શું છે 'વ્યૂ ઍઝ' જેના કારણે ફેસબુકનાં પાંચ કરોડ એકાઉન્ટ્સને અસર પહોંચી?

વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે સ્વીકાર્યું છે કે સૂરક્ષામાં થયેલી ચૂકને કારણે તેમનાં 5 કરોડ યુઝર્સના એકાઉન્ટ પર હૅકિંગનું જોખમ તોળાયું છે.

ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું કે સુરક્ષા ખામીને કારણ સાઇબર ઍટેકર્સ તેમના 'વ્યૂ ઍઝ' ફીચર મારફતે 5 કરોડ ખાતાંઓને પ્રભાવિત કર્યા છે.

ફેસબુકે એવું પણ જણાવ્યું કે મંગળવારના રોજ આ બાબતની જાણ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવી છે.

શું છે 'વ્યુ ઝ'?

ફેસબુકનું આ ફીચર એક પ્રાઇવેસી ફીચર છે જેની મદદથી યુઝર એ જોઈ શકે છે કે તેમની પ્રોફાઇલ અન્ય લોકોને કેવી લાગે છે.

મતલબ કે આ ફીચરની મદદથી તમે એ જોઈ શકો છો કે તમારી પ્રોફાઇલ અન્ય કોઈ યુઝર્સ સમક્ષ કેવી રીતે રજૂ થાય છે.

આ સંદર્ભે ફેસબુકમાં સુરક્ષા વિભાગના પ્રમુખ ગાય રૉઝેન જણાવ્યું, "ઍટેકર્સને આ ફીચરમાં ઘણી ખામીઓ મળી આવી હતી જેની મદદથી તેઓ ફેસબુક ઍક્સેસ ટોકન ચોરવા સક્ષમ બન્યા હતા.''

''આ ટોકનની મદદથી યુઝરનું એકાઉન્ટ હૅક પણ કરી શકાય છે."

તેમણે આગળ ઉમેર્યું,"ઍક્સેસ ટોકન એ 'ડિજીટલ કી'' સમાન છે, જેની મદદથી તમારે ફેસબુક ખોલવા માટે વારંવાર લૉગ-ઇન કરવાની જરૂર રહેતી નથી."

રૉઝૅને એવું પણ કહ્યું કે તેમણે પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે. સાથે તેમનો પ્રથમ પ્રયાસ એ જાણવાનો રહેશે કે કોઈ એકાઉન્ટનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ?

તેમણે ઉમેર્યું, "અમારે એ પણ જાણવું છે કે આ સાઇબર હુમલા પાછળ કોનો હાથ છે અને કઈ જગ્યાએથી આ હુમલો કરવામાં આવ્યો છે."

તમે આ વાંચ્યું કે નહીં?

આ ઘટનાથી ફેસબુકને શું અસર થશે?

આ બનાવ એ સમયે બન્યો છે જ્યારે ફેસબુક અમેરિકા અને અન્ય રાષ્ટ્રો સમક્ષ પોતાની સુરક્ષા અને લોકોના ડેટાને લઈને પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરવાના પ્રયાસો કરી રહી છે.

શુક્રવારના રોજ એક પત્રકાર પરિષદ યોજી કંપનીના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે તેમની કંપની સુરક્ષાને લઈને ખૂબ જ ગંભીર છે.

માર્કેટ રિસર્ચ કંપની 'ફૉરેસ્ટર'ના વાઇસ પ્રૅસિડેન્ટ અને ઍનાલિસ્ટ જૅફ પૉલાર્ડનું માનવું છે કે ફેસબુક પાસે મોટી માત્રામાં ડેટા હોવાને કારણે તેમણે આ પ્રકારના હુમલાથી સાવધ રહેવું જોઈએ.

તેઓ કહે છે, "જ્યાં સૌથી વધુ ડેટાનો સંગ્રહ કરાયો હોય ત્યાં ઍટેકર્સ ત્રાટકતા હોય છે. એ જોતા ફેસબુક સૌથી પહેલો ટાર્ગેટ હોઈ શકે છે."

બીબીસીએ ફેસબુકનો સંપર્ક કર્યો હતો પરંતુ સુરક્ષામાં રહી ગયેલી ખામી અંગે કોઈ ઉત્તર આપી શકવા સમર્થ નહોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો