બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ગુજરાતના ખેડૂતોને જાપાનની ટીમ કેમ મળવા આવી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, જય મિશ્રા
- પદ, બીબીસી ગુજરાતી
ધી જાપાન ઇન્ટરનેશલ કો-ઑપરેશન એજન્સી ('જિકા')નું એક પ્રતિનિધિ મંડળ બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ખેડૂતોની મુલાકાત માટે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યું છે.
'જિકા'એ જાપાન સરકારની એજન્સી છે, જે દુનિયાના વિવિધ દેશોમાં વિકાસ માટે આર્થિક સહાય કરવાનું કાર્ય કરે છે.
બુલેટ ટ્રેનના પ્રોજેકટનું ફન્ડિંગ 'જિકા' દ્વારા કરવામાં આવશે.
ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ જાપાનના પ્રતિનિધિઓને આ મુલાકાતમાં પોતાની સમસ્યાઓ જણાવશે.
જ્યારે આ પ્રતિનિધિ મંડળે બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ખેડૂતોની મુલાકાત લીધે છે, ત્યારે બીબીસી ગુજરાતીએ ખેડૂતોની સમસ્યા અને આ મુલાકાતનો પરીપ્રેક્ષ્ય સમજવાનો પ્રયાસ કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ મુલાકાતનો હેતુ શું?

ઇમેજ સ્રોત, T G PATEL
ખેડૂતો દ્વારા 18મી સપ્ટેમ્બરે 'જિકા'ને એક રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતમાં બુલેટ ટ્રેન માટે જે ખેડૂતોની જમીન સંપાદિત થનારી છે તેમાંના અમુક ખેડૂતોની સમસ્યા વર્ણવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત ખેડૂત સમાજ અને તેમના વતી ઍડવોકેટ આનંદ યાજ્ઞિકે 'જિકા'ને રજૂઆત કરી ખેડૂતોનો પક્ષ સાંભળવા અપીલ કરી હતી.
એડવોકેટ આનંદ યાજ્ઞિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રવાસનો ખર્ચ અને સમય બચે તેથી 'જિકા' દ્વારા રુબરૂ સુરત આવી ખેડૂતોને મળવાની સંમતિ દર્શાવાઈ હતી.
એક અખબારી યાદીમાં ખેડૂતો વતી આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે જમીન સંપાદનના મુદ્દે 'જિકા'એ ગાઇડલાન્સ બહાર પાડેલી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની પણ કેટલીક ગાઇડલાઇન છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાથી ખેડૂતો દ્વારા 'જિકા'ને રજૂઆત કરાઈ હતી.


શું છે સમગ્ર મામલો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે 398 કિલોમીટરનો વિસ્તાર જરૂરી છે.
આ પ્રોજેક્ટ માટે અગાઉ ભારત સરકાર અને જાપાન સરકારે વર્ષ 2009થી 2015 દરમિયાન સરવે કર્યો હતો.
વર્ષ 2015માં વડા પ્રધાન મોદીએ 1.10 લાખ કરોડ રૂપિયાનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો.
આ કરાર અંતર્ગત જાપાન સરકાર ટેકનૉલૉજી અને આર્થિક મદદ કરશે એવું નક્કી થયું હતું.
'જિકા'એ પોતાની ગાઇડલાઇનનું અનુસરણ થશે તેવી બાહેધરી લીધી હતી.
સપ્ટેમ્બરમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે આ પ્રોજેક્ટમાં 'જિકા'ની ગાઇડલાઇનનું અનુસરણ નથી થઈ રહ્યું.
આ રજૂઆતના પગલે 'જિકા'એ ખેડૂતોને મળવાની તૈયારી દર્શાવી હતી.
'જિકા'ના આસિસ્ટન્ટ પીઆર ઑફિસર વીની શર્માએ બીબીસીને ઇમેલ મારફતે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની જે ખેડૂતો પર અસર થવાની છે તેમની રજૂઆતો મળી હતી.
આ રજૂઆતના પગલે ખેડૂતોની જમીન સંપાદનને લગતી સમસ્યાઓ જાણવા માટે 'જિકા'ની ટીમ ગુજરાતની મુલાકાતે પહોંચી છે.


શું કહે છે ખેડૂતો?

ઇમેજ સ્રોત, T G PATEL
ગુજરાત ખેડૂત સમાજ જે સંસ્થાના માધ્યમથી ખેડૂતોના પ્રશ્ન ઉજાગર કરવામાં આવી રહ્યા છે તેના પ્રમુખ જયેશ પટેલના મતે આ સમગ્ર પ્રોજેક્ટમાં 'જિકા'ની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
આ પ્રોજેક્ટ માટે અગાઉ ખેડૂતો કોર્ટના દ્વાર ખખડાવી ચુક્યા છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં પર્યાવરણ, પુર્નવસન, માનવીય અધિકારો અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
તેમણે કહ્યું, "અમારા ધ્યાને એ વાત આવી કે જિકાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી જમીન સંપાદન થઈ રહ્યું છે."
"અમારી સમજ મુજબ જો જિકાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું હોય તો તે સંસ્થા નાણાકીય સહાયતા કરતી નથી."
"અમે આ પ્રતિનિધિમંડળને રજૂઆત કરીને અમારી ચિંતાના વિષયો જણાવીશું"
જયેશ પટેલના મતે આ પ્રોજેક્ટમાં જે નિયમોનું પાલન થઈ રહ્યું નથી તેના અંગે સરકારને રજૂઆત કરી હોવા છતાં તેનું નિરાકરણ આવ્યું નહોતું.
પટેલના જણાવ્યા મુજબ જાપાનના પ્રતિનિધિઓ આ મુલાકાતમાં કેટલાંક ગામડાંની મુલાકાત કરી ત્યાંના ખેડૂતોને રુબરૂમાં સાંભળશે.


શું કહે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારી?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ-મુબંઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઇસ્પીડ રેલ કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે.
આ કૉર્પોરેશન દ્વારા ખેડૂતોના વિરોધ અને 'જિકા'ની મુલાકાત વિશે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
કૉર્પોરેશન વતી માહિતી આપતા પબ્લિક રિલેશન ઑફિસર ધનંજયકુમારે જણાવ્યું હતું કે 'જિકા' અમારી સહયોગી સંસ્થા છે અને તેમણે અમને આ મુલાકાત માટે જાણ કરી હતી.
કુમારના જણાવ્યા મુજબ, નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશન ખેડૂતોની જમીન અનઅધિકૃત રીતે સંપાદિત કરી રહ્યું નથી.
તેમણે કહ્યું,"અમારી પાસે ખેડૂતોએ આ પ્રકારનો વિરોધ નોંધાવ્યો નથી"
"જે ખેડૂતને સમસ્યા હોય તે અમારી પાસે આવે અમે ત્રણ કલાકમાં રૂપિયા ચૂકવી અને જમીન સંપાદન કરી આપીશું."
"જ્યાં સુધી જમીનની કિંમતનો સવાલ છે ત્યાં સુધી આ કિંમત સરકારી પ્રક્રિયા મુજબ જ નક્કી થાય છે."
કુમારે ઉમેર્યું હતું કે લોકશાહીમાં સૌને પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર છે.
વિરોધ કરી રહેલા લોકો અને 'જિકા'ની મુલાકાતથી અમને કોઈ સમસ્યા નથી.
કુમારે કહ્યું કે જો આ પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું ખેડૂતોના ધ્યાનમાં આવે તો તેમણે નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશનનું ધ્યાન પણ દોરવું જોઈએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














