ગુજરાતનાં શહેરોએ ચેન્નાઈના જળસંકટમાંથી શું શીખવું જોઈએ?

    • લેેખક, હિમાંશુ ઠક્કર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતના છઠ્ઠા સૌથી મોટા શહેર ચેન્નાઈમાં જળસંકટ વધારે ગાઢ બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં દુષ્કાળ સમી સ્થિતિ દર વર્ષે ચર્ચામાં રહેતી હોય છે, પણ ચેન્નાઈના જળસંકટે શહેરી વિસ્તારમાં પાણીની અછતના પ્રશ્ન પરત્વે ધ્યાન દોર્યું છે.

ચેન્નાઈમાં સર્જાયેલી સ્થિતિ બાદ કેટલીક ચીજો ગુજરાતે શીખવાની જરૂર છે. ગુજરાતના શહેરોનું શું આયોજન છે એ દિશામાં પણ બારીકાઈથી તપાસ કરવાની જરૂર છે.

ચેન્નાઈમાં એક વર્ષ પૂર્વે આજ જેવી વિકટ સ્થિતિ નહોતી, તો એવું તો શું થયું કે એક વર્ષમાં આવી ભયાવહ્ સ્થિતિનું સર્જન થઈ ગયું?

આ અંગે બીબીસી ગુજરાતીના પાર્થ પંડ્યાએ વોટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ હિમાંશુ ઠક્કર સાથે વાત કરી.

કાવેરી નદી છતાં પાણીની અછત?

ચેન્નાઈ તામિલનાડુમાં આવેલું છે અને તામિલનાડુની સૌથી મોટી નદી કાવેરી દેશની ચોથી સૌથી મોટી નદી છે. કાવેરી નદી હોવાં છતાં ચેન્નાઈમાં જળસંકટની સ્થિતિ કેમ સર્જાઈ?

એક વર્ષ પાછળ ડોકિયું કરીએ તો બરાબર એક વર્ષ પહેલાં 24 જુલાઈ 2018ના દિવસે કાવેરી નદી પરના તમા ડૅમ છલોછલ સ્થિતિમાં હતા અને છૂટથી પાણીનો સપ્લાય ચાલુ હતો.

એક વર્ષ પહેલાં આવી સ્થિતિ હતી પણ આ વર્ષે સ્થિતિ એટલી બદલાઈ ગઈ કે આઈટી કંપનીઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહી રહી છે.

ચેન્નાઈનું જળસંકટ એટલું વિકટ છે કે સમગ્ર દેશમાં આ અંગે ચર્ચા છે. ગયા વર્ષે વરસાદ ન હતો એવું પણ નથી.

ગયા વર્ષે કાવેરી વિસ્તારમાં સામાન્ય કરતાં ફકત ચાર ટકા જેટલો ઓછો વરસાદ થયો હતો. એ છતાં ડૅમ છલોછલ હતા.

આ સંદર્ભે કૅચમૅન્ટ અંગે પણ સુધારા કરવાની જરૂર છે. ડૅમ જલદી ખાલી થઈ જાય છે કેમ કે કૅચમૅન્ટ વિસ્તારમાં પાણી હોતું જ નથી. જો કૅચમૅન્ટ સારી સ્થિતિમાં હોય તો પાણીનો વધારે પણ સંગ્રહ કરી શકાય.

વધારે વૃક્ષો, જંગલ, સ્થાનિક જળવ્યવસ્થા, જળસંગ્રહની વધુ ક્ષમતવાળી જમીન હોય તો વરસાદી પાણી વહી નહીં જાય અને નદીઓ પણ જલદી સુકાશે નહીં.

કૅચમૅન્ટની પાણી સંગ્રહ કરી શકવાની ક્ષમતાને આપણે ખતમ કરી રહ્યા છીએ. એ કારણથી વરસાદનું પાણી સંગ્રહી શકાતું નથી અને વર્ષ દરમિયાન જળસ્રોતો જલદી સુકાઈ જાય છે.

વૉટર સ્માર્ટ સિટીની જરૂર

અર્બન ડેવલપમૅન્ટ ઇન ઇન્ડિયા પાણીની સ્થિતિના સંદર્ભમાં દિશાવિહીન છે. આ સ્થિતિ ચેન્નાઈમાં, ગુજરાતનાં શહેરોમાં અને અન્ય જગ્યાઓએ પણ છે.

આપણી ત્યાં શહેરોના ડેવલપમૅન્ટ માટે સ્માર્ટ સિટી પ્રોગ્રામ છે, પણ વૉટર સ્માર્ટ સિટી પ્રોગ્રામ ક્યાંય નથી. આ પાયાની બાબત છે.

અર્બન ડેવલપમૅન્ટ માટે તમે સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવતા રહો એ આપણા માટે પાણીની સમસ્યા સર્જી શકે છે.

આપણને નેશનલ અર્બન વૉટર પોલિસીની જરૂર છે. જેના આધારે શહેરી વિસ્તારમાં પાણીની સમસ્યાની સમીક્ષા કરવા અંગેની ગાઇડલાઇન નક્કી થાય.

વૉટર સ્માર્ટ સિટી અને શહેરી વિસ્તારોમાં પાણીની સમસ્યાના નિવારણ માટેની ગાઇડલાઇનની તાતી જરૂર છે.

વૉટર સ્માર્ટ સિટી જેવા આયોજનની ગેરહાજરીમાં શહેરી વિકાસ થાય તો તે પાણીની સમસ્યાને નોતરે છે.

અત્યારે શહેરી વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ અંગે નિરસ સ્થિતિ જોવા મળે છે.

સહેલા અને મંદ ઉકેલ નહીં ચાલે

ભૂજળસ્તર રિચાર્જ કરવામાં તંત્રને જાણે રસ જ નથી, જળસ્રોતોને સુરક્ષિત રાખવાનું આયોજન પણ નથી.

વળી, પાણીના બગાડને રોકવાનું યોગ્ય આયોજન પણ નથી.

શહેરમાં વસતા લોકોમાં જાગૃતિ કેળવવાનું અને લોકોને સાથે જોડવાનું પણ આયોજન નથી. પાણીની વધી રહેલી માગ અને જરૂરિયાત સામે તંત્ર સહેલા અને હંગામી ઉકેલો શોધે છે.

તંત્ર દ્વારા એક પછી એક મોટા ડૅમ બનાવવાની દિશામાં આયોજન કરવામાં આવે છે, અત્યારે એ પ્રકારનો જ ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં ફેરફાર કરવાની જરૂર છે.

શહેરી વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે એના પાયામાં આ જ બાબત છે.

આપણી પાસે કોઈ મૉડલ પણ નથી, આપણને ઉદાહરણની જરૂર છે.

પાયાના ઉપાયો અને લાંબા ગાળા માટેના આયોજન કરવાને બદલે સરળ ઉપાયોની દિશામાં કામ કરવામાં આવે છે.

આયોજનમાં પરિવર્તન પણ એવા જ થાય છે. હવે મોટા ડૅમને બદલે મેજર વૉટર ડિસેલિનેશન પ્લાન્ટ બનાવાઈ રહ્યા છે, હવે એનો ટ્રૅન્ડ ચાલી રહ્યો છે. ચેન્નાઈ અને ગુજરાતનાં શહેરોની સ્થિતિ પણ એ જ છે.

સાબરમતી રિવર ફ્રંટ નહીં કૅનાલ ફ્રંટ

અમદાવાદમાં સાબરમતી નદી પર બનાવેલો રિવર ફ્રંટ ખરેખરમાં તો કૅનાલ ફ્રંટ ડેવલપમૅન્ટ છે.

સાબરમતી નદી પર રિવર ફ્રંટ ડેવલપમૅન્ટના નામે આપણે કૉંક્રિટનું માળખું નદીના વિસ્તારમાં ઊભું કરી દીધું છે.

આવું કરીને નદીના કેટલાક ભાગને પ્રવાહિત નદીના ભાગથી અલગ કરી દીધી છે. નદીના પ્રવાહમાં રિવર ફ્રંટ થકી અતિક્રમણ કર્યું છે.

આ બધા પાછળ ઇકૉલૉજી પ્રત્યેની આપણી અસાક્ષરતા કારણભૂત છે. જેના થકી આપણે સ્થિતિને વધારે ગંભીર બનાવી રહ્યા છીએ.

'ઝીરો ડે જેવું આયોજન નથી'

ગયા વર્ષે કૅપટાઉનમાં ઝીરો ડે જાહેર કરવામાં આવ્યો હતો, એ પછી 'ઝીરો ડે' શબ્દ ચર્ચામાં આવ્યો હતો.

ચેન્નાઈ આજે આ સ્થિતિ સર્જાઈ છે પણ આપણે ક્યારેય ચેન્નાઈ માટે ઝીરો ડેની જાહેરાત કરાઈ હોય એવું સાંભળ્યું નથી.

ગુજરાતનાં પણ કોઈ જ શહેરોમાં ઝીરો ડેની જાહેરાત થઈ હોય એવું બન્યું નથી.

ઝીરો ડેની જાહેરાત કરાતી નથી પણ સીધા ઝીરો ડે જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે.

કૅપટાઉનમાં મહિનાઓ પહેલાં ઝીરો ડે જાહેર કરવામાં આવે છે પણ અહીં મહિનાઓ પહેલાં ઝીરો ડેની જાહેરાત કરાતી નથી.

પાણીની અછતની સ્થિતિ ન સર્જાય એ માટે આ પ્રકારની સજ્જતા કેળવવી પડશે.

ભૂ-જળ જીવાદોરી

છેલ્લા ચાર દાયકાથી ભારતમાં ભૂ-જળ જીવાદોરી સમાન છે, પણ આપણી નેશનલ વૉટર પોલિસી, સ્ટેટ વૉટર પૉલિસી હજી પણ એ બાબતને સ્વીકારતા નથી. એ હકીકતને સ્વીકારવાની જરૂર છે.

એ હકીકતને સ્વીકારીએ તો જ ભૂ-જળની સ્થિતિને સુધારવાની દિશામાં પગલાં લઈ શકીએ.

તળાવ, સરોવર અને કૂવાને ઊંડા કરીને જળસ્તર સુધારી શકાય અને વરસાદી પાણીનો સંગ્રહ પણ વધારી શકાય.

વધારે વૃક્ષો ઉગાડીને, જંગલ અને વૅટલૅન્ડની જાળવણી કરીને આ જળસ્તરને જાળવી રાખવાની દિશામાં કામ કરવું આવકાર્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો