UNGA 2019 : નરેન્દ્ર મોદીનું સંબોધન, 'ગરીબો માટે બે કરોડ ઘરોનું નિર્માણ કરીશું'

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે.

શુક્રવારે મહાસભાને સંબોધતાં મોદીએ કહ્યું, "અમે એ દેશના વાસી છીએ, જેણે યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા. સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો."

મોદીએ માત્ર 17 મિનિટનું નાનું ભાષણ આપ્યું અને આતંકવાદના પડકારનો પણ ઉલ્લેખ કર્યો.

મોદીના ભાષણના મુખ્ય અંશો

- મને મળેલો જનાદેશ વ્યાપક સંદેશ, નવા ભારતમાં ઝડપથી પરિવર્તન થઈ રહ્યાં છે.

- 'આયુષ્માન ભારત યોજના'નો ઉલ્લેખ કરતાં કહ્યું, 'અમારી વ્યવસ્થાને કારણે વિશ્વાસ જન્મ્યો'

- વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતાઅભિયાન સફળતાપૂર્વક સંપન્ન કરાવ્યું. 5 વર્ષમાં 11 કરોડ શૌચાલયો બનાવી દેશવાસીઓને આપ્યાં

- પાંચ વર્ષમાં 37 કરોડથી વધુ ગરીબોનાં બૅન્કખાતાં ખોલાવ્યાં.

- ભારતને 'સિંગલ યૂઝ પ્લાસ્ટિક'થી મુક્ત કરવાનું અભિયાન ચલાવી રહ્યા છીએ.

- આગામી પાંચ વર્ષોમાં 15 કરોડ ઘરોને પાણીપુરવઠાથી જોડીશું.

- ગરીબો માટે 2 કરોડ ઘરોનું નિર્માણ કરીશું

- 2025 સુધી ભારત ટીબીમાંથી મુક્ત કરવા કામ કરી રહ્યા છીએ.

- ભારત હજારો વર્ષ જૂની મહાન સંસ્કૃતિ, અમારી સંસ્કૃતિ જીવમાં શિવ જુએ છે.

- જનભાગીદારીથી જનકલ્યાણ અને જનકલ્યાણથી જગકલ્યાણ એ અમારો મંત્ર

- અમારો પ્રયાસ સમગ્ર સંસાર માટે.

- ભારતે યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા, સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ આપ્યો.

- અમારા અવાજમાં આતંક વિરુદ્ધ વિશ્વને સતર્ક કરવાની ગંભીરતા અને આક્રોશ.

- આતંકવાદ માનવતા વિરુદ્ધના સૌથી મોટા પડકારોમાંથી એક.

ઇમરાન ખાને શું કહ્યું?

ઇમરાન ખાને કહ્યું કે સત્તામાં આવતાની સાથે જ તેમણે ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો પણ ભારત તરફથી તેમને કોઈ સકારાત્મક જવાબ નહોતો મળ્યો.

તેમણે કહ્યું કે ભારતમાં ચંટણી યોજાવાની હતી એટલે તેઓ મોદી સરકારના વલણને સમજી શકે એમ હતા. પણ સત્તામાં ફરીથી આવતાની સાથે જ મોદી સરકારે શાંતિપ્રયાસોને નકારી દીધા.

ઇમરાન ખાને કહ્યું કે જ્યારે ભારતે પાંચ ઑગસ્ટે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી નાખ્યો અને 80 લાખ લોકો પર ખાસ પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા ત્યારે તેમને સમજમાં આવ્યું કે આ પાછળ મોદી સરકારનો ખાસ ઍજન્ડા છે.

ઇમરાને એવું પણ કહ્યું કે ભારતે શિમલા કરાર અને પોતાના જ બંધારણ વિરુદ્ધ આ પગલું ભર્યું હતું. કાશ્મીર અંગે વાત કરતા તેમણે કહ્યું કે કર્ફ્યુ હઠવાની સાથે જ કાશ્મીરમાં ખૂનરેજી થશે.

તેમણે એવું પણ કહ્યું કે આતંકવાદને કોઈ ધર્મ નથી અને કોઈ પણ ધર્મને આતંકવાદ સાથે જોડવો ન જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરતા તેમણે કહ્યું કે સંઘ ઍડોલ્ફ હિટલરથી પ્રેરિત છે અને વંશીય શુદ્ધતામાં માને છે.

તેમણે સંઘ પર મુસ્લિમોને નફરત કરવાનો પણ આરોપ લગાવ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો