મહારાષ્ટ્રમાં કિસાનોની કૂચઃ ક્યાં છે દેશના કૃષિ પ્રધાન?

ઇમેજ સ્રોત, facebook/Radhamohansingh
દેશની મોટા ભાગની ન્યૂઝ ચેનલો ખેડૂતો કે તેમની સાથે જોડાયેલા કોઈ મુદ્દાને સતત કવર કરે અને તેનું પ્રસારણ પણ કરે એવું બહુ ઓછી વાર બનતું હોય છે.
આજકાલ મહારાષ્ટ્રના ખેડૂતો ચર્ચામાં છે. અંદાજે 30,000 ખેડૂતો નાસિકથી પગપાળા ચાલીને મુંબઈ પહોંચ્યા હતા.
સોમવારે સવારે પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓને તકલીફ ન થાય એટલા માટે આ ખેડૂતો રવિવારે રાતે જ મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયા હોવાનું કહેવાય છે.
તમને આ વાંચવું પણ ગમશે:
અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં આ ખેડૂતોની ખેતપેદાશોના વળતર અને લોન માફીની માગના મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરવાની યોજના છે.

મહારાષ્ટ્ર સરકાર સક્રીય

મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યના કૃષિ પ્રધાન આ સંબંધે સક્રીય થયા છે. રાજ્ય સરકારે છ સભ્યોની સમિતિ બનાવી છે, જે ખેડૂતોની માગણી બાબતે વિચારણા કરશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
છ સભ્યોની સમિતિમાં મહારાષ્ટ્રના મહેસુલ પ્રધાન ચંદ્રકાન્ત પાટિલ, કૃષિ પ્રધાન પાંડુરંગ ફંડકર, સિંચાઈ પ્રધાન ગિરીશ મહાજન, આદિવાસી વિકાસ પ્રધાન વિષ્ણુ સવારા, સહકાર પ્રધાન સુભાષ દેશમુખ અને જાહેર બાંધકામ પ્રધાન એકનાથ શિંદેનો સમાવેશ થાય છે.

દેશના કૃષિ પ્રધાને કંઈ કહ્યું?

ઇમેજ સ્રોત, Twitter
અલબત, આ દરમ્યાન એક સવાલ થાય છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની કૂચની આટલી ચર્ચા થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતે કોઈ નિવેદન આપ્યું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડાપ્રધાને નહીં તો દેશના કૃષિ પ્રધાન આ બાબતે કંઈ કહ્યું છે?
દેશના કૃષિ પ્રધાન રાધામોહન સિંહ અલગ-અલગ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત ન કરતા હોય એવું નથી.
તેઓ સોશિઅલ મીડિયા પર પણ સક્રીય છે અને અન્ય કાર્યક્રમોમાં ભાગ પણ લઈ રહ્યા છે, પણ મહારાષ્ટ્રના ખેડૂતો બાબતે તેમણે અત્યાર સુધી કંઈ કહ્યું નથી.
મહારાષ્ટ્રમાં ખેડૂતોએ છઠ્ઠી માર્ચથી કૂચ શરૂ કરી હતી અને આ બાબતે રાધામોહન સિંહે અત્યાર સુધી કંઈ કહ્યું નથી.
તેઓ બિહારના પટનામાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એ બાબતે તેમણે ટ્વીટ કરી હતી.
રાધામોહન સિંહે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે 2014થી 2017 દરમ્યાન દેશમાં દૂધનું ઉત્પાદન 20 ટકા વધ્યું છે.
આ નિવેદન વિશેના સમાચારો બાબતે પણ તેમણે ટ્વીટ્સ કરી હતી.

ખેડૂતોની આવક બમણી કરવાનું વચન

ઇમેજ સ્રોત, Twitter
મહારાષ્ટ્રમાં ખેડૂતો તેમની ઘટતી આવક વધારવાના પગલાં લેવાની અને લોન માફ કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે દેશના કૃષિ પ્રધાને 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું છે.
ખેડૂતોની આવક બમણી કઈ રીતે કરવામાં આવશે એ તેમની સોશિઅલ મીડિયા પરની પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે.
- ખેત પેદાશોની ભાવ તથા માગની આગાહી માટે સંસ્થાગત વ્યવસ્થાની રચનાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
- ક્યો પાક, કેટલા પ્રમાણમાં ઉગાડવાનું વધારે લાભપ્રદ સાબિત થશે તેનો નિર્ણય ખેડૂતો ઉપરોક્ત વ્યવસ્થા મારફત લઈ શકશે.
- બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો સાથે મળીને નીતિ પંચ નવી વ્યવસ્થાની રચના કરશે, જેથી તમામ ખેડૂતોને એમએસપી મળી શકે.
- 2,000 કરોડ રૂપિયાના એગ્રી માર્કેટ ડેવલપમેન્ટ ફંડની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે, જે એગ્રીકલ્ચર માર્કેટમાં રિટેલ માર્કેટનું મહત્વ દર્શાવે છે.
- આ માર્કેટોને ગ્રામીણ રિટેલ એગ્રીકલ્ચર માર્કેટ નામ આપવામાં આવ્યું છે.
- તેની મારફતે 22,000 ગ્રામીણ હાટ અને 585 કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓની આધારભૂત વ્યવસ્થા વિકસાવી શકાશે.

બિહારમાં શું કર્યું?

ઇમેજ સ્રોત, Twitter
11 માર્ચે સમગ્ર બિહારમાં યોજવામાં આવેલા કાર્યક્રમો અને તેમાં આપવામાં આવેલાં નિવેદનોની માહિતી તેમણે આપી હતી.
તેમણે જણાવ્યું હતું, "# બિહારના ગયા, પૂર્વ ચમ્પારણ, પશ્ચિમ ચમ્પારણ અને મુઝફ્ફરપુર વગેરે જેવા મોટા જિલ્લાઓમાં વધારાનું એક-એક #KrishiVigyanKendra સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. @BJP4Bihar"
"#મોતિહારી જિલ્લામાં સમેકિત કૃષિ પ્રણાલી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. તેની મદદ વડે જલવાયુ પરિવર્તનના સંદર્ભમાં રાજ્યના ખેડૂતોને વધારે લાભ થશે. #DoublingFarmersIncome #IntegratedFarmingSystem"
"#બિહારમાં કેન્દ્ર સરકારે રાજેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલયને કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપીને રાજ્યમાં કૃષિ શિક્ષણ, સંશોધન અને પ્રસાર કાર્યક્રમોને ગતિ આપવાનું કામ કર્યું છે. @icarindia"
"આજે પટના ના ગાંધી મેદાનમાં આંતરરાષ્ટ્રીય એગ્રી ટેક બિહાર 2018 યોજવામાં આવ્યું છે. તેમાં કૃષિ, બાગાયત, ડેરી, મત્સ્ય, પશુપાલન અને ખાદ્ય ટેક્નોલોજી વિશેનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવ્યું છે. તેના સમાપન સમારંભમાં ખેડૂત ભાઈ-બહેનોને સંબોધિત કર્યાં."

મહારાષ્ટ્ર વિશે કંઈ નહીં

ઇમેજ સ્રોત, Twitter
10 માર્ચે દેશના કૃષિ પ્રધાન હરિયાણામાં હતા ત્યાંથી તેમણે નીચે મુજબની ટ્વીટ કરી હતી.
"ICAR-CSSRI, કરનાલની પચાસમી વર્ષગાંઠના પ્રસંગે યોજાયેલા કિસાન મેળામાં લોકોને સંબોધન કર્યું."
નવમી માર્ચે તેઓ "#ICAR-CSSRI, કરનાલમાં આયોજિત સોળમા દીક્ષાંત સમારંભમાં ઉત્તીર્ણ થયેલા સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ આપતા" જોવા મળ્યા હતા.
એ દિવસે તેમણે ત્રિપુરાના નવા મુખ્ય પ્રધાન તથા ઉપ મુખ્ય પ્રધાનને અભિનંદન આપ્યાં હતાં.
સાતમી અને આઠમી માર્ચે તેમણે અનેક ટ્વીટ કરી હતી, અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, પણ મહારાષ્ટ્રમાં ખેડૂતોની કૂચ વિશે કોઈ નિવેદન આપ્યું ન હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












