શા માટે ગુજરાતના 43% ખેડૂતો દેવાદાર બની ગયા?

ખેડૂત દેવું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જય મિશ્રા
    • પદ, બીબીસી ગુજરાતી

કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો છે.

આ અહેવાલ મુજબ ગુજરાત રાજયના ખેડૂત પરિવારો પૈકીના 43 ટકા ખેડૂતો દેવામાં છે.

અહેવાલ મુજબ, ગુજરાત રાજ્યમાં 58.72 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 66.9 ટકા ખેતી સાથે જોડાયેલા છે.

આમ, રાજ્યમાં 39.31 લાખ ગ્રામીણો ખેતી સાથે સંકળાયેલા છે.

આંકડાઓને ચકાસતા જાણવા મળે છે કે 39.31 લાખ ખેડૂતોમાંથી 16.74 લાખ દેવામાં છે.

ખેડૂતોએ લીધેલું દેવું બે પ્રકારનું છે. આ દેવામાં પાક લૉન અને ટર્મ લૉનનો સમાવેશ થાય છે.

ભારત સરકારના કૃષિ મંત્રાલયે જ્યારે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે અને ગુજરાતના ખેડૂતોની મોટી માત્રા દેવામાં હોવાનું જાણવા મળે છે.

ત્યારે ગુજરાતમાં અને દેશમાં ખેતી તેમજ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલ તજજ્ઞો આ અહેવાલને જુદી જુદી રીતે મૂલવે છે.

line

આ સ્થિતિનું કારણ શું ?

ખેડૂત દેવું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

આ અહેવાલ મુજબ ગુજરાતના ખેડૂતોએ 54,277 કરોડ રૂપિયાનું દેવું લીધેલું છે.

આ દેવામાંથી 20,412 કરોડ રૂપિયાનું દેવું ટર્મ લૉન તરીકે લીધેલું છે.

આ લૉન ટ્રેક્ટર સહિત ખેતીને લગતાં ઓજાર અને યંત્રો ખરીદવા માટે લધેલી છે. લૉનમાંથી 5.43 લાખ ખેડૂત પરિવારોએ ટર્મ લોન લીધી હતી.

ગુજરાતના ખેડૂતોની આ સ્થિતિ માટે નિષ્ણાતોના મતે ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.

ખેડૂતો દેવાદાર બન્યા તેના માટે દુષ્કાળની સ્થિતિ સાથે સરકારની નીતિઓ પણ જવાબદાર હોવાનું નિષ્ણાતો માને છે.

અમદાવાદના સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ ઑલ્ટરનેટિવ (સીએફડીએ)ના ડાયરેક્ટર પ્રો.ઇંદિરા હિરવેના મતે આ સ્થિતિને ગુજરાતના વિકાસ દરના પરિમાણમાં સમજવી જોઈએ.

તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં વર્ષ 2002થી વર્ષ 2011 સુધી 5થી 6 ટકાનો વિકાસ દર રહ્યો હતો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

તેમણે કહ્યું, "આ સમય દરમિયાન ગુજરાતે ખૂબ જ પ્રગતિ કરી જેમાં ખેતીની પ્રગતિનો પણ સમાવેશ થાય છે."

"આ સમય દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને ખેતીના ક્ષેત્રમાં સરકાર તેમજ ખેડૂતોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું."

"સારા વરસાદની સ્થિતિમાં પણ ખેતીનો મદાર ગ્રાઉન્ડ વૉટર પર હતો."

"હવે જ્યારે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખરું ચિત્ર સામે આવ્યું છે."

"સરકારનું વલણ એવું હતું કે યોગ્ય નીતિઓના કારણે ખેતીનો વિકાસ થયો છે, જ્યારે હકીકતે તેના મૂળમાં સારો વરસાદ અને ખેતીમાં રોકાણ જવાબદાર હતાં."

પ્રો. હિરવેએ જણાવ્યું હતું કે નર્મદા કેનાલનું કામ અધૂરું છે. ગુજરાતના ખેડૂતો પાણી માટે સિંચાઈ પર જ નિર્ભર છે. આ સ્થિતિમાં રાજ્યમાં સરકારે ખેતી માટે યોગ્ય નીતિ બનાવી ધ્યાન આપવું જોઈએ.

પ્રૉ.હિરવેના મતે ખેડૂતો દેવાદાર બન્યા તેનાં કારણોમાં દુષ્કાળની સ્થિતિ, પાકના ઓછા ભાવ અને નર્મદાની કેનાલનું અધૂરું કામ અને સરકારની અન્ય નીતિઓ જવાબદાર છે.

line

બૅન્કનું દેવું ચિંતાનો વિષય નથી

ખેડૂત દેવું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનજમૅન્ટ અમદાવાદના સેન્ટર ફૉર મેનેજમૅન્ટ ઍગ્રિકલ્ચરના પ્રાધ્યાપક ડૉ. અનિલ ગુપ્તાના મતે ખેડૂતોએ દેવું બૅન્કોમાંથી લીધું હોય ત્યાં સુધી ચિંતાનો વિષય નથી.

તેમના જણાવ્યા અનુસાર જેવી રીતે વેપાર-ધંધા માટે લૉન જરૂરી છે તેવી જ રીતે ખેડૂતો માટે લૉન પણ જરૂરી છે.

તેમણે કહ્યું, "ગુજરાતમાં ખેડૂતો જ્યાં સુધી બૅન્કિંગ વ્યવસ્થાઓમાંથી લૉન લઈ રહ્યા છે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી."

"43 ટકા ખેડૂતો દેવામાં છે, જેમણે બૅન્ક પાસેથી લૉન લીધી તે ચિંતાનો વિષય નથી પરંતુ ચિંતાનો વિષય એ છે કે બાકીના ખેડૂતો કઈ વ્યવસ્થામાંથી નાણાં મેળવે છે?"

"ગુજરાતમાં મારા મતે ટ્રેક્ટરની માગમાં વધારો થયો છે. રાજ્યમાં ટ્રેકટરની માગમાં 23-25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે."

"ટર્મ લૉનનો મોટો ભાગ ટ્રેક્ટરની ખરીદીમાં ઉપયોગમાં લેવાય છે."

લાઇન
લાઇન

પ્રો.ગુપ્તાના મતે ટ્રેક્ટરનો ઉપયોગ બિનખેતી પ્રવૃતિમાં અને ભારવાહક વાહન તરીકે પણ થાય છે. આ સંજોગોમાં પણ લૉનનો આંકડો વધી શકે છે.

ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2014-15ની સરખામણીમાં વર્ષ 2016-17માં ટર્મ લૉનની ટકાવારીમાં 40 ટકાનો વધારો નોંધાયો છે.

વર્ષ 2014-15માં આ ટર્મ લૉન 10,597 કરોડની હતી જે વધીને વર્ષ 2016-17માં 20,412 કરોડ રૂપિયા અપાઈ છે.

પ્રૉ.ગુપ્તાના જણાવ્યા અનુસાર દેવાની બાબતમાં દેશની જે સ્થિતિ છે એ જ સ્થિતિ ગુજરાતની છે તેમાં ખાસ કોઈ ફરક નથી.

line

લૉનથી મોટી સમસ્યા પાકનો ઓછો ભાવ

ખેડૂત દેવું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ખેડૂતોએ લીધેલી લૉન કરતાં પાકના મળતા ઓછા કે અપૂરતા ભાવને તજજ્ઞો સમસ્યા ગણાવે છે.

નિષ્ણાતોના મતે ખેડૂતને ઊભો પાક સમય પહેલાં ઓછા ભાવે વેચવો પડે તેના કારણે ખેડૂત વધારે દેવામાં ડૂબે છે.

દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અર્થશાસ્ત્રી વાય.કે. અલઘના મતે ખેડૂત જો લૉન લે તો તેનાથી ચિંતા કરવા જેવું કંઈ નથી.

તેમના જણાવ્યા અનુસાર જેવી રીતે મોટી કૉર્પોરેટ કંપનીઓ લૉન મેળવીને વેપાર કરે છે તેમ ખેતી માટે લૉન જરૂરી છે.

પ્રૉ.અલઘના મતે ગુજરાતમાં લૉન ઉપરાંતની સમસ્યાઓ છે.

તેમણે કહ્યું, "બૅન્કો પાસેથી લીધેલી લોનથી ચિંતિત થવાની જરૂર નથી પરંતુ ઓછા ભાવે ઊભો પાક વેચવો તે વધારે ચિંતાજનક છે."

"આ સિઝનમાં રવિ પાક નબળો છે અને આ વર્ષે ગુજરાતમાં વરસાદની અછત છે."

"ઘણાં વર્ષો એવાં આવે છે જ્યારે દિવાળી વહેલી આવે ત્યારે ખેડૂતોએ સસ્તા ભાવે વેપારીઓને પાક વેચવો પડે છે."

"આવા સંજોગોમાં ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ થાય છે."

ગુજરાતમાં ખેડૂતોએ લીધેલી લૉનમાં સૌથી વધારે દેવું પાક લૉનનું છે.

અહેવાલમાં પ્રકાશિત આંકડા મુજબ રાજ્યમાં જે 34.94 લાખ ખેડૂત પરિવારોએ લૉન લીધી હતી તેમાંથી 29.50 લાખ પરિવારોએ પાક લૉન લીધી હતી.

line

દેવામાં અન્ય રાજ્યો સામે ગુજરાતની સ્થિતિ

ખેડૂત દેવું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ખેડૂત પરિવારોના દેવાના આંકડામાં ગુજરાતની સરખામણીમાં અન્ય ઘણાં રાજ્યોનું દેવું વધારે છે જયારે ઘણાં રાજ્યોના ખેડૂત પરિવારોનું દેવું ઓછું પણ છે.

ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ પૉકેટબુકના અહેવાલ મુજબ દેશમાં સૌથી વધુ દેવામાં આંધ્ર પ્રદેશના ખેડૂતો છે.

આંધ્ર પ્રદેશના 92.9 ટકા ખેડૂત દેવામાં છે, જ્યારે તેલંગણાના 89.1 ટકા ખેડૂતો દેવામાં છે.

તમિલનાડુના 82.54 ટકા ખેડૂતો દેવામાં છે જ્યારે કેરળના 77.7 ટકા ખેડૂતો દેવામાં છે.

કર્ણાટકના 77.3 ટકા ખેડૂતો પણ દેવામાં છે.

આ આંકાડાઓ મુજબ, દેશમાં સૌથી ઓછા મેઘાલયમાં 2.4 ટકા ખેડૂતો દેવામાં છે. જયારે નાગાલૅન્ડમાં 2.5 ટકા ખેડૂતો દેવામાં છે.

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના 57.3 ટકા ખેડૂત પરિવારો દેવામાં છે જ્યારે રાજસ્થાનના 61.8 ટકા ખેડૂત પરિવારો દેવામાં છે.

line

ઓછી ટર્મ લૉન ચિંતાનો વિષય

ખેડૂત દેવું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ભારત સરકારના અહેવાલ મુજબ ગુજરાત રાજ્યના ખેડૂતોમાંથી માત્ર 5.43 લાખ ખેડૂત પરિવારોએ ટર્મ લૉન લીધી છે.

ટર્મ લૉનની ઓછી ટકાવારી નિષ્ણાતોના મતે ચિંતાનો વિષય છે.

અહેવાલ મુજબ, રાજ્યમાં 34.94 ખેડૂત પરિવારોમાંથી 29.50 લાખ ખેડૂત પરિવારોએ પાક ધિરાણ લીધુ હતું. જ્યારે અન્ય ખેડૂતોએ ટર્મ લૉન લીધી હતી.

આ સ્થિતિને પ્રૉ.અલઘ ચિંતાજનક ગણાવે છે.

તેમના જણાવ્યા અનુસાર ટર્મ લૉનનો ઉપયોગ ખેડૂતો પાયાની સુવિધા માટે કરતા હોય છે.

લાઇન
લાઇન

ખેતરમાં પાણી પહોંચાડવાથી લઈને અન્ય બાબતો માટે જે નાણાં જોઈએ તે ટર્મ લૉન પુરી પાડે છે.

તેમણે કહ્યું, "પાક ધિરાણની વધારે ટકાવારી ખેતી માટે સારી બાબત છે પરંતુ તેની સામે ટર્મ લૉનની ઓછી ટકાવારી ચિંતાજનક છે."

"જો ખેડૂતોને યોગ્ય સુવિધાઓ ન મળે તો તેની ખેતી પર અસર થાય છે."

"પાક લૉન સામે ટર્મ લૉનની ટકાવારી પણ વધારે હોવી જોઈએ."

જોકે, પ્રૉ.અલઘના મતે જો આ પ્રકારના સર્વે નવેમ્બર બાદ કરવામાં આવે તો ભરપાઈ થયેલી લૉનની ટકાવારીમાં ઘટાડો જોવા મળી શકે છે.

પ્રૉ.અલઘના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં પાછલી સિઝનના પૈસા મળતા હોવાથી ખેડૂતો ધિરાણ ચૂકવતા હોય છે.

line

શા માટે ખેડૂત દેવાદાર બને છે?

ખેડૂત દેવું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ખેડૂતો પાક ધિરાણ અથવા તો ટર્મ લૉન મેળવે છે અને તે ન ચૂકવી શકવાની સ્થિતિમાં દેવાદાર બને છે.

ખેડૂતો દેવાદાર બનવાનાં પણ અલગ-અલગ કારણો છે.

અહેવાલ મુજબ ગુજરાતમાં 33,864 કરોડની પાક લૉનમાથી 62 ટકા લૉન ભરપાઈ થઈ નથી.

ઍગ્રિકલ્ચર સાયન્ટિસ્ટ પદ્મશ્રી એમ. એચ. મહેતાના મતે ખાતરનો વધારે પડતો ઉપયોગ અને પાકના ઓછા ભાવના પગલે ખેડૂત દેવાદાર બની રહ્યા છે.

તેમણે કહ્યું, "દેશમાં એક સમય એવો પણ હતો જ્યારે 100 કિલો યૂરિયાનો ઉપયોગ કરીને જે ઉત્પાદન મેળવી શકાતું હતું તે 500 કિલો યૂરિયાના ઉપયોગથી પણ મળી રહ્યું નથી."

"કેમિકલના વધારે ઉપયોગથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે તેની સામે ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે."

"ખેડૂતોને ઑર્ગેનિક ખેતી તરફ વાળવા માટે ભરપૂર પ્રયાસોની આવશ્યકતા છે."

ડૉ.મહેતાના મતે ખેડૂતોની આવક બમણી કરવા માટે ઇકૉ-ફાર્મિંગ પ્રોજેક્ટ અનિવાર્ય છે જેમાં કેમિકલ મુકત ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહીત કરાશે.

લાઇન
લાઇન
line

ખેડૂતોની ઍવરેજ આવક પણ ઓછી

ખેડૂત દેવું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

અહેવાલમાં દેશના વિવિધ રાજ્યોના ખેડૂતોની માસિક આવક અને એવરેજ ખર્ચ પ્રકાશિત કરાયો છે.

આ અહેવાલ મુજબ વર્ષ 2012ની જુલાઈથી વર્ષ 2013ના જૂન સુધી ગુજરાતમાં ખેડૂતોનો એવરેજ માસિક ખર્ચ 2250 રૂપિયા સામે આવક 5773 રૂપિયા છે.

દેશમાં સૌથી વધુ આવક પંજાબના ખેડૂતો મેળવે છે.

પંજાબના ખેડૂતો માસિક 11,768ના એવરેજ ખર્ચ સામે માસિક 28,117 રૂપિયાની આવક મેળવે છે.

જ્યારે હરિયાણાના ખેડૂતો માસિક 6,228 રૂપિયાના ખર્ચ સામે 17,144 રૂપિયા આવક મેળવે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો