ખેડૂતો ડુંગળીને રસ્તા પર ફેકી દેવા માટે મજબૂર કેમ બન્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શ્રીકાંત બંગાલે અને પ્રવીણ ઠાકરે
- પદ, બીબીસી ગુજરાતી માટે
બજારમાં ભલે ડુંગળી પ્રતિ કિલોગ્રામ 20થી 30 રૂપિયાના ભાવે મળતી હોય, પરંતુ ડુંગળીની ખેતીમાં જોતરાયેલા ખેડૂતો તો પડતર કિંમત પણ કાઢી શકતા નથી.
તેમની હાલત એટલી હદે ખરાબ છે કે ડુંગળીના ભાવ ઘટ્યા બાદ બે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.
પોતાની સમસ્યા દેશના વડા પ્રધાન સુધી પહોંચાડવા માટે એક ખેડૂતે 750 કિલો ડુંગળી વેચી અને પૈસા નરેન્દ્ર મોદીને મોકલી દીધા.
આ જ રીતે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના સંગમનેર તાલુકાના એક ખેડૂતે પણ ડુંગળીના પૈસા રાજ્યના મુખ્ય મંત્રીને મોકલી દીધા.
સમાચાર તો ત્યાં સુધી આવ્યા કે ખેડૂતોને ડુંગળી પર 50 પૈસા પ્રતિ કિલોના દરે પણ કિંમત નથી મળી રહી અને ઘટી રહેલા ભાવને કારણે બેહાલ ખેડૂતો ડુંગળી રસ્તા ઉપર ફેંકી રહ્યા છે.
આ એ સમાચારો છે જે છેલ્લા કેટલાંક દિવસો દરમિયાન ડુંગળીની ખેતી કરી રહેલા ખેડૂતોની કફોડી પરિસ્થિતિ દર્શાવે છે.
આજે દેશઆખામાં ડુંગળીના રોકાણ અને તેના વેચાણથી થનારી કમાણીમાં કોઈ જ સંતુલન નથી.
જે ખેડૂતો અગાઉથી આ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા હતા, તેમની હાલત વધુ કફોડી બની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત સપ્તાહે, નાસિક જિલ્લાના એક ખેડૂત સંજય સાઠે એ આશાથી બજાર ગયા કે તેમને ડુંગળીના સારા ભાવ મળશે. પરંતુ થયું તેનાથી ઊલટું.
750 કિલો ડુંગળી વેચ્યા બાદ તેમને ફક્ત 1064 રૂપિયા મળ્યા. આમાં ટ્રેકટરનું ભાડું અને મજુરી બાદ કરો તો કમાણીમાં વધુ ઘટી આવે.
સાઠેએ મળેલી રકમનો મનીઑર્ડર વડા પ્રધાનના કાર્યાલય ખાતે મોકલી દીધો. આ કિસ્સાની તપાસ બાદ કાર્યાલયે એ પૈસા તેમને પરત મોકલી દીધા.
ખેડૂતોના વિરોધની આ રીત મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ પરંતુ એ પછી બે વધુ સમાચાર સામે આવ્યા.
6 અને 7 ડિસેમ્બરે નાસિક જિલ્લાના બગલાન તાલુકામાં ડુંગળીની ખેતી કરનારા બે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી.
આત્મહત્યા કરનાર ખેડૂતની ઓળખ ભાદાને ગામના તાત્યાભાઉ ખૈરનાર(44) અને સારદે ગામના યુવા ખેડૂત પ્રમોદ ઘોંગડે(33) તરીકે થઈ.
ખૈરનારે તો ત્યાં આત્મહત્યા કરી જ્યાં તેમણે ડુંગળીનું ગોદામ બનાવ્યું હતું.

'કહો, અમે અમારી ડુંગળી કેવી રીતે વેચીએ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રમોદ ઘોંગડેના ભાઈ ડુંગળીના રોકાણ વિષે જણાવે છે. તેમણે ત્રણ એકર જમીનમાં ડુંગળી વાવી હતી.
તેઓ કહે છે, "એક એકર જમીનમાં ડુંગળીની ખેતી પર 40 હજાર રૂપિયા ખર્ચ આવે છે."
ઘોંગડેએ ડુંગળીના ઉત્પાદન પર પ્રતિ એકર ખર્ચ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું :
- 250 રૂપિયા પ્રતિ દિનના હિસાબે ત્રણ ખેડૂતોના 18 દિવસની મજૂરી 13,500 રૂપિયા
- ડુંગળીનાં બીજ અને નર્સરી પર 9,000 રૂપિયા ખર્ચ
- જંતુનાશકો અને ખાતર પર 9,000 રૂપિયા અને છંટકાવનો ખર્ચ એક હજાર રૂપિયા
- એક એકરમાં ડુંગળીની ખેતી પર વીજળીનું બીલ 5,000 રૂપિયા
- બજારમાં ડુંગળીને લાવવા અને લઈ જવાનો ખર્ચ 2,400થી માંડીને 3,000 રૂપિયા
તેઓ કહે છે, "બધું મળીને એક એકરમાં ડુંગળીના ઉત્પાદનમાં લગભગ 40 હજાર રૂપિયાનો ખર્ચ બેસે છે.
"આમાં અમે એ ખેડૂત અને તેના પરિવારનો ખર્ચ નથી ઊમેરી રહ્યા જેનું આ ઉત્પાદન છે."
"એક એકરમાં લગભગ 60 ક્વિન્ટલ એટલેકે 6,000 કિલો ડુંગળીનું ઉત્પાદન થાય છે.
અત્યારે એક ક્વિન્ટલની કિંમત 150 રૂપિયા મળી રહી છે.
એટલે કે એક એકર જમીનની ઉપજ ઉપર અત્યારના બજાર ભાવ ઉપર 9,000 રૂપિયા મળશે.
તો શું ચાર મહિનાની મહેનત બાદ અંતે જે કમાણી થાય એ યોગ્ય કહેવાય?"

તમે આ વાંચ્યું કે નહીં?

ડુંગળીના ખેડૂતોની યોજના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્યરીતે દર વર્ષે સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ખેડૂતોને ડુંગળીની સારી કિંમત મળી જતી હોય છે.
આ દરમિયાન ડુંગળી સરેરાશ 1,500-2000 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ વેચાતી હોય છે.
ઉનાળા દરમિયાન માર્ચ અને એપ્રિલ માસમાં ડુંગળીની ખેતી કરવામાં આવતી હોય છે.
ખરીફ પાક એટલે કે લાલ ડુંગળી ડિસેમ્બરના મહિનામાં બજારમાં આવે છે.
તાત્યાભાઉ અને પ્રમોદે આને જ ધ્યાનમાં રાખીને પોતાની ડુંગળીની ખેતીની યોજના બનાવી હતી.
પ્રમોદના ભાઈ વિકાસ જણાવે છે, "અમે સારી જાતની ડુંગળીનો પાક લીધો હતો છતાં મારા ભાઈને આત્મહત્યા કરવી પડી. ડુંગળીના દરેક ખેડૂતને આ જ સ્થિતિનો સામનો કરવો પડે છે."

આવી પરીસ્થિતિ કેવી રીતે જન્મી?

ઇમેજ સ્રોત, Getty Images
ડુંગળીની ખેતી કરી રહેલા ખેડૂતોની મુશ્કેલ પરીસ્થિતિની સ્થિતિને લઈને નાફેડ(NAFED)ના નિદેશક અને લાસલગાંવ કૃષિ ઉત્પાદન સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ નાનાસાહેબ પાટીલ કંઈક આવી રીતે જણાવે છે :
સરકારી તંત્ર એ નથી સમજી શક્યું કે આ વખતે ડુંગળીનાં ઉત્પાદનમાં વધારો થયો છે.
ભારતમાં ડુંગળીનું કુલ ઉત્પાદન લગભગ 2 કરોડ 50 લાખ મૅટ્રિક ટન જેટલું છે.
દેશમાં દર વર્ષે ઓછામાં ઓછી દોઢ કરોડ મેટ્રિક ટન ડુંગળી વેચાય છે અને લગભગ 10થી 20 હજાર મૅટ્રિક ટન ડુંગળી સંઘરતા બગડી જાય છે અથવા તેનું વજન ઘટી જાય છે.
સરેરાશ 35 હજાર મૅટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવે છે.
એનએચઆરડીના આંકડાઓ મુજબ, 2018માં ડુંગળીનું અંદાજીત ઉત્પાદન 2 કરોડ 22 લાખ મૅટ્રિક ટન હતું, પરંતુ વાસ્તવમાં એ લગભગ 2 કરોડ 50 લાખ મૅટ્રિક ટન સુધી પહોંચી ગયું.
દર વર્ષે, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ખેડૂતોને ડુંગળીની સારી કિંમતો મળે છે.
2017માં સારા ચોમાસાને લીધે ડુંગળીની ઉનાળુ ખેતી પણ સારી થઈ.
સામાન્ય રીતે સરેરાશ પ્રતિ હેક્ટર ડુંગળીનું ઉત્પાદન 140થી 160 ક્વિન્ટલ થાય છે, પરંતુ ગત ઉનાળામાં ડુંગળીનું ઉત્પાદન પ્રતિ હેક્ટર 200 ક્વિન્ટલ સુધી પહોંચી ગયું હતું.


માગ ઓછી, પુરવઠો વધુ

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ અને એપ્રિલમાં, ડુંગળીની કિંમત ઓછી હતી, એટલે ખેડૂતોએ પોતાની ડુંગળીને ગોદામોમાં રાખી.
આશા હતી કે કિંમતો વધશે. તેમની પાસે ગોદામમાં હજુ પણ ડુંગળી પડી છે અને હવે એ બગડવા માંડી છે.
આ પહેલાં ભારતના આઠ રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન થતું હતું. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટક એ રાજ્યોમાં સામેલ હતાં.
એ દિવસોમાં ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 50 ટકાથી વધુ હતો.
આજે, 26 રાજ્ય ડુંગળીનું ઉત્પાદન કરે છે અને મહારાષ્ટ્રનો હિસ્સો હવે ઘટીને 30 ટકા થઈ ગયો છે.
આ સિઝનમાં, રાજસ્થાન, ગુજરાત અને બિહારથી આવેલી ડુંગળી ઉત્તર ભારતમાં વેચાતી હતી. પરંતુ તેની હેરફેર અને અન્ય ખર્ચાઓને કારણે મહારાષ્ટ્રની ડુંગળી ઉત્તર ભારતમાં નથી વેચી શકાતી.
સામાન્ય રીતે દક્ષિણની ડુંગળી સપ્ટેમ્બર-નવેમ્બર સુધી વેચી દેવામાં આવે છે પરંતુ આ વર્ષે એ હજુ સુધી બજારમાં ઉપલબ્ધ છે.
ભારતના ઉત્તર અને દક્ષિણ ભાગના બજારોમાં ડુંગળીની કોઈ માગ નથી. એનો મતલબ છે કે માગ ઓછી અને પુરવઠો વધુ છે.
સ્વાભાવિક રીતે આ બાબત ડુંગળીની કિંમતો ઘટવાનું કારણ બની ગઈ.
કિંમતોમાં ઘટાડો અટકાવવા માટે નાફેડે માર્ચ-એપ્રિલમાં લગભગ 25 હજાર મેટ્રિક ટન ડુંગળી ખરીદી.
પરંતુ, સરકાર આ ડુંગળીને સમયસર વેચવાનો નિર્ણય ના લઈ શકી, એટલે તેના ભાવ 1,000 -1,300 રૂપિયાથી ઘટીને ૩૦૦-400 રૂપિયા થઈ ગયા.
આ સિવાય, લગભગ 15 હજાર મૅટ્રિક ટન ડુંગળી ગોદામોમાં ખરાબ સ્થિતિમાં પડી છે.

નિકાસમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
પિંપલગાંવ કૃષિ ઉત્પાદન સમિતિના અધ્યક્ષ દિલીપરાવ બનકરના અનુસાર, "અમે 2016-17માં લગભગ 35 હજાર મૅટ્રિક ટન ડુંગળીની નિકાસ કરી."
"એનએચઆરડીએફના આંકડાઓ અનુસાર, 2017-18માં ફક્ત 21 હજાર મૅટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી."
"જો એવું જ આ નાણાંકીય વર્ષમાં પણ ચાલુ રહેશે, તો નિકાસ ફક્ત 20 હજાર મેટ્રિક ટન સુધી જ સીમિત રહેશે."
"એપીઈડીએની વેબસાઇટ પરના આંકડા કહે છે કે 2018માં એપ્રિલ અને સપ્ટેમ્બર દરમિયાન, 10 લાખ 34 હજાર મૅટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. ડુંગળીની વધતી ખેતીને ધ્યાનમાં રાખીએ નિકાસ ઓછી થઈ છે."
"તુલનાત્મક રૂપે પાકિસ્તાની ડુંગળીને સસ્તા ભાવે આયાત કરવામાં આવી હતી. સરકારને આ આયાત અટકાવવી જોઈતી હતી અને ખેડૂતોના હિતો જાળવવાં જોઈતાં હતાં."
"ડુંગળીની અનિશ્ચિત નિકાસનીતિ, નિકાસ પર કોઈ નિયંત્રણ નહીં અને ઓછામાં ઓછા નિકાસ મૂલ્યમાં અચાનક વૃદ્ધિ- એવા કારણો છે જે ગ્રાહક દેશોને આંતરરાષ્ટ્રીય બજારમાંથી ડુંગળી ખરીદવા માટે અન્ય દેશ તરફ લઈ જઈ શકે છે. આવું થવું ભારતીય ખેડૂતોને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે."
તેઓ કહે છે કે જ્યાં સુધી કોઈ દેશને ડુંગળીના પુરવઠાની ઓછામાં ઓછી એક વર્ષની ખાતરી ના આપવામાં આવે, ત્યાં સુધી ડુંગળીને આંતરરાષ્ટ્રીય બજારમાં નિશ્ચિત બજાર મળતું નથી.
જોકે, સરકારે આ વાતની સંપૂર્ણપણે ઉપેક્ષા કરી છે અને એનાથી ડુંગળીની આયાતને પ્રોત્સાહન મળ્યું છે.


'સરકારના ઉપાય નિષ્ફળ થયા છે'

ઇમેજ સ્રોત, Getty Images
નાફેડના ભૂતપૂર્વ નિયામક ચાંગદેવરાવ હોલકર અને ડુંગળી છૂટક વેપારી વેફ્કોના હાલના ડાયરેક્ટર કહે છે, "2016-17માં સરકારે ડુંગળીની નિકાસને 'પ્રચાર અનુદાન' આપ્યું હતું, એટલે ત્યારે ડુંગળીની વધુ નિકાસ થઈ હતી."
"અનુદાનને લીધે, આપણી ડુંગળીની કિંમત પાકિસ્તાન અને ચીનની તુલનામાં સસ્તી હતી, એટલે ગ્રાહકો ભારતીય ડુંગળી તરફ આકર્ષિત થઈ રહ્યા હતા. આઠ મહિના ગોદામમાં રાખેલી ડુંગળી પણ 30 રૂપિયા સરેરાશ કિંમતે વેચવામાં આવી હતી, પરંતુ હવે એની કિંમત 3 રૂપિયાથી પણ ઓછી છે. એટલે ખેડૂત આઘાતજનક સ્થિતિમાં છે."
"આ વર્ષે તમામ સરકારી ઉપાય નિષ્ફળ ગયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારોને આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ, પરંતુ એવું નથી થઈ રહ્યું. આનાથી વિપરીત, પંજાબ અને કાશ્મીરમાં તો પાકિસ્તાનથી સસ્તી ડુંગળી આયાત કરવામાં આવી છે."
'સરકાર ફક્ત ગ્રાહકોના હિતોનો ખ્યાલ રાખી રહી છે'
સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા દીપક પાગરે આરોપ લગાવ્યો, "આ સરકારે ફક્ત શહેરી વિસ્તારોના ગ્રાહકોનો ખ્યાલ રાખ્યો છે. ખેડૂતોને આત્મહત્યા કરવા માટે છોડી દેવામાં આવ્યા છે. જ્યારે પણ ડુંગળીની કિમતો વધે છે, સરકાર હસ્તક્ષેપ કરે છે અને કિમતો ઘટી જાય છે."
તેઓ કહે છે, "ફુગાવાની સ્થિતિ દરમિયાન બજાર દરને નિયંત્રિત કરવા માટે સરકારની પાસે એક આરક્ષિત ભંડોળ હોય છે, તો આ ભંડોળનો ખેડૂતોના લાભાર્થે ઉપયોગ કેમ નથી કરવામાં આવતો?"
"સરકારની પાસે કોઈ આંકડો નથી કે ડુંગળીનું ઉત્પાદન કેટલું થાય છે? કેટલી જમીન ઉપર ખેતી થાય છે? આથી ઉત્પાદનનું સાચુ અનુમાન લગાવી શકાતું નથી."
"આને ડિજિટલ તકનીકના સાચા ઉપયોગથી ઠીક કરી શકાય એમ છે. જેટલી જમીન ઉપર વાવણી કરવામાં આવી હતી એનાથી ડુંગળીનું ઉત્પાદન કેટલું થશે, તેનું અનુમાન લગાવી શકાય છે. સરકારને આ કરવું જોઈએ."
પાગરે વધુમાં જણાવે છે, "નિકાસના ખર્ચમાં ઘટાડો લાવવો જોઈએ અને નિકાસ સબસીડી અપાવી જોઈએ, જેથી બચેલી ડુંગળીનો સંતોષકારક કિંમત મળી શકે. ઓછામાં ઓછા ખેડૂત પોતાનો રોકાણ ખર્ચ તો કાઢી શકે."

ડુંગળીના મુદ્દાનું સમાધાન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
લાસલગામ કૃષિ ઉત્પાદન બજાર સમિતિના અધ્યક્ષ જયદત્ત હોલકર કહે છે, "હાલ ઉનાળામાં ઉગાડેલી ડુંગળી મોટા પ્રમાણમાં બગડી રહી છે કારણ કે તેનું વેચાણ નથી થઈ રહ્યું. આ ડુંગળીના ખરીદારો મળવા અને રોકાણ મુલ્ય વસૂલ કરવું મુશ્કેલ છે."
"જો કેન્દ્ર સરકાર વર્તમાનના 5 ટકાની જગ્યાએ 10થી 15 દિવસ નિકાસ સબસિડી આપે, ત્યારે જ નવા પાકની નિકાસ થઈ શકે છે અને અગાઉના ઉત્પાદનને ઘરેલું બજારમાં વેચી શકાય છે. આનાથી ખેડૂતોને થોડીક રાહત મળશે."
તેઓ એવું પણ કહે છે છે, "જો આમ નહીં થાય તો ઉનાળાની વધેલી 40 ટકા ડુંગળી સડી જશે. અમે આ બાબતે ઘણા પત્રો લખ્યા છે. લાસલ ગામથી એક પ્રતિનિધિ મંડળ 13 ડિસેમ્બરે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહનસિંહને પણ મળ્યું."
ધારાસભ્ય અનિલ કદમે બીબીસીને કહ્યું, "નાસિકના સાંસદ, બજાર સમિતિઓના અધ્યક્ષોએ સામૂહિક રૂપે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહનસિંહની 13 ડિસેમ્બરે મુલાકાત લીધી. તેમણે ડુંગળી ઉત્પાદકોની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા."
"મંત્રીએ વાયદો કર્યો કે જો રાજ્ય સરકાર ડુંગળી ઉત્પાદકોને સબસિડી આપવાનો પ્રસ્તાવ મોકલે છે, તો કેન્દ્ર સરકાર નિશ્ચિતપણે આ સંબંધમાં સકારાત્મક નિર્ણય લેશે."
"અમે 14મી ડિસેમ્બરે વડા પ્રધાન સાથે મુલાકાત કરી અને તેમને ખેડૂતોની તકલીફો જણાવી. તેમણે કૃષિ સચિવ સાથે આ મુદ્દે એક રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે."

રાજ્યના કૃષિ મંત્રી શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડુંગળીના મુદ્દે રાજ્યના કૃષિ મંત્રી સદાભાઉ ખોત કહે છે, "જ્યારે સ્થાનિક બજારમાં ડુંગળીની કિંમતો વધે છે, ત્યારે ડુંગળીનું નિકાસનું મૂલ્ય વધી જાય છે."
"જો ડુંગળીની કિંમત 100 રૂપિયા સુધી વધે છે તો પણ જે લોકો એને ખરીદીને ખાઈ શકે છે તેમણે ખાવી જોઈએ. ખેડૂતો ઉપર નિકાસ ખર્ચ ના નાખવો જોઈએ. ડુંગળીના ટેકાના ભાવ નક્કી કરવાનો સમય આવી ગયો છે."
તો આખરે તેઓ સરકારમાં રહીને આ બાબતે શું કરી રહ્યા છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "મેં કેન્દ્ર સરકારને ડુંગળી ઉપર નિકાસ ખર્ચને સ્થાયી ધોરણે રદ કરવા અને નિકાસ સબસિડી વધારવાની માંગણી કરી છે. મેં મુખ્ય મંત્રીને અનુરોધ કર્યો છે કે ડુંગળી ઉત્પાદક ખેડૂતોને સબસિડી આપે."
આ આરોપો કે સરકારના ઉપાયો નિષ્ફળ જઈ રહ્યા છે, ખોત કહે છે, "સરકારે આ સંબંધમાં ઘણા ઉપાય કર્યા છે જેને ગંભીરતાથી લાગુ કરવા જોઈએ."
ખોત કહે છે, "અમે બજાર સમિતિઓના એકાધિકારને તોડી રહ્યા છીએ. અમે મુક્ત બજાર યોજનાને લાગુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














