નવી ઊંચાઈઓ પર પહોંચ્યું બાંગ્લાદેશ, ભારતને પણ છોડ્યું પાછળ

ઢાકામાં એક બિલ્ડિંગ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 1971માં પાકિસ્તાન સાથે સ્વતંત્રતાની લડાઈ બાદ બાંગ્લાદેશે ઘણી દુર્ઘટનાઓનો સામનો કર્યો છે. બાંગ્લાદેશ ભયાનક ગરીબી, પ્રાકૃતિક આપત્તિ અને હવે દુનિયાના સૌથી મોટા શરણાર્થી સંકટનો સામનો કરી રહ્યું છે. સાત લાખ 50 હજાર રોહિંગ્યા મુસ્લિમ પાડોશી મ્યાનમારથી પોતાનું ઘર છોડીને બાંગ્લાદેશ આવી ગયા છે.

આટલું બધું હોવા છતાં બાંગ્લાદેશ પોતાની આર્થિક સફળતાનો નવો ઇતિહાસ લખી રહ્યું છે. જોકે, બાંગ્લાદેશની આ સફળતાની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે એ રુપમાં થઈ નથી.

મેન્યુફેકચરિંગ સેક્ટરમાં બાંગ્લાદેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. કપડાં ઉદ્યોગમાં બાંગ્લાદેશ ચીન બાદ બીજા નંબર પર છે. એક દાયકામાં બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા સરેરાશ 6 ટકાના વાર્ષિક દરથી આગળ વધી છે.

વર્ષ 2018ના જૂન મહિનામાં આ વૃદ્ધિ દર 7.86 ટકા પર પહોંચી ગયો હતો.

1974માં ભયાનક દુષ્કાળ બાદ 16.6 કરોડ કરતા વધારે વસતિ ધરાવતો બાંગ્લાદેશ ખાદ્ય ઉત્પાદનના મામલે આત્મનિર્ભર બની ચૂક્યો છે. 2009થી બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ આવક ત્રણ ગણી થઈ ગઈ છે.

આ વર્ષે પ્રતિ વ્યક્તિ આવક 1750 ડોલર એટલે કે આશરે 1,22,937 રૂપિયા થઈ ગઈ છે.

બાંગ્લાદેશમાં મોટી સંખ્યામાં લોકો ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા છે પરંતુ વિશ્વ બૅન્કના આંકડા અનુસાર પ્રતિદિન 1.25 ડોલર એટલે કે આશરે 85 રુપિયામાં પોતાનું જીવન પસાર કરતા લોકોની સંખ્યા 19 ટકા હતી જે હવે 9 ટકા જ છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
બાંગ્લાદેશમાં હોડીઓ

ઇમેજ સ્રોત, Getty Images

શેખ હસીના સતત ત્રીજી વખત બાંગ્લાદેશના વડાં પ્રધાન બન્યા છે. હસીનાનાં નેતૃત્વમાં બાંગ્લાદેશ હાલના વર્ષોમાં એશિયાના સૌથી સફળ દેશો તરીકે સામે આવ્યું છે.

એક સમય હતો જ્યારે બાંગ્લાદેશ (ત્યારે તેને પૂર્વી પાકિસ્તાન કહેવામાં આવતું) પાકિસ્તાનનો સૌથી ગરીબ વિસ્તાર હતો. 1971માં સ્વતંત્રતા બાદ પણ બાંગ્લાદેશમાં ખૂબ ગરીબી હતી. 2006 બાદ બાંગ્લાદેશની તસવીર પરથી ધૂળ દૂર થવા લાગી અને સફળતાની રેસમાં તે પાકિસ્તાનથી આગળ નીકળી ગયું.

line

'વિકાસ દરમાં બાંગ્લાદેશ ભારતને પણ પાછળ છોડી દેશે'

શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશનો વાર્ષિક જીડીપી દર પાકિસ્તાનથી 2.5 ટકા આગળ નીકળી ગયો છે. જાણીતા અર્થશાસ્ત્રી કૌશિક બાસુનું કહેવું છે કે બાંગ્લાદેશ વિકાસ દરમાં ભારતને પણ પાછળ છોડી દેશે.

બાંગ્લાદેશની વસતિ 1.1 ટકા દરે પ્રતિવર્ષે વધી રહી છે જ્યારે પાકિસ્તાનની વસતિ 2 ટકાના દરથી વધી રહી છે. તેનો મતલબ છે કે પાકિસ્તાનની સરખામણીએ બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ આવક ઝડપથી વધી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશ ખૂબ જ શાંત રીતે પોતાની કાયાપલટ કરી રહ્યું છે. કૌશિક બસુનુ માનવું છે કે બાંગ્લાદેશના સમાજના મોટાભાગમાં પરિવર્તન થઈ રહ્યું છે અને અહીં મહિલાઓનું સશક્તિકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે.

બાંગ્લાદેશમાં એક વ્યક્તિની સરેરાશ ઉંમર 72 વર્ષ થઈ ગઈ છે જે ભારતમાં 68 વર્ષ અને પાકિસ્તાનમાં 66 વર્ષ કરતા વધારે છે.

વિશ્વ બૅન્કના આંકડા પ્રમાણે 2017માં બાંગ્લાદેશમાં જે લોકો પાસે બૅન્કમાં ખાતું છે તેમાંથી 34.1 ટકા લોકોએ ડિજીટલ લેવડ દેવડ કરી છે જે દક્ષિણ એશિયામાં સરેરાશ 27.8 ટકા છે.

લાઇન
લાઇન
સેલ્ફી લેતી યુવતીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં આ લોકોની સંખ્યા 48 ટકા છે જેમની પાસે બૅન્ક ખાતું છે. પરંતુ તેમાંથી કોઈ લેવડ દેવડ કરતા નથી.

આવા ખાતાને ડૉર્મન્ટ અકાઉન્ટ (નિષ્ક્રિય ખાતા) કહેવામાં આવે છે. બીજી તરફ બાંગ્લાદેશમાં આવા લોકો 10.4 ટકા લોકો જ છે.

આ વર્ષની શરુઆતમાં બાંગ્લાદેશ માટે એ ક્ષણ ખૂબ નિર્ણાયક રહી જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશને અલ્પવિકસિત દેશની શ્રેણીમાંથી બહાર કાઢી 2024માં વિકાસશીલ દેશોની યાદીમાં ઉમેરવાની વાત કહી.

વડાં પ્રધાન શેખ હસીનાનાં નેતૃત્વમાં બાંગ્લાદેશ માટે તે એક મોટી ઉપલબ્ધિ હશે.

લાઇન
લાઇન

સંયુક્ત રાષ્ટ્રનાં આ પગલાં પર શેખ હસીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "અલ્પવિકસિત શ્રેણીમાંથી બહાર નીકળવું અમારા આત્મવિશ્વાસ અને આશાઓની મજબૂતી માટે ખૂબ ખાસ છે."

"આ ન તો માત્ર નેતાઓ માટે પણ અહીંના નાગરિકો માટે પણ ખૂબ સારા સમાચાર છે. જો તમે નીચલા દરજ્જામાં રહો છો તો પ્રોજેક્ટ અને પ્રોગ્રામ પર વાતચીત પણ તેમની શરતો અનુસાર થાય છે. તેવામાં તમે બીજા લોકોની દયા પર નિર્ભર રહો છો."

"એક વખત જ્યારે તમે એ શ્રેણીમાંથી બહાર નીકળી જાઓ છો તો કોઈની દયા નહીં પણ તમારી ક્ષમતા અનુસાર આગળ વધો છો."

હસીના માને છે કે બાંગ્લાદેશનો મજબૂત વૃદ્ધિ દર ન માત્ર ચાલુ રહેશે પણ તેમાં ઝડપ પણ આવશે.

એશિયન નિક્કેઈ રિવ્યૂને આપેલા ઇન્ટરવ્યૂમાં શેખ હસીનાએ કહ્યું છે, "આગામી પાંચ વર્ષોમાં અમે લોકો આશા રાખીએ છીએ કે વૃદ્ધિ દર 9 ટકા રહેશે અને 2021માં 10 ટકા સુધી જશે. હું હંમેશાં ઊંચા દરનો અનુમાન લગાવું છું."

મીડિયા સાથે વાત કરતાં શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images

મોટાભાગના ક્ષેત્રે બાંગ્લાદેશ પ્રદર્શન મામલે સરકારી લક્ષ્યોથી આગળ નીકળી ચૂક્યું છે. બાંગ્લાદેશ હમણાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર વધારે ધ્યાન આપી રહ્યું છે. કપડાં ઉદ્યોગમાં બાંગ્લાદેશનું પ્રભુત્વ આખી દુનિયામાં પ્રખ્યાત છે.

બાંગ્લાદેશમાં બનતા કપડાંની નિકાસ વાર્ષિક 15 થી 17 ટકાના દરથી આગળ વધી રહી છે. 2018માં જૂન મહિના સુધી કપડાંની નિકાસ 36.7 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.

હસીનાનું લક્ષ્ય છે કે વર્ષ 2019 સુધી તેને 39 અબજ ડોલર સુધી પહોંચાડવામાં આવે અને 2021માં બાંગ્લાદેશ જ્યારે પોતાની 50મી વર્ષગાંઠ મનાવે તો આ આંકડો 50 અબજ ડોલર સુધી પહોંચી જાય.

બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં વિદેશોમાં કામ કરતા આશરે 25 લાખ બાંગ્લાદેશીઓની મોટી ભૂમિકા છે. તેઓ વિદેશોમાંથી પૈસા કમાવીને મોકલે છે તેમાં વાર્ષિક 18 ટકા વધારો થઈ રહ્યો છે અને 2018માં આ સંખ્યા 15 અબજ ડોલર સુધી પહોંચી ગઈ.

જોકે, શેખ હસીના જણાવે છે કે દેશમાં ટકાઉ અર્થવ્યવસ્થા માટે ઉદ્યોગ- ધંધો વધારવો પડશે. બાંગ્લાદેશ ઓછી લાગત વાળા મેન્યુફેક્ચરીંગ હબથી આગળ નીકળવા માગે છે જે બહારના ધન અને વિદેશી મદદ પર નિર્ભર છે.

2009માં શેખ હસીનાએ ડિજિટલ બાંગ્લાદેશ લૉન્ચ કર્યું હતું જેથી ટેકનૉલૉજીને પ્રોત્સાહન આપી શકાય. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ટેકનૉલૉજી સેક્ટર પણ પગ પેસારો કરી રહ્યું છે.

ઢાકાના સીઈઓ ભારતના આઈટી સેક્ટર પાસેથી શીખીને તેને ટક્કર આપવા માગે છે.

લાઇન
લાઇન

આ ક્ષેત્રમાં ભારતને ટક્કર આપવાનો વિચાર

શેખ હસીનાના પોસ્ટર પાસે એક વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત દવાઓના નિર્માણમાં ખૂબ આગળ છે અને બાંગ્લાદેશ પોતાના પાડોશીને આ સેક્ટરમાં પણ ટક્કર આપવાનો ઇરાદો રાખે છે.

બાંગ્લાદેશની સરકાર સમગ્ર દેશમાં 100 વિશેષ આર્થિક ક્ષેત્રોનું નેટવર્ક તૈયાર કરવા માગે છે. તેમાંથી 11 બનીને તૈયાર છે અને 79 પર કામ ચાલુ છે.

બાંગ્લાદેશ નાનો એવો દેશ છે અને તેની વસતિ ખૂબ વધારે છે. અહીંની વસતિ ખૂબ જ સઘન છે. બાંગ્લાદેશ બૅન્કના મુખ્ય અર્થશાસ્ત્રી ફૈસલ અહેમદ વધારે વસતિને પોતાના દેશના વિકાસ માટે ખૂબ લાભદાયી માને છે.

ફૈસલે પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સઘન વસતિના કારણે સોશિયલ અને ઇકૉનોમિક આઇડિયાને જમીન પર ઉતારવામાં ખૂબ મદદ મળશે.

બાંગ્લાદેશમાં આર્થિક મોર્ચે બધુ સારુ થઈ રહ્યું હોવાનો મતલબ એ નથી કે અહીં પડકાર નથી. બાંગ્લાદેશમાં બે પ્રમુખ રાજકીય પાર્ટીઓ વચ્ચે તીખી પ્રતિદ્વંદ્વિતા છે.

બાંગ્લાદેશના રાજકારણમાં બે મહિલાઓ શેખ હસીના અને પૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાનું પ્રભુત્વ રહ્યું છે.

જ્યારે બાંગ્લાદેશ પૂર્વી પાકિસ્તાન હતું ત્યારે બન્ને નેતાઓના પરિવારોની બાંગ્લાદેશની સ્વતંત્રતામાં મહત્ત્વની ભૂમિકા રહી હતી.

છેલ્લા ત્રણ દાયકામાં બન્ને મહિલાઓ સત્તામાં આવતાં જતાં રહ્યાં છે. આ સાથે જ બન્ને મહિલાઓ જેલમાં પણ રહ્યાં છે.

લાઇન
લાઇન
ખાલિદા ઝિયા અને શેખ હસીન

ઇમેજ સ્રોત, Getty Images

ખાલિદા ભ્રષ્ટાચારના મામલે જેલમાં છે અને તેઓ જેલમાંથી જ પોતાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી ચલાવી રહ્યાં છે.

ખાલિદા ઝિયાનો દાવો છે કે તેમને ખોટા કેસમાં ફસાવીને ઇરાદાપૂર્વક જેલમાં બંધ કરી દેવાયાં છે.

1981થી શેખ હસીના સત્તાધારી અવામી લીગ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ પાર્ટીનું ગઠન તેમના પિતા શેખ મુજિબુર રહેમાને કર્યું હતું.

રહેમાન દેશના પહેલા રાષ્ટ્રપતિ હતા. 1975માં સેનાના કેટલાક લોકોએ રહેમાન તેમજ તેમના પરિવારના મોટાભાગના લોકોની હત્યા કરી નાખી હતી.

ભૂતકાળમાં કેટલીક ચૂંટણીઓમાં આ પાર્ટીને ભારે જનસમર્થન મળ્યું છે. જોકે, વિપક્ષ અને માનવાધિકાર સંગઠનોનો આરોપ છે કે સત્તાધારી પાર્ટી અવામી લીગ સત્તા પ્રાપ્ત કરવા માટે ચૂંટણીમાં ધાંધલી અને ડરાવવા- ધમકાવવાનું કામ કરે છે.

લાઇન
લાઇન

અવામી લીગ છેલ્લા 10 વર્ષોથી સત્તામાં હતી. ઘણા લોકો માને છે કે સત્તાધારી પાર્ટીની જીતથી વિકાસને વેગ મળશે.

બાંગ્લાદેશની સફળતામાં રેડિમેડ કપડાં ઉદ્યોગની સૌથી મોટી ભૂમિકા માનવામાં આવે છે. કપડાં ઉદ્યોગ બાંગ્લાદેશના લોકોને સૌથી વધારે રોજગારી આપે છે. કપડાં ઉદ્યોગથી બાંગ્લાદેશમાં 40.5 લાખ લોકોને રોજગારી મળી છે.

2018માં બાંગ્લાદેશની કુલ નિકાસમાં રેડિમેડ કપડાંનું યોગદાન 80 ટકા રહ્યું. બાંગ્લાદેશમાં કપડાં ઉદ્યોગ માટે 2013માં રાણા પ્લાઝા આફત કોઈ મોટા ઝટકાથી ઓછી ન હતી.

કપડાંની ફેક્ટરીની આ બહુમાળી ઇમારત તૂટી પડી હતી અને તેમાં 1,130 લોકોનાં મૃત્યુ થયા હતા.

ત્યારબાદ કપડાંની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઘણા પ્રકારના સુધારા માટે મજબૂર થઈ હતી.

કપડાં સિવતા એક યુવક

ઇમેજ સ્રોત, Getty Images

ફેક્ટરીઓને અપગ્રેડ કરવામાં આવી અને તેમાં કામ કરતા કામદારોની સ્થિતિ સુધારવા માટે પગલાં ઉઠાવવામાં આવ્યા.

બાંગ્લાદેશમાં કપડાંની સિલાઈનું કામ વ્યાપક પ્રમાણમાં થાય છે અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે. 2013 બાદથી અત્યાર સુધી ઑટોમેટેડ મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે.

અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલા ટ્રેડ વૉરમાં બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખૂબ આશા છે. બાંગ્લાદેશને લાગે છે કે જો ચીનના કપડાંની નિકાસ ઓછી થાય તો તે તેની ક્ષમતા પુરી કરવાની ક્ષમતા રાખે છે.

જોકે, તેનો ફાયદો વિયેતનામ, તુર્કી, મ્યાનમાર અને ઇથોપિયાને મળવાની પણ વાત કહેવામાં આવી રહી છે.

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં બાંગ્લાદેશને દુનિયાના ઘણા દેશોમાંથી ટક્કર મળી રહી છે. બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશનના અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં 4,560 કપડાંની ફેક્ટરીઓમાંથી 22 ટકાનો ઘટાડો થયો છે.

માર્કેટ રિસર્ચ કંપની સીએલએસએના સ્ટ્રેટિજિસ્ટ ક્રિસ્ટોફર વુડ્સે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ભવિષ્યમાં ઘણી અડચણ પણ છે.

વુડ્સે કહ્યું છે, "બાંગ્લાદેશની આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને ખૂબ ઓછા પૈસા મળે છે. જો બાંગ્લાદેશને 2024માં સંયુક્ત રાષ્ટ્ર અલ્પ વિકસિત દેશમાંથી વિકાસશીલ દેશમાં ફેરવી દે છે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે આ દેશ ઉત્પાદ શુલ્ક મુક્ત બજાર નહીં રહે."

"બાંગ્લાદેશ સામે બીજો પડકાર એ પણ છે કે અહીં બીજા સેક્ટર પ્રભાવી રુપે વિકસિત થઈ રહ્યા નથી. બાંગ્લાદેશમાં વધારે વિદેશી રોકાણની જરુર છે."

લાઇન
લાઇન

જોકે FDIની સ્થિતિ વધારે મજબૂત નથી

લાઇનમાં ઊભેલી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે કે FDIની સ્થિતિ વધારે મજબૂત નથી. જોકે, શેખ હસીનાના છેલ્લા નવ વર્ષના શાસનકાળમાં FDIમાં ત્રણ ગણો વધારો થયો છે.

નાણાંકીય વર્ષ 2008માં FDI 96.1 કરોડ ડોલરથી વધીને આ વર્ષે જૂનમાં ત્રણ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. જોકે, આ રોકાણ બાકી એશિયાઈ દેશ વિયેતનામ અને મ્યાનમારથી ઓછું જ છે.

બાંગ્લાદેશમાં વેપાર કરવો કેટલો સહેલો છે, એ મામલે તેની રૅન્કિંગ ખૂબ ખરાબ છે. વિશ્વ બૅન્કે 'ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ' એટલે કે વ્યાપારિક સુગમતાના મામલે બાંગ્લાદેશની રૅન્કિંગ 190 દેશોમાં 176માં નંબર પર છે.

આટલી ખરાબ રૅન્કિંગ માટે રેડ ટેપિઝમ, કમજોર આધારભૂત માળખું અને ખરાબ પરિવહન વ્યવસ્થાને જવાબદાર ગણાવવામાં આવી છે. આ મામલે સિંગાપોર અને વિયેતનામ જેવા દેશ બાંગ્લાદેશથી ખૂબ આગળ છે.

લાઇન
લાઇન

શેખ હસીનાએ પોતાના કાર્યકાળમાં ડિજિટલ વ્યવસ્થાને ખૂબ સારી બનાવી છે. બાંગ્લાદેશની અને વિદેશી મીડિયામાં તેના માટે અમેરિકામાં ભણેલા હસીનાના દીકરાને શ્રેય આપવામાં આવે છે.

ડિજિટલ બાંગ્લાદેશ પ્રોગ્રામમાં શેખ હસીનાના દીકરા સજીબ અહેમદની ભૂમિકાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. તેના અંતર્ગત બાંગ્લાદેશમાં સૂચના ટેકનૉલૉજીનો ખૂબ વિસ્તાર થયો અને દેશમાં તેની સાથે જોડાયેલા 12 હાઈટેક પાર્ક બનાવવામાં આવ્યા.

કહેવામાં આવે છે કે બાંગ્લાદેશ આઈટી સેક્ટરમાં ભારત સાથે મુકાબલો કરવાની મહત્ત્વકાંક્ષા ઘરાવે છે.

સૉફ્ટવેર કંપની ટેક્નોહેવન અને બાંગ્લાદેશ એસોસિએશન ઑફ સોફ્ટવેર એન્ડ ઇન્ફૉર્મેશન સર્વિસના સહ સંસ્થાપક હબીબુલ્લાહ કરીમે ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, "બાંગ્લાદેશમાં આ વર્ષે 30 જૂન સુધી આઈટી સર્વિસ અને સૉફ્ટવેરની નિકાસ 80 કરોડ ડોલર સુધી પહોંચી ગઈ."

"આ નાણાંકીય વર્ષમાં તે એક અબજ ડોલર પાર જશે. સરકારે 2021 સુધી તેનો લક્ષ્ય પાંચ અબજ ડોલર રાખ્યો છે જે ખૂબ પડકારજનક છે."

નરેન્દ્ર મોદ સાથે શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images

કરીમે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે 80 કરોડ ડોલરથી ત્રણ વર્ષમાં પાંચ અબજ ડોલર સુધી પહોંચવાનો મતલબ છે કે છ ગણો વધારો થવો જોઈએ.

કરીમ કહે છે કે બાંગ્લાદેશમાં આઈટી સેક્ટરમાં ઘણા કામ થયા છે. હવે અહીં એરલાઇન, હોટેલ બુકીંગ અને ઇન્શ્યોરેન્સ ક્લેઇમ બધું જ ઑનલાઇન થઈ રહ્યું છે.

આઈટી કંપની ઈ- જનરેશનના ચેરમેન અને બાંગ્લાદેશ એસોસિએશન ઑફ સૉફ્ટવેર એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસના પૂર્વ પ્રમુખ શમીન અહેસાને એશિયન નિક્કેઈ રિવ્યૂને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, "40 વર્ષ પહેલા બાંગ્લાદેશમાં ઘણી કંપનીઓથી કપડાં ઉદ્યોગ વિકસ્યો હતો."

"હવે બાંગ્લાદેશ 30 અબજ ડોલરની કિંમતના કપડાંની નિકાસ કરે છે અને અમારાથી માત્ર ચીન જ આગળ છે. અમે એવું જ આઈટી સેક્ટરમાં કરવા માગીએ છીએ."

સમગ્ર દુનિયામાં જેનરિક દવાઓના નિર્માણમાં ભારતનું નામ છે પરંતુ બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં પડકાર આપવા પ્રયાસ કરી રહ્યું છે. અલ્પવિકસિત દેશનો દરજ્જો હોવાનો કારણે બાંગ્લાદેશને પેટેંટના નિયમોથી છૂટ મળેલી છે.

આ છૂટના કારણે બાંગ્લાદેશ જેનરિક દવાઓના નિર્માણમાં ભારતને પડકાર આપવા પ્રયાસ કરી રહ્યું છે. બાંગ્લાદેશ જેનરિક દવાઓના નિર્માણમાં બીજો સૌથી મોટો દેશ બની ગયો છે અને 60 દેશોમાં આ દવાઓની નિકાસ કરે છે.

લાઇન
લાઇન

બાંગ્લાદેશ ખરાબ આધારભૂત માળખાના કારણે ઘણા મામલે પાછળ રહી જાય છે. જોકે, ચીન ઘણા મામલે બાંગ્લાદેશને વન બેલ્ટ વન રોડ પરિયોજના અંતર્ગત મદદ કરી રહ્યું છે.

ચીન બાંગ્લાદેશના ઘણા મોટા પ્રોજેક્ટમાં આર્થિક સહાય પણ આપી રહ્યું છે.

ચીન પદ્મા નદી પર ચાર અબજ ડોલરની એક રેલવે બ્રિજ લાઇન બનાવી રહ્યું છે જે દેશના દક્ષિણ પશ્ચિમી અને ઉત્તર પૂર્વી વિસ્તારોને જોડશે.

ચીને બાંગ્લાદેશને 38 અબજ ડોલરનું દેવું આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.

ચીન વધારે દેવું આપવાના કારણે ટીકાનો સામનો કરી રહ્યું છે કે તે નાના દેશોને દેવાના દુષ્ચક્રમાં ફસાવી રહ્યું છે. આમ પાકિસ્તાન અને શ્રીલંકા બન્ને માટે કહેવામાં આવી રહ્યું છે.

જોકે, બાંગ્લાદેશમાં આ ટીકાને લઈને વધારે હલન ચલન નથી.

બાંગ્લાદેશ અને ચીન

શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images

2018માં ચીને બાંગ્લાદેશના ઢાકા સ્ટૉક એક્સચેન્જના 25 ટકા ભાગને ખરીદી લીધો હતો. તેને ખરીદવાનો પ્રયાસ ભારતે પણ કર્યો હતો પરંતુ ચીને તેની વધારે કિંમત ચૂકવી અને ભારતના હાથમાંથી સોદો નીકળો ગયો.

બાંગ્લાદેશ પાકિસ્તાન બાદ ચીન પાસેથી સૈન્ય હથિયાર ખરીદવા વાળો બીજો સૌથી મોટો દેશ છે.

શેખ હસીના પણ આ વાતને માને છે કે ચીન આ વિસ્તારમાં મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે.

બાંગ્લાદેશ ઘણા મોરચે ન માત્ર પાકિસ્તાનથી આગળ નીકળી ગયું છે પરંતુ ભારતને પણ પાછળ છોડી રહ્યું છે. બાળક મૃત્યુ દર, લૈંગિક સમાનતા અને સરેરાશ આયુના મામલે બાંગ્લાદેશ ભારતને પાછળ છોડી ચૂક્યું છે.

લાઇન
લાઇન

સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર વર્ષ 2013માં બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ આવક 914 ડોલર (આશરે 64,158 રૂપિયા) હતી કે જે 2016માં 39.11 ટકા વધીને 1,355 ડોલર (આશરે 95,114 રૂપિયા) થઈ ગઈ.

આ અવધિમાં ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક 13.80 ટકા વધી અને 1,706 ડોલર (આશરે 1,19,752 રૂપિયા ) સુધી પહોંચી.

પાકિસ્તાનમાં આ સમયગાળા દરમિયાન 20.62 ટકા વધારો થયો અને પ્રતિ વ્યક્તિ આવક 1,462 ડોલર (આશરે 1,02,625 રૂપિયા) પર પહોંચી ગઈ.

કહેવામાં આવે છે કે જો બાંગ્લાદેશ આ જ ગતિથી પ્રગતિ કરતું રહ્યું તો 2020માં ભારતને પ્રતિ વ્યક્તિ આવકના મામલે પાછળ છોડી દેશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો