Stock market : શૅરબજારના ગાબડાથી રિલાયન્સના શૅરની કિંમતમાં કેટલો ઘટાડો થયો?

શૅરબજારમાં થયેલા ઐતિહાસિક ધડકાની અસર વિશ્વની સૌથી મોટી ઑઇલ રિફાઇનરી ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને પણ થઈ છે. સાઉદી અરેબિયાએ રશિયા સામે શરૂ કરેલા પ્રાઇઝ-વૉરને પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરોમાં 12 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. 

ભારત અને વિશ્વમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસોની અસર પણ લાર્જ કૅપ સ્ટૉક પર પડી. 

રિલાયન્સના શૅરોની કિંમત ઘટતાં તેને પછાડીને ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી મૅજર ટીસીએસ બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ટોચની કંપની બની ગઈ. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમેટેડના માર્કેટ કૅપ ઘટીને 7.05 લાખ કરોડ થઈ ગયા અને તેના શૅરની કિંમત 13.65 ટકા ઘટીને 1,094 રૂપિયા થઈ. જે છેલ્લાં 52 અઠવાડિયાં દરમિયાન સૌથી ઓછી હતી. જોકે બાદમાં તેના શૅરોની કિંમતમાં થોડો સુધારો નોંધાયો અને તે 12.35 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

સોમવારે એશિયામાં માર્કેટ ખૂલતાની સાથે જ ધડામ થઈ ગયું. આ પાછળનાં કારણો ક્રૂડઑઇલની કિંમતોમાં આવેલો ભારે ઘટાડો અને નબળો આર્થિક ડેટા માનવામાં આવી રહ્યાં છે.

જાપાનનો નિક્કેઈ સૂચકાંક પાંચ ટકા જેટલો તૂટ્યો જ્યારે ઑસ્ટ્રેલિયાનો એએસએક્સ 7.3 ટકા તૂટ્યો. વર્ષ 2008 બાદ આ બજારોમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે.

ભારતીય બજારમાં પણ આની અસર જોવા મળી.

ભારતીય સૂચકાંક સેનસેક્સ પણ સોમવારે પ્રારંભિક કલાકોમાં 1600 અંક જેટલો તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં 453 અંકોનો ઘટાડો નોંધાયો.

જોકે, બપોર સુધીમાં ભારતીય બજારમાં 2000થી વધારે અંકોનો ઘટાડો નોંધાયો અને નિફ્ટીમાં 547 અંકોનો ઘટાડો નોંધાયો.

તેલઉત્પાદક રાષ્ટ્રોના સમૂહ ઑપેક અને રશિયા વચ્ચે ક્રૂડઑઇલને સ્પર્ધા શરૂ થવાના ભયને પગલે માર્કેટ ખળભળી ગયું.

તો ચીનની નિકાસમાં જોવા મળેલી સ્થિરતામાં અને જાપાની અર્થતંત્રમાં સંકોચાવાની અસર એશિયન રોકાણકારો પર પણ થઈ રહી છે.

સોમવારે ક્રૂડઑઇલની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો. આ ઘટાડો વર્ષ 1991માં થયેલા અખાતના યુદ્ધ બાદ ક્રૂડઑઇલની કિંમતોમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે.

આની અસર ઊર્જાકંપનીઓના શૅરની કિંમતો પર પણ થઈ.

ઑસ્ટ્રેલિયામાં નોંધાયેલી ઑઇલકંપની 'ઑઇલસર્ચ'ના શૅર 31 ટકા સુધી તૂટ્યા, જ્યારે ઍનર્જી ફર્મ 'સંતોષ'ના શૅરોમાં 27 ટકાનો ઘટાડો નોંધાયો.

ચીનનો કોરાના વાઇરસ વિશ્વભરમાં ફેલાયા બાદ ઑઇલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. આ વાઇરસની સૌથી વધુ અસર પ્રવાસનકંપનીઓ પર થઈ છે.

ઑપેક ઇચ્છતું હતું કે રશિયા પોતાના તેલઉત્પાદનમાં ઘટાડો કરે, જેથી ક્રૂડઑઇલની કિંમતો સ્થિર રહે.

જોકે, રશિયાએ આને લઈને કોઈ સમજૂતી ન કરી અને ઑઇલની કિંમતો સતત ઘટી રહી છે. સાઉદી અરેબિયાના માર્કેટ પર પણ આની અસર થઈ.

સાઉદી અરેબિયાની સરકારી ઑઇલકંપની આરામકોના શૅર એક સમયે પોતાની પ્રારંભિક કિંમતોથી પણ નીચે જતા રહ્યા હતા.

કોરોના વાઇરસને પગલે ઘટેલી ઑઇલની કિંમતોના પગલે અરામકોના શૅર પહેલાંથી જ 11 ટકા ઘટી ગયા હતા.

સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ઉત્પાદનની સ્પર્ધા શરૂ થવાની અસર ક્રૂડઑઇલની કિંમત પર પડવાનું નક્કી જ છે.

સાઉદી અરેબિયા પહેલાંથી એપ્રિલમાં પોતાનું તેલઉત્પાદન દરરોજનું એક કરોડ બૅરલ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો