2019ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સવર્ણો મત કોને આપવાનો નિર્ણય કઈ રીતે લેશે?

ઇમેજ સ્રોત, TWITTER
- લેેખક, સંજય કુમાર
- પદ, ડાયરેક્ટર, CSDS, બીબીસી ગુજરાતી માટે
ઉત્તર પ્રદેશમાં 2019ની લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ અજીત સિંઘના રાષ્ટ્રીય લોક દળ સાથે ગઠબંધન કરવા તરફ પગલું ભરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
આ ગઠબંધનથી લોકોનું ધ્યાન એ તરફ જઈ રહ્યું છે કે શું તેનાથી સમાજમાં પછાત જાતિ, દલિત અને મુસ્લિમોનું પણ ગઠબંધન થઈ જશે?
હવે જો આ પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થઈ જાય છે, તો તેનાથી ભાજપને શું અસર થશે?
ભાજપ મોટાભાગે જીત માટે સવર્ણોના મત પર નિર્ભર રહે છે.
રાજકારણમાં નવા બદલાવથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે દલિત મત, યાદવ મત, મુસ્લિમ મત અને જાટ મત 2019ની ચૂંટણીમાં કેટલા મહત્ત્વપૂર્ણ બની શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ચર્ચા દરમિયાન એ ન ભૂલવું જોઈએ કે સવર્ણોના મત ઉત્તર પ્રદેશના રાજકારણમાં કેટલી મોટી ભૂમિકા ભજવે છે.
એ સવર્ણોના મત જ છે કે જેમણે ભાજપને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જીત અપાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલીક ધારણાઓ અનુસાર, ઉત્તર પ્રદેશમાં 25-28 ટકા મતદાતા સવર્ણ છે, જેમાં બ્રાહ્મણોની સંખ્યા વધારે છે.
બ્રાહ્મણો ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે.
જેમાં કુશીનગર, ગોરખપુર, સંત કબીર નગર, વારાણસી, આંબેડકર નગર, સુલતાનપુર અને ખેરી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ તરફ ઉત્તર પ્રદેશના રાજકારણમાં રાજપૂતોની પણ મહત્ત્વની ભૂમિકા છે.

50 ટકા કરતા વધારે સવર્ણોના મત ભાજપને

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસે ઘણા વર્ષો સુધી રાજ કર્યું છે.
તે સમયે કૉંગ્રેસ માટે પણ જીતનો રસ્તો સવર્ણોના મત જ હતા.
જેમ-જેમ કૉંગ્રેસનો સૂરજ યુપીમાં ઢળવા લાગ્યો તેમ-તેમ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવી સ્થાનિક પાર્ટીઓનો ઉદય થયો.
તો સાથે જ હાલ સત્તા પર બેઠેલા ભાજપનો રસ્તો પણ મોકળો બન્યો.
હાલ યૂપીમાં ભાજપનું રાજ છે અને તેની જીત પાછળ મોટો હાથ સવર્ણોનો છે.


આ પહેલા ભાજપે વર્ષ 1991માં યુપીમાં સત્તા મેળવી હતી.
આ અગાઉ ભાજપ 1991 દરમિયાન ઉત્તર પ્રદેશમાં સત્તામાં હતો.
ત્યારબાદ 1993માં મુલાયમ સિંઘની સમાજવાદી પાર્ટી સાથે, 1996માં પહેલાં બીએસપી સાથે અને ત્યારબાદ ચૌધરી નરેન્દ્ર સિંઘના નેતૃત્વવાળી જનતાંત્રિક બીએસપી અને નરેશ અગ્રવાલના નેતૃત્વવાળી લોકતાંત્રિક કૉંગ્રેસ સાથે સત્તામાં હતો, જોકે, પાછળથી માયાવતી એ ગઠબંધનમાંથી બહાર નીકળી ગયાં હતાં.
CSDS દ્વારા છેલ્લી કેટલીક ચૂંટણીઓ દરમિયાન કરવામાં આવેલા સરવે જણાવે છે, ભાજપને વિધાનસભા ચૂંટણીમાં જીત મળી હોય કે હાર, લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હોય કે ખરાબ, પણ 50 ટકા કરતાં વધારે સવર્ણોના મત ભાજપના ખાતે જ ગયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
1996 અને 1998ની લોકસભા ચૂંટણીમાં 54 ટકા સવર્ણોએ ભાજપને મત આપ્યા હતા, જે 1999માં વધીને 63 ટકા પર પહોંચ્યા હતા.
વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો તેમાં પણ 52 ટકા સવર્ણોએ ભાજપને મત આપ્યા હતા, જે 2014ની લોકસભા ચૂંટણીમાં વધીને 60 ટકા પર પહોંચ્યા હતા.
2017માં ભાજપને ઉત્તર પ્રદેશમાં મળેલા ભવ્ય વિજયમાં પણ 51 ટકા સવર્ણના મતનો મોટો ફાળો હતો.


ત્યારે એ વાતની નોંધ લેવી જરૂરી છે કે વિધાનસભા ચૂંટણીમાં મત જો અલગ-અલગ પાર્ટીઓમાં વિભાજિત થઈ જાય, તો ભાજપને 2014ની લોકસભા ચૂંટણીમાં મળેલા સવર્ણોના મત મહત્ત્વના માની શકાય છે.
આ પુરાવા જણાવે છે કે ભલે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં બીજી જ્ઞાતિના મત પણ જરૂરી છે, પણ તેની સરખામણીએ એટલા જ સવર્ણોના મત વધારે જરુરી છે, ખાસ કરીને ભાજપ માટે.
વર્ષ 1999 અને 2014માં સૌથી વધારે સવર્ણોએ ભાજપને મત આપ્યા હતા.
તે સમયે ભાજપ પાસે વડા પ્રધાન પદના ઉમેદવાર માટે બે મોટા નામ હતા.
1999માં અટલ બિહારી વાજપેયી અને વર્ષ 2014માં નરેન્દ્ર મોદી.

શાહ- મોદીની જોડી બાજી ભાજપની તરફેણમાં પલટી શકશે?

ઇમેજ સ્રોત, EPA
હવે વર્ષ 2019ની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપને સવર્ણોના મતની ખૂબ જરૂર છે.
જો સમાજવાદી પાર્ટી- બહુજન સમાજ પાર્ટી અને RLD વચ્ચે ગઠબંધન થઈ જાય તો તેનાથી યાદવ-મુસ્લિમ અને દલિતનું ગઠબંધન પણ થઈ જશે.
એ કારણોસર ભાજપે મોટાભાગે સવર્ણોના મત પર જ નિર્ભર રહેવું પડશે.
એવી પુરી શક્યતા છે કે ભાજપ જૂની ચૂંટણીઓની સરખામણીએ આ વખતે સવર્ણોનું ધ્રુવીકરણ કરી નાખે.
આ બધું અમિત શાહની ચૂંટણી પ્રચારની રણનીતિ અને નરેન્દ્ર મોદીના ભાષણો પર આધારિત રહેશે.


એવી પણ પ્રબળ શક્યતા છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી મળીને આ ગઠબંધનને 'તકવાદી ગઠબંધન'માં ફેરવી ભાજપની તરફેણમાં બાજી પલટી નાખે.
રાજકીય ગઠબંધન આંકડાકીય પરિણામ લાવી શકશે કે નહીં એ અંગે આપણે વાત કરતા હોઈએ છીએ.
આપણે એવી પણ ચર્ચા કરતા હોઈએ છીએ કે ચૂંટણી જીતવા માટે ગણિત હોવું જોઈએ અથવા મતદાનલક્ષી સફળતા માટે કૅમિસ્ટ્રી હોવી જોઈએ.
ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં પ્રબળ શક્યતા છે કે ગણિત મતદારોનો સામાન્ય મિજાજ પલટી શકે.
આપણે હવે એ જોવું રહ્યું કે મતદાનના દિવસો નજીક આવતા કઈ રીતે મિજાજ પલટાય છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














