સબરીમાલા મંદિર મામલો : વડા પ્રધાન મોદીને 'હિંદુ બહેનો'નાં હકની યાદ કેમ નથી આવતી?

મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સિન્ધુવાસિની
    • પદ, બીબીસી સંવાદદાતા

'મારી મુસ્લિમ મહિલાઓ, બહેનો, તેમને આજે હું લાલ કિલ્લા પરથી વિશ્વાસ અપાવવા માગું છું. ટ્રિપલ તલાકની કુરીતિએ આપણા દેશની મુસ્લિમ દીકરીઓનું જીવન બરબાદ કરીને રાખ્યું છે અને જેમને તલાક મળી નથી તે પણ તેના દબાણમાં જીવન પસાર કરી રહી છે.'

'મારા દેશની આ પીડિત માતાઓ- બહેનોને, મારી મુસ્લિમ દીકરીઓને હું વિશ્વાસ અપાવું છું કે હું તેમનાં ન્યાય માટે, તેમનાં હક માટે કામ કરવામાં કોઈ ખામી નહીં છોડું અને હું તમારી આશાઓ, આકાંક્ષાઓને પૂર્ણ કરીને રહીશ.'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતો 15 ઓગસ્ટ 2018ના રોજ લાલ કિલ્લા પરથી આપેલા પોતાના ભાષણમાં કહી હતી.

પરંતુ પોતાના ભાષણ અને નિવેદનોમાં વારંવાર 'મુસ્લિમ બહેનો', 'મુસ્લિમ માતાઓ'ના હક અને ન્યાયની વાત કરતા જ વડા પ્રધાન સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે એકદમ અલગ વલણ અપનાવતા જોવા મળ્યા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી ANIનાં તંત્રી સ્મિતા પ્રકાશે જ્યારે ટ્રિપલ તલાક અને સબમરીમલા મુદ્દા પર વડા પ્રધાનનો મત જાણવા પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું :

દુનિયામાં ઘણા દેશ એવા છે કે જ્યાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે. એ માટે આ મામલો આસ્થાનો નથી. તેનો મતલબ છે કે ટ્રિપલ તલાક જેંડર ઇક્વલિટી (લૈંગિક સમાનતા)નો મામલો છે, સામાજિક ન્યાયનો મામલો છે, ધર્મ કે આસ્થાનો નહીં.

એ માટે એ બન્નેને અલગ કરો. બીજી વાત, ભારત સ્વભાવથી એ મત ધરાવે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ. ભારતમાં ઘણા મંદિર એવા છે કે જ્યાં પુરુષ જઈ શકતા નથી અને પુરુષ ત્યાં નથી જતા.

મંદિરની પોતાની માન્યતાઓ છે, એક નાની હદમાં. તેમાં સુપ્રીમ કોર્ટનાં મહિલા જજ (ઇન્દુ મલ્હોત્રા)નો જે નિર્ણય છે, તેને ધ્યાનથી વાંચવાની જરુર છે. તેમાં કોઈ રાજકીય પક્ષની દખલગીરીની જરુર નથી. તેમણે એક મહિલા તરીકે પણ તેને સમજીને પોતાનો મત આપ્યો છે. મારો વિચાર છે કે તેના પર ચર્ચા થવી જોઈએ.

મહિલાઓ સાથે જ જોડાયેલા બે અલગ અલગ મુદ્દાઓ પર વડા પ્રધાનના એકબીજાથી એકદમ વિપરિત વલણને કેવી રીતે જોવામાં આવે?

ધાર્મિક સ્થળો પર મહિલાઓને પ્રવેશ અપાવવા માટે આંદોલન સાથે જોડાયેલાં કાર્યકર્તા તૃપ્તિ દેસાઈ કહે છે, "વડા પ્રધાને આવી વાત કહેવી જોઈતી ન હતી. જે રીતે ટ્રિપલ તલાકમાં મહિલાઓ સાથે અન્યાય થાય છે એ જ રીતે સબરીમાલા મામલે પણ મહિલાઓ સાથે અન્યાય થાય છે."

"તેમનાં હક છીનવી લેવામાં આવે છે. ત્યાં જો 10 થી 50 વર્ષના પુરુષ જઈ શકે છે તો મહિલાઓ કેમ નહીં? આ બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકારનું અપમાન છે. મહિલાઓનું અપમાન છે."

લાઇન
લાઇન
મુસ્લિમ મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આસ્થાના સવાલ પર તૃપ્તિ કહે છે, "શું મહિલાઓની આસ્થા હોતી નથી? તેમને મંદિર જવાથી રોકવામાં આવે છે, તે આસ્થા સાથે ખિલવાડ નથી? મને લાગે છે કે આ આસ્થાનો નહીં, પણ સમાનતાનો વિષય છે."

ન્યૂઝ વેબસાઇટ 'ધ વાયર'નાં વરિષ્ઠ તંત્રી આરફા ખાનુમ શેરવાનીનું માનવું છે કે સબરીમાલાનો મુદ્દો હોય કે ટ્રિપલ તલાકનો, બન્ને પિતૃસત્તાને પડકાર આપે છે.

તેમણે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "અમે આપણા રાજકીય નેતૃત્વ પાસેથી એટલી આશા રાખીએ છીએ કે તે મહિલાઓ અને લૈંગિક ન્યાય સાથે જોડાયેલા મામલાઓ પર નિષ્પક્ષ થઈને નિર્ણય આપે."

"પરંતુ વાસ્તવિકતામાં એવું થાય છે કે રાજકીય પાર્ટીઓ પોતાની વોટ બૅન્ક પૉલિટિક્સથી અલગ થઈ શકતી નથી અને આ બન્ને મુદ્દાઓમાં પણ આવું જ થયું."

આરફા કહે છે, "સબરીમાલા અને ટ્રિપલ તલાકના મામલાઓને જોવામાં આવે તો સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પણ રાજનીતિકરણ થઈ રહ્યું છે. તેનો પણ પોતાની અનુકૂળતા પ્રમાણે સ્વીકાર કે અસ્વીકાર થઈ રહ્યો છે."

"ટ્રિપલ તલાકને અપરાધ ગણાવવો એ ભાજપની પરિસ્થિતિને અનુકૂળ છે, તે તેનો સ્વીકાર કરી રહ્યો છે. આ તરફ સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ અપાવવો તેમના હિંદુત્વ ઍજન્ડાની વિરુદ્ધ છે, તે માટે તેને ફગાવી રહ્યા છે."

આરફા માને છે કે વડાપ્રધાન મોદીનું એ કહેવું કે સબરીમાલા આસ્થાનો વિષય છે, લૈંગિક સમાનતાનો નહીં, એક સમાજ અને લોકતંત્ર તરીકે આપણને પાછલી સદીમાં ધકેલવાના પ્રયાસ જેવું છે.

લાઇન
લાઇન

'આંદોલન કરતી મહિલાઓ અયપ્પાની ભક્ત નથી'

મંદિર બહાર મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

આ તરફ સામાજિક કાર્યકર્તા અને વરિષ્ઠ પત્રકાર મધુ કિશ્વરનો મત તૃપ્તિ દેસાઈ અને આરફા ખાનુમ શેરવાનીથી અલગ છે.

તેમણે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "સૌથી પહેલી વાત તો એ કે ટ્રિપલ તલાક ગેર કાયદેસર જાહેર કરાવવા માટે મુસ્લિમ મહિલાઓ પોતે આગળ આવી હતી. તેમણે જ સુપ્રીમ કોર્ટ તરફ જવાનો રસ્તો અપનાવ્યો હતો."

"આ તરફ સબરીમાલા મંદિરમાં જવા માટે જે મહિલાઓએ આંદોલન કર્યું, તેઓ આસ્થાવાન જ નહોતી. તેમાંથી કોઈ મુસ્લિમ હતી, કોઈ ખ્રિસ્તી અને કોઈ નાસ્તિક. આંદોલન કરતી મહિલાઓમાંથી કોઈ પણ મહિલા ભગવાન અયપ્પાની ભક્ત કે શ્રદ્ધાળુ ન હતી."

મધુ કિશ્વરનો તર્ક છે કે જો દેશના બધા મંદિરોમાં મહિલાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ હોત, તો તે લૈંગિક ભેદભાવ અને અસમાનતાનો મુદ્દો હશે. જો હજારો મંદિરોમાંથી એક બે મંદિરોમાં આવી પ્રથા છે તો તેને ભેદભાવ માની શકતા નથી.

લાઇન
લાઇન

પત્રકાર અને ફિલ્મમેકર દીપિકા નારાયણ ભારદ્વાજ પણ મધુ કિશ્વર સાથે સહમત છે.

તેઓ કહે છે, "દરેક મામલાને લૈંગિક ભેદભાવ સાથે જોડીને જોવો યોગ્ય નથી. સબરીમાલા મામલાને પણ સંપૂર્ણ સંદર્ભ સાથે જોવો જોઈએ."

"એવું નથી કે આપણી ધાર્મિક માન્યતાઓ ભેદભાવપૂર્ણ નથી પરંતુ જો વાત માત્ર સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ ન મળવાની છે તો મને લાગે છે કે તે અન્યાય કે ભેદભાવ નથી. મને લાગે છે કે તે કોઈ મુદ્દો પણ ન હોવો જોઈએ. "

દીપિકા કહે છે, "જો કેટલીક મહિલાઓ સબરીમાલા મંદિર કે નિઝામુદ્દીન ઔલિયા દરગાહમાં જતી પણ રહે છે તો તેનાથી પિતૃસત્તા ખતમ નહીં થઈ જાય."

line

મહિલાઓના હકના નામે રાજકારણ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

આ સમગ્ર મામલા અને વિવાદ પર તૃપ્તિ દેસાઈ કહે છે કે કોઈ પાર્ટીને મહિલાઓના હક કે આસ્થા સાથે કોઈ લેવા દેવા નથી.

તેમણે કહ્યું, "જ્યારે આપણે શનિ- શિંગણાપુર મંદિરમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ભાજપે આપણો આ રીતે વિરોધ ન કર્યો. જ્યારે આપણે હાજી અલી દરગાહમાં મહિલાઓના પ્રવેશ માટે આંદોલન કર્યું ત્યારે પણ ભાજપે વિરોધ ન કર્યો. પરંતુ જ્યારે આપણે કેરળના સબરીમાલા મંદિરમાં જવા માગીએ છીએ તો ભાજપ આપણી વિરુદ્ધ ઊભો થઈ જાય છે."

તૃપ્તિનાં જણાવ્યા અનુસાર, "આ વિરોધાભાસી નિર્ણયનો મતલબ સ્પષ્ટ છે. કેરળમાં ભાજપ સત્તામાં નથી. સ્પષ્ટ છે ભાજપ ત્યાં હિંદુ મતદાતાઓને નારાજ કરવા માગતો નથી."

આરફા ખાનુમ કહે છે, "એ વાત ઠીક છે કે એક મંદિરમાં મહિલાઓના પ્રવેશથી પિતૃસત્તા એકદમથી ખતમ નહીં થઈ જાય."

"મહિલાઓને કેટલાક ખાસ ધર્મસ્થળો પર ન જવા દેવી તે એક નાનો મુદ્દો લાગી શકે છે પરંતુ ખરેખર તે એક પ્રતીક છે જે બતાવે છે કે સમાજમાં પિતૃસત્તાના મૂળ કેટલા ઊંડા છે. આ પ્રતીકોને ખતમ કરવાની જરુર છે."

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

આરફા માને છે કે ટ્રિપલ તલાક મામલે ભાજપ પોતાના આક્રમક વલણથી બહુસંખ્યક વર્ગમાં એ સંદેશ પહોંચાડવા માગે છે કે તે મુસ્લિમોને અનુશાસિત કરી રહ્યો છે.

આ તરફ સબરીમાલા મામલે નરમ વલણ અપનાવીને હિંદુ સમાજને એ બતાવવા માગે છે કે તે તેમની ધાર્મિક આસ્થા પ્રત્યે કેટલો ગંભીર છે.

આરફા કહે છે, "મહિલાઓના હકના સંદર્ભમાં જોઈએ તો ભારતીય રાજકારણ 'માચો પૉલિટિક્સ'ના સ્વરુપમાં ઢળેલું છે. એટલે કે એવું રાજકારણ જ્યાં પુરુષ પોતાની જરુરિયાત અનુસાર મહિલાઓના મુદ્દાનો ઉપયોગ કરે છે, જ્યારે ખરેખર તેમનો તેની સાથે કોઈ સંબંધ હોતો નથી."

line

શું છે સબરીમાલા વિવાદ?

વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

થોડાં મહિના પહેલા સુધી કેરળમાં સબરીમાલા મંદિરમાં 10-50 વર્ષની ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશની પરવાનગી ન હતી.

ધાર્મિક માન્યતાઓના આધારે એ ભગવાન અયપ્પાનું મંદિર છે, કે જેઓ બ્રહ્મચારી છે.

10-50 વર્ષની વય ધરાવતી મહિલાઓ માસિકચક્રમાંથી પસાર થાય છે એ માટે મંદિરમાં આ ઉંમર ધરાવતી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

ત્યારબાદ ઘણી મહિલાઓ અને સંગઠનોના હસ્તક્ષેપ તેમજ વિરોધ બાદ સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ કહ્યું હતું કે આ પરંપરા ભારતીય બંધારણના અનુચ્છેદ-14 (સમાનતાનો અધિકાર)નો ઉલ્લંઘન કરે છે.

કોર્ટની બંધારણીય બેંચે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલી રોક હટાવી દીધી હતી અને કહ્યું હતું કે 'દરેકને કોઈ ભેદભાવ વગર મંદિરમાં પુજા કરવાની પરવાનગી મળવી જોઈએ.'

line

જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ શું કહ્યું હતું?

જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા

આ મામલે પાંચ જજ વાળી બંધારણીય બેંચના એકમાત્ર મહિલા જજ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ બાકી જજ કરતા અલગ મત આપ્યો હતો, જેનો ઉલ્લેખ વડા પ્રધાન મોદી પોતાના ઇન્ટરવ્યૂમાં કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે કોર્ટે ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરવી ન જોઈએ કેમકે તેની અસર બીજા ધાર્મિક સ્થળો પર પણ પડશે.

જસ્ટિસ ઇન્દુએ કહ્યું હતું, "દેશના જે ગંભીર ધાર્મિક મુદ્દા છે, તેને કોર્ટે છેડવા જોઈએ નહીં જેથી દેશમાં ધર્મનિરપેક્ષ માહોલ બની રહે. જો સતી પ્રથા જેવી સામાજિક પ્રથાની વાત હોય તો કોર્ટે દખલગીરી કરવી જોઈએ."

"પરંતુ ધાર્મિક પરંપરાઓ કેવી રીતે નિભાવવી જોઈએ, તેના પર કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. મારા મતે તર્કસંગતતાના વિચારોને ધર્મના મામલે લાવી શકાતા નથી."

જસ્ટિસ ઇન્દુએ એમ પણ કહ્યું હતું કે ભારતીય બંધારણમાં વર્ણિત સમાનતાનો સિદ્ધાંત, અનુચ્છેદ 25 અંતર્ગત મળતા પૂજા કરવાના મૌલિક અધિકારની અવગણના કરી શકતો નથી.

લાઇન
લાઇન
કેરળમાં મહિલાઓની માનવ શ્રૃંખલા

ઇમેજ સ્રોત, CV LENIN

ઇમેજ કૅપ્શન, કેરળમાં મહિલાઓએ લૈંગિક સમાનતા માટે 620 મીટર લાંબી માનવસાંકળ બનાવી હતી

જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ અને કડક સુરક્ષા વ્યવસ્થા છતાં ઘણા દક્ષિણપંથી સંગઠનોએ મહિલાઓને મંદિરમાં જવા ન દીધી. મંદિરમાં જવાનો પ્રયાસ કરતી મહિલાઓ અને પત્રકારોએ હિંસાનો સામનો પણ કરવો પડ્યો.

જોકે, મીડિયામાં આવેલા સમાચારો પ્રમાણે મંગળવારની સવારે 10 -50 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી બે મહિલાઓ પોલીસની સુરક્ષામાં મંદિરની અંદર જવામાં સફળ રહી.

આ સમગ્ર મામલે ભાજપ અને તેના સમર્થન વાળા સંગઠન સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ઘ ઊભેલા જોવા મળ્યા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે કોર્ટે એવા નિર્ણય સંભળાવવા જોઈએ કે જે વ્યવહારિક હોય.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો