ઇલોન મસ્ક ટ્વીટ સંબંધિત વિવાદને પગલે ટેસ્લા કંપનીના અધ્યક્ષપદેથી રાજીનામું આપશે

ટેસ્લા કંપનીના ખાનગીકરણ મામલેના ટ્વીટને પગલે થયેલા વિવાદમાં અમેરિકાની કંપની નિયામક સંસ્થાઓએ ઇલોન મસ્ક સામે પગલાં લીધા છે.

નિયામક સંસ્થાઓ સાથે મસ્કની પરસ્પર સમજૂતી થતાં ટેસ્લાના અધ્યક્ષપદેથી તેઓ રાજીનામું આપશે અને દંડ પણ ચૂકવશે.

અમેરિકાના સિક્યૉરિટી ઍન્ડ ઍક્સ્ચેન્જ કમિશન (એસઈસી) દ્વારા મસ્ક સામે સિક્યૉરિટી (ફંડ) મામલાની છેતરપિંડી મુદ્દે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જોકે, નિયામક સંસ્થા અને મસ્ક વચ્ચે સમાધાન સંબંધિત ડીલ થઈ. આ ડીલ મુજબ મસ્ક ટેસ્લાના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટીવ ઑફિસર) તરીકે યથાવત રહેશે પરંતુ અધ્યક્ષપદેથી ત્રણ વર્ષ માટે રાજીનામું આપશે.

ઉપરાંત ટેસ્લા કંપની અને મસ્કે 20 મિલિયન ડૉલર્સ (લગભગ 145 કરોડ રૂપિયા)નો દંડ ચૂકવવો પડશે.

શું હતો ટ્વીટ વિવાદ?

એસઈસી અનુસાર ઑગસ્ટ મહિનામાં મસ્કે રોકાણકારોને કથિતરૂપે ફંડની દૃષ્ટિએ ગેરમાર્ગે દોરતું ટ્વીટ કર્યું હતું.

તેમાં તેમણે એવું લખ્યું હતું કે, ટેસ્લાનું તેઓ ખાનગીકરણ કરવા માંગે છે. તેને તેઓ સ્ટોક ઍક્સ્ચેન્જમાંથી બહાર લઈ લેવાની વિચારણા કરી રહ્યા છે.

તેમણે એવું પણ લખ્યું હતું કે, તેમની પાસે આ પ્રસ્તાવ માટે સુરક્ષિત ફંડ પણ છે અને આ ફંડ અનુસાર ટેસ્લાના પ્રતિ શેરની કિંમત 420 ડૉલર્સ થઈ જશે.

મસ્કની આવી જાહેરાત બાદ કંપનીના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ પાછળથી ભાવ તૂટી ગયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

સિક્યૉરિટી ઍન્ડ ઍક્સ્ચેન્જ કમિશન (એસઈસી)નું કહેવું છે કે, મસ્કે ટ્વીટમાં કરેલા દાવા ખોટા અને ગેરમાર્ગે દોરનારા હતા.

એમેરિકાની નિયામક સંસ્થા એસઈસીએ નિવેદનમાં કહ્યું, "સત્ય અને વાસ્તવિકતા એ છે કે મસ્કે ઉપરોક્ત પ્રસ્તાવિત વિચારણા અંગે ચર્ચા પણ નહોતી કરી. તેમની પાસે પુષ્ટિ પણ નહોતી. તેમાં ડીલની શરતો, શેરના ભાવ તથા શક્ય ફંડના સ્રોતની પણ પૂરતી જાણકારી નહોતી."

મસ્કે શરૂઆતમાં આરોપોને એવું કહીને નકાર્યા હતા કે તેમની પરના આક્ષેપ ગેરવાજબી છે. તેમણે બચાવમાં કહ્યું હતું કે, તેઓ રોકાણકારો તથા પારદર્શિતા અને સત્યના હિતમાં જ કામ કરી રહ્યા હતા.

એસઈસી સાથે શું સમજૂતી થઈ?

નિયામક સંસ્થા સાથેની સમજૂતી અનુસાર મસ્કને દંડ ભરવો પડશે. વળી હવેથી કંપની વિશેની બાબત ટ્વીટ કરતા પહેલા કંપનીની કમ્યૂનિકેશન સિસ્ટમનું પાલન કરવું પડશે.

ટેસ્લાના અધ્યક્ષપદેથી રાજીનામું આપવા માટે તેમને 45 દિવસની મુદત આપવામાં આવી છે.

એસઈસી શરૂઆતમાં કાર્યવાહી રૂપે એવા પગલાં ઇચ્છતી હતી કે મસ્કને કોઈ પણ પબ્લિક ટ્રૅડિંગ કંપનીના બોર્ડમાં કામ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે.

પરંતુ સમજૂતી અનુસાર તેઓ ટેસ્લાના સીઈઓ તરીકે કામ કરી શકશે. ટેસ્લાના નવા સ્વતંત્ર અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.

કોણ છે ઇલોન મસ્ક?

ઇલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. પેપલ નામની ઓનલાઇન પેમેન્ટ કંપની દ્વારા તમણે કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

ત્યાર પછી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા અને રોકેટ કંપની સ્પેસએક્સ શરૂ કરી.

ફૉર્બ્સ અનુસાર તેઓ વિશ્વના 25મા સૌથી ધનિક વ્યક્તિ છે.

એક અંદાજ મુજબ તેમની કુલ સંપત્તિ 19.7 બિલિયન ડૉલર્સ છે. પરંતુ છેલ્લા કેટલાસ સમયથી તેઓ વિવાદમાં સપડાયા છે.

થાઇલૅન્ડમાં ગુફામાં બાળકોને બચાવવા માટેની બચાવ કામગીરીમાં સામેલ બ્રિટિશ ડાઇવર સામે આક્ષેપ કરવા બદલ તેમની સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો.

વળી મહિનાની શરૂઆતમાં તેઓ એક પોડકાસ્ટમાં મારિજૂઆનાનું સેવન કરતા જોવા મળ્યા હતા.

કેલિફોર્નિયામાં આ ડ્રગ કાનૂની છે પરંતુ આ ઘટનાને કારણે ટેસ્લાના શેરના ભાવોમાં નવ ટકાનો કડાકો બોલી ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો