્રમ્પની આ નીતિ પસંદ ન હોય એ દેખીતું છે. તેથી એ કોઈને કોઈ રીતે અમેરિકાના નબળું પાડવા ઇચ્છે છે."
બીજી તરફ, શૅલઑઇલની એક ખામી એ છે કે તેના ઉત્પાદનમાં ખર્ચ બહુ થાય છે. ક્રૂડ ઑઇલના ભાવમાં આ રીતે ઘટાડો થતો રહેશે અને તેના ભાવ 50 ડૉલરની નીચે ચાલ્યા જશે તો શેલઑઇલના નાના અમેરિકન ઉત્પાદકોને મોટું નુકસાન થશે અને તેઓ એ નુકસાન ખમી શકવાની સ્થિતિમાં નથી.
નરેન્દ્ર તનેજા કહે છે, "ક્રૂડઑઇલના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે તો શૅલ ઑઇલ કંપનીઓ ઠપ્પ પણ થઈ શકે છે. "
"તેનું પરિણામ આર્થિક નુકસાન તથા બેરોજગારીની સ્વરૂપમાં જોવા મળશે. એટલું જ નહીં, તેની અસર અમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણી પર પણ થશે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ જશે."
" તેનો અર્થ એ થાય કે રશિયાના વલણમાં તેની રાજકીય વ્યૂહરચના પણ સામેલ છે."
આ બધા ઉપરાંત લડાઈ 'ક્રૂડઑઇલના બાદશાહ' બનવા માટેની પણ છે. અત્યાર સુધી સાઉદી અરેબિયાને ક્રૂડઑઇલની દુનિયાનું બાદશાહ માનવામાં આવતું હતું, પણ છેલ્લા છ મહિનાથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને 'ક્રૂડઑઇલનું બાદશાહ' ગણાવી રહ્યા છે.
નરેન્દ્ર તનેજા ઉમેરે છે, "આ રશિયા અને સાઉદી અરેબિયાનો અંગત મામલો પણ છે."
"એક તરફ રશિયા સાઉદી અરેબિયાને એવો સંદેશો આપવા ઇચ્છે છે કે તેણે મોસ્કોને મામૂલી ગણવું જોઈએ નહીં, ત્યારે બીજી તરફ સાઉદી અરેબિયા રશિયાને સોદો કરવા સુધી લાવવાના પ્રયાસ કરી રહ્યું છે."
કોરોના ફૅક્ટર
ક્રૂડઑઇલના ભાવ ઘટવા માટે દુનિયાભરમાં ફેલાયેલી કોરોના વાઇરસની દહેશત પણ જવાબદાર છે.
કોરોનાના સંક્રમણને કારણે ટ્રાવેલ તથા ઍરલાઇન ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ નુકસાન થયું છે. લોકો પોતે જ પ્રવાસ કરતાં ગભરાઈ રહ્યા છે.
તેની સાથેસાથે ઘણા દેશો લોકોની આવનજાવન પર સામે ચાલીને નિયંત્રણ મૂકી રહ્યા છે.
તેનું તાજું ઉદાહરણ કતાર છે. તેણે ભારત સહિતના 14 દેશોના લોકોના પ્રવેશ પર અસ્થાયી રીતે પ્રતિબંધ લાદ્યો છે.
ઉપરાંત ભારત અને અમેરિકાએ પણ આવનજાવન પર પ્રતિબંધો જાહેર કરી દીધા છે.
કોરોનાથી ચીનના અર્થતંત્રને બહુ માઠી અસર થઈ છે અને તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ થઈ છે.
નરેન્દ્ર તનેજા માને છે કે "અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તેની ભૂમિકા કોરોનાના સંક્રમણે જ રચી છે, કારણ કે કોરોનાના કારણે માર્કેટ ખળભળી ઉઠ્યું,"
" માગમાં ઘટાડો થયો અને ભાવ વધવા લાગ્યા. એ પછી રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેની અસહમતિએ પરિસ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી છે."
ક્રૅડિટ રેટિંગ એજન્સી કૅર રેટિંગ્ઝના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસ પણ માને છે કે "વર્તમાન પરિસ્થિતિ માટે કોરોના વાઇરસને દહેશતે ટ્રિગરનું કામ કર્યું છે."
તેઓ કહે છે, "લોકોને વૈશ્વિક સુસ્તી કે મંદીનો ડર લાગવા માંડે ત્યારે આવું જ થતું હોય છે."
ભારતમાં સસ્તું થશે ક્રૂડઑઈલ?
ક્રૂડઑઇલના ભાવમાં ઘટાડાથી નિકાસકર્તા દેશોને નુકસાન થશે એ તો દેખીતું જ છે, પણ તેનો અર્થ એ થાય કે ક્રૂડઑઇલના ભાવ ઘટવાથી ભારત જેવા આયાતકર્તા દેશોને ફાયદો થશે? આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલના ભાવ ઘટવાથી ભારતમાં પણ તેમાં ઘટાડો થશે?
મદન સબનવીસ માને છે કે આગામી થોડા સમયમાં ભારત જેવા દેશોને તેનાથી થોડો ફાયદો જરૂર થશે.
તેઓ કહે છે, "ક્રૂડઑઇલના ભાવ ઘટવાથી ભારતની વેપાર ખાધ થોડી ઘટી શકે છે અને તેની ભારતીય રૂપિયાના મૂલ્ય પર પણ સકારાત્મક અસર થઈ શકે છે."
"સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારતમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર ટૅક્સમાંથી સારી એવી મહેસુલી કમાણી કરે છે."
"ભારતમં પેટ્રોલ તથા ડીઝલ જીએસટી હેઠળ પણ આવતાં નથી. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલના ભાવમાં ઘટાડો થાય છે ત્યારે સરકારની રૅવેન્યૂ પર તેની નકારાત્મક અસર થતી હોય છે."
"ક્રૂડઑઇલના ભાવ વધવાથી રૅવેન્યૂ પર તેની કોઈ અસર ન થાય એ માટે સરકાર પેટ્રોલ તથા ડીઝલ પરનો ટેક્સ પણ વધારી દેતી હોય છે."
મદન સબનવીસ ઉમેરે છે, "સરળ શબ્દોમાં કહીએ તો ક્રૂડઑઇલના ભાવ ઘટવાથી સરકારને થોડા ફાયદો જરૂર થશે, પણ એ ફાયદાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી."
ભારતને નુકસાન થશે?
ઍનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજા માને છે કે ક્રૂડઑઇલના ભાવમાં ત્રણ મહિના સુઘી આ રીતે ઘટાડો થતો રહેશે તો ભારત જેવા આયાતકર્તા દેશ માટે પણ એ નુકસાનકારક સાબિત થશે.
તેઓ કહે છે, "ભારત 85 ટકા ક્રૂડઑઇલ આયાત કરે છે. તેથી ભાવ ઘટવાથી તેને થોડા સમય માટે તો ફાયદો જરૂર થશે."
"ભારતીય અર્થતંત્ર, નાણાકીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ માટે એ થોડો સમય સારું હશે, પણ આ સ્થિતિ લાંબો સમય જળવાઈ રહેશે તો આખી દુનિયાના અર્થતંત્ર પર મંદીની આશંકા તોળાવા લાગશે."
નરેન્દ્ર તનેજા માને છે કે "ક્રૂડઑઇલના ભાવમાંનો ઘટાડો લાંબો સમય ચાલુ રહેવાથી, ઓમાન, કતાર, બહેરીન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત જેવા અખાતી દેશોમાં રહેતા લગભગ એક કરોડ ભારતીયોને પણ માઠી અસર થશે."
તેઓ કહે છે, "બધા અખાતી દેશોનું અર્થતંત્ર ક્રૂડઑઇલ પર આધારિત છે. ક્રૂડઑઇલના ભાવ સતત ઘટતા રહેવાથી ત્યાં કંપનીઓ બંધ થવાની, બેરોજગારીની અને અર્થતંત્રમાં મંદીની આશંકા સર્જાશે."
"તેની અસર ત્યાં રહેતા ભારતીયોને થશે, તેઓ તેમની કમાણીનો જે હિસ્સો ભારતમાં મોકલે છે તેના પર થશે અને ભારતની નિકાસ પર પણ થશે."
"એ સ્પષ્ટ છે કે તેની દૂરગામી અસર આખી દુનિયા માટે નકારાત્મક હશે. તેથી દુનિયાનું અર્થતંત્ર બરાબર ચાલે, અખાતી દેશોનું અર્થતંત્ર બરાબર ચાલે એ ભારતના હિતમાં છે."
ભારતમાં ક્રૂડઑઈલ ભાવ કેમ ઘટતા નથી?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલના ભાવ વધે ત્યારે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જાય છે તો ક્રૂડઑઇલના ભાવ ઘટવાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા કેમ નથી?
આ સવાલના જવાબમાં નરેન્દ્ર તનેજા કહે છે, "સરકારે દરેક ચીજનો વિચાર સમગ્રતાના સંદર્ભમાં કરવો પડે છે. ક્રૂડના ભાવ હંમેશાં નીચા રહેવાના નથી."
"એ જેટલી ઝડપથી ઘટશે એટલી જ ઝડપથી તેમાં ઉછાળો આવી શકે છે."
"ભારત સરકાર ક્રૂડઑઇલની કિંમતનું નિયમન વિશ્વના અર્થતંત્ર, રાજકારણ તથા કૂટનીતિ એ બધાને ધ્યાનમાં રાખીને કરે છે."
તેઓ ઉમેરે છે, "સરકાર ક્રૂડ ઑઇલના અર્થશાસ્ત્રનું મૂલ્યાંકન કોઈ એક ખાસ ઘટનાના સંદર્ભમાં નહીં, પણ વાર્ષિક સંદર્ભમાં કરે છે."
"અત્યારે જે થઈ રહ્યું છે એ એક ખાસ ઘટના છે. એ પરિસ્થિતિ આખું વરસ રહેવાની નથી. તેથી તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ અચાનક ઘટી જાય એ શક્ય નથી."
ભવિષ્ય કેવું હશે?
હાલની ઊથલપાથલ વચ્ચે ક્રૂડઑઇલ અને અર્થતંત્રનું ભાવે કેવું દેખાય છે?
અર્થશાસ્ત્રી મદન સબનવીસ માને છે કે કોરોનાને કારણે જે નુકસાન થયું છે તેની ભરપાઈ તરત નહીં થઈ શકે.
તેઓ કહે છે, "કોરોનાને કારણે અર્થતંત્રને નુકસાન થયું છે. ઑટોમોબાઇલ, ટ્રાવેલ અને ઍરલાઇન ઇન્ડસ્ટ્રી પર સૌથી માઠી અસર થઈ છે."
"સપ્લાય ચેઇન પર પણ તેની અસર થઈ છે. પરિસ્થિતિ પૂર્વવત થતાં કમસેકમ એક વર્ષ તો લાગશે જ."
મદન સબનવીસના જણાવ્યા મુજબ, "ઑઇલ ઉદ્યોગમાં જોખમનું તત્ત્વ હંમેશાં હોય છે અને પાછલા દાયકાથી એ જોખમમાં વધારો થયો છે."
મહત્ત્વની એક વાત એ પણ છે કે ઘણા દેશો હવે ક્રૂડઑઇલનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરી રહ્યા છે.
તેઓ રિન્યૂએબલ ઍનર્જી(અક્ષય ઊર્જા)ના સ્રોત શોધી રહ્યા છે.
તેથી આગામી દસ વર્ષમાં અર્થતંત્ર ક્રૂડઑઇલ ઉપર એટલું આધારિત નહીં હોય, જેટલું આજે છે અને ભૂતકાળમાં હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો