'ટ્રિપલ તલાક બિલ : રાજકીય પાર્ટીઓ માટે પોતાનાં હિતો પ્રાપ્ત કરવાનું સાધન'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝાકિયા સોમન
- પદ, બીબીસી ગુજરાતી માટે
લોકસભામાં ટ્રિપલ તલાક બિલ ફરી રજૂ થયું છે. અગાઉ જ્યારે બિલ લોકસભામાં રજૂ થયું ત્યારે તેના પક્ષમાં 245 મત પડ્યા, ત્યારે બીજી તરફ ઘણા વિરોધી પક્ષોએ મતદાન દરમિયાન ગૃહમાંથી વૉકઆઉટનો રસ્તો અપનાવ્યો હતો.
આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે આપણા દેશમાં ન્યાય પર રાજકારણ ભારે પડી રહ્યું છે. મુસ્લિમ મહિલાઓ માટે લૈંગિક ન્યાયનો સવાલ હવે સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે વિરોધાભાસનો વિષય બનતો જોવા મળી રહ્યો છે.
આ મુસ્લિમ મહિલાઓને લૈંગિક ન્યાયના બંધારણીય વાયદાથી દૂર કરે છે.
એ વાત અલગ છે કે દેશમાં ટ્રિપલ તલાકના પક્ષમાં આજે પણ અવાજ ઊઠી રહ્યો છે, જ્યારે 1400 વર્ષ પહેલાં કુરાનમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ કોર્ટે વર્ષ 2017માં તેને ગેરકાયદેસર ટ્રિપલ તલાક ગણાવ્યા હતા.
બિલ પર સૌથી મોટી આપત્તિ એ છે કે ટ્રિપલ તલાકને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે.
આદર્શરૂપે એવું થવું જોઈતું હતું કે સંસદમાં સર્વસંમતિથી એક 'મુસ્લિમ પરિવાર કાયદો' પસાર કરાયો હોત, જેમાં તલાક પ્રક્રિયાનો સારી રીતે ઉલ્લેખ કર્યો હોત.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, Getty Images
નિર્ણય આવી ગયો હોવા છતાં પુરુષ પોતાની પત્નીને એકતરફી તલાક આપી શકે છે અને તેને બેઘર કરી શકે છે અને કોઈને કંઈ પણ ફેર નહીં પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ધારણા બાંધવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે મુસ્લિમ પત્નીઓનું ચરિત્ર ખલનાયક જેવું હોય છે અને તેઓ પોતાના પતિઓને નાનીનાની વાત પર જેલ મોકલી શકે છે.
પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. તલાક બાદ મુસ્લિમ મહિલાઓ પોતાના સંબંધને બચાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગતી ફરે છે.
કેટલાક કાર્યકર્તા પણ તેના અપરાધીકરણ વિરુદ્ધની લડાઈમાં કૂદી પડ્યા છે.


બમણી વિચારધારા શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
જે લોકો તેની વિરુદ્ધ લડી રહ્યા છે, તેમણે ક્યારેય દહેજ પ્રથા કાયદામાં ફેરફારની વાત કરી નથી. ઘરેલૂ હિંસા કાયદો, બાળ વિવાહ કાયદો, દ્વિવિવાહ કાયદો, ક્રૂરતા જેવા કાયદામાં ફેરફારની માગ કરી નથી, જેમાં જેલની સજાની જોગવાઈ છે.
ટ્રિપલ તલાક બિલ રાજકીય પાર્ટીઓ માટે પોતપોતાનાં હિતો પ્રાપ્ત કરવાનું સાધન બની ગયું છે. સરકાર પણ સામાન્ય સહમતી બનાવવામાં નિષ્ફળ રહી છે અને વિપક્ષ પણ સહયોગના મૂડમાં જોવા મળતો નથી.
આ આખા ગૃહની જવાબદારી છે કે તે એક યોગ્ય કાયદાની મદદથી લૈંગિક ન્યાય સુનિશ્ચિત કરે. મુસ્લિમ પર્સનલ લૉ છોડીને દરેક ધર્મ અને સમુદાય સાથે જોડાયેલા કાયદામાં સુધારાને વ્યસ્થિત રૂપ આપવામાં આવ્યું છે.
1937ના શરિયત કાયદામાં લગ્નની ઓછામાં ઓછી ઉંમર, હલાલા, બહુવિવાહ, તલાક બાદ બાળકોના વાલી, સંપત્તિમાં મહિલાના ભાગ વિશે કોઈ ઉલ્લેખ નથી.
મુસ્લિમ મહિલાઓએ છેલ્લા એક દાયકામાં આ મુદ્દા જાતે ઉઠાવ્યા છે અને તેની વિરુદ્ધ લડાઈ લડી છે.
પોતાની લડાઈમાં તેમણે મુસ્લિમ પર્સનલ લૉમાં ફેરફાર, ટ્રિપલ તલાકને ખતમ કરવાની માગ સહિત પુરુષોએ બનાવેલી પિતૃસત્તાને પડકાર આપ્યો છે.



ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓ લૈંગિક ન્યાય સાથે જોડાયેલી કુરાનની શિક્ષાઓ અને બંધારણીય જોગવાઈઓને સમજવા અને તેને પ્રસારિત કરવા સંગઠિત થયાં.
તેમણે પોતાની માગને લઈને સાંસદ સાથે, સરકાર સાથે, મહિલા આયોગ, રાજકીય પાર્ટીઓ અને બીજા લોકતાંત્રિક સંગઠનો સાથે મુલાકાત કરી અને તેમાં ફેરફારની અરજી કરી.
વર્ષ 2012માં મુંબઈમાં કેટલાંક એવાં જ મહિલાઓ સંગઠિત થયાં કે જેઓ પહેલાંથી કાયદામાં ફેરફારની માગ કરી રહ્યાં હતાં. તેમને તેમજ તેમની માગને મીડિયામાં સારું એવું કવરેજ મળ્યું હતું.
ધીમેધીમે ટ્રિપલ તલાક વિરુદ્ધ જનતાનો અભિપ્રાય મળ્યો અને સામાન્ય મુસ્લિમ મહિલાઓ માટે સમર્થન પ્રાપ્ત થવા લાગ્યું.
જોકે, આ બધાની વચ્ચે કેટલાક રાજનેતા અને રુઢિવાદી ધાર્મિક મૌલાના આ મામલે ચૂપ રહ્યા. તેઓ આ મુદ્દાને અને લૈંગિક સમાનતાની માગને બેકાર ગણાવતા રહ્યા.
મુસ્લિમ મહિલાઓના અધિકારોની તેઓ અવગણના કરતા રહ્યા. જ્યારે સુપ્રીમ કોર્ટમાં તેમની વિરુદ્ધ દાખલ થયેલી અરજીનું સમર્થન આખો દેશ કરી રહ્યો હતો, ત્યારે કૉંગ્રેસ અને બીજી કથિત સેક્યુલર પાર્ટીઓ દૃશ્યમાંથી ગુમ જોવા મળી રહી હતી.



ઇમેજ સ્રોત, Getty Images
આવી પરિસ્થિતિમાં ભાજપ કદાચ જ ટ્રિપલ તલાક વિરુદ્ધ વર્તમાન સરકારે લાવેલા બિલને બદલાવવાનો પ્રયાસ કરશે.
નિશ્ચિત રુપે બિલને લઈને સત્તા પક્ષની વિરોધઈ પક્ષો સાથે વાતચીત ઓછી થઈ, પરંતુ એ વાત પણ સાચી છે કે તેમણે મુસ્લિમ મહિલાઓના અધિકારોના પક્ષમાં પોતાનો રસ બતાવ્યો નથી.
મોટાભાગની રાજકીય પાર્ટીઓ બે પ્રકારનાં ચરિત્ર પ્રદર્શિત કરી રહી છે અને તે સ્પષ્ટપણે બોલી શકતી નથી કે મુસ્લિમ મહિલાઓને બીજા ધર્મની મહિલાઓની જેમ એક સમાન હક મળે.
ધ્રુવીકરણ વાળી આ ચર્ચાએ ટ્રિપલ તલાકની પીડિતાઓની જરુરી ચિંતાઓને પાછળ છોડી દીધી છે.

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સમગ્ર દેશમાં આશરે 45 મહિલાઓએ ટ્રિપલ તલાકની ફરિયાદ અમને કરી.
આ મહિલાઓના પતિઓએ આ મહિલાઓને છોડી દીધાં હતાં અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ તેમનાં જીવનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
એવું લાગી રહ્યું છે કે ટ્રિપલ તલાકને રોકવા માટે માત્ર સુપ્રીમ કોર્ટનો આદેશ કામ નહીં કરે. સરકારની કઈ એજન્સી કે પંચાયત તેને લાગુ કરાવશે, તે પણ સ્પષ્ટ નથી.
એક મુસ્લિમ પુરુષ પોતાનાં પત્નીને સહેલાઈથી તલાક આપી શકે છે અને બીજાં મહિલા સાથે લગ્ન કરી શકે છે.
આવી પરિસ્થિતિમાં કાયદાનો ડર મહિલાઓને પોતાનાં લગ્ન બચાવવા, વળતર અને આર્થિક સહાયતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.


વૈવાહિક સંબંધોમાં એકપક્ષીયતા દૂર કરવી અને સંબંધોમાં જવાબદારી લાવવી જરુરી છે. જો કોર્ટના નિર્ણય અને આદેશ પૂરતા હતા તો આઈ.પી.સી., સી.આર.પી.સી. અને સંસદની પણ જરુર ન પડતી.
બળાત્કાર અને હત્યા વિરુદ્ધ ઘણા લોકોને સજા મળી, તો પણ આપણે ત્યાં આ પ્રકારના અપરાધો વિરુદ્ધ કાયદા છે.
આ બિલના પાસ થઈ જવા પર કાયદાના દુરુપયોગની વાત થઈ રહી છે, પરંતુ તેનું એક પણ પ્રમાણ હાજર નથી.
તેને લૈંગિક ન્યાયની દૃષ્ટિએ જોવાની જરુર છે અને રાજનેતાઓએ તેના પર રાજકારણ કરવાથી બચવાની જરુર છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














