You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા સાથે જેમને અણબનાવ છે તે રૂહાનીને મોદી કેમ મળ્યા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્ર સાથે-સાથે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલય પ્રમાણે આ દરમિયાન બંને નેતાઓ એ પરસ્પરના સહયોગ અને ક્ષેત્રની સ્થિતિ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પહેલાં હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ હાજરી આપી હતી અને તે બાદ બંને વચ્ચે એક મંત્રણા પણ થઈ હતી.
જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને 'ફાધર ઑફ ઇન્ડિયા' કહ્યા હતા. જે બાદ મોદીની ટ્રમ્પ અને અમેરિકાના વિરોધી ગણાતા રૂહાની સાથે મુલાકાત થઈ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ ભારે તણાવની સ્થિતિ છે. બંને રાષ્ટ્રોની સ્થિતિ સાઉદી અરેબિયામાં હુમલા બાદ ફરી વધારે ગંભીર બની છે.
અમેરિકા સાથે જેમનો અણબનાવ છે તેમને મોદી કેમ મળ્યા?
વડા પ્રધાન મોદીએ ખાડી ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા બનાવી રાખવા માટે ભારત તરફથી કૂટનીતિ, સંવાદ અને વિશ્વાસ બનાવી રાખવાની વાતને પ્રાથમિકતા આપી હતી.
ઑલ ઇન્ડિયા રેડિયો પ્રમાણે બંને નેતાઓએ 2015માં પોતાની પ્રથમ મુલાકાતને લઈને અત્યાર સુધી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ વિશે પણ વાત કરી હતી.
વડા પ્રધાન મોદી અને રૂહાની વચ્ચે વિશેષ રીતે ચાબહાર બંદરના સંચાલનને લઈને વાત થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ બંનેએ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના પ્રવેશદ્વાર તરીકે તેના મહત્ત્વનો ઉલ્લેખ પણ કર્યો હતો.
કૂટનીતિ સંબંધોની 70મી વર્ષગાંઠ
બંને નેતાઓ વચ્ચે 2020માં કૂટનીતિ સંબંધોની 70મી વર્ષગાંઠ મનાવવાને લઈને પણ સહમતી સધાઈ છે.
આ મુલાકાત એવા સમયમાં થઈ છે, જ્યારે ઈરાન દુનિયાભરના સમાચારોના કેન્દ્રમાં છે.
સાઉદી અરેબિયાના ઑઇલ પ્લાન્ટ પર હુમલાને લઈને સાઉદી અરેબિયા અને અમેરિકાએ ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, ઈરાન આ આરોપોને નકારી રહ્યું છે.
ઈરાન અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.
ઈરાના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધતાં કહ્યું કે ખાડી ક્ષેત્ર પતનના મુખમાં જઈ રહ્યું છે અને અમેરિકા સાથે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં કરવામાં આવે જ્યાં સુધી તે પરમાણુ સમજૂતીમાં પરત ના આવે.
વાસ્તવમાં, અમેરિકા પરમાણુ સમજૂતીમાંથી ખસી ગયું ત્યારબાદ જ બંને દેશો વચ્ચે તણાવની શરૂઆત થઈ હતી.
ભારતનું ઘણું બધું દાવ પર
જે બાદ અમેરિકાએ ઈરાન પર અનેક પ્રકારના કડક પ્રતિબંધો લાદી દીધા અને સહયોગી દેશોને પણ ઈરાન સાથે નજીકના સંબંધો ન રાખવા માટે કહ્યું.
અમેરિકાએ ભારતને પણ કહ્યું કે તેઓ ઈરાન પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરી દે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા ઑઇલ આયાત કરે છે.
ઈરાક અને સાઉદી અરેબિયા બાદ ભારત ઈરાન પાસેથી સૌથી વધારે ઑઇલ ખરીદતું હતું.
ભારત પોતાની મધ્ય-પૂર્વ અથવા પશ્ચિમ એશિયાની નીતિમાં અત્યાર સુધી એવું કહેતું આવ્યું છે કે ભારત સ્વતંત્ર દ્વિપક્ષીય સંબંધો બનાવવામાં સક્ષમ છે અને તેના માટે તે કોઈ પર નિર્ભર નથી.
નિષ્ણાતોના મતે ભારત માટે મોટી મૂંઝવણ એ છે કે તે ઈરાન સાથે પોતાના સંબંધો કઈ રીતે સંતુલિત કરે.
ઈરાન સાથે ભારતના માત્ર ઑઇલ ખરીદવાના સંબંધો નથી. ભારતે ચાબહાર બંદરમાં પણ મોટું રોકાણ કર્યું છે.
ચાબહાર બંદર દ્વારા ભારત મધ્ય એશિયામાં મજબૂત બનવા માગે છે.
જોકે, અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારત ઇચ્છે છે એ રીતે ઈરાન સાથેના સંબંધો આગળ વધી શકે તેમ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો