ગુજરાતનું એવું ગામ જ્યાં લગ્નનું મુહૂર્ત નથી જોવાતું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રવિ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
લગ્ન એટલે બૅન્ડવાજાં, મ્યુઝિક, ડાન્સ, ડીજે અને નાચ-ગાન અને ઘણું બધું.
વર્તમાન સમયમાં લગ્નના ખર્ચા અને તામઝામની ચર્ચા ઘણી વાર થતી રહે છે. હવે તો ગુજરાતનાં કેટલાંક ગામોમાં પણ વરરાજા હેલિકૉપ્ટરમાં જાન લઈને પહોંચે છે. જાનમાં મોંઘી મોંઘી ગાડીઓ પણ વપરાય છે.
પરંતુ ગુજરાતમાં મલાજા નામનું ગામ આવેલું છે જ્યાં લગ્ન સમયે આ બધામાંથી કંઈ જોવા નથી મળતું.
અહીં લગ્નમાં આવી વ્યવસ્થા કરવા પર વર્ષોથી પ્રતિંબંધ છે. આ બધું એક પરંપરાના ભાગરૂપે થાય છે જ્યાં લગ્નમાં લોકો આવું કંઈપણ કરતા નથી.
વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં આવેલા મલાજા ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે.
અંદાજે 3500 લોકોની વસતિ ધરાવતું આ ગામ આ અનોખી પરંપરા સાચવીને બેઠું છે.

શું છે પરંપરા?

ઇમેજ સ્રોત, Getty Images
ગામમાં રહેતા જાનીભાઈ રાઠવા આ અનોખી પરંપરા સમજાવતા બીબીસી ગુજરાતીને જણાવે છે,
"મલાજા ગામમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેને ગામના પૂર્વજોએ બનાવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમારા પૂર્વજોએ નક્કીએ કર્યું હતું કે ગામમાં લગ્ન સમયે ના કોઈ ગરબા રમશે, ના કોઈ ઢોલ વગાડશે."
"એટલું જ નહીં ગામમાં શરણાઈ કે લગ્નગીત ગાવાની પણ મનાઈ છે."
લગ્નગીતો ના ગાવા પાછળનું કારણ સમજાવતા રાઠવા જણાવે છે કે તેમનાં લગ્નગીતોમાં કોઈની મજાક ઉડાવતી કે ટીખળ કરતી વાતો સામેલ હોય છે.
તેઓ કહે છે, "કેટલીય વખત લગ્નમાં કોઈને માઠું લાગી જવાની ઘટના બનતી હોય છે એટલે મલાજા ગામમાં લગ્નપ્રસંગે ગીત ગાવાનું ચલણ નથી.''

શા માટે પાળે છે આ પરંપરા?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ સવાલોના જવાબ આપતા મલાજા ગામના સરપંચ જયંતીભાઈ રાઠવા જણાવે છે, "ગામની મોટભાગની વસતિ ખેતીકામ કરે છે એટલા માટે તેમની આર્થિક પરિસ્થિત ખૂબ સામાન્ય છે."
"ગામના લોકો લગ્નમાં ડીજે, સંગીત કે અન્ય દેખાદેખી પાછળ કરાતા ખર્ચાઓને વ્યર્થ માને છે."
જયંતીભાઈની વાતમાં ઉમેરો કરતા જાનીભાઈ કહે છે, "આ પ્રથા પાળવા પાછળનો હેતુ ગરીબ લોકોને આવા ખર્ચ કરતા બચાવવાનો છે."
"સામાન્ય રીતે લગ્ન થતું હોય તો દોઢથી બે લાખનો ખર્ચ થાય. ગામના કોઈ પરિવાર માટે આ ખર્ચ વધુ પડતો છે."
તેમના મતે આ પરંપરાનો હેતુ ગરીબ લોકોને લગ્નપ્રસંગે ખોટા ખર્ચા કરાવતા અટકાવવાનો છે.

લગ્ન માટ નથી જોવાતું મુહૂર્ત
જાનીભાઈ કહે છે કે મલાજા ગામમાં લગ્નનો કાર્યક્રમ ચારથી પાંચ દિવસ સુધી ચાલે છે.
પરંતુ આટલા દિવસોમાં કોઈપણ જાતનાં લગ્નગીતો કે નાચ-ગાનનું આયોજન કરવામાં આવતું નથી.
તેમણે એવું પણ કહ્યું કે આદિવાસી સમાજમાં લગ્ન માટે કોઈ પણ જાતનું મુહૂર્ત જોવામાં આવતું નથી.
આ અંગે ગામના સરપંચ જયંતીભાઈ જણાવે છે, "ગામમાં માતાપિતાની મરજીથી સંતાનોનાં લગ્ન નક્કી થતાં હોય છે."
"સામાન્ય રીતે હોળી બાદ ખેતીનું કામ પૂરું થયા બાદ ગામમાં લગ્નોનું આયોજન કરાતું હોય છે."

વર્ષોની પરંપરાનું આધુનિક સમયમાં મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં દેશ ડિજિટલ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ ગયાં છે.
ડિજિટલ ક્ષેત્રમાં થયેલી આ પ્રગતિને કારણે શહેરો અને ગામડાં પરોક્ષ રીતે એકબીજાથી જોડાઈ ગયાં છે.
આ બધાની વચ્ચે મલાજા ગામની યુવા પેઢી નવું-નવું જાણી રહી છે અને શીખી રહી છે ત્યારે તેમને પણ વૈભવી લગ્ન કરવાના વિચારો આવવા સ્વાભાવિક છે.
જોકે, આ અંગે વાત કરતા જાનીભાઈ રાઠવા કહે છે, "ગામના યુવાનો પણ પૂર્વજોએ આપેલી અને વર્ષોથી ચાલી આવતી પરંપરાનું માન રાખે છે.'
"યુવાનો ક્યારેય આ પરંપરાને તોડીને લગ્ન કરવા અંગે કોઈ દબાણ કે વિવાદ કરતા નથી."
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ડાંગ, નર્મદા, ભરૂચ સિવાય ઘણા પ્રાંતોમાં આદિવાસી વસતિ રહે છે, જે વર્ષોથી અનોખી પરંપરા સાચવતી આવી છે.
(આ અહેવાલ સૌપ્રથમ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













