ગુજરાત : સુકાઈ ગયેલા કૂવા, સૂકીભટ કૅનાલો અને લાચાર ખેડૂતો

- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, સંવાદદાતા, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં હાલ ખેડૂતો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. જેથી દિવસેને દિવસે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
મુખ્યત્વે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની તકલીફોમાં વધારો થયો છે.
કૂવા સુકાઈ ચૂક્યા છે, ટ્યૂબવેલમાં પાણી નથી અને સુક્કી કૅનાલોએ ખેડૂતોની હાલત ખરાબ કરીને રાખી છે.
નિષ્ણાંતોનું માનવું છે કે આ કદાચ પ્રથમ વખત છે જ્યારે આટલા મોટા પ્રમાણમાં ખેતીની જમીન ખેડ્યા વગર પડી રહી છે.
શિયાળા દરમિયાન ખેડૂતો ગુજરાતમાં ચોખા, ઘઉં, ચણા, મેથી, જીરું અને મકાઈનું વાવેતર કરતા હોય છે.
જોકે, જીરું અને મેથીનું વાવેતર કરનારા ખેડૂતોને મોટો માર નહી પડે પરંતુ અન્ય પાકોનું વાવેતર કરતા ખેડૂતો આ વખતે રવીપાક લઈ શકશે નહીં.
ગુજરાતમાં રવીપાકનું વાવેતર મુખ્યત્વે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કરવામાં આવે છે.
મધ્ય ગુજરાતના વિરમગામના નાની કીશોલ ગામના એેક ખેડૂત અકબર ખલીફાને સપ્ટેમ્બર મહીનાથી જ ખબર હતી કે આ વર્ષે પાણીની તંગીને કારણે તેમને આવનારા દિવસોમાં મુશ્કેલી પડવાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અકબરનાં પત્નીને હાલમાં જ બ્રેઇન-સ્ટ્રૉક આવ્યો હતો. તેમની સારવારમાં જ તેમની બચત કરેલી કમાણી વપરાઈ ગઈ.
બીજી બાજુ તેમની પાસે એટલું પાણી નહોતું કે તેઓ પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરી શકે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેમનાં પત્ની હજી પણ આઈસીયુમાં છે.
નવ સભ્યોનો તેમનો પરિવાર ખેતીની આવક પર જ નિર્ભર છે.
જોકે, હવે તેમની પાસે શહેરમાં જઈને કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.
તેઓ કહે છે, "આ વર્ષે ઉનાળામાં પણ પાણીની તંગી હતી, ચોમાસું સારું રહ્યું ન હતું અને હવે શિયાળામાં પણ ખેતીથી કંઈ આવક નહીં થાય."
"અમારી તકલીફોનો કોઈ અંત આવતો લાગતો નથી."

ખલીફા પાસે 50 વીઘા ખેતીની જમીન છે અને જમીન પર કોઈ વાવેતર થયું જ નથી.
તેમણે જણાવ્યું, "દર વર્ષે અમે માર્કેટ યાર્ડમાં ઘઉં વેચતા હતા પરંતુ હવે અમારે પોતે ઘઉં ખરીદીને વર્ષ કાઢવું પડશે."
ખલીફાનું ખેતર મધ્ય ગુજરાતના ખેડૂતો માટે બનાવેલી ફતેહવાડી કૅનાલના કમાન્ડ વિસ્તારમાં આવે છે. આ કૅનાલમાં હાલ પાણી છોડવામાં આવતું નથી.
ખલીફા કહે છે, "મારા ખેતરમાં કૂવો છે, જે સુકાઈ ચૂક્યો છે અને જમીનમાં પાણીનાં તળ ખૂબ ઊંડા જતાં રહ્યાં છે. હવે બોરવેલથી પણ પાણી ખેંચી શકાતું નથી."
તેમની જેમ આ ગામના લગભગ 100 જેટલા બીજા ખેડૂતો પણ શિયાળું પાક લઈ નહીં શકે.
જોકે, અમરત કોળી પટેલ જેવા અનેક મોટા ખેડૂતો છે, જેઓ બોરવેલથી સિંચાઈ કરે છે.
તેમને પણ જમીનનો એક મોટો ભાગ વાવ્યા વિના રાખવો પડ્યો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કોળી પટેલે કહ્યું કે તેમના પરિવાર પાસે કુલ 60 વીઘા ખેતીની જમીન છે અને તેમણે માત્ર 40 વીઘા જમીન પર જ વાવણી કરી છે.
તેમણે કહ્યું, "જમીનમાંથી પાણી ખેંચવા માટે મોટર ચલાવવી પડે છે અને તેનો ખર્ચ ખૂબ વધારે હોવાથી મેં જમીનને વાવ્યા વિના ખાલી જ રાખી છે."
સામાન્ય રીતે શિયાળુ પાકની વાવણી નવેમ્બર મહીનામાં થઈ જતી હોય છે. ઘઉંના પાક માટે આશરે 10 વખત પાણી આપવાની જરૂર હોય છે.
નાની કીશોલના ખેડૂતો મોટી માત્રામાં ઘઉંનુ વાવેતર કરે છે.
આ ગામ અને તેની આસપાસનાં 19 બીજાં ગામોને સિંચાઈ માટેનું પાણી ફતેહવાડી કૅનાલ દ્વારા મળે છે. આ વિસ્તાર ઘઉંના વાવેતર માટે જાણીતો છે.
જોકે, શિયાળુ પાક વાવતા બીજા વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ પણ કંઈ સારી નથી.
પાટણ તાલુકાના ચાણસ્મા વિસ્તારના બ્રાહ્મમણવાડા ગામના વતની દીનેશ ચૌધરીની ગણતરી મોટા ખેડૂતમાં થાય છે.
પાટણ જિલ્લો નર્મદા નદીની નહેરોના કમાન્ડ વિસ્તારમાં આવે છે.
નર્મદાની કૅનાલ દ્રારા બ્રાહ્મમણવાડા અને તેની આસપાસનાં 22 જેટલાં ગામોના 70 જેટલાં નાનાંમોટાં તળાવો ભરાય છે.
આ તળાવોના પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે કરતા હોય છે.
આ વિસ્તારની લગભગ 15,000ની વસતિ માટે ખેતીમાં સિંચાઈ માટે પાણી રહ્યું નથી.
દીનેશ ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "સરકારે વાયદો કર્યો હતો કે અમારા વિસ્તારને પાણી મળશે, માટે અમે શિયાળુ પાક વાવી દીધો હતો."
"જોકે, પછી પાણી ન મળતાં પાક સુકાઈ ગયો અને ઘણા ખેડૂતો દેવાદાર થઈ ગયા."

ગુજરાતના ખેડૂતો માટે ખરાબ વર્ષ

2018ના વર્ષની શરૂઆતથી જ ખેડૂતોની પરિસ્થિતિ સારી નથી.
ફેબ્રુઆરી 2018માં ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે નર્મદા નદીમાં પાણીની આવક ઓછી હોવાથી સિંચાઈ માટે પાણી ન હોવાથી ખેડૂતોને ઉનાળુ પાક ન લેવાની વાત કરી હતી.
નર્મદા કૅનાલનો સમાવેશ દેશના સૌથી મોટા કૅનાલ પ્રોજેક્ટમાં થાય છે, જે 7 લાખ 33 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પુરું પાડે છે અને જે 15 જિલ્લાઓમાં ફેલવો ધરાવે છે.
ગુજરાતમાં આ વર્ષે કુલ વરસાદનો માત્ર 73.87 ટકા વરસાદ જ થયો હોવાથી ખેડૂતોને તેનાથી કંઈ મદદ મળી ન હતી.

તમે આ વાંચ્યું કે નહીં?
ખેતીને મદદરૂપ થાય તેવો વરસાદ ગુજરાતમાં આ વર્ષે પડ્યો ન હતો.
આ વિશે વાત કરતા ખેડૂત નેતા સાગર રબારી કહે છે, "ગુજરાતમાં ખેડૂતો માટે આ સમય ખરાબ છે. પાણી ન હોવાને કારણે ખેડૂતોને મજૂરી કામે જવું પડે તેમ છે."
તેમણે વધુમાં જણાવ્યું, "સરકારે જ્યારે પાણી આપવાની બાહેંધરી આપી ત્યારે ઘણા ખેડૂતોએ શિયાળુ પાકની વાવણી કરી દીધી હતી પરંતુ ત્યારબાદ જ્યારે પાણી ન મળ્યું ત્યારે ખેડૂતોના ઊભા પાક સુકાઈ ગયા અને તેમને મોટું નુકસાન થયું."

153 જિલ્લાઓના ખેડૂતોને રાહત નહીં

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં ખેતીની સમસ્યાને લઈને ઉનાળુ પાક ન લઈ શકતા ખેડૂતો માટે સરકાર પાસે કોઈ ઉપાય નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજ્યના કૃષીમંત્રી આર. સી. ફળદુ કહે છે કે જે ખેડૂતો દુષ્કાળગ્રસત જાહેર કરાયેલા જિલ્લાઓમાં ન રહેતા હોય તેમને કોઈ રાહત મળશે નહીં.
તેમણે કહ્યું, "સરકારે ખેડૂતોને મદદ કરવા માટે તમામ પગલાં લીધાં છે પરંતુ કુદરતી રીતે જ્યારે પાણીની અછત છે તો સરકાર શું કરી શકે?"
ગુજરાતના કુલ 249 તાલુકામાંથી ગુજરાત સરકારે આ વર્ષે 96 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.
આ દુષ્કાળગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોને એક હેક્ટર દીઠ 6,300 રૂપિયા સહાય તરીકે આપવાની સરકારે જાહેરાત કરી છે.
જોકે, અકબર ખલીફા, દીનેશ ચૌધરી અને અમરત કોળી પટેલ જેવા ખેડૂતોને આ સહાય મળશે નહીં કારણ કે તેમનો વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર થયો નથી.
સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને તે 12 નવેમ્બરથી માંડી 28 ફેબ્રુઆરી સુધી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.
4 નવેમ્બરના રોજ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે શિયાળુ પાક માટે ખેડૂતોને પાણી આપવામાં આવશે.
દિનેશ ચૌધરી જેવા ખેડૂતોએ આ વાયદા પર વિશ્વાસ કરીને વાવેતર કર્યું હતું પરંતુ પછી જ્યારે પાણી ન મળ્યું તો તેમનો પાક સુકાઈ ગયો.
દીનેશ ચૌધરી કહે છે, "નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયા પછી અમને ક્યારેય પાણી મળ્યું જ નથી. અમારા જેવાં બીજાં અનેક ગામોની આવી જ પરિસ્થિતિ છે."

ટેકાના ભાવ પણ ખેડૂતોને બચાવી શક્યા નહીં

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે શિયાળુ પાકના ટેકાના ભાવ વધાર્યા છે. ભારત સરકાર પ્રમાણે ઘઉંના ટેકાના ભાવમાં 6.1 ટકા જ્યારે ચણાના ટેકાના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
જોકે, અનેક ખેડૂતોને તેનો કોઈ સીધો ફાયદો નથી થઈ રહ્યો.
જેમ કે અમરત કોળી પટેલે હાલમાં જ 1250 પ્રતિ ક્વિન્ટલના ભાવે ગઈ સાલથી સંગ્રહ કરેલા ઘઉં વેચ્યા છે.
જ્યારે સરકારી ભાવ પ્રમાણે ટેકાનો ભાવ 1840 પ્રતિ ક્વિન્ટલ છે.
અમરત કહે છે, "ટેકાના ભાવથી ઘઉં માત્ર સરકારે નીમેલી એજન્સીઓ લેતી હોય છે અને તેમાં પણ ખેડૂતોને પોતાના ઘઉં વેચવા ઘણો સમય રાહ જોવી પડે છે. જેથી ઘણા ખેડૂતો સીધા માર્કેટમાં ઘઉં વેચી દેતા હોય છે."
જોકે, કૃષીમંત્રી આર.સી.ફળદુ કહે છે કે સરકાર તમામ ખેડૂતોનું ઉત્પાદન ખરીદી શકે નહીં.
તેમના જણાવ્યા અનુસાર ખેડૂતો પાસેથી ખાનગી વેપારી નીચા ભાવે ખેતપેદાશો ના ખરીદે એ માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે અને આવી રીતે તે ખાનગી વેપારીઓનો ઇજારો તોડતી હોય છે.

શિયાળુ પાકના ઓછા વાવેતરની અસર શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કૉમોડીટી નિષ્ણાત બીરેન વકીલ કહે છે કે સામાન્ય વ્યક્તિએ આવતા વર્ષે ઘઉં પાછળ 20થી 25 ટકાનો વધારે ભાવ આપવા માટે તૈયાર રહેવું પડશે.
તેમણે કહ્યું કે શિયાળુ પાક નથી થયો તેની અસર આવતા એેપ્રિલ મહિનામાં જોવા મળશે. હાલમાં જથ્થાબંધ બજારમાં ઘઉંની કિંમત 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જેમાં 25 ટકાનો સીધો વધારો થઈ જશે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જૂનાગઢ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ઍસોસિએટ રીસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. આર. કે. મથુકિયા કહે છે કે છેલ્લા એેક દાયકામાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ગુજરાતમાં આટલું ઓછું શિયાળું પાકનું વાવતેર થયું હોય.
તેમણે કહ્યું, "ઓછા વરસાદે રાજ્યમાં ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે."

તમે આ વાંચ્યું કે નહીં?
"વધુ પાણી જોઈતું હોય તેવા પાક જેમ કે ઘઉં, ડુંગળી, લસણ વગેરે પાકનું વાવેતર ખૂબ ઘટ્યું છે. આ પાકને કુલ 10થી 12 પિયતની જરૂરિયાત હોય છે."
તેમણે ઉમેર્યું હતું કે ઓછા પાણીની ખેતીની હેક્ટર દીઠ પેદાશ પણ ઓછી થઈ જાય છે. દર વર્ષે એક હેક્ટરમાંથી 5,000 કિલો ઘઉંનું ઉત્પાદન થતું પરંતુ આ વર્ષે ઓછા પાણીને કારણે હેક્ટર દીઠ 3,000 કિલો જ ઘઉં મળવાની શક્યતા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ખેડૂત આગેવાન સાગર રબારીનું કહેવું છે કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાથી આવા વિસ્તારોમાં હાલની ભાજપ સરકારને મત મેળવવા માટે મુશ્કેલી પડશે.
તેમનું માનવું છે કે 2017ની ચૂંટણીમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન ગામડાંમાં સારું નહોતું રહ્યું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને પડતી હાલાકીની સીધી અસર ભાજપને મળનારા મત પર પડશે.
જોકે, રાજકીય નિષ્ણાંત ઘનશ્યામ શાહ માને છે કે ભાજપ માટે તો આના ખરાબ સંકેત છે જ પરંતુ તેનો અર્થ એ નથી કે કૉંગ્રેસને તેનો ફાયદો થશે.
તેઓ કહે છે, "જો આવનારી લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ જીતી જાય અને ખેડૂતોની પાણીની સમસ્યાનો ઉકેલ વહેલી તકે નહી લાવે તો કૉંગ્રેસ પાર્ટીને ખૂબ મોટું નુકસાન થશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












