BBC TOP NEWS: બાલાકોટ ઍર સ્ટ્રાઇકનું અસલી નામ કંઈક બીજું જ હતું

પાકિસ્તાનના બાલાકોટમાં ભારત તરફથી કરવામાં આવેલાં ઑપરેશનનું નામ 'ઑપરેશન બંદર' રાખવામાં આવ્યું હતું.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ આ નામ રામાયણ પરથી પ્રેરિત હતું.

ઍરફોર્સે ઑપરેશનની ગુપ્તતા જાળવવા માટે તેને આવું કોડનેમ આપ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટ પર ઍક સ્ટ્રાઇક કરી હતી.

ભારતે આ સ્ટ્રાઇકમાં 12 મિરાજ વિમાનો મોકલ્યાં હતાં જેણે પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનવા વિસ્તારના બાલાકોટમાં આવેલા જૈશનાં ઠેકાણાં પર બૉમ્બ વરસાવ્યા હતા.

પાકિસ્તાન પાસે ઑક્ટોબર મહિના સુધીનો સમય

ચીને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને મદદ કરી છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ ચીને પાકિસ્તાનને ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફૉર્સમાંથી બ્લૅક લિસ્ટ થતાં બચાવી લીધું છે.

ગ્રે લિસ્ટમાં રહેલા પાકિસ્તાનને ઉગ્રવાદ પાછળના ફન્ડિંગ પર નિયંત્રણ લાવવા માટે ઑક્ટોબર મહિના સુધી વાટાઘાટોનો સમય આપવામાં આવ્યો છે.

ભારતે તેને બ્લૅક લિસ્ટ કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ પાકિસ્તાનને ઑક્ટોબર મહિના સુધીનો સમય મળ્યો છે.

FATF વિવિધ દેશોના ઉગ્રવાદ પાછળના ફન્ડિંગ પર દેખરેખ રાખવાનું કામ કરે છે. તેણે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી.

ફાયનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સે કહ્યું હતું કે લશ્કર, જૈશ અને જમાત ઉદ દાવા જેવા ઉગ્રવાદી સંગઠનો પાછળું ફન્ડિંગ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે.

પહેલાં માલ્યા હતા, હવે દૂધે ધોયેલા થઈ ગયા-માયાવતી

ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાતાં બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ શુક્રવારે ભાજપ પર કટાક્ષ કર્યો હતો.

એનડીટી ઇન્ડિયાના અહેવાલ મુજબ માયાવતીએ કહ્યું, "ટીડીપીના જે સભ્યો ભાજપમાં જોડાયા છે તેમાંથી બે ને આંધ્ર પ્રદેશના માલ્યા કહેવામાં આવે છે પણ ભાજપમાં આવીને તેઓ દૂધે ધોયેલા થઈ ગયા છે."

તેમણે ટ્વીટ કરીને લખ્યું, "માનનીય રાષ્ટ્રપતિ કાલે સરકાર વતી દેશને અનેક પ્રકારનાં આશ્વાસન આપી રહ્યા હતા. એ જ દિવસે ભાજપે ટીડીપીના ચાર સાંસદોને તોડ્યા."

"તેમાંથી બેને ભાજપ 'આંધ્રના માલ્યા' કહે છે, પણ તે ભાજપમાં આવીને દૂધે ધોયેલા છે. સ્પષ્ટ છે કે ભાજપ બ્રાન્ડ ઑફ પૉલિટિક્સમાં બધું જ યોગ્ય છે, કંઈ જ ખોટું નથી."

પિતા માટે પ્રણતિએ બ્રૉન્ઝ મેડલ જીત્યો

પ્રણતિ નાયકે એશિયન જિમનેસ્ટિક્સ ચૅમ્પિયનશીપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.

દિપા કરમાકર અને અરુણા રેડ્ડીએ ભારતને અપાવેલી સિદ્ધિ બાદ પ્રણતિ નાયક આંતરરાષ્ટ્રિય સ્તરે જિમનેસ્ટિક્સમાં ગોલ્ડ મેળવનારાં ત્રીજા ખેલાડી બન્યાં છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ પ્રણતિએ મંગોલિયાના ઉલાનબાટરમાં આ મેડલ સાથે પોતાના બે સપનાં પૂરાં કર્યાં છે, એક તો પોતાના પરિવાર માટે નવું ઘર ખરીદવાનું અને બીજું પોતાની મોટી બહેનનાં લગ્નનો અડધો ખર્ચ ઉપાડવાનું.

પ્રણતિના પિતા પશ્ચિમ બંગાળમાં બસ ડ્રાઇવર હતા. તેમની ઉંમર 60 વર્ષ છે, તેમજ નિવૃત્તિ બાદ પણ તેઓ નોકરી કરે છે.

તેથી પ્રણતિએ પોતાના પિતાને આપેલાં આ બે વચનો પૂરાં કર્યા છે. હવે તેઓ આ વર્ષના અંતે યોજાનારી વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં ભાગ લેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો