વેપાર યુદ્ધ : અમેરિકાએ ફરી ચીની ઉત્પાદનો પર 200 અબજ ડૉલરની જકાત નાખી

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની સાથે વેપાર યુદ્ધને એક ડગલું આગળ વધારતાં અમેરિકાએ ફરીથી 200 અબજ ડૉલરનાં ચીની ઉત્પાદનો પર નવી આયાત જકાત નાખી છે.
આ આયાત જકાત 5 હજારથી વધારે વસ્તુઓ પર લાગુ પડશે. અત્યારસુધીમાં ચીનનાં ઉત્પાદનો પર લગાવવામાં આવેલી આ સૌથી વધારે આયાત જકાત છે.
તેમાં હૅન્ડબૅગ, ચોખા અને કપડાંને સામેલ કરવામાં આવ્યાં છે.
જોકે, કેટલીક વસ્તુઓ જેવી કે સ્માર્ટ ઘડિયાળ અને પ્લે પેનને સામેલ કરવામાં આવી નથી. જોકે, આ ઉત્પાદનોને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પહેલાં અમેરિકાએ લાકડામાંથી બનેલાં ફર્નીચર પર આયાત જકાત લગાવી ન હતી.
જોકે, આ વખતે તેના પર પણ જકાત લગાવવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
માનવામાં આવી રહ્યું છે કે તેની અસર ચીનના ફર્નીચર બજારની સાથેસાથે અમેરિકાના ફર્નીચર બજાર પર પણ પડશે.
અહીં ચીને પહેલાંથી જ સાફ કરી દીધું છે કે જો અમેરિકા આયાત જકાત લગાવશે તો તે પણ તેનો જવાબ આપશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે જો અમેરિકા નવી આયાત જકાત લગાવશે તો ચીન પણ પોતાનાં હિતોની રક્ષા કરવા માટે મજબૂર બનશે.
તેમણે કહ્યું હતું, "આ વેપાર યુદ્ધમાં ખરેખર કોઈને પણ ફાયદો નહીં થાય. અમે હંમેશાં કહ્યું છે કે વેપારને લગતા મામલાઓનો વાતચીતથી જ ઉકેલ લાવવો જ યોગ્ય રસ્તો છે. એકબીજા પર ભરોસો કરીને અને માન-સન્માનની સાથે."

ચીનને તક આપવામાં આવી હતી : અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images
નવી આયાત જકાત આ મહિનાની 24 તારીખથી જ લાગુ થઈ જશે.
જેની શરૂઆત 10 ટકાથી થશે પરંતુ આવતા વર્ષની શરૂઆતમાં તે વધીને 25 ટકા થઈ જશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "નવી જકાત ચીનના અનુચિત વેપારના જવાબમાં છે."
"સાથે જ સબસિડી અને નિયમોને લઈને છે જેના માટે કેટલાંક ક્ષેત્રોમાં વિદેશી કંપનીઓને સ્થાનિક ભાગીદારો સાથે રહીને કામ કરવાનું હોય છે."
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ફેરફારને લઈને સ્પષ્ટ રહ્યું છે અને ચીનને અમેરિકા સાથે યોગ્ય વ્યવહાર કરવાની દરેક તક આપી છે.
તેમનું કહેવું છે, "જોકે, અત્યારસુધી ચીન પોતાની વેપાર કરવાની પદ્ધતિને બદલવા માટે ઇચ્છુક દેખાયું નથી."
બંને દેશ પહેલાં જ એકબીજા પર 500 અબજ ડૉલરના સામાન પર જકાત નાખી ચૂક્યા છે. જેની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર પણ પડી છે.
ટ્રમ્પનું કહેવું છે કે જો ચીન આના જવાબમાં કોઈ પગલાં ઉઠાવશે તો અમેરિકા આગળના તબક્કાની આયાત જકાત લગાવવાની દિશામાં આગળ વધશે અને 267 અબજ ડૉલરનાં ચીની ઉત્પાદનો પર જકાત નાખશે.
267 અબજ ડૉલરનાં ચીની ઉત્પાદનો પર જકાતનો મતલબ એ હશે કે ચીનમાંથી અમેરિકામાં આયાત થતાં લગભગ તમામ ઉત્પાદનો પર જકાત લાગી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














