નેપાળ: 49 લોકોનો ભોગ લેનાર પ્લેન કેવી રીતે ક્રેશ થયું?

ઇમેજ સ્રોત, Getty Images
નેપાળની રાજધાની કાઠમંડુમાં બાંગ્લાદેશની એક ખાનગી એરલાઇન્સનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
યુએસ-બાંગ્લા એરલાઇન્સના પ્લેન ક્રેશમાં 49 લોકોનાં મૃત્યુ થયાં છે, 23 લોકો ઘાયલ થયાં છે.
નેપાળ પોલીસના પ્રવક્તા મનોજ નેપાનના જણાવ્યા પ્રમાણે 23 લોકોને ઇજાગ્રસ્ત થયાં છે.
પ્લેનમાં 71 મુસાફરો અને ક્રુ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યાં હતાં જે નેપાળની રાજધાની કાઠમંડુમાં ક્રેશ થયું છે.
બીબીસી સંવાદદાતા રજની વૈદ્યનાથનના જણાવ્યા પ્રમાણે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલી આ દુર્ઘટનામાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.
તેમના જણાવ્યા પ્રમાણે હજી સુધી મોતનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.

કેવી રીતે બની દુર્ઘટના?

ઇમેજ સ્રોત, Getty Images
FlightRadar24 નામની વેબસાઇટ પરની માહિતી મુજબ પ્લેન સ્થાનિક સમય પ્રમાણે 14:20 વાગ્યે લૅન્ડ થયું હતું.
નેપાળની સિવિલ એવિયેશન ઑથૉરિટિનાએ કાઠમંડુ પોસ્ટને જણાવ્યું હતું, "કોટેશ્વર પર ઉડી રહેલા પ્લેનને એરપોર્ટના દક્ષિણ તરફના રનવે પરથી લૅન્ડિંગ કરવાનું હતું. જોકે, પાઇલટે ઉત્તર તરફના રનવેથી પ્લેનનું લૅન્ડિંગ કરાવ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ રીતે શા માટે લૅન્ડિગ કરવામાં આવ્યું તે અંગેનું કારણ હજી અમને જાણવા મળ્યું નથી."
તમને આ વાંચવું પણ ગમશે:
આ દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફર બંસત બોહરાએ કાઠમંડુ પોસ્ટને પોતાની આપવીતી જણાવી હતી.
તેમના કહેવા પ્રમાણે, "ઢાકાથી પ્લેને નોર્મલ રીતે ટેક ઑફ કર્યું હતું. કાઠમંડુ પહોંચતા જ પ્લેને લૅન્ડિંગની શરૂઆત કરી હતી. પ્લેન લૅન્ડ થવાનું જ હતું અને અચાનક મોટો ધડાકો થયો. પછી વિમાન ડાબી બાજુ વળી ગયું. ત્યારબાદ પ્લેનમાં આગ લાગી ગઈ."
"હું બારી પાસે બેઠો હતો અને બારી તોડીને બહાર નીકળ્યો. ત્યારબાદ શું થયું તેની મને ખબર નથી. મને કોઈ પછી હોસ્પિટલ લઈ આવ્યું.

પ્લેન ક્યાંથી આવી રહ્યું હતું?

ઇમેજ સ્રોત, SAROJ BASNET
યુએસ-બાંગ્લા એરલાઇન્સનું આ પ્લેન બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આવી રહ્યું હતું. કાઠમંડુના એરપોર્ટ પર જ્યારે તે લૅન્ડિંગ કરવા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
રજનીના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના બાદ તુરંત જ પ્લેનમાં આગ લાગી હતી. જેના કારણે નીકળતા ધુમાડા કિલોમીટરો દૂરથી જોઈ શકાય છે.
હાલ ફાયરફાઇટર્સ આ આગ ઓલવવાના કામમાં લાગી ગયા છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાંથી કેટલાક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાંત ઘણા લોકોને જીવતાં પણ બહાર કાઢવામાં આવ્યા છે.

નેપાળમાં પ્લેન ક્રેશનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, SAROJ BASNET
ફેબ્રુઆરી 2016: નેપાળના પર્વતોમાં એક નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
માર્ચ 2015: કાઠમંડુમાં જ એરપોર્ટ પર એક પ્લેન ધુમ્મસને કારણે રનવે પરથી નીચે ઊતરી ગયું હતું પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ ન હતી.
ફેબ્રુઆરી 2014: પશ્વિમ નેપાળમાં એક નાનું પ્લેન ક્રેશ થતાં તેમાં બેઠેલાં તમામ 18 મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં.
સપ્ટેમ્બર 2012: કાઠમંડુથી થોડે દૂરના વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થવાથી 19 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
મે 2012: ભારતીય શ્રદ્ધાળુઓને લઈને જતું પ્લેન ઉત્તર નેપાળમાં ક્રેશ થતાં પંદર લોકોનાં મૃત્યું થયાં હતાં.
સપ્ટેમ્બર 2010: એક સાઇટસિઇંગ ફ્લાઇટ કાઠમંડુના બહારના વિસ્તારમાં ક્રેશ થઈ હતી.
સપ્ટેમ્બર 2006: પૂર્વ નેપાળમાં એક હેલિકૉપ્ટર ક્રેશ થતાં તેમાં બેઠેલાં તમામ 24 લોકોનાં મૃત્યું થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












