'આ તે કેવો કાયદો છે જે ગરીબોનો જીવ લઈ રહ્યો છે'

હાથમાં એક લાખ રુપિયા સાથે ગુડ્ડી
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તર પ્રદેશના અમરોહાથી

ડિસેમ્બરની થીજવતી રાતે ગુડ્ડી અમરોહાની હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ વૉર્ડની બહાર હાથમાં એક લાખ રુપિયા લઈને ઊભાં હતાં. જોકે, પડોશીઓ, સંબંધીઓ પાસેથી ઉધાર લીધેલા આ પૈસા બાલકિશનનો જીવ ન બચાવી શક્યા.

જે બાલકિશનની લાશનું હવે પૉસ્ટમાર્ટમ થવાનું છે, એ બાલકિશનને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવા માટે કથિત રીતે પોલીસ અધિકારીઓને લાંચ આપવા માટેના આ પૈસા હતા.

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ધનૌરા તાલુકાના મુસ્તકપુર ગામના નિવાસી બાલકિશનનું ગેરકાનૂની પોલીસ કસ્ટડીમાં ગત બુધવારે શંકાસ્પદ મૃત્યુ થયું છે.

બાલકિશનના પરિવારનો આરોપ છે કે ધનૌરા પોલીસ સ્ટેશનની પોલીસે બાલકિશનને ચાર દિવસ સુધી ગેરકાનૂની રીતે ગોંધી રાખીને જુલમ કર્યો.

જે ધનૌરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં એમને રાખવામાં આવ્યા હતા ત્યાં જ એમની હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે પણ આ ઘટનાની નોંધ લીધી છે.

line

પોલીસ પર હત્યાનો આરોપ

બાલકિશનનું આધારકાર્ડ

પોલીસ સ્ટેશનના એસ.એચ.ઓ. અરવિંદ મોહન શર્મા, સબ ઇન્સ્પેક્ટર મનોજ ઉપાધ્યાય, સિપાહી વિનીત ચૌધરી, સિપાહી જિતેન્દ્ર બંસલ, સિપાહી વિવેક કાકરાજ અને રવિન્દ્ર રાણા સહિત સ્ટેશનના અન્ય કર્મચારીઓ પર બાલકિશનની હત્યાનો આરોપ છે.

બાલકિશનના પરિવારના આરોપ અંગે અમરોહાના પોલીસ ઉપાધ્યક્ષ બ્રજેશ સિંહ કહે છે કે પરિવારની ફરિયાદને આધારે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અન્ય આરોપોની તપાસ ગૅઝેટેડ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.

બાલકિશનના પરિવારનો આરોપ છે કે એમને ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યા અને પોલીસે જુલમ કરતા એમનો જીવ ગયો.

line

એક લાખ રુપિયા લાંચ આપી

આગેવાનો અને પોલીસ

37 વર્ષીય બાલકિશન ઇકો ગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

એમનાં નજીકના સંબંધી ગુડ્ડીના જણાવ્યાં મુજબ તેઓ રવિવારે મોડી સાંજે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે પોલીસે કાગળોની તપાસ માટે એમની ગાડી રોકી.

બાલકિશન પાસે પુરા કાગળો ન હોવાને લીધે પોલીસે એમની ગાડી જપ્ત કરી લીધી અને એમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા.

બાલકિશનને કહેવામાં આવ્યું કે તેઓ જે ગાડી ચલાવી રહ્યા છે એ ચોરીની છે અને હવે એમની પર ચોરીનો કેસ લાગશે.

એમના પરિવારનો દાવો છે કે એ કાર એક ડીલર પાસેથી ખરીદવામાં આવી હતી અને છેલ્લા એક વર્ષથી તેઓ એના પર સવારીઓનું વહન કરતા હતા.

ગુડ્ડી કહે છે કે અમે બીજે દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યાં અને એમને છોડવા માટે પોલીસને વિનંતી કરી.

જ્યારે પોલીસે એમને છોડવાનો ઇન્કાર કર્યો તો અમે કહ્યું કે એમને અદાલતમાં રજૂ કરી દો અમે જામીન કરાવીશું પણ પોલીસે અમારી પાસે પાંચ લાખ રુપિયા માગ્યા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
ધનૌરા પોલીસ સ્ટેશન

તેઓ કહે છે કે મિત્રો-સંબંધીઓ પાસેથી પૈસા લીધા, વ્યાજે પૈસા લીધા અને નાનો-મોટો સામાન વેચીને એક લાખ રુપિયાની વ્યવસ્થા કરી. મંગળવારે સાંજે અમે આ પૈસા લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યાં.

પૈસા લીધા બાદ ઇન્સ્પેક્ટર મનોજ ઉપાધ્યાયે કહ્યું કે બીજા એક લાખ રુપિયા કાલે લઈને આવજો અને એમને લઈ જજો.

ગુડ્ડી કહે છે કે બુધવારે અમે જ્યારે બીજા એક લાખ રુપિયા લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યાં તો અમને કહેવામાં આવ્યું કે બાલકિશનની તબિયત ખરાબ થઈ ગઈ છે અને એમને જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવાયા છે.

હૉસ્પિટલ પહોંચ્યા તો અમને કહેવામાં આવ્યું કે એમનું મોત થઈ ગયું છે.

ગુડ્ડી જ્યારે બાલકિશનની લાશ લેવા માટે પોસ્ટમૉર્ટમ રુમ સુધી પહોંચ્યાં ત્યારે પણ એ એક લાખ રુપિયા એમની પાસે હતાં.

તેઓ રડતાં રડતાં કહે છે કે આ કેવો કાયદો છે જે ગરીબોનો જીવ લઈ લે છે. વ્યાજે કરજ લઈને પણ જીવ નથી બચાવી શકાતો.

બાલકિશનની મોત બાદ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં, એસ.એમ.ડી.ની ગાડી પણ તોડી નાંખવામાં આવી હતી.

બાલકિશનનાં પત્ની કુંતી પતિના મૃત્યુથી સૂધબૂધ ખોઈ બેઠાં છે. રડતાં રડતાં એમનો અવાજ એમનાં ગળામાં જ રુંધાઈ જાય છે.

ખૂબ કોશિશ કરીને તેઓ માંડ એટલું જ કહી શકે છે કે મારાં નાનાંનાનાં બાળકોનું હવે શું થશે. એમને ન્યાય મળવો જોઈએ.

કુંતી અને એમના પરિવારને મળવા માટે હજી કોઈ પ્રતિનિધિ નથી પહોંચ્યા. ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય રાજિવ તરારાએ ગામના લોકોને સંબોધિત કરીને બાલકિશનને ન્યાય અપાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.

line

દલિત હોવાના લીધે ન મળી મદદ?

શોકગ્રસ્ત પરિવારજનો

છઠ્ઠા ધોરણમાં ભણતાં બાલકિશનનાં દીકરી ઘરનાં એક ખૂણાંમાં ગુમસૂમ બેઠાં છે. તેઓ પોતાનાં અબૂધ ભાઈને ચૂપ કરાવવાની કોશિશ કરી રહ્યાં છે.

ગુડ્ડી કુંતીનાં ભાઈનાં પત્ની છે અને આ કપરા સમયમાં પરિવારનો સહારો બનવાની કોશિશ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "જે એક લાખ રુપિયા અમે એમને છોડાવવા માટે આપ્યા હતા એ કોઈક રીતે પાછા અપાવી દો."

આ કથિત લાંચ વિશે એ.એસ.પી. બ્રજેશ સિંહ કહે છે કે પરિવારના તમામ આરોપોની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. તપાસમાં જે પણ સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક રાજકીય કાર્યકર્તા જિતેશ ચૌધરી બાલકિશનને ન્યાય અપાવવા માટે થયેલા પ્રદર્શનમાં સામેલ હતા.

જિતેશ કહે છે, "લખનૌમાં જ્યારે વિવેર તિવારી પોલીસને હાથે માર્યા ગયા તો આખો પ્રદેશ હલી ગયો. પોલીસકર્મીઓની તરત ધરપકડ કરવામાં આવી અને પરિવારને નોકરી ઉપરાંત આર્થિક મદદ પણ કરવામાં આવી."

"બાલકિશનનું મૃત્યુ પણ પોલીસના હાથે થયું પરંતુ ન કોઈ ધરપકડ થઈ કે ન તો મદદ મળી. એમના પરિવારને ન તો સંવેદના મળી રહી છે ન આર્થિક સહયોગ કે ન રાજકીય હમદર્દી. આનું કારણ ફકત એટલું જ છે કે તેઓ દલિત પરિવારનાં છે."

લાઇન
લાઇન
બાલકિશનને ન્યાય માટે મળેલું સંમેલન

શનિવારે સ્થાનિક દલિત સમુદાયે બાલકિશનને ન્યાય અપાવવા માટે સંમેલન પણ કર્યું હતું. સંમેલનમાં સામેલ સમાજવાદી પાર્ટીના ટી.પી. સિંહે કહ્યું કે પરિવારને ન્યાય અપાવવા માટે આંદોલન કરવામાં આવશે.

બહુજન સમાજ પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા આર.કે. ચૌધરી કહે છે, "ભારતનાં બંધારણે ભલે દલિતોને તમામ નાગરિકોની જેમ સમાન અધિકાર આપ્યા છે પણ સમાજમાં એમને સમાનતા મળવી હજી બાકી છે."

"જો દલિતો સમાન હોત તો બાલકિશનના મૃત્યુની પણ વિવેક તિવારીના મૃત્યુ જેવી ચર્ચા થઈ હોત."

તેઓ કહે છે કે બાલકિશનનું મૃત્યુ ઉત્તર પ્રદેશની ખરાબ કાનૂન વ્યવસ્થાનું ઉદાહરણ છે પણ કોઈ આના પર ચર્ચા નહીં કરે કેમકે એનાથી યોગી આદિત્યનાથની સરકાર પર સવાલ ઊભો થશે.

સ્થાનિક સરકારી તંત્રનું કહેવું છે કે તેઓ બાલકિશનના પરિવારને આર્થિક મદદ માટેનો વિકલ્પ શોધી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો