મહારાષ્ટ્ર: ખેડૂતોનું આંદોલન પરત ખેંચાયું, પરંતુ ખેડૂતો ગુસ્સે કેમ હતા?

ખેડૂતો

ઇમેજ સ્રોત, SHRIRANG SWARGE

    • લેેખક, અભિજીત કામ્બલે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મહારાષ્ટ્રમાં ખેડૂતોએ પોતાની માંગોને લઈને આંદોલન શરૂ કર્યું હતું. જેમાં હજારો ખેડૂતો જોડાયા હતા.

આ આંદોલનને હવે પરત ખેંચી લેવામાં આવ્યું છે.

પોતાની માંગો સરકાર સમક્ષ રાખવા માટે ખેડૂતોએ 6 માર્ચના રોજ નાસિકથી રેલી કાઢી હતી. આ હજારો ખેડૂતો પદયાત્રા કરતા મુંબઈ પહોંચ્યા હતા.

12 માર્ચના રોજ મુંબઈ પહોંચેલા ખેડૂતો જો સરકાર તેમની માંગો ના માને તો મહારાષ્ટ્રની વિધાનસભાનો ઘેરાવ પણ કરવાના હતા.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, તે પહેલાં જ સરકારને આંદોલનના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી હતી.

મહારાષ્ટ્ર સરકારના જળ સંશાધન પ્રધાન ગિરિશ મહાજને પણ ખેડૂતો સાથે મંત્રણા કરી હતી.

સરકાર સાથેની મંત્રણા બાદ ખેડૂત નેતા અશોક ઢવડેએ જાહેરાત કરી હતી કે આ આંદોલન પરત ખેંચવામાં આવે છે.

આંદોલન પરત ખેંચવા અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે સરકારે અમારી મોટાભાગની માંગો સ્વીકારી લીધી છે.

જોકે, ખેડૂતોમાં આટલો ગુસ્સો કેમ હતો તે અંગે બીબીસીએ પી. સાંઇનાથ સાથે વાત કરી હતી.

line

સરકાર ખેડૂતોને સાંભળે

ખેડૂતો

ઇમેજ સ્રોત, PRASHANT NANWARE

60થી 70 વર્ષની મહિલાઓ ભર ઉનાળે નાસિકથી મુંબઈ ચાલીને પહોંચી રહી છે. તેઓ અત્યંત ગરીબ છે છતાંય પાંચેક દિવસથી કામ પર નથી ગઈ.

જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે માત્ર વીસ હજાર ખેડૂતો તેમાં જોડાયા હતા, આજે આ સંખ્યા લગભગ 50 હજારને પાર કરી ગઈ છે.

તેઓ ગ્રામીણ વિસ્તારમાં પ્રવર્તમાન સમસ્યાઓને વાચા આપી રહ્યાં છે. આપણે તેમને સાંભળવા જોઈએ.

હું સરકારને સૂચન કરીશ કે સરકાર તેમને સાંભળવા જોઈએ.

line

ક્યાં જાય છે કૃષિ ધિરાણ?

ખેડૂતો

ઇમેજ સ્રોત, PRASHANT NANWARE

રાજ્ય સરકારની લોન માફીની યોજના એવી રીતે જ તૈયાર કરવામાં આવી હતી કે તે નિષ્ફળ થાય.

આ સ્કીમ લાગુ કરવામાં જ નહીં, પરંતુ તેની યોજનામાં જ ખામી છે.

બીજું કે, બૅન્કના કરજની વાત કરવામાં આવે છે, તેમાં શાહુકારો દ્વારા આપવામાં આવેલા કરજનો સમાવેશ થતો નથી.

ખેડૂતો મોટાભાગે શાહુકારો પાસેથી જ નાણા લેતા હોય છે.

ગ્રામીણ વિસ્તારમાં બૅન્કિંગ વ્યવસ્થા અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે.

નાણાપ્રધાન તરીકે પ્રણબ મુખર્જી હોય, પી. ચિદમ્બરમ હોય કે અરુણ જેટલી.

બધાય એવો દાવો કરે છે કે ખેતધિરાણમાં બે ગણો કે ત્રણ ગણો વધારો કર્યો છે.

તેમની વાત સાચી છે, પરંતુ આ ધિરાણ ખેડૂતોને નથી મળતું. આ ધિરાણ કૃષિક્ષેત્રે સંકળાયેલા આનુષંગિક ઉદ્યોગોને મળે છે.

line

ખેડૂતોને ધિરાણ મળવું મુશ્કેલ

ખેડૂતો

ઇમેજ સ્રોત, RAHUL RANSUBHE

ખેડૂતોને ધિરાણ આપવા માટે કાર્યરત નાબાર્ડ (નેશનલ બેન્ક ફૉર એગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ) દ્વારા વર્ષ 2017માં મહારાષ્ટ્ર જેટલું ધિરાણ આપવામાં આવ્યું, તેનું 53 ટકા ધિરાણ મુંબઈ તથા તેની આજુબાજુના વિસ્તારોમાં આપ્યું હતું.

આપણે જાણીએ છીએ કે આ વિસ્તારોમાં ખેડૂતો નથી વસતા પણ કૃષિલક્ષી ઉદ્યોગો કેન્દ્રિત છે.આમ ખેડૂતોને ધિરાણ નથી મળ્યું.

મોટા ઉદ્યોગપતિઓને જંગી ધિરાણ મળી જાય છે, પરંતુ નાના અને સીમાંત ખેડૂતોને રૂ. 50 હજારની લોન પણ સરળતાથી નથી મળતી.

2014 પછી ખેડૂતોની દૂર્દશા થઈ?

ખેડૂતો

ઇમેજ સ્રોત, RAHUL RANSUBHE

ખેડૂતોની આ દુર્દશા છેલ્લા વીસ વર્ષ દરમિયાન થઈ છે. આપણે ઉદારીકરણની નીતિ અપનાવી, ત્યારથી જ ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે.

2014 પછી ખેડૂતોની સ્થિતિ વકરી એમ નહીં કહું. 2004ની ચૂંટણીમાં તેની ભારે અસર થઈ હતી, હું એમ નથી કહી રહ્યો કે હવે પણ એવું જ થશે.

ભાજપને કૃષિક્ષેત્ર અંગે કોઈ જ્ઞાન નથી. આ અને અગાઉની સરકારો ઉદ્યોગપતિઓની માગો જ પૂર્ણ કરે છે.

2019ની ચૂંટણી પર અસર

ખેડૂતો

ઇમેજ સ્રોત, RAHUL RANSUBHE

ચૂંટણી એક જટિલ બાબત છે. મહારાષ્ટ્રમાં 20 વર્ષ દરમિયાન 65 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેના કારણે આક્રોશ વધ્યો છે, પરંતુ અહીં ખેડૂતો સંગઠિત નથી.

2004માં કૃષકોના આક્રોશને કારણે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુનો પરાજય થયો હતો. અનેક બાબતો ચૂંટણીને અસર કરતી હોય છે.

જેમજેમ ચૂંટણીઓ નજીક આવે તેમતેમ કોમવાદ સક્રિય થાય છે. સામાજિક-આર્થિક બાબતોનું સ્થાન સામાજિક-કોમી ધ્રુવીકરણ લઈ લે છે.

વિપક્ષ એક થાય છે કે નહીં, તેની ઉપર પણ ચૂંટણી પરિણામો પર અસર પડશે.

ટેકાના ભાવો વિશે

ખેડૂતો

ઇમેજ સ્રોત, SHRIRANG SWARGE

કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો નક્કી કરતી વખતે બિયારણના ભાવ, ખાતર તથા જંતુનાશક દવાઓના ભાવોને જ ધ્યાને લેવામાં આવે છે.

ખેડૂત પરિવારની મજૂરી તથા અન્ય પરિબળોને અવગણવામાં આવે છે.

આમ ટેકાના ભાવો ખરેખર તો છેતરપીંડી સમાન છે.

કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે તે વિશે કોઈ જ સ્પષ્ટ કરવામાં આવી નથી.

ખેડૂતોની આત્મહત્યા વિશે

કિસાનોની યાત્રા

ઇમેજ સ્રોત, RAHUL RANSUBHE/BBC

રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા આપવામાં આવતા ધિરાણનું માળખું તોડી નાખ્યું છે.

બેન્કો ખેડૂતોને ધિરાણ આપવાના બદલે મધ્યમવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગ તથા મોટા લોકોને ધિરાણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

છેલ્લા વીસ વર્ષ દરમિયાન કૃષિ આધારિત ઘરોની સંખ્યા બમણી થઈ છે, એટલે કૃષિ ધિરાણ વધવું જોઈતું હતું, પરંતુ એમ નથી થયું.

સરકાર સમાજના સંપન્ન વર્ગને ધિરાણ આપી રહી છે, વિશેષ કરીને કૉર્પોરેટ સેક્ટરને લોન આપે છે, ત્યાં આ સમસ્યાના મૂળિયાં રહેલા છે.

સમસ્યાનો ઉકેલ

ખેડૂતો

ઇમેજ સ્રોત, PRASHANT NANAWARE

આ સમસ્યાના ઉકેલ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ પંચની સ્થાપના કરવી જોઈએ.

કૃષિક્ષેત્રની સમસ્યા વિશે ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ.

નિષ્ણાતો નહીં, કૃષકોની વાતો પર ધ્યાન ધરવાની જરૂર છે.

દસ લાખ ખેડૂતો સંસદની કૂચ કરશે, ત્યારે જ આ શક્ય બનશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો