જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની વાઇરલ તસવીરનું સત્ય શું છે? ફૅક્ટ ચેક

કૉંગ્રેસ પાર્ટીના સાંસદ શશી થરૂરે ટ્વીટ કરેલી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

શશી થરૂરે સોમવારે રાતે આ તસવીર નહેરુ અને ઇંદિરા ગાંધીના 1954ના અમેરિકાના પ્રવાસની ગણાવીને શૅર કરી હતી.

થરૂરે પોતાના ટ્વીટમાં લખ્યું, "અમેરિકામાં લોકોની આ ભીડને જુઓ. કોઈ પણ જાતના વિશેષ જનસંપર્ક અભિયાન, એનઆરઆઈના આયોજન કે કોઈ મીડિયા પબ્લિસિટી વિના ભારતના પૂર્વ વડા પ્રધાનને જોવા માટે લોકો ઊમટી પડ્યા હતા."

કૉંગ્રેસ સમર્થક ફેસબુક અને વૉટ્સઍપ ગ્રૂપમાં શશી થરૂરનું ટ્વીટ શૅર કરવામાં આવી રહ્યું છે.

પરંતુ તેમના આ ટ્વીટમાં મોટો હકીકતદોષ હતો, જેનો બાદમાં શશી થરૂરે પણ સ્વીકાર કર્યો હતો.

હકીકતમાં આ તસવીર અમેરિકાની નહીં, પરંતુ જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીના યુએસએસઆર (સોવિયત સંઘ)ના પ્રવાસની છે.

શું આ ફોટો 1956નો છે?

સોશિયલ મીડિયામાં ઘણા લોકો શશી થરૂરને ખોટા ઠેરવીને લખી રહ્યા છે કે આ તસવીર વર્ષ 1956માં રશિયાના મૉસ્કો શહેરમાં ખેંચાઈ હતી. જોકે એ પણ ખોટું છે.

ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ જૂન 1955માં સોવિયત સંઘના પ્રવાસે ગયા હતા. દરમિયાન તેમની સાથે તેમનાં પુત્રી ઇંદિરા ગાંધી પણ હતાં.

સોવિયત સંઘના કૉમ્યુનિસ્ટ પાર્ટીના પ્રથમ સચિવ અને બાદમાં સોવિયત સંઘના રાષ્ટ્રપતિ બનેલા નિકિતા ખ્રુશ્ચેવે ફ્રુઝે સેન્ટ્રલ ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.

અંદાજે 15 દિવસના આ પ્રવાસમાં નહેરુએ સોવિયત સંઘની પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો, વિશ્વવિદ્યાલયો સહિત મોટાં ઔદ્યોગિક કારખાનાંઓની મુલાકાત લીધી હતી.

પ્રવાસ દરમિયાન નહેરુએ રશિયાના મૉસ્કો શહેરમાં ચાલનારી મેટ્રો ટ્રેનની પણ મુલાકાત લીધી હતી.

તસવીર મોસ્કોની નથી

રશિયાના સત્તાવાર રેકૉર્ડ પ્રમાણે નહેરુએ સોવિયત સંઘના મૈગનીતોગોર્સ્ક, સ્વેર્દલોવસ્ક, લેનિનગ્રાદ, તાશ્કંદ, અશખાબાદ અને મૉસ્કો સહિત અંદાજે 12 મોટાં શહેરોની મુલાકાત લીધી હતી

સોશિયલ મીડિયા પર નહેરુ અને ઇંદિરા ગાંધીની જે તસવીર વાઇરલ થઈ રહી છે એ મૈગનીતોગોર્સ્ક શહેરમાં લેવાઈ હતી.

'રશિયા બિયૉન્ડ' નામની એક વેબસાઇટ અનુસાર 1955માં 'જ્યારે નહેરુ અને ઇંદિરા ગાંધી નદીકિનારે વસેલા ઔદ્યોગિક શહેર મૈગનીતોગોર્સ્ક પહોંચ્યાં ત્યારે સ્ટીલ ફૅક્ટરીમાં કામ કરતાં મજૂરો અને શહેરના સ્થાનિકો તેમને જોવા માટે દોડ્યા હતા.'

શશી થરૂરે મંગળવારે સવારે એક ટ્વીટ કરીને સ્વીકાર્યું કે તેમણે જે તસવીર શૅર કરી હતી, એ અમેરિકાની નહીં પણ સોવિયત સંઘના પ્રવાસની હતી.

થરૂરે લખ્યું, "જો તસવીર સોવિયત સંઘની હોય, તો પણ મારો સંદેશ એ જ છે કે ભારતના પૂર્વ વડા પ્રધાનોને પણ વિદેશોમાં લોકોનો પ્રેમ અને લોકપ્રિયતા મળ્યાં છે. નરેન્દ્ર મોદીને સન્માન મળ્યું, એટલે દેશના વડા પ્રધાનને સન્માન મળ્યું છે. આ ભારતનું સન્માન છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો