You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Abhinandan: IAF પાઇલટ માટે ફેસબુકમાં પરિવર્તન કરાયું?
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર લોકો એવો દાવો કરી રહ્યા છે કે ફેસબુકે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના સન્માનમાં નવું ફીચર શરૂ કર્યુ છે.
ફેસબુક પર એવી હજારો પોસ્ટ શૅર કરવામાં આવી રહી છે જેમાં લખ્યું છે, "ફેસબુકે ફાઇટર પાઇલટ અભિનંદનને આપ્યું સન્માન, ફેસબુક પર ગમે ત્યાં અભિનંદન લખશો તો કેસરી કલર થઈ જશે અને તેને ક્લિક કરવાથી ફૂગ્ગા ફૂટવા લાગશે."
દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ઘણા મોટા ફેસબુક ગ્રૂપ ઉપરાંત વૉટ્સઍપ પર પણ આ મૅસેજ ફેલાઇ રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
લોકો માને છે કે 'શુક્રવારે રાત્રે પાકિસ્તાનથી મુક્ત થયેલા ભારતના જાંબાઝ પાઇલટ માટે ફેસબુકે આ ફીચર શરૂ કર્યું છે.'
વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની વાયુ સેનાના ફાઇટર વિમાનો જવાબ આપવા માટે ગયા અઠવાડિયે એલઓસી પાર કરી ગયા હતા, જ્યાં તેમનું મિગ બાયસન-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. ત્યારબાદ તેઓ પકડાઈ ગયા.
તેઓ હવે સકુશળ છે. દિલ્હીની આર્મી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલે છે. મીડિયાના અહેવાલો અનુસાર તેઓ જલ્દી ફાઇટર પ્લેનની કૉકપિટમાં બેસવા તત્પર છે.
પરંતુ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી પોસ્ટમાં ફેસબુક અને અભિનંદન સાથે જોડાયેલી વાત ખોટી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ છે 'ટેક્સ્ટ ડિલાઇટ'
ફેસબુકના આ ફીચરને ભારત અને પાકિસ્તાનની હાલની સ્થિતી અને વિંગ કમાન્ડર અભિનંદન સાથે જોડવું ખોટું છે. કારણ કે ફેસબુક પરનું આ 'ટેક્સ્ટ ડિલાઇટ' ફીચર 2017થી જ ચાલે છે.
'ટેક્સ્ટ ડિલાઇટ' ફીચરમાં ફેસબુક પર 15થી વધુ ભાષાઓના કેટલાક શબ્દો અને વાક્યાંશોની એક યાદી બનાવવામાં આવી હતી.
જો તે ફેસબુક પર લખવામાં આવે તો તે બાકીના અક્ષરો કરતાં મોટા દેખાય છે અને તેનો રંગ પણ બદલાય છે. આ અક્ષરો પર ક્લિક કરવાથી ફેસબુક એનિમેશન પ્લે કરે છે.
વર્ષ 2018ના ફિફા વર્લ્ડ કપ દરમિયાન પણ ફેસબુકે આ ફીચરમાં એક એનિમેશન શરૂ કર્યું હતું. વર્લ્ડ કપ દરમિયાન જ્યારે લોકો GOAL લખતા તો સ્ક્રીન પર ખુશીથી નાચતા લોકોના હાથ દેખાતા હતા.
આજે પણ જ્યારે તમે ફેસબુક પર હિન્દીમાં 'બહેતરીન સમય' અથવા 'બઢિયા સમય' લખશો તો હાથમાં ફૂલ લઈને ઉપરથી એક એનિમેશન આવતું દેખાશે.
આ જ રીતે જો તમે 'શાબાશ', 'અભિનંદન' કે 'શુભેચ્છાઓ' લખીને તેના પર ક્લિક કરશો તો ફેસબુક એનિમેશન પ્લે કરશે.
'અભિનંદન' પણ ફેસબુકના આ શબ્દોની યાદીમાં બે વર્ષથી સામેલ છે. જેનો અર્થ અહીં કોઈનો સત્કાર કરવાનો છે. આ જ કારણે ફેસબુક પર 'અભિનંદન લખવાથી ફૂગ્ગા ફૂટે છે.'
ગયા વર્ષે પણ ફેસબુકના 'ટેક્સ્ટ ડિલાઇટ' ફીચરના કારણે કેટલીક અફવાઓ ફેલાઇ હતી. ત્યારે લોકો કહેતા હતા કે જો ફેસબુક બીએફએફ લખવાથી તેનો કલર લીલો થાય તો સમજવું કે તમારું એકાઉન્ટ સુરક્ષિત છે.
BFF એટલે Best Friend Forever (સૌથી સારા મિત્ર), તે પણ 'ટેક્સ્ટ ડિલાઇટ' ફીચરમાંનો એક શબ્દ હતો. જેને લખવાથી લીલો રંગ થતો હતો. તેમજ તેને ક્લિક કરતાં એનિમેશન પ્લે થતું હતું, જેમાં બે હાથ તાલી મારતા હતા.
(જો તમને પણ આવી જાણકારી, વીડિયો, તસવીરો કે દાવાઓ મળે, જેના પર તમને શંકા હોય, તેનું સત્ય તપાસવા માટે આપ +91-9811520111 પર વૉટ્સઍપ પર અથવા બીબીસી ન્યૂઝને મોકલી આપો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો