ઝિમ્બાબ્વે : મુગાબેએ મહાભિયોગ પહેલા રાજીનામું આપ્યું

વર્ષ 1980માં ઝિમ્બાબ્વે સ્વતંત્ર થયું ત્યારથી ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રહેલા રોબર્ટ મુગાબેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સંસદના સ્પીકર જેકોબ મુદેન્દાએ આ જાહેરાત કરી હતી. મુગાબેએ પત્ર લખ્યો છે. જે જેકોબે સંસદમાં વાંચ્યો હતો.

જેમાં તેમણે કહ્યું છે કે સત્તાનું સરળતાથી હસ્તાંતરણ થાય તે માટે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું પણ કહ્યું.

રાજીનામાને પગલે સંસદમાં મુગાબે સામે હાથ ધરવામાં આવેલી મહાભિયોગની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.

સાંસદોએ ગૃહમાં અને નાગરિકોએ રસ્તા ઉપર ઉતરીને મુગાબેની જાહેરાતને હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી.

શાસક પક્ષ ઝાનુ-પીએફે એમર્સન નાનગાગ્વાને હવે રાષ્ટ્રપતિ બનાવવાની જાહેરાત કરી છે.

આ પહેલા મુગાબે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિપદેથી રાજીનામું ન આપે તો તેમની સામે મહાભિયોગની કાર્યવાહીને ટેકો આપવાની યોજના શાસક ઝાનુ-પીએફ પક્ષે બનાવી હતી.

રોબર્ટ મુગાબેએ રવિવારે રાતે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ત્યારે મુગાબેએ જણાવ્યું હતું કે, તેઓ રાજીનામું આપવાના નથી.

એટલું જ નહીં, ડિસેમ્બરમાં યોજાનારા શાસક પક્ષના અધિવેશનમાં તેઓ પ્રમુખપદ પણ સંભાળશે, તેવી જાહેરાત પણ કરી હતી.

હવે શું?

મંગળવારે સંસદનું સત્ર યોજાયું, ત્યારે મુગાબે સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ( રાષ્ટ્રપતિને સંસદ મારફત પદ પરથી હટાવવાની પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. )

પરંતુ તેમણે રાજીનામું આપી દેતા આ કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.

લગભગ બે અઠવાડિયા પહેલા એમર્સન નાનગાગ્વા પાસેથી ઉપ-રાષ્ટ્રપતિપદ આંચકી લેવાયું હતું, તેને પગલે સૈન્ય શેરીઓમાં ઉતરી આવ્યું હતું.

તેમણે મુગાબેને પરિવાર સાથે નજરકેદ કર્યા હતા.

નાનગાગ્વા ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ તત્કાળ બની શકે તેમ નથી, કારણ કે બંધારણ અનુસાર, ઉપ-રાષ્ટ્રપતિ હોય એ જ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે છે.

મુગાબેને ફરજિયાત દેશવટો?

રોબર્ટ મુગાબેના રાષ્ટ્રપતિપદેથી રાજીનામા પછી તેઓ ઝિમ્બાબ્વેમાં રહી શકે એવો સોદો પાર પાડવાના પ્રયાસ સૈન્ય કરી રહ્યું હોવાના પ્રારંભિક અહેવાલ હતા.

જોકે, વર્તમાન મડાગાંઠને ધ્યાનમાં લેતાં એ શક્યતા ઓછી જણાય છે.

મુગાબે અને તેમનાં પત્નીને એવો ભય હોઈ શકે કે ભવિષ્યની સરકાર તેમની સામે કાર્યવાહી હાથ ધરી શકે છે.

તેથી મુગાબેને ફરજિયાત દેશવટો આપવામાં આવે એવી શક્યતા છે.

મુગાબે પાડોશી દેશ દક્ષિણ આફ્રિકામાં આશરો લે તેવી શક્યતા છે. દક્ષિણ આફ્રિકામાં તેમની માલિકીની ઘણી પ્રોપર્ટી પણ છે.

બીજો સંભવિત વિકલ્પ સિંગાપુર અને મલેશિયા છે. એ દેશોમાં પણ તેમની માલિકીની ઘણી પ્રોપર્ટી છે.

રાષ્ટ્રીય સરકારની સ્થાપના અને ચૂંટણી

દક્ષિણ આફ્રિકામાં કેન્સરની સારવાર લઈને વિરોધ પક્ષ એમડીસી-ટીના નેતા મોર્ગન સ્વાગિંરાઈ ઝિમ્બાબ્વે પાછા ફર્યા છે.

તેથી રાષ્ટ્રીય સરકારની રચનાની વાટાઘાટોની અટકળોને વેગ મળ્યો છે.

રાષ્ટ્રીય સરકારનો વિચાર વિરોધપક્ષ સહિતના ઘણાને પસંદ પડી શકે છે.

વધુ એક મુગાબે?

સૈન્ય સત્તા સંભાળે એ સત્તા પરિવર્તન નથી. એ શાસક ઝાનુ-પીએફનો આંતરિક વિવાદ છે અને ઝાનુ-પીએફ હજુ પણ સત્તા પર છે.

સૈન્ય મહદઅંશે ઝાનુ-પીએફની સશસ્ત્ર પાંખ જેવું છે. એમર્સન નાનગાગ્વાએ કેટલીક વિવાદાસ્પદ નીતિઓના અમલમાં મુગાબેને મદદ કરી હતી.

સૈન્ય પોતાના નેતા તરીકે નાનગાગ્વાને ટેકો આપે છે. કેટલાક લોકો કહે છે કે નાનગાગ્વા વધારે નિષ્ઠુર છે.

રોબર્ટ મુગાબેને રાષ્ટ્રપતિપદેના દૂર થવા છતાંય ઝિમ્બાબ્વેના સામાન્ય નાગરિકોની પરિસ્થિતિ સુધરશે કે કેમ એ હજુ સુધી સ્પષ્ટ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો