એ કારણો જેના લીધે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ છોડી દીધી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ધુળેટીના દિવસે ભોપાલથી લઈને નવી દિલ્હીના રાજકીય વર્તુળોમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા, અચાનક જ તેમણે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'મુલાકાત' અને 'ભાજપમાં સામેલ' થવાની ચર્ચાઓએ રાજ્ય અને દેશની રાજધાનીમાં જોર પકડ્યું હતું.

છેલ્લા લગભગ સવા વર્ષથી સિંધિયા પોતાની રાજકીય કૅરિયરમાં સૌથી લો પૉઇન્ટ પર હતા.

પહેલાં ડિસેમ્બર-2018માં કમલનાથથી તે રાજ્યના મુખ્ય મંત્રીપદની રેસમાંથી બહાર થઈ ગયા અને તે પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં પોતાની પરંપરાગત ગુના સીટ પરથી તેમના જ અનુયાયી કે. પી. યાદવ (ભાજપ) સામે હારી ગયા.

આ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સાથે તેમને પશ્વિમ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી, પણ ત્યાં કૉંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકી ન હતી.

કે. પી. યાદવની જીત દરમિયાન તેમની એક સેલ્ફી વાઇરલ થઈ હતી, જેમાં સિંધિયા ગાડીની અંદર બેસેલા હતા અને યાદવ બહારથી સેલ્ફી લઈ રહ્યા છે. યાદવ થોડા સમય માટે સિંધિયાના સંસદના પ્રતિનિધિ પણ રહ્યા હતા.

સિંધિયા, સમય અને સંઘર્ષ

લોકતંત્રમાં કોઈ મહારાજનું પોતાનાથી 'જુનિયર'થી હારી જવું કોઈ અચરજ પમાડે તેવી વાત નથી. સિંધિયાએ પણ હારનો સ્વીકાર કરીને કહ્યું કે તેઓ જનસેવાનું કામ કરતા રહેશે.

પરંતુ તેમની ખરી મુશ્કેલીનો સમય એના પછી શરૂ થયો. આ મુશ્કેલ સમયમાં મધ્યપ્રદેશ કૉંગ્રેસના એક નેતા કહે છે:

"સિંધિયાની સઘન મહેનતના કારણે 15 સાલ પછી કૉંગ્રેસ સત્તામાં પાછળ આવવામાં સફળ રહી, તે મુખ્ય પ્રધાન ન બની શક્યા, પરંતુ તેમનું યોગદાન સૌથી વધારે હતું. બાદમાં કમલનાથજી અને દિગ્વિજયજીએ સતત તેમને નજરઅંદાજ કરી રહ્યા છે."

જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીની નજીક હતા, પરંતુ મુશ્કેલ સ્થિતિ એ રહી કે ખુદ રાહુલ ગાંધીએ કૉંગ્રેસ સર્વેસર્વાનું પદ છોડી દીધું હતું.

એ રીતે જોઈએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થકોને કોઈ સાંભળી રહ્યું ન હતું. એટલા માટે ક્યારેક શિક્ષકોના મુદ્દે તો ક્યારેક ખેડૂતોના મુદ્દે તે કમલનાથ સરકાર પર સવાલ ઉઠાવતા રહ્યા.

સિંધિયા, સમર્થકો અને સંખ્યા

સિંધિયાની પાસે પોતાની વાત કહેવા માટે કોઈ વિકલ્પ ન રહ્યો, ત્યારે તેમણે બળવાખોરીનો રસ્તો અપનાવ્યો, જેનાથી 15 મહિના જૂની કમલનાથ સરકાર ઉપર સંકટ ઊભું થયું છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના 17 જેટલાં ધારાસભ્ય બેંગલુરુ પહોંચ્યા છે અને તેમના સમર્થનમાં કુલ 22 ધારાસભ્ય હોવાનું કહેવાય છે.

હવે સિંધિયા જૂથના દાવા મુજબ ધારાસભ્યોનું સમર્થન હોય તો કમલનાથ સરકારનું પતન નિશ્ચિત છે.

જોકે મધ્યપ્રદેશ કૉંગ્રેસમાં કમલનાથ કૅમ્પનું કહેવું છે કે 'મધ્યપ્રદેશ સરકાર, મધ્ય પ્રદેશ કૉંગ્રેસ સંગઠનમાં કોઈ પ્રકારનું સંકટ નથી. હું તમને માત્ર એટલું જ કહી શકું છું કે અમારા તરફથી ઑલ ઇઝ વેલ છે. સરકાર પડવાનો કોઈ સવાલ જ નથી."

મોડી રાત્રે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ દાવો કર્યો હતો કે તે સરકાર પાડવાના પ્રયત્નોને સફળ નહીં થવા દે. આ પ્રયત્નો હેઠળ તેમના 20 મંત્રીઓએ પોતાનાં રાજીનામાં કમલનાથને સોંપી દીધા છે જેથી તે પોતાની કૅબિનેટમાં ફેરબદલ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથને મનાવવાના પ્રયત્નો કરી શકે.

સિંધિયા સમર્થકોનું શું?

જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે જે ધારાસભ્યો કૉંગ્રેસ છોડશે, તેમનું પદ જશે, તેમણે ફરીથી ચૂંટણી લડવી પડશે.

આ સિવાય ધારાસભ્ય તરીકેનું પદ ગયા પછી ભારતીય જનતા પાર્ટી તેમને પોતાના ઉમેદવાર બનાવે, એ જરૂરી નથી. જો ઉમેદવાર બનાવે, તો પણ જીત મળશે, એ કહી ન શકાય.

આમ પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં આવેલાં ધારાસભ્યોમાં અનેક પહેલીવાર ઉમેદવાર બન્યા છે અને ઘણા લાંબા સમય પછી ધારાસભ્ય બની શક્યા છે, જેથી કેટલા લોકો છેવટ સુધી તેમની સાથે રહેશે તે નિશ્ચિતપણે શકાય તેમ નથી.

આનો અંદાજો કદાચ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ છે.

આ સિવાય મોટો સવાલ એ પણ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં જઈને પણ શું મળશે, કારણ કે તે મુખ્ય પ્રધાન નહીં બની શકે. એવું બની શકે કે તેમને કેન્દ્ર સરકારમાં સમાવી લેવામાં આવે.

સિંધિયા કેટલા સક્ષમ

ના તો સિંધિયા માટે ભાજપ કોઈ નવી પાર્ટી છે અને ના તો ભાજપ માટે સિંધિયા. સિંધિયાની દાદીમાં વિજયરાજે સિંધિયા બીજેપીના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા. બે-બે ફોઈઓ, વસુંધરારાજે સિંધિયા અને યશોધરારાજે સિંધિયા, હાલ ભાજપમાં જ છે.

મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે સિંધિયા કોઈપણ પદ વગર સૌથી વધારે અસર ધરાવતા નેતા બની શક્યા હતા.

2018માં જ્યારે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સત્તામાં પરત ફરી, તેમાં સિંધિયાનું ખાસ્સું યોગદાન હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાની અસરને સમજવી હોય તો એ વાત પરથી સમજી શકાય કે ભાજપે તેના ચૂંટણીપ્રચારમાં સિંધિયાવિરોધને હવા આપી હતી, પાર્ટીનું કૅમ્પેનસૂત્ર હતું - 'માફ કરો મહારાજ, અમારા નેતા શિવરાજ'

આખા રાજ્યમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ સૌથી વધારે ચૂંટણીસભાઓને સંબોધી હતી. તેમણે રાજ્યમાં 110 ચૂંટણી સભાઓને સંબોધિત કરી, આ સિવાય 12 રોડ શો પણ કર્યા. તેમના પછી બીજા નંબર પર રહેલાં કમલનાથે રાજ્યમાં 68 ચૂંટણીસભાઓ સંબોધિત કરી હતી.

આનાથી અંદાજ લગાવી શકાય છે કે રાજ્યના અલગ-અલગ સ્થળે જ્યોતિરાદિત્ય સિંધિયાને બોલાવવાની માગ હતી અને સામાન્ય મતદારો પર તેમની અસર જોવા મળી.

આવી સ્થિતિમાં સિંધિયા પોતાના કદ અને પ્રભાવ પ્રત્યે સજાગ છે.

માધવરાવ સિંધિયા, CM પદ અને હાથતાળી

જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય જીવનના પડાવોમાં કેન્દ્ર સરકારમાં પ્રધાન બનવું કદાચ બહુ અગત્યનું નહીં હોય, કારણ કે નવ વર્ષ સુધી તેઓ મનમોહન સિંઘ સરકારમાં મંત્રી રહ્યા હતા.

કદાચ સિંધિયાની નજર મુખ્ય પ્રધઘાનપદ પર હશે, તેમના પિતા માધવરાવ સિંધિયા પણ એ પદ સુધી પહોંચી શક્યા ન હતા.

1993માં જ્યારે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર બની તો કમાન દિગ્વિજય સિંહને મળી હતી. એ સમયે જોકે જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાને ગાંધી પરિવારની નજીક માનવામાં આવતા હતા.

આ પહેલાં અર્જુન સિંહ સ્વરૂપે અવરોધ ઊભો થયો હતો. 2018માં રાહુલ ગાંધીએ પણ કમલનાથની પસંદગી કરી હતી.

49 વર્ષના જ્યોતિરાદિત્ય સિંધિયાને એ વાતની ખબર છે કે તેમની પાસે હજુ સમય છે, પરંતુ તે નહીં ઇચ્છે કે પિતાની જેમ તેમને પણ મધ્ય પ્રદેશની સત્તા ન મળે. એ જ કારણ છે કે રાજકીય રૂપે પોતાના કૅરિયરના સૌથી નીચા પૉઇન્ટ પર પહોંચ્યા પછી પણ સિંધિયા પોતાના વિસ્તારમાં લોકોના સંપર્કમાં રહ્યા છે.

પોતાના સંસદીય પ્રતિનિધિ સામે હાર્યા પછી તેમણે ખુદને સ્થિતિ પ્રમાણે ઢાળ્યા છે.

200 વર્ષ જૂની 'દુશ્મની'

જ્યોતિરાદિત્યને એ વાતનો અંદાજો છે કે દિગ્વિજય સિંહ અને કમલનાથ તેમનો રસ્તો લાંબા સમય સુધી રોકી નહીં શકે, તેઓ પોતાની રીતે આ વાતને સાબિત કરતા રહ્યા છે.

જોકે પ્રદેશની રાજકીય નજર રાખનાર લોકોનું માનીએ તો સિંધિયાની કમલનાથથી વધારે દિગ્વિજય સિંહ સાથે અણબનાવ હતો.

ખરેખર, મધ્ય પ્રદેશના રાજકારણમાં રાઘોગઢ અને સિંધિયાના રાજવી પરિવારો વચ્ચે વેરની કહાણી પણ રસપ્રદ છે.

આ હરિફાઇની કહાણી લગભગ 200 વર્ષ જૂની છે. જ્યારે 1816માં, સિંધિયા પરિવારના રાજા દોલતરાવ સિંધિયાએ રાઘોગઢના રાજા જયસિંહને યુદ્ધમાં હરાવ્યા હતા, રાઘોગઢને ત્યારે ગ્વાલિયરરાજના નેજા હેઠળ આવું પડ્યું હતું.

આનો હિસાબ રાઘોગઢના પૂર્વ રાજવી પરિવારના દિગ્વિજય સિંહે 1993માં માધવરાવ સિંધિયાને મુખ્ય પ્રધાનપદની હરિફાઈમાં હરાવીને સરભર કર્યો હતો.

મધ્ય પ્રદેશના રાજકારણમાં આવેલી ઉથલપાથલથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ વચ્ચેની રાજકીય લડાઈ ફરી બહાર આવી ગઈ છે, જે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ફરી વકરી.

દિગ્વિજયસિંહ રાજ્યસભામાં પરત ફરવા માગતા હતા, જ્યારે સિંધિયા પણ ઉપલા ગૃહમાં જવા તત્પર હતા.

મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાની ત્રણ બેઠક ખાલી પડશે. જેમાં એક-એક સીટ ભાજપ અને કૉંગ્રેસને મળે તે સ્પષ્ટ હતું, પરંતુ ત્રીજી બેઠક વિશે લડાઈ હતી.

સિંધિયા એક બેઠક માટે કમલનાથ સરકાર તથા કૉંગ્રેસ હાઈકમાન ઉપર દબાણ લાવવા માટે પ્રયાસરત હતા.

આમ તો વર્ષો પહેલાં આપેલાં એક ઇન્ટરવ્યૂમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે તેમને ક્યારેય કોઈ મદદ નથી મળી અને તેમના પિતા માધવરાવે તેમને આ નામ વિના પણ સારું જીવન જીવવાનો મંત્ર બાળપણથી આપ્યો હતો.

2018માં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદ માટે લડાઈ સમયે જ્યોતિરાદિત્યને 'સિંધિયા' હોવાનો ફાયદો નહતો મળ્યો. પરંતુ ખાસ વાત એ છે કે સિંધિયા પોતાની રાજકીય સમજ અને કદ બંનેથી વાકેફ છે.

એક સમયે ઇનવૅસ્ટમેન્ટ બૅન્કર તરીકે કામ કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને ખબર છે કે તે આજે જે કંઈ ઇન્વેસ્ટ કરશે, તેનું આવનારા સમયમાં 'રિટર્ન' પણ સારું રહેશે.

તેમને એ પણ ખબર છે કે બજાર તૂટે ત્યારે રોકાણકાર ન તો રોકાણ કરવાનું બંધ કરે અથવા તો મૂડી પાછી ન ખેંચે.

જ્યોતિરાદિત્ય સિંધિયાને લાગે છે કે તેમની પાસે સમય અને તક છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો