'હવે, માત્ર વરસાદ જ ચેન્નાઈને જળસંકટથી બચાવી શકશે'

    • લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન, એમ. નિયાઝ અહમદ
    • પદ, બીબીસી તમિલ સેવા

ચેન્નાઈમાં પાણીના સ્રોત સુકાઈ ગયા છે. ચેન્નાઈ શહેર હવે પાણી કાઢવા માટે નવી જગ્યાની શોધમાં છે. ચેન્નાઈના બધા વિસ્તારમાં પાણીની તંગી છે.

તંગીને કારણે નવા બોરવેલ કરાવાઈ રહ્યા છે અને પહેલાંના બોરવેલને વધુ ઊંડા કરાઈ રહ્યા છે.

એક સર્વે પ્રમાણે જે કંપની ચેન્નાઈમાં દર મહિને 20-30 બોરવેલ કરતી હતી એ બે મહિનાની અંદર 40 બોરવેલ કરી ચૂકી છે.

ચેન્નાઈનાં ચાર તળાવ સુકાઈ ગયાં છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં જ ચેન્નાઈ જળવિભાગે ચેન્નાઈ મેટ્રો વૉટરે શોલાવરમ અને સેંગુદરમ સરોવરમાંથી પાણી લેવાનું બંધ કરી દીધું હતું અને મેના મધ્યમાં પૂંદી સરોવરમાંથી પણ પાણી મળવું બંધ થઈ ગયું છે.

ત્યારબાદ બીજી વખત શુદ્ધ કરાયેલું પાણી ચેન્નાઈના બહારના વિસ્તારમાંથી લેવાનું શરૂ કર્યું. હવે તામિલનાડુના સિક્કિરાયાપુરમ અને ઈરુમૈયૂરમાંથી થોડું પાણી લેવાઈ રહ્યું છે.

150 લાખ લિટર પાણી વીરાનમ સરોવરમાંથી લેવાઈ રહ્યું છે જે તામિલનાડુનો પાણીનો સૌથી મોટો સ્રોત છે. ચેન્નાઈ જળવિભાગે આ સ્રોતમાંથી જ વધુ પાણી લેવાનો નિર્ણય કર્યો છે.

વરસાદ જ જીવ બચાવશે

ચેન્નાઈ જળવિભાગના અધિકારીઓનું કહેવું છે કે અમે અન્ય સ્રોત શોધવાની કોશિશ કરી રહ્યા છીએ. હવે માત્ર વરસાદ જ ચેન્નાઈને આ સંકટમાંથી ઉગારી શકે છે.

પાણીના સપ્લાય માટે ચેન્નાઈને પંદર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે 880 લાખ લિટર પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં 650 લાખ લિટર પાણી જ આપવામાં આવે છે.

ચેન્નાઈના જળવિભાગ અનુસાર પાણીની તંગીને કારણે હાલમાં 525 લાખ લિટર પાણી જ આપવામાં આવે છે.

જોકે, સપ્લાય દરમિયાન વેડફાયેલાં પાણીનો હિસાબ કાઢી નાખવામાં આવે તો અંદાજે 425-450 લાખ લિટર પાણી જ લોકો સુધી પહોંચી રહ્યું છે.

આ કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા વધી ગઈ છે. ઘણી જગ્યાએ ટૅન્કરમાંથી પાણી લેતી વખતે લોકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે.

હોટલ અને ઑફિસ બંધ થઈ રહ્યાં છે

ચેન્નાઈમાં ઘણી હોટલ અને રેસ્ટોરાં પાણીની તંગીને કારણે બંધ છે. ચેન્નાઈ મેટ્રોમાં એસી બંધ કરી દેવામાં આવ્યાં છે.

ઘણી આઈટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરે જ બેસીને કામ કરવાની સલાહ આપી છે. તેમ છતાં પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે.

આઈટી વર્કર્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી વિનોદ કલિગઈએ કહ્યું કે આઈટી કંપનીઓએ જાહેરાત તો નથી કરી, પણ શક્ય એટલા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાનું કહ્યું છે. ઘરે પણ પાણી તો જોઈએ ને, હવે અમે શું કરીશું?

પાણી માટે જીવ જોખમમાં

પાણીની તંગીની દરેક વ્યક્તિ પર અસર થઈ રહી છે. આથિમૂલમ તામિલનાડુ વિધાનસભાના સ્પિકર ધનપાલના ડ્રાઇવર છે.

ગુરુવારે આથિમૂલમ અને તેમના પડોશી વચ્ચે પાણીને લઈને ઝઘડો થયો તો આથિમૂલમે પડોશી પર કોઈ ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો. બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

માત્ર ચેન્નાઈ જ નહીં કાવેરીની ધરતી તંજૌરમાં પણ આ સમસ્યા છે. પાણીને લઈને થયેલા ઝઘડામાં જ આનંદ બાબુનું મૃત્યુ થયું.

પોલીસે જણાવ્યું, "તંજૌરના વિલાર વિસ્તારમાં ટૅન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે."

"પાણી લેતી વખતે આનંદ બાબુએ પોતાના પડોશી કુમારને વધુ પાણી લેવાની ના પાડી."

"વાત વણસતા કુમાર અને તેમના પુત્રોએ સાથે મળીને આનંદ બાબુને માર માર્યો. તેમને ગંભીર ઈજા થઈ અને જીવ ગુમાવવો પડ્યો."

'હજુ તો તારાજી શરૂ થઈ છે'

એક અધિકારીએ કહ્યું કે ભૂજળસ્તર પણ ઘણી જગ્યાએ સાવ ખાલી થઈ ગયું છે અને લોકો ચેન્નાઈ જળવિભાગ પર પાણી માટે નિર્ભર છે. તેનાથી સ્થિતિ બગડી રહી છે.

માત્ર ચેન્નાઈ જ નહીં એપ્રિલ અને મે મહિનામાં તામિલનાડુના ઘણા જિલ્લામાં ભૂજળસ્તર બહુ ઘટી ગયું છે. આંકડા દર્શાવે છે કે તિરુવન્નામલઈમાં સ્તર 0.87 મિટર સુધી જ રહ્યું છે.

ચેન્નાઈ જળવિભાગ અને પાઇપ અને ટૅન્કરોથી પાણીનું સપ્લાય કરી રહ્યું છે. નવ હજાર લિટર પાણી તેનાથી પહોંચાડવામાં આવે છે.

લોકોએ આ પાણી ખરીદવું પણ હશે તો નોંધણી કરાવી પડશે અને 20 દિવસ સુધી રાહ જોવી પડશે. આગામી દિવસોમાં રાહ જોવાનો સમય પણ વધતો જશે.

એક અધિકારી કહ્યું કે હજુ તો બરબાદી શરૂ થઈ છે. જો આ વર્ષે પણ વરસાદે અમને નિરાશ કર્યા તો અમે તો ખતમ થઈ જશું.

કેવી રીતે બદલાવ આવશે

પાણી પર કામ કરતા સામાજિક કાર્યકર નક્કીરને જણાવ્યું, "ભવિષ્યમાં આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે કે ભૂજળસ્તરને વધારવું. અગાઉ પણ અનેક વાર દુષ્કાળ પડ્યો છે.

ચેન્નાઈમાં અગાઉ પણ પાણીની તંગી પડી હતી. એ સમયે ભૂજળ જ બચાવતું હતું. વરસાદનું સોળ ટકા પાણી જમીનમાં જવું જોઈએ, પરંતુ ચેન્નાઈ જેવા મોટા શહેરમાં પાંચ ટકા પાણી પણ નથી જતું.

કૉન્ક્રીટ નિર્માણ તેનું મુખ્ય કારણ છે. આ ચીજને બદલ્યા સિવાય આપણે ભૂજળસ્તરને ઊંચું નહીં લાવી શકીએ."

ગટરનું પાણી

પાણી સપ્લાય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે સરોવરનો સફાઈ પ્રોજેક્ટ, ખારા પાણીનું પ્યૉરિફેકિશન સેન્ટર પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નથી. તેમનું કહેવું છે કે વપરાશમાં લીધેલા પાણીને રિસાઇકલ (પુનઃઉપયોગ) કરવું એ ઉત્તમ ઉપાય છે.

30 મેના રોજ આઈઆઈટી મદ્રાસે એક નવા 'ગ્રે વૉટર પ્યૉરિફેકિશન પ્રોજેક્ટ'ને ચેન્નાઈમાં લાગુ કરવાની મંજૂરી આપી છે.

આ પ્રોજેક્ટ માટે મશીન ડિઝાઇન પર કામ શરૂ થઈ ગયું છે, પરંતુ તે જાન્યુઆરી 2020માં શરૂ થઈ શકશે.

જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ચેન્નાઈમાં 70 ટકા પાણી રિસાઇકલ થઈ શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.