ફેશન મૅગેઝિનના કવર પેજ પર કોણ છે આ સાઉદીની રાજકુમારી

પ્રખ્યાત મૅગેઝિન 'વૉગ 'ના કવર પેજ પર સાઉદી અરેબિયાની રાજકુમારી હૈફા બિન્ત અબ્દુલ્લા અલ સઉદની તસવીર પ્રકાશિત થઈ છે.

યુએઈમાં પ્રકાશિત થતી અમેરિકાના મૅગેઝિનની અરેબિયાની આવૃત્તિના કવર પેજ પર પ્રથમ વખત કોઈ રાજકુમારીની તસવીર છપાઈ છે.

આવું ભાગ્યે જ થતું હોય છે કે સાઉદીના શાહી પરિવારની રાજકુમારીઓ અથવા મહિલાઓ આ રીતે ચર્ચામાં આવી હોય.

સાઉદીનો શાહી પરિવાર ખુદને મીડિયા અને ચમક-દમકથી દૂર રાખે છે.

મૅગેઝિનના કવર પર છપાયેલી તસવીરમાં રાજકુમારી હૈફા સફેદ ગાઉનમાં, હાઇ-હિલનાં સેન્ડલ્સ સાથે એક કન્વર્ટેબલ કારમાં બેઠેલી જોવા મળે છે. વળી તેમનો ચહેરો પણ બુરખામાં નહીં પણ ખુલ્લો છે.

બદલાવને સમર્થન

મૅગેઝિનની આ આવૃત્તિ સાઉદીની મહિલાઓને સમર્પિત કરવામાં આવી છે. તેમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિભિન્ન સુધારાને બિરદાવવામાં આવ્યા છે.

રાજકુમારી હૈફા શાહ અબ્દુલ્લાના પુત્રી છે. તેઓ સાઉદીના ભૂતપૂર્વ રાજા છે જેમણે મહિલાઓને કાર ડ્રાઇવ કરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

મૅગેઝિનને આપેલા ઇન્ટર્વ્યૂમાં રાજકુમારીએ કહ્યું, "અમારા દેશમાં કેટલાંક લોકો રૂઢિવાદી છે અને તેઓ બદલાવથી ડરે છે. ઘણાના માટે એ જ બધું છે જેટલું તેઓ જાણે છે."

તેમણે કહ્યું,"વ્યક્તિગત રીતે હું આ બદલાવનું મજબૂતીથી સમર્થન કરું છું."

મૅગેઝિનના પ્રમુખ સંપાદકે જણાવ્યું કે રાજકુમારી એક કલાકાર છે અને તેમનાં ત્રણ બાળકો છે.

હૈફા કિંગ અબ્દુલ્લાના ત્રીસ સંતાનોમાંના એક છે. કિંગ અબ્દુલ્લાનું વર્ષ 2015માં નિધન થઈ ગયું હતું.

કહેવાય છે કે તેમને ઓછામાં 15 પુત્ર અને 20 પુત્રીઓ હતી. રાજકુમારી હૈફાએ ઍકેડમી ઑફ સેન ફ્રાન્સિસ્કો આર્ટ સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.

લેખની આલોચના

જોકે, કેટલાક માવનાધિકાર કાર્યકર્તાઓએ મૅગેઝિનમાં પ્રકાશિત થયેલા લેખની ટીકા કરી છે.

આ કાર્યકર્તાઓ તાજેતરમાં જ આ મહિનામાં ધરપકડ કરવામાં આવેલા 11 કાર્યકર્તાઓની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા.

તેમનું કહેવું છે કે ધરપકડ કરવામાં આવેલા લોકોમાં કેટલીક એવી મહિલાઓ પણ હતી જે મહિલાઓને કાર ચલાવવાનો અધિકાર આપવાની હિમાયત કરતી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ કાર્યકર્તાઓનું કહેવું છે કે આ લેખમાં રાજકુમારીનો સાઉદી અરબમાં આવેલા બદલાવનું પ્રતિક તરીકે ઉલ્લેખ કરાયો છે.

જ્યારે મહિલાઓના અધિકાર માટે કામ કરતા સૌથી પ્રમુખ લોકોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

તેમનું કહેવું છે કે આમાં એવી મહિલાઓ પણ સામેલ છે જેમણે સાઉદી પ્રશાસનને મહિલાઓને ડ્રાઇવિંગનો અધિકાર મળ્યા બાદ પણ જેલમાં રાખવામાં આવેલ છે.

આ પછી સોશિયલ મીડિયા પર કાર્યકર્તાઓએ ફોટો એડિટીંગ સોફ્ટવૅરનો ઉપયોગ કરીને મૅગેઝિનની તસવીરમાં રાજકુમારીની જગ્યાએ એ મહિલા કાર્યકર્તાઓના ચહેરા લગાવી દીધા જેઓ જેલમાં બંધ છે.

બીજી તરફ સાઉદી અરેબિયામાં બદલાવ દર્શાવવા માટે રાજકુમારીની તસવીરના ઉપયોગ કરવાની બાબતનો મૅગેઝિને બચાવ કર્યો છે.

મૅગેઝિનનું કહેવું છે કે રાજકુમારી હૈફા દ્વારા તેમનો સંદેશ વધુ વ્યાપક સ્તરે પહોંચાડવામાં મદદ મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો