#Abhinandan: IAF પાઇલટને પરત મોકલવાના નિર્ણયથી ઇમરાન ખાનનું કદ વધ્યું છે?

    • લેેખક, સાદ મોહમ્મદ
    • પદ, રાજકીય વિશ્લેષક, પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે

પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વાયુસેના સરહદો પાર કરીને એકબીજાની સીમામાં ઘૂસીને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે.

આ દરમિયાન પાકિસ્તાને ભારતનું એક મિગ વિમાન પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં તોડી પાડ્યું અને એક પાઇલટને પોતાના કબજામાં લીધા. ત્યાર બાદ ઇમરાન ખાને તેને મુક્ત કરવાની જાહેરાત કરી અને શુક્રવારે અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યા.

પુલવામાની ઘટના 14 ફેબ્રુઆરીએ ઘટી હતી. જ્યારે બંને દેશોની સેના વચ્ચે થયેલી આ બાબત 26થી 28 ફેબ્રુઆરી વચ્ચેની છે.

આ દરમિયાન જ્યા એક તરફ ભારતના રાજકીય નેતાઓ તરફથી કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યા, ત્યાં પાકિસ્તાનના વડા પ્રધાન આ મુદ્દે સતત બોલતા રહ્યા છે અને જ્યારે પણ કૅમેરા સામે આવે ત્યારે યુદ્ધ નહીં કરવાની વાત કરતા રહ્યા છે.

પહેલી વખત તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલાં થયેલાં યુદ્ધ અને તેનાથી થયેલાં નુકસાનની વાત કરી. ગુરુવારે સંસદમા તેમણે ક્યુબા મિસાઇલ સંકટ(સોવિયેત સંઘે અમેરિકા વિરુદ્ધ ક્યુબામાં મિસાઇલો તહેનાત કરી દીધી હતી)નો ઉલ્લેખ કર્યો.

આ એ સમય હતો જ્યારે સમગ્ર વિશ્વ પર સંકટના વાદળ ઘેરાયેલાં હતાં. એક તરફ અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ હતો તો બીજી તરફ ભારત-ચીન વચ્ચે પણ યુદ્ધ ચાલતું હતું. ઇમરાન ખાન સતત કહેતા રહ્યા છે કે યુદ્ધ ની સમસ્યાનું નિરાકરણ નથી.

તેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ સુધરશે. આ નિર્ણયથી ઇમરાન ખાનનું કદ ચોક્કસ વધ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇમરાનનું વ્યક્તિત્વ

ઇમરાન ખાન મીડિયા સામે આવતા ડરતા નથી. જ્યારથી ઇમરાન પાકિસ્તાનના રાજકારણમાં આવ્યા છે, ત્યારથી તેઓ કૅમેરા પર આવવાનું પસંદ કરે છે. તેઓ એક આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી રહી ચૂક્યા છે, ક્રિકેટર રહી ચૂક્યા છે.

જ્યાં-જ્યાં ક્રિકેટ રમાય છે, ત્યાં તેઓ ખૂબ લોકપ્રિય છે. તેમનું માન છે, જેનો તેઓ ફાયદો ઉઠાવે છે. તેમની કૉમ્યુનિકેશન સ્કીલ્સ પણ સારી છે. તેઓ જે વાત કરે છે, તેનાથી પણ તેમને ફાયદો જ થાય છે.

તેઓ એક લોકનેતા છે, જેનો લાભ ઉઠાવીને તેઓ સત્તા પર છવાઈ જાય છે. તેનો લાભ લેવાનો દરેક નેતાને અધિકાર છે, જેને તેઓ માને છે કે તેમાં તેઓ સારા છે.

હાલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જે સ્થિતી છે, તેની પાકિસ્તાન પર ઘણી અસર થઈ છે. હાલની ઇમરાન ખાન સરકાર ઇચ્છે છે કે શાંતિ હોવી જોઈએ. તેઓ ઇચ્છે છે કે જે પણ પ્રશ્નો છે તેને વાતચીત દ્વારા શાંતિથી હલ કરવામાં આવે. તેઓ ખોટા નિવેદનો નથી આપતા, તેઓ સાચા દિલથી વાત કરી રહ્યા છે.

પુલવામાની ઘટના બાદ તેમણે ભારતની સૌથી પહેલાં ઉગ્રવાદ પર ચર્ચા કરવાની શરતને પણ માની લીધી છે.

પાકિસ્તાન પહેલાંથી જ પોતાની પશ્ચિમી સીમા પર ઉગ્રવાદ વિરુદ્ધ લડી રહ્યો છે. ક્યાંક અને ક્યાંક પાકિસ્તાની સેના પણ ઇચ્છે છે કે યુદ્ધ ન થાય અને વાતચીતથી મુદ્દાનો ઉકેલ આવે.

સકારાત્મક છે ઇમરાનની વિચારધારા

ઇમરાન જે દીશામાં પાકિસ્તાનને લઈ જવા ઇચ્છે છે તે સાચી છે. તેમણે અફઘાનિસ્તાન સાથે લડાઈ ખતમ કરવાની દિશામાં કાર્યવાહીને ગતિ આપી છે. તેઓ ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં યુદ્ધ અટકે અને સ્થિતી સામાન્ય થાય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઇચ્છે છે કે હવે આ 'ક્યારેય ખતમ નહીં થતી લડત' ખતમ થાય.

કરતારપુર કૉરિડોરને તેમણે શીખો માટે ખોલવાની પહેલ કરી છે. તેઓ માને છે કે શીખો ત્યાં વિઝા વિના આવે અને દર્શન કરે, આ એક સારો પ્રયત્ન હતો.

આ કેટલાંક એવાં પગલાં છે જે ઇમરાને વડાપ્રધાન બન્યા બાદ લીધાં છે. હજુ તેઓ વડા પ્રધાન બન્યા તેને માત્ર પાંચ મહિના થયા છે.

ત્યારે જો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર તેઓ નિયંત્રણ મેળવી શકે અને બે-ત્રણ વર્ષમાં પાકિસ્તાનનો ગ્રૉથ રેટ સુધરે તો કહી શકાય કે ઇમરાન ખાને કામ કર્યું. હાલ તો એટલું જ કહી શકાય કે ઇમરાન ખાનનાં પગલાં હકારાત્મક છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

(બીબીસી સંવાદદાતા અભિજીત શ્રીવાસ્તવ સાથેની વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો