ઇન્ડોનેશિયામાં લગ્ન પહેલાં સેક્સ પર પ્રતિબંધ લાદતા બિલ વિરુદ્ધ હિંસક દેખાવો

ઇન્ડોનેશિયામાં 'લગ્ન પહેલાં સેક્સ' પર પાબંદીને લગતા એક બિલ સામે થઈ રહેલાં વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કરી લીધું છે.

આ વિવાદિત બિલના કારણે ઇન્ડોનેશિયાના ઘણાં શહેરો સહિત દેશના અન્ય ભાગોમાં પ્રદર્શનો થયાં.

પોલીસે ઇન્ડોનેશિયાની સંસદ સામે પ્રદર્શન કરી રહેલાં લોકો પર ટિયર ગેસના સેલ અને વૉટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

પ્રસ્તાવિત બિલ પ્રમાણે મોટા ભાગના કિસ્સાઓમાં ગર્ભપાત અને 'રાષ્ટ્રપતિનું અપમાન' ગેરકાયદેસર ગણાશે.

વિરોધ પ્રદર્શનો વચ્ચે આ વિવાદિત બિલ હાલ પાસ નથી થયું, પરંતુ દેખાવકારોને એ વાતની ચિંતા છે કે આ બિલ સંસદના રસ્તે પાસ કરાવી દેવાશે.

વિવાદિત બિલમાં શું છે?

પ્રસ્તાવિત બિલમાં એક ક્રિમિનલ કોડ સામેલ કરાયો છે, જે કંઈક આ પ્રકારે છે:

  • લગ્ન પહેલાં સેક્સ માણવું એ સજાપાત્ર ગુનો બનશે. આ નિયમના ભંગ બદલ એક વર્ષની જેલ થઈ શકે છે.
  • લગ્ન પહેલાં લિવ-ઈનમાં રહેતા લોકો પણ આ બિલ પાસ થયા બાદ ગુનેગાર ગણાશે. આ નિયમના ભંગ બદલ 6 મહિનાની જેલની સજા કરાશે.
  • રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ધર્મ, સરકારી સંસ્થાઓ અને રાષ્ટ્રીય પ્રતીકો જેમ કે, રાષ્ટ્રીય ધ્વજ કે રાષ્ટ્રગાનનું અપમાન કરવું ગેરકાયદેસર બનશે.
  • ગર્ભપાત સજાપાત્ર ગુનો બનશે. બળાત્કાર અને મેડિકલ કટોકટી સિવાય ગર્ભપાત કરાવવો ગુનો બનશે. આ નિયમના ભંગ બદલ 4 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

પહેલાં આ બિલ પર મંગળવારે મતદાન થવાનું હતું, પરંતુ રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આ મતદાન શુક્રવાર સુધી પાછું ઠેલી દીધું. વિડોડોએ કહ્યું કે બિલ પર વધુ વિચાર કરવાની જરૂરિયાત છે.

લોકો કેમ વિરોધ કરી રહ્યા છે?

રાષ્ટ્રપતિએ ભલે કહી દીધું હોય કે બિલ પર વધુ વિચાર કરવાની જરૂર છે, પરંતુ ઇન્ડોનેશિયાના લોકોને એ વાતની ચિંતા છે કે ગમે તે પ્રકારે આ બિલને સંસદમાં પાસ કરાવી લેવાશે.

લોકો એ વાતને લઈને ગુસ્સે ભરાયા છે કે આ નવા બિલના કારણે ભ્રષ્ટાચાર નિવારણ પંચને નબળું કરી દેવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર નિવારણ પંચ ઇન્ડોનેશિયામાં ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં તપાસ કરનારી મુખ્ય સંસ્થા છે.

વિરોધ પ્રદર્શનોમાં શું થયું?

ઇન્ડોનેશિયા જુદા-જુદા ભાગોમાં હજારોની સંખ્યામાં દેખાવકારો રેલીમાં જોડાયા.

યુવાન વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

ઘણી જગ્યાઓએ પ્રદર્શન હિંસક બની ગયાં.

દેશના પાટનગર જકાર્તામાં દેખાવકારોએ સંસદ સામે પ્રદર્શન કર્યું અને સંસદના સ્પીકર બમબાંગ સોસૈતિયાને મળવાની વાત કરી.

અહીં દેખાવકારો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું.

દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને જવાબમાં પોલીસે તેમની પર ટિયર ગેસ સેલ અને વૉટર કેનનનો ઉપયોગ કર્યો.

પ્રદર્શન દરમિયાન એક મહિલા દેખાવકાર પોતાના હાથમાં એક પોસ્ટર સાથે દેખાઈ. તકતી પર લખ્યું હતું કે, 'મારાં પગ વચ્ચેની જગ્યા પર સરકારનો હક નથી.'

પશ્ચિમ જાવાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં ભણતા ફુઆદ વાહિયુદીને સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે, 'અમે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીને લઈને બનાવાયેલા કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ.'

એવા સમાચાર મળ્યા છે કે પાટનગર જકાર્તામાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે 5,000 કરતાં વધારે સુરક્ષાદળોના જવાનોને તહેનાત કરાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો