રફાલ ચર્ચા : લોકસભામાં રાહુલના તીખા સવાલો અને જેટલીના જવાબો

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Lokshabha tv

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ફ્રાન્સ સાથેના રફાલ યુદ્ધવિમાનોના સોદામાં વિપક્ષોએ ભ્રષ્ટાચારના આરોપને લઈને મંગળવારે લોકસભામાં ચર્ચા થઈ હતી.

ચર્ચામાં દરમિયાન કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ સોદાને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા.

રાહુલના પ્રશ્નોના જવાબ આપવા માટે મોદી સરકારે નાણામંત્રી અરુણ જેટલીને આગળ કર્યા હતા.

જેટલીએ પણ ચર્ચા દરમિયાન ગાંધી-નહેરુ પરિવાર પર નિશાન સાધ્યું હતું.

ચર્ચા દરમિયાન કૉંગ્રેસના સાંસદો કાગળનાં વિમાનો ઉડાવતા પણ જોવા મળ્યા હતા.

જેના પર લોકસભાનાં સ્પિકર સુમિત્રા મહાજને નારજગી વ્યક્ત કરી હતી અને સંસદને અડધા કલાક માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી.

line

રાહુલના મુખ્ય છ સવાલો

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

  • કોણે વાયુસેનાની 126 રફાલની જરૂરિયાતને 36માં બદલી નાખી હતી. આ સોદામાં કોણે ફેરફાર કર્યો અને શા માટે કર્યો? જૂની ડીલને આ સરકારે કેમ બદલી?
  • બધા લોકો જાણે છે કે યૂપીએ સરકાર 526 કરોડમાં 126 રફાલ વિમાનો ખરીદવાની હતી. હવે મોદી સરકાર 1600 કરોડમાં 36 રફાલ ખરીદવા જઈ રહી છે. આખરે આ કિંમત કેમ બદલાવવામાં આવી?
  • ફ્રાંસે ખુદ કહ્યું છે કે એચએએલ પાસેથી વિમાન બનાવવાનું કામ લઈને અનિલ અંબાણીને આપવોનો નિર્ણય ભારત સરકારનો હતો. આખરે એચએએલથી આ કામ કેમ લઈ લેવામાં આવ્યું? એચએએલે અનેક યુદ્ધ વિમાનો બનાવ્યાં છે પરંતુ તેને કામ આપવામાં આવ્યું નહીં.
  • 10 દિવસ પહેલાં કંપની બનાવનારા અનિલ અંબાણી, જેઓ 45 હજાર કરોડના દેવાંમાં છે, તેમની કંપનીને રફાલનો કૉન્ટ્રેક્ટ કેમ આપવામાં આવ્યો?
  • સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કિંમત જાહેર કરી શકાય નહીં અને જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મનમોહન સિંઘને કહ્યું કે આની કિંમત બતાવવામાં કોઈ વાંધો નથી. આમાં ખાનગી રાખવા જેવી કોઈ વાત નથી.
  • જૂના કૉન્ટ્રેક્ટમાં ભારત સરકારની કંપની એચએએલને વિમાન બનાવવાનુ હતું. અનેક રાજ્યોમાં તેનું કામ થતું અને લોકોને રોજગારી મળી શકતી.

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

અનિલ અંબાણીનું નામ લેવા પર સુમિત્રા મહાજને રાહુલને રોક્યા

રફાલ વિમાન

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE

રાહુલ ગાંધી જ્યારે મોદી સરકારને સવાલ પૂછી રહ્યા હતા તો તેમણે અનિલ અંબાણીનું નામ લીધું હતું.

અનિલ અંબાણીનું નામ લેવા પર લોકસભાનાં અધ્યક્ષ સુમિત્રા મહાજને નારજગી વ્યક્ત કરી અને કહ્યું કે જે લોકો સદનમાં નથી તેમનાં નામ રાહુલ ગાંધી ના લે.

જે બાદ રાહુલ ગાંધીએ અનિલ અંબાણીને ડબલ એ કહેવાનું શરૂ કરી દીધું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટેને જેપીસી બનાવવા પર વાંધો નથી. રાહુલે કહ્યું કે ગોવાના મુખ્ય મંત્રીએ કૅબિનેટની મિટિંગમાં કહ્યું હતું કે તેમના પાસે રફાલની ફાઈલો પડી છે અને સંપૂર્ણ સત્ય તેમની પાસે છે.

રાહુલ ગાંધી જ્યારે લોકસભામાં સવાલ પૂછી રહ્યા હતા તો તેમણે એક ટેપ ચલાવવાની પણ મંજૂરી માગી હતી.

આ કથિત ટેપ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ સંરક્ષણ મંત્રી મનોપર પર્રિકરે કૅબિનેટ મિટિંગમાં કહ્યું હતું કે રફાલનું સત્ય તેમની પાસે છે.

આ માગ પર અરુણ જેટલીએ વાંધો લીધો અને કહ્યું કે ટેપમાં કોઈ સત્યતા નથી. લોકસભા અધ્યક્ષે તેની કોઈ મંજૂરી આપી નથી.

જેટલીએ કહ્યું કે રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે કારણ કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મૅંક્રોએ આ વાતને નકારી દીધી છે કે કિંમત વિશે તેમણે મનમોહન સિંઘને કંઈ કહ્યું હોય.

line

દેશની સુરક્ષાની સમજણ નથી

જેટલી

ઇમેજ સ્રોત, lokshabha tv

જેટલીએ કહ્યું કે આ દેશમાં કેટલાક એવા પરિવાર છે જેમણે પેસાનું ગણિત સમજમાં આવે છે. પરંતુ દેશની સુરક્ષા સમજમાં આવતી નથી.

રાહુલ ગાંધીના ડબલ એના જવાબમાં બૉફોર્સ તોપમાં થયેલા કથિત ભ્રષ્ટાચારમાં જેમનું નામ આવ્યું હતું તે ક્વોત્રોચીનું નામ લીધું હતું.

ડબલ એના જવાબમાં જેટલીએ કહ્યું કે રાહુલ બાળપણમાં ક્યૂ(ક્વોત્રોચી)ના ખોળામાં રમતા હતા.

રાહુલ ગાંધીના સવાલોમાં જેટલીએ ઑગસ્ટા, બૉફોર્સ અને નેશનલ હેરાલ્ડને લઈને સવાલ પૂછ્યા.

જેટલીએ કહ્યું કે ત્રણ મામલામાં રાહુલ ગાંધીના પરિવાર પર સીધા આરોપ છે.

રાહુલ ગાંધીને જવાબ આપતા અરુણ જેટલીએ કહ્યું, "2001માં સેના લડાકુ વિમાનની માગ કરી રહી હતી અને 2012માં તેની પ્રક્રિયા શરૂ થઈ."

"જ્યારે દેશની સરકાર બદલી તો ઍરફોર્સે ફરી માગ કરી. 2015માં અમે ફરી પ્રક્રિયા શરૂ કરી."

જેટલીએ કહ્યું, "જો યૂપીએના જમાનામાં શરતો હતી તેનાથી વધારે સારી શરતો પર સોદો કરવાનો અમે નિર્ણય કર્યો હતો."

"આ વાતચીતમાં ઍરફોર્સના નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા હતા."

"અમે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 2016માં ડસૉ સાથે સમજૂતી કરી."

"સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે."

line

કિંમતો કેમ બદલાઈ?

નિર્મલા સિતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

અરુણ જેટલીએ કહ્યું કે 500 કરોડ અને 1600 કરોડની તુલના બેકાર છે.

તેમણે કહ્યું, "ઍરક્રાફ્ટમાં માત્ર જહાજ જ નહીં તેમા લાગેલાં હથિયારની કિંમત પણ સામેલ હોય છે.

કૉન્ટ્રેક્ટમાં એક શરત હતી કે દર વર્ષે ભાવ વધશે. અમે જે સમજૂતી કરી છે એમાં હથિયાર અને બેસિક ઍરક્રાફ્ટની કિંમત એમ બન્ને સામેલ છે."

"એનડીએનો સોદો સશસ્ત્ર ઍરક્રાફ્ટનો છે, જો એ જ ડીલ સાથે ચાલ્યા હોત તો એમાં 11 વર્ષ જેટલો સમય લાગી ગયો હોત."

જેટલીએ કહ્યું, "રાહુલ ગાંધીએ તેમના પદની ગરિમા જાળવી રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટને સરકારે સીલ કવરમાં કિંમતની વિગતો આપી."

"સુપ્રીમ કોર્ટે કિંમત અંગે કોઈ શંકા નથી કરી અને તેઓ સંતુષ્ટ છે."

line

અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો?

જેટલીએ અનિલ અંબાણીને ફાયદો કરાવવાના આરોપનો પણ જવાબ આપ્યો.

તેમણે કહ્યું, "ત્રીજો વિષય એ છે કે ઑફસેટમાં મેં કોઈ એક ઔદ્યોગિક ગૃહનો પક્ષ લીધો. એક લાખ 30 કરોડની ઑફસેટ મૅન્યુફૅક્ચરિંગ છે."

"ઑફસેટની પૉલીસી યૂપીએની હતી. ઑપસેટ પાર્ટનર કોણ હશે એ અમે નક્કી કરી શકતા નથી, આ નિર્ણય ડર્સાએ લેવાનો હતો કે કેટલા ઑફસેટ હશે?"

"58 હજાર કરોડની ઑફસેટ ડીલ છે. અંબાણીની જે કંપનીનું નામ લેવાઈ રહ્યું છે, તે ઑફસેટ સપ્લાયર છે અને ત્રણ ટકાનું ઑફસેટ મળ્યું છે."

line

એચએએલ ઑફસેટ પાર્ટનર કેમ નહીં

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

જેટલીએ કહ્યું, "હજુ એક પ્રશ્ન છે કે એચએએલની ઑફસેટ પાર્ટનર તરીકે પસંદગી કેમ ન કરી? સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં લખ્યું છે કે એચએએલ અને ડસૉની વાતચીત પૂરી ન થઈ શકી કેમ કે એમાં ઘણી જટિલતા છે."

"આખરે જટિલતા શું હતી? એચએએલે યૂપીએને કહ્યું હતું કે તેને બનાવવામાં 2.7 ગણો વધારે સમય લાગશે. વધારે સમય લાગ્યો હોત તો કિંમત પણ વધી ગઈ હોત."

જેપીસી કેમ ન થઈ શકે? એ અંગે જેટલીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે જ્યારે પોતાના નિર્ણયમાં કહી દીધું કે તેઓ પૂર્ણ પ્રક્રિયાથી સંતુષ્ટ છે.

સુપ્રીમ કોર્ટે જ્યારે આવું કહી દીધું તો પછી જેપીસીની શું જરૂર છે.

રફાલ અંગે સંસદમાં થયેલી ચર્ચાને કારણે આ મુદ્દા પર પ્રહાર કરવાની વધુ તક મળશે?

આ પ્રશ્ન બીબીસી સંવાદદાતા ગુરપ્રીત સૈનીએ વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશીને પૂછ્યો. વાંચો પ્રમોદ જોશી આ વિશે શું કહે છે -

રાહુલ ગાંધીએ જે આરોપ લગાવ્યા છે, તે લગભગ પહેલાંથી લગાવાઈ રહેલા આરોપો જેવા જ છે.

તેમના આરોપોના જવાબ આપવા નાણામંત્રી અરુણ જેટલીએ આવવું પડ્યું, જેઓ લોકસભાના સભ્ય પણ નથી.

જોકે, એ વખતે રક્ષા મંત્રી પણ સંસદમાં હાજર હતાં, આમ છતાં તમામ આરોપોનો જવાબ અરુણ જેટલીએ એટલે આપ્યો કેમકે પાર્ટીમાં તેમના કરતા સારા વક્તા કોઈ નથી.

તેમણે ત્રણેય આરોપોનો સ્પષ્ટ જવાબ આપ્યો અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો.

આ એક એવો મામલો છે, જેના વિશે જનતાને પાયાની સમજણ નથી કારણ કે એમાં ઘણી સુક્ષ્મ બાબતો છુપાયેલી છે.

ઘણી ચીજો એવી છે જે એક પક્ષ કહે છે પણ બીજો પક્ષ કહી નથી શકતો.

આ ચર્ચા સાંભળ્યા બાદ પણ કહી ન શકાય કે આમાં શું સાચું છે અને શું ખોટું છે.

સુપ્રીમ કોર્ટ આ મામલાને વધારે સ્પષ્ટ કરશે કેમકે સરકારે એક પ્રતિજ્ઞાપત્ર આપીને કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી.

જ્યારે એ સ્પષ્ટ થઈ જશે ત્યારે આ અંગે વાત થશે. બીજું કે મને નથી લાગતું કે સરકાર આ મામલે જેપીસી બનાવશે.

જેપીસી રાજનૈતિક પ્રતિનિધિત્વ ધરાવતી બૉડી હોય છે અને તેના નિર્ણય ઘણા રાજનૈતિક હોય છે.

આ ઉપરાંત આપણે સીએજીના રિપોર્ટ અને એના પર પીએસીની ટિપ્પણીની પણ રાહ જોવી પડશે.

આ ચીજો સદનની બહાર થશે, સદનની અંદર એક રાજનીતિ છે પણ ઘોંઘાટ અને બન્ને તરફના તર્ક-વિતર્કથી તમામ વાતો સ્પષ્ટ થઈ શકતી નથી.

લાઇન
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો