યુએસની સેનેટમાં બજેટ પાસ ન થતાં સરકારી તંત્ર ઠપ થશે

યુએસની સેનેટ (સંસદ) સરકારને ચલાવવા માટેનાં નવાં બજેટને પસાર કરવા માટેની સહમતી સાધવામાં નિષ્ફળ નીવડી છે.

આથી ઓછી જરૂરી સરકારી સેવાઓ બંધ (શટડાઉન) કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

સરકારને 16 ફેબ્રુઆરી સુધી ચાલે તેટલું બજેટ ફાળવવા માટેના પ્રસ્તાવને, છેલ્લી ઘડીની સુધીની દ્વિપક્ષીય મીટિંગ્સ થયાં છતાં, એ મંજૂર થવા માટે જરૂરી 60 મત ન મળી શક્યા.

તમને આ પણ વાંચવું ગમશે

વાઇટ હાઉસ અને કોંગ્રેસમાં રિપબ્લિકન પક્ષનું પ્રભુત્વ હોવા છતાં પણ ઊભી થયેલી શટડાઉનની સ્થિતિ યુએસમાં સૌપ્રથમ વખત જોવા મળી છે.

ટ્રમ્પ સરકારે વિપક્ષ પર ગેરવ્યાજબી માગણીઓ પર જડ અને જક્કી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે.

શટડાઉન એટલે શું?

યુએસની સરકારને તેની રોજિંદી કામગીરી કરવા માટેનું ભંડોળ નિયમિત રીતે સેનેટ પાસેથી પ્રસ્તાવ પસાર કરીને મેળવવાનું હોય છે.

જો પરિસ્થિતિને કારણે એ પ્રસ્તાવ પસાર ન થાય તો સરકારે તેની ચોક્કસ ઓફિસોને ચોક્કસ સમય માટે (જ્યાં સુધી ફંડ ન મળે ત્યાં સુધી) બંધ કરી દેવી પડે છે.

ઉપરાંત પ્રમાણમાં આવશ્યક સેવાઓમં પણ સંખ્યાબળ ઘટાડી દેવામાં આવે છે.

શટડાઉન થયેલી ઓફિસોમાં કામ કરતાં સરકારી કર્મચારીઓને ઘરે રહેવું પડે છે.

યુએસના રક્ષા મંત્રી જિમ મેટ્ટિસે જણાવ્યું હતું કે, તેમના વિભાગમાં કામ કરતાં 50 ટકા કર્મચારીઓ કામે નહીં જાય.

તેને કારણે મેન્ટનન્સ, તાલીમ અને ગુપ્તચર વિભાગની કામગીરી અટકી પડશે.

શટડાઉનમાં શું થાય?

યુએસના કાયદા પ્રમાણે, સ્થાનિક સરકારી સંસ્થાઓને ચલાવવા માટે જો કોંગ્રેસ તરફથી નાણા ફાળવવામાં ન આવે ત્યારે એ સંસ્થાઓ બંધ કરી દેવાની હોય છે.

તેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને સ્મારકોને પણ બંધ કરી દેવામાં આવે છે.

જો કે, મહત્ત્વની સરકારી સેવાઓ જેવી કે રાષ્ટ્રીય સુરક્ષા, પોસ્ટલ સેવાઓ, એર ટ્રાફિક કંટ્રોલ, હોસ્પિટલમાં દાખલ થઈ ચૂકેલા દર્દીઓની સારવાર, ઇમરજન્સીમાં આવેલા દર્દીઓની તાત્કાલિક સારવાર ચાલુ રાખવામાં આવે છે.

ઉપરાંત હોનારતની સ્થિતિમાં સહાય, જેલ, ટેક્સેશન અને વીજળીનું ઉત્પાદન વગેરે ચાલુ રહે છે.

શટડાઉનને કારણે વિઝા અને પાસપોર્ટની અરજીઓની કામગીરી અટકી પડે છે.

શટડાઉન થવા પાછળનું કારણ શું?

સેનેટમાં આમ થવા પાછળનું કારણ, યુએસમાં જુદાજુદા દેશોમાંથી આવેલાં સાત લાખ કરતાં પણ વધુ વણનોંધાયેલા પરદેશી વસાહતીઓને દેશ બહાર ન મોકલવાની ડેમોક્રેટિક પક્ષની માંગણી હોવાનું મનાય છે.

આ વસાહતીઓને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના અનુસાર હંગામી ધોરણે કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

ડેમોક્રેટ્સ આ યોજનાને કાયમીરૂપે ચાલુ રાખવાની માંગણી કરી રહ્યા છે.

2103ના શટડાઉનમાં શું થયું હતું?

છેલ્લે વર્ષ 2013માં થયેલું શટડાઉન 16 દિવસ સુધી ચાલ્યું હતું. ત્યારે ઘણા સરકારી કર્મચારીઓએ ફરજિયાત રજા લેવી પડી હતી.

ચોક્કસ પ્રકારની મહત્ત્વની સરકારી સેવાઓને બાદ કરતાં ઘણી બધી સરકારી કામગીરી કરતી ઓફિસોને બંધ કરી દેવાય છે.

રાષ્ટ્રીય ઉદ્યાનો અને સ્મારકો પણ બંધ રહ્યા હતા.

વર્ષ 2013માં થયેલાં છેલ્લાં શટડાઉન દરમિયાન જનાક્રોશ વધી ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો